“This is what we don't teach at I.I.M.” (આ જ અમે આઈ.આઈ.એમ.માં શીખવતા નથી)- આ ઉદ્ગારો છે આઇ.આઇ.એમ, ઇન્દોરના ડાયરેક્ટર શ્રી રવિચન્દ્રનના!
આઇ.આઇ.એમ.- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- જેનું નામ પડતાં મેનેજમેન્ટ ક્ષેત્રના માંધાતાઓ અને મોટા બિઝનેસમેનના શરીરમાંથી લખલખું પસાર થઈ જાય! વ્યવહારકુશળતાના નિષ્ણાતો પકવતી ભારતની સર્વોચ્ચ યુનિવર્સિટી. એવા કયા મોટા ઉદ્યોગપતિ હશે જેણે અહીંની ડીગ્રી લેવાની આકાંક્ષા નહિ સેવી હોય? એ સંસ્થાના અધિષ્ઠાતાને પોતાના ઉચ્ચતમ અભ્યાસક્રમમાં એવું કંઈક શીખવવું અધૂરું રહી જતું લાગ્યું, જ્યારે એમણે એવું કંઈક બનતાં જોયું. શું હતું એ?
તા.૭-૭-૨૦૦૯. બોચાસણમાં ગુરુપૂર્ણિમાના અવસરે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ લેવા હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી પડી હતી. આ અવસરે ધન્ય થવા માટે એક મહાનુભાવ ખાસ આવ્યા હતા- આઇ.આઇ.એમ, ઇન્દોરના ડાયરેક્ટર શ્રી રવિચન્દ્રન. ઇન્દોરથી ઉજાગરો વેઠીને કારમાં આખી રાતની મુસાફરી કરીને તેઓ સવારે અહીં આવી પહોંચ્યા. દક્ષિણ ભારતીય પરિવેશમાં સજ્જ થઇને એમણે સભામાં પ્રમુખસ્વામીના ગુણગાન ગાયાં. સભા બાદ તેઓ નીકળવાની તૈયારી કરતા હતા એવામાં એક સંત એમને મળવા આવ્યા. એ સંત દ્વારા પ્રમુખસ્વામીએ સંદેશ મોકલ્યો હતો કે,‘ સાહેબને કહેજો કે ઉજાગરો કરીને આવ્યા છો તો અહીં આરામ કર્યા પછી નીકળજો. તમારા માટે રૂમ તૈયાર રાખી છે. ડ્રાઈવરને પણ આરામની વ્યવસ્થા કરી દીધી છે.‘ આ સાંભળતાં રવિચંદ્રન સાહેબ ભાવવિભોર બની બોલવા લાગ્યા,‘ આ જ અમે આઈ.આઈ.એમ.માં શીખવતા નથી- તે એ કે માણસોની કાળજી લેવી. બુદ્ધિમતાની કાળજી લેવા કરતાં આ વધુ અગત્યનું છે. આટલા ઉચ્ચ પદે બિરાજમાન પ્રમુખસ્વામી અમારા જેવાની કેટલી ઝીણી દરકાર રાખે છે! હું કલ્પના કરી શકતો નથી.‘
આઈ.આઈ.એમ. સુદ્ધાં અનેક વખત મ્હાત ખાઈ જાય એવા પ્રસંગોથી પ્રમુખસ્વામીનું જીવન ભરપૂર રહ્યું કારણ કે એમણે કોઈપણ ભોગે બધાને રાજી જ કરી લેવાનું ઠાની લીધું હતું. તા.૫-૨-૮૩ની સવારે ચરોતરના નાના એવા સુંદલપુરા ગામે પ્રમુખસ્વામીને બહુ ભારે હાર્ટ એટેક આવ્યો. એમને તાત્કાલિક કોઈ મોટા શહેરમાં સારવાર આપવી જરૂરી હતી, પરંતુ છેક સાંજે એમને વડોદરા લઈ જવાની સગવડ થઈ શકી. રસ્તામાં આણંદનું પાટિયું આવતાં પ્રમુખસ્વામીએ એકાએક ગાડી રોકાવી. સહપ્રવાસીઓના તો શ્વાસ થંભી ગયા અને દોડતાં આવી પૂછવા લાગ્યા કે શું થયું? પણ જોયું તો પ્રમુખસ્વામી અતિ કૃષ અવાજે સૂચના આપી રહ્યા હતા કે, ‘આજે આણંદમાં ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં પારાયણ કરવાનું ગોઠવ્યું હતું, તેમાં મારાથી જઈ શકાશે નહીં, તો આચાર્ય સ્વામી ત્યાં પારાયણ કરી આવે.‘ અરે, આવા સંજોગોમાં આટલી હદે બીજાની કાળજી લેવાની! આ તો કોઈ વિરલાનું જ કામ!
જે પોતાના માણસનું ટાણું સાચવી જાણે છે એ માણસો એના બની જાય છે. પ્રમુખસ્વામીને પોતાના ગુરુ માનનારા ભારતના રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલ કલામ રાજકારણી ન હોવા છતાં સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપતિ કઈ રીતે બની શક્યા? એક દિવસ એમણે પોતાના એક વૈજ્ઞાનિકને સાંજ સુધીમાં એક કાર્ય પૂરું કરવા જણાવ્યું. પેલા વૈજ્ઞાનિકે સાંજે ૫:૩૦ વાગે નીકળી જવાની શરતે હા પાડી, કારણ કે એને એના બાળકોને એક પ્રદર્શન બતાવવા લઇ જવાનું હતું. પરંતુ કામ લાંબુ ચાલ્યું અને એ બહુ જ મોડા પોતાના ઘરે પહોંચી શક્યા. બાળકોને રાજી ન કરી શકવાનો રંજ એમના અંતરમાં હતો. એવામાં ઘરે પહોંચતાં એમણે જોયું તો બાળકો ઘરે નહોતા. એ માટે પૂછપરછ કરી, તો પત્નીએ જણાવ્યું કે ડો. કલામ સાહેબ ૫:૩૦ વાગે જાતે અહીં આવીને બાળકોને પ્રદર્શન બતાવવા લઇ ગયા છે!
ડો. કલામની સરખામણીમાં પ્રમુખસ્વામી પાસે અભ્યાસ કે વ્યાવહારિક અનુભવ શૂન્ય સમાન હતો, પરંતુ માનવના મનને પારખવાની અને સેવા કરી લેવાની ધગશ એવી ને એવી જ બુલંદ હતી. ૧૯૭૨માં કોલકાતામાં ભક્તોનો મોટો સમૂહ એકઠો થયો હતો. એક સવારે બધાં ચા-નાસ્તો કરી રહેલાં. એવામાં પ્રમુખસ્વામી ત્યાંથી પસાર થયા. બધાની પ્રકૃતિને પીછાણતા હોવાથી સ્વાભાવિક રીતે જ એમણે એક ભક્ત તરફ આંગળી ચીંધીને પોતાના સેવકને આજ્ઞા કરી કે ‘એમને ડાયાબિટીસ છે એટલે એમના માટે મોળી ચા બનાવજો.‘ ત્યારે સૌરાષ્ટ્રવાસી એક ભક્તે હસતાં હસતાં કટાક્ષમાં કહ્યું કે ‘આ બધી ચા ડાયાબિટીસ વાળાને ચાલે એવી જ છે‘- એટલે કે એમાં ખાંડ ઓછી છે. સ્વામીને ખબર હતી કે એમના વિસ્તારમાં ચામાં ઘણી ખાંડ નાખવામાં આવતી હોય છે. આ સાંભળી સંસ્થાના સર્વેસર્વા અને સર્વોચ્ચ ગુરૂપદે બિરાજતા એવા પ્રમુખસ્વામી તરત જ જાતે રસોડામાંથી ખાંડ લઈ આવ્યા અને પેલા ભાઈના ચાના કપમાં ખાંડ નાખી. પરંતુ હલાવવા માટે ચમચી નહોતી, તો પ્રમુખસ્વામી એ ભાઈની એંઠી ગરમ ચામાં પોતાની આંગળી બોળીને ખાંડ મીક્સ કરવા લાગ્યા. પેલા ભાઇ તો ના-ના કરતા રહ્યા, પરંતુ પ્રમુખસ્વામીની સેવાની તત્પરતા એમના કરતાં આગળ નીકળી ગઈ!
સૌને રાજી રાખવાની પ્રમુખસ્વામીની આ ધગશ એમને કોણ જાણે ક્યાં સુધી ખેંચી ગઈ! તા.૯-૭-૭૨ના દિવસે તેઓ ભાવનગરમાં પધરામણી કરતા હતા, ત્યારે એક કાપડની દુકાને માલિકના ૧૪ વર્ષના કિશોર પુત્રે લાડ કરતાં માગણી કરી, તો સ્વામીએ પોતાના હાથે કાપડ વેતરી આપ્યું તથા તેનું બિલ બનાવી આપ્યું. તો વળી એક દુકાને વેપારીની અદાથી ગોળ જોખી આપ્યો, એક દુકાને ઘી જોખી આપ્યું, અને એક ઓફીસમાં હીરા જોખી આપ્યા.
દરેક કિસમના માનવીને રાજી રાખવાની કળા અતિ દુર્ગમ છે, કારણ કે એ ઉચ્ચ માનસિક તૈયારી તથા શારીરિક ધગશ માગી લે છે. લોકો જ્યારે પ્રમુખસ્વામી જેવા સંતને આ કળામાં માહેર જુએ છે ત્યારે એમને I.I.M. ના Masters કરતાં પણ ઉચ્ચ ડિગ્રીધારી માને છે.