Essays Archives

 જાતિ નહીં, સ્વભાવને બદલો :
નિમ્ન વર્ણોને દ્વિજત્વ આપવામાં, તેમનું સંસ્કૃતીકરણ કરવામાં ભગવાન સ્વામિનારાયણે ત્રીજું મહત્ત્વનું પગલું ભર્યું - એ વર્ણો પરથી અનૈતિકતાની છાપ ભૂંસવાનું.
એ સમયે દલિત વર્ણો માટે સામાન્ય જનસમાજમાં સૂગ હતી, એમાં તેમની અનૈતિક વૃત્તિઓ પણ જવાબદાર હતી. સવર્ણોના તિરસ્કારને લીધે આજીવિકાનો ખૂબ મોટો પ્રાણપ્રશ્ન આ વર્ગ માટે હતો. જીવનના ગુજારા માટે કોઈ જ માર્ગ ન બચતાં આ વર્ગે અનૈતિક પ્રવૃત્તિઓનો પણ આશ્રય લેવો પડે એવા સંજોગો હતા. અને પરિણામે, એમના પર અનૈતિકતાનું આળ કાયમી બન્યું હતું.
ભગવાન સ્વામિનારાયણે આ વર્ણો પરથી એ આળ મિટાવવાનું ભગીરથ કાર્ય કર્યું. કનૈયાલાલ મુન્શી નોંધે છે કે, 'તેમણે સમાજમાંથી દૂષણો દૂર કર્યાં અને નીતિની સમજણનાં સાચાં ધોરણો પ્રસરાવ્યાં. તેમણે તત્કાલીન સમાજમાં ખૂબ જ વ્યાપ્ત એવાં વ્યભિચાર અને દુઃખો દૂર કર્યાં. તેમના પ્રયત્નોથી ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો અને નીતિવાન બન્યો.'
નૈતિક રીતે એમણે સૌને કેવા ઉચ્ચ સંસ્કારોથી સમૃદ્ધ કર્યા હતા એ સમજવા માટે, સગરામ વાઘરી કે ગોવિંદ ભંગીનાં દૃષ્ટાંતો પૂરતાં છે. સ્વામિનારાયણીય સંસ્કારોએ આવાં અનેક ઉદાહરણો સર્જ્યાં છે. એક સમયે જેમના માટે પારકી વસ્તુની ચોરી પર જ જીવન નિર્વાહનો આધાર માનવામાં આવતો એવી વાઘરી કોમના સગરામની પરિવર્તનની કથા રોમાંચક છે ! 'તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી ? ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી હું પારકી વસ્તુને ધૂળ જ સમજું છું !'
સહજાનંદી અસ્મિતાનો એ રણકાર ઇતિહાસમાં અમર બની ગયો છે. જૂનાગઢના ગોવિંદ ભંગીને નવાબના ચોકમાં વાળતાં વાળતાં બેગમની સોનાની સાંકળી મળી આવી અને બેગમને તે પાછી આપી ત્યારે 'અમે સ્વામિનારાયણના છીએ, અમારાથી ન લેવાય' એ ખુમારી દર્શાવી હતી, સ્વામિનારાયણીય આચાર-વ્યવહારની તત્કાલીન સમાજ પર ઘેરી અસર હતી એનું આ અવિસ્મરણીય ઉદાહરણ છે. ભગવાન સ્વામિનારાયણે તત્કાલીન કથિત નિમ્નવર્ણના લોકોમાં આણેલા આમૂલ પરિવર્તનની નોંધ લેતાં ‘History of Gujarat’ કહે છે :
સહજાનંદજીએ કાઠી, કોળી અને અન્ય પછાત વર્ણોમાંથી અસામાજિક તત્ત્વોને અને અધાર્મિક-અનૈતિક પ્રવૃત્તિઓને દૂર કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. તત્કાલીન બ્રિટિશ ઇતિહાસકાર-લેખક હેન્રી જ્યોર્જ બ્રિગ્સ લખે છેઃ
'શુદ્ધ હિન્દુ ધર્મની ચુસ્ત પુનઃસ્થાપના કરવા પૂરતી જ સહજાનંદ સ્વામી(સ્વામિનારાયણ)ની પ્રતિભા સીમિત ન રહેતાં, તે જમાનાનાં પ્રદૂષણો સામે અને સમગ્ર ગુજરાતમાં હજારો કમનસીબ માનવીઓ કે અત્યાર સુધી જેમની આજીવિકાનો આધાર અચોક્કસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર હતો, તેમના ઉત્કર્ષ તરફ પણ દોરાઈ છે. વિશાળ ઝુંડોને તેમણે પ્રામાણિક અને ઉદ્યમી જીવનના પંથે વાળ્યા છે. એમાંથી આ દિશામાં એમની સફળતાના અનેક પુરાવાઓ મળી રહે છે.'
પ્રસિદ્ધ ખ્રિસ્તી લેખક બ્રધર એમ. સી. પારેખ નોંધે છે કે, 'અસ્પૃશ્યોને પણ સત્સંગમાંથી બાકાત રખાયા નહિ. તેમનો શિષ્યો તરીકે સ્વીકાર થતો. એક બે સ્થળોએ તેમણે (અસ્પૃશ્યોએ) પોતાનાં મંદિરો પણ બાંધ્યાં છે. જ્યારે રામમોહનરાય કે ખ્રિસ્તી મીશનરીઓએ (લેખક પોતે ખ્રિસ્તી છે) પણ આ કમનસીબ માનવીઓ વિષે વિચારેલ નહિ, એવા પ્રારંભિક દિવસોમાં સહજાનંદ સ્વામીનું તેમના પ્રત્યેનું વલણ નીચેના પ્રસંગ પરથી જાણવા મળે છે.'
લેખક એમ કહીને ભગવાન સ્વામિનારાયણે અસ્પૃશ્યો પર વરસાવેલા વાત્સલ્યના ઐતિહાસિક પ્રસંગો ટાંકે છે. રાજા રામમોહનરાયથી લઈને અદ્યતન સુધારાવાદીઓ કે ખ્રિસ્તી મિશનરીઓ સુધીનાં અનેકોએ દલિતોના ઉદ્ધારની પ્રવૃત્તિઓ કરી છે, પરંતુ એ સૌને માટે સૌ પ્રથમ ચીલો પાડનાર હતા ભગવાન સ્વામિનારાયણ. અને એટલે જ જેટલો પ્રચંડ વિરોધ ભગવાન સ્વામિનારાયણે સહન કરવો પડ્યો તેટલો બીજા કોઈએ સહન કરવો પડ્યો નથી. કારણ કે તત્કાલીન સમાજ એ સુધારાઓને એટલી સહજતાથી સ્વીકારી લે તેવી મનઃસ્થિતિમાં નહોતો. સદીઓથી લોક માનસમાં જડ બની ગયેલી રૂઢ પ્રથાઓ, માન્યતાઓ અને અંધશ્રદ્ધાનો દુર્ભેદ્ય કિલ્લો તોડીને અંદર પ્રવેશવાનું અત્યંત કપરું અને લગભગ અસંભવિત જ હતું. છતાં રૂઢિગત સમાજનો ખોફ વહોરવાની પૂરી સજ્જતા સાથે ભગવાન સ્વામિનારાયણે આ પડકારને ઝીલી લીધો. કારણ કે એમનું લક્ષ્ય જ હતું માનવમાત્રના કલ્યાણનું. અસ્પૃશ્યોને અને દલિતવર્ણોને તેમણે ખોળે લીધા એની એક ગંભીર પ્રતિક્રિયા સમાજમાં એવી ઊભી થઈ કે સ્વામિનારાયણનો તિરસ્કાર ઉપલા વર્ણોમાં ખૂબ થયો. ભગવાન સ્વામિનારાયણ, એમના પરમહંસ સાધુઓ, એમના હરિભક્તો અને સમગ્ર સંપ્રદાયે ખૂબ તિરસ્કાર સહન કર્યો. એક તો સહજાનંદી સાધુઓની સાધુતા; બીજું, તેમણે અપનાવેલો અહિંસામય યજ્ઞોનો માર્ગ; ત્રીજું, વ્યસનમુક્ત શુદ્ધ જીવનનો માર્ગ; અને તેમાં ઓછું હોય તેમ સૌથી વિશેષ શૂદ્રવર્ણોને તેમણે ખોળે લીધા; કિશોરલાલ મશરૂવાળા કહે છે : 'ગુજરાત-કાઠિયાવાડની શૂદ્ર જાતિઓની ધાર્મિક ઉન્નતિ કરનાર પણ સ્વામિનારાયણ પહેલા હતા. એમણે કહેવાતી નીચ જાતિઓમાં એટલું બધું કાર્ય કર્યું હતું કે જૂના સંપ્રદાયીઓને સ્વામિનારાયણના ઘણાખરા શિષ્યો કડિયા, દરજી, સુથાર, ખારવા, મોચી અને ઢેઢ હતા, એ જ તે ધર્મનો વિરોધ કરવાને સબળ કારણ લાગતું હતું.'
સમાજની આ પ્રતિક્રિયાને નોંધતાં શ્રી યશવંત શુકલ લખે છે : 'એમણે જે ફેરફારો કર્યા અને એ ફેરફારોને કારણે સ્થાપિત હિતોને જે આઘાત પહોંચ્યા, તેમણે સ્વામિનારાયણને રંજાડવા માટે ઓછું નથી કર્યું... ભારે જહેમત વેઠીને, ભારે સંકટો વેઠીને અને પોતાની પરમહંસ મંડળીને પણ દુઃખ વેઠતી જોઈને - હંમેશાં ક્રોધ કર્યા વગર, અહિંસાત્મક રીતે કોમળતાથી અને કોમળ ભાવોનું જતન કરીને તેમણે એક વાતાવરણ સર્જ્યું. જે વાતાવરણ આપણી ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉછેરવામાં, સંસ્કારવામાં અને અર્વાચીનતા પ્રત્યે અભિમુખ કરવામાં સાર્થક બને છે.'
આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય જેવા વૈશ્વિક સંપ્રદાયને 'વાડો' કહીને તેના માટે જે સૂગ ફેલાવવામાં આવી રહી છે કે પરંપરાગત સૂગ ચાલી આવી રહી છે તેના મૂળમાં આ જ કારણ છે.
જોકે, આવા અનેક અપપ્રચારની ભગવાન સ્વામિનારાયણને કે તેમના શિષ્યવૃંદને કોઈ પરવા નહોતી. કારણ કે તેમનું લક્ષ્ય સ્પષ્ટ હતું. માનવમાત્રનો ઉદ્ધાર એ જ એમનું લક્ષ્ય હતું. એટલે એમણે એ બધું ખમી ખાધું, માત્ર માનવ સમાજના કલ્યાણ માટે.
આજે કહેવાતા સુધારકો અંત્યોદયના નામે ગૌરવ અને જશ મેળવે છે. ભગવાન સ્વામિનારાયણે પોતે ગૌરવ કે જશ મેળવવા નહીં, અંત્યજોને ગૌરવ અને જશ અપાવવા અનેક વિઘ્નો-મુશ્કેલીઓને વહોરી લીધી હતી. સાચે જ, આ દિશામાં તેઓ પોતાના સમય કરતાં બસ્સો વર્ષ આગળ હતા !

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS