અદીબાની અંતર્દૃષ્ટિનો અવાજ...
અંતર્દૃષ્ટિથી રાજીપો
શ્રીજીમહારાજે પોતાના ભક્ત અંતર્દૃષ્ટિ એટલે કે પ્રતિલોમ - ઉપશમ કેળવે તેવું ઠેર ઠેર કહ્યું છે.
ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ સામે જોઈ રહેવું તેમજ અંતરમાં એ મૂર્તિને ધારવી તેનું નામ અંતર્દૃષ્ટિ. વળી, આધ્યાત્મિક માર્ગમાં પોતાની થતી ભૂલો તરફ દૃષ્ટિ કરીને ભગવાન અને સંત સમક્ષ તેનો એકરાર કરવો અને પ્રાયશ્ચિત્ત કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે. આવી અંતર્દૃષ્ટિ કરનાર ભક્ત ભગવાનનો સહેલાઈથી રાજીપો પ્રાપ્ત કરી લે છે. એવી એક અંતર્દૃષ્ટિની પ્રેરક કથા અહીં પ્રસ્તુત છે...
ઝીણાભાઈની વાત પૂરી થઈ ને અદીબા સભામાં આવ્યાં. ઝીણાભાઈના છેલ્લા શબ્દો અદીબાના કાને પડ્યા. વાતનો વિષય તેઓ પારખી ગયાં. તેમણે મહારાજ સામે જોયું. કરુણાસાગરની કરુણા અશ્રુરૂપે ઊભરાઈને વહી રહી હતી. સંબંધવાળા ભક્તને પંડથીય પોતીકા ગણી ઝીણાભાઈએ કરેલી સેવા જોઈ મહારાજનું હૈયું ભરાઈ આવ્યું.
પંચાળાના દરબાર ઝીણાભાઈ ઘણા મહિનાઓથી માંગરોળના કમળશીભાઈ વાંઝાની સેવા કરતા હતા. કમળશીભાઈની માંદગીમાં જ્યારે તેમના સગા દીકરાઓ પડખે ન રહ્યા ત્યારે આ દરબારે રાજ્ય-સત્તાનું માન મૂકી, પક્ષ રાખી, કમળશીભક્તના ખાટલાને પોતાના ખભો આપી, પોતાને ત્યાં લાવી, બધી સેવા જાતે કરી હતી. મહારાજ કહે, ‘સાંભળ્યું ને!’ અદીબા અંતર્મુખ થઈ વિચારે ચઢ્યા. તેમણે તો પોક મૂકી. તેમનું આવું ઓચિંતુ રડવું જોઈ મહારાજ કહે : ‘તમને એવું તે શું થયું ?’
‘મહારાજ ! હું અણસમજુ-અભાગણી, તે કમળશી ભક્તની સેવા ન કરી શકી. ત્યારથી ભાઈએ મારી સાથે અબોલા લીધા છે.’ અદીબાએ ફોડ પાડ્યો.
‘એવો તે કયો મોટો અપરાધ થઈ ગયો કે ઝીણાભાઈએ અબોલા લેવા પડ્યા ?’ મહારાજે આશ્ચર્યથી પૂછ્યું.
અદીબાએ બનેલી બીના બયાન કરી : ‘મહારાજ ! એક વાર કમળશી ભક્તને માથું દુખતું’તું. ભાઈએ કપાળે ચોપડવા મરી માગ્યાં. ઘરમાં હોવા છતાં મેં ના ભણી. થોડી જ વાર પછી ભાઈએ પોતાના માટે મરી માંગ્યાં ને મેં તરત વાટીને દીધાં. ‘મેં કમળશી ભક્ત માટે માંગ્યા ત્યારે ઘરમાં મરી નહોતા અને અચાનક ક્યાંથી આવી ગયા?’ એમ કહેતાં ભાઈને ન ગમ્યું. રીસ ચઢી તે તીખાંના વાટકાનો ફળિયામાં ઘા કર્યો અને અબોલા લઈ લીધા.’ મહારાજ અદીબાને એક ચિત્તે સાંભળી રહ્યા હતા.
અદીબાએ આગળ કહ્યું : ‘પણ, મહારાજ ! ખરેખર એમાં વાંક મારો જ છે. નાત-જાતના વાડામાં બંધાયેલી એવી હું આપના ભક્તનો મહિમા ન સમજી શકી. તેમની સેવા ગુમાવી. આ પાપનું મને પ્રાયશ્ચિત્ત આપો, જેથી ભાઈ મારી સાથે અબોલા તોડે.’
અદીબાની અંતર્દૃષ્ટિનો આ અવાજ હતો. મહારાજે જોયું, અદીબાનો પરિતાપ પોકળ નો’તો. તેમાં પશ્ચાત્તાપની પાકટતા હતી. સચ્ચાઈથી ભરેલી અંતર્દૃષ્ટિ હતી. એટલે જ શ્રીહરિ અદીબા પર અતિ પ્રસન્ન થયા. પ્રાયશ્ચિત્તમાં શ્રીહરિએ અદીબાને કમળશી ભક્તની સેવા કરવા કહ્યું. અને ઝીણાભાઈએ પણ બહેન સાથેનું રુસણું મૂકી દીધું, કારણ કે તેમણે બરાબર નીરખ્યું હતું કે અદીબાએ ખરી અંતર્દૃષ્ટિ કરી છે, એવી અંતર્દૃષ્ટિ કે જેનાથી શ્રીહરિ પ્રસન્ન થઈ જાય. શ્રીહરિ પ્રતિલોમ કે અંતર્દૃષ્ટિથી પ્રસન્ન થાય છે, એવું ઘણી વખત સાંભળ્યું હતું, પણ આજે તો નજરે દીઠું...