કઠ ઉપનિષદનું નચિકેતા-આખ્યાન અને તેનું આધ્યાત્મિક રહસ્ય : લેખાંક-૨
‘येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके। एतद्विद्यामनुशिष्टस्त्वयाऽहं वराणामेष वरस्तृतीयः॥’ (કઠ ઉપનિષદ - ૧/૨૦)
એમ મૃત્યુ પછીના જીવનનું રહસ્ય બાળ નચિકેતાએ ત્રીજા વરદાનમાં માંગ્યુ હતું. વરદાતા યમરાજે પણ આ યાચક બટુની પાત્રતા ચકાસવા કસોટી કરી લીધી. નચિકેતા કસોટીમાં પાર પડ્યો. તેથી યમદેવ નચિકેતાની ઇચ્છા પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ ગયા. એ ગયા અંકમાં જાણ્યું. હવે યમે ત્યારે જે કાંઈ કહ્યું, તે આ કઠ ઉપનિષદનો પ્રધાન ઉપદેશ છે કે જેમાં સમાઈ છે સમગ્ર અધ્યાત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા, તે જાણીએ.
આત્મસ્વરૂપની ઓળખાણ
દેહધારીનું મૃત્યુ થતાં લોકોમાં કેટલાય વિવાદો સર્જાય છે. જેમાંથી એક વિવાદ છે આત્માના પૃથક્ અસ્તિત્વનો. મરી ગયા પછી પણ આત્માની હયાતી છે કે નહીં? કેટલાક કહે છે નથી. જેમ કે, દીવો ઓલવાઈ જાય એટલે જ્યોત ન રહે તેમ આ દેહ જ આત્મા છે. સુખ-દુઃખ વગેરે સંવેદનાઓ તો શરીર સાથે જ જોડાયેલી છે. આથી શરીરથી જુદો આત્મા માનવાની જરૂર નથી. અથવા એમ જ કહોને કે પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશ જેવાં અમુક તત્ત્વોનું અમુક પ્રમાણમાં અને અમુક પ્રકારે સંમિશ્રણ થતાં આત્મા નામની વસ્તુ જન્મે છે અને તેનો નાશ થતાં આત્મા પણ મરી જાય છે. તેથી મૃત્યુ પછી પણ આત્માનું અસ્તિત્વ રહેતું નથી.
તો હે યમદેવ! આ અંગે સ્પષ્ટ નિર્ણય સમજાવો.
એવો નચિકેતાનો ભાવ જાણી યમરાજાએ જે કહ્યું તેમાં આત્મસ્વરૂપના તત્ત્વજ્ઞાનનો નિર્ણાયક ઉદ્ઘોષ હતો.
નિત્ય અસ્તિત્વનો ઉદ્ઘોષ - न जायते म्रियते वा
તેમણે કહ્યું, 'न जायते म्रियते वा विपश्र्चिन्नायं कुतश्र्चिन्न बभूव कश्र्चित्। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥' (કઠ ઉપનિષદ - ૨/૧૮)
અર્થાત્ 'વિવિધ પ્રકારનું જ્ઞાન ધરાવતો ચૈતન્યમય આ આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતો પણ નથી. આ આત્માનો કોઈ ઉત્પાદક નથી. આ તો અજાયમાન છે. નિત્ય છે. શાશ્વત છે અને પુરાતન છે. વળી, 'हन्यमान' કહેતાં નાશવંત એવા શરીરમાં રહે છે છતાં શરીર હણાતાં એ ક્યારેય હણાતો નથી.' આમ કહી, ફરી પણ આત્માની આ અવધ્યતા કે અનશ્વરતાને જ દૃઢાવતા યમે કહ્યું,
'हन्ता चेन्मन्यते हन्तुं हतश्र्चेन्मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते॥' (કઠ ઉપનિષદ - ૨/૧૯)
અર્થાત્ 'જો કોઈ મારનાર એમ માને કે આ આત્માને હું હણું છુ _. અને જો કોઈ આત્મા એમ માને કે હું કોઈ અન્યથી હણાયો છુ _ તો તે બંનેની સમજણ ખોટી છે. કારણ કે આ આત્મા કોઈને હણતો પણ નથી અને કોઈનાથી હણાતો પણ નથી.
આ જ ભાવ ભગવદ્ગીતામાં થોડા જ શાબ્દિક ફેરફારો સાથે ઘૂંટાયો છે. 'न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥' (ગીતા ૨/૨૦), 'य एनं वेत्ति हन्तारं यश्र्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते॥' (ગીતા ૨/૧૯) વગેરે.
રથરથીનું રૂપક - आत्मानं रथिनं विद्धि
આત્મસ્વરૂપની નિત્યતા સમજાવી. હવે તેની દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ વગેરેથી ભિન્નતા સમજાવે છે. આ ભિન્નતાનું સ્પષ્ટ ચિત્ર સાંભળનારના મનમાં ઊભું થઈ જાય તે રીતે અહીં રથરથીનું રૂપક યમે પ્રયોજ્યું છે. યમ કહે છે,
'आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रगहमेव च॥
इन्द्रियाणि हयानाहुíवषयांस्तेषु गोचरान्।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः॥'
(કઠ ઉપનિષદ-૩/૩,૪)
અર્થાત્ 'હે નચિકેતા! આ શરીર રથ છે અને આ આત્મા તે રથનો માલિક-રથી છે. વળી, બુદ્ધિ તેનો ચલાવનાર સારથિ છે. મન તેની લગામ છે. ઇંદ્રિયો તે રથને જોડેલા અશ્વો છે. અને શબ્દ-સ્પર્શ આદિ જે વિષયો છે તે તેનો માર્ગ છે. આમ, આ આત્મા ઇંદ્રિયો તથા અંતઃકરણ વગેરેને સાધન બનાવીને સર્વ ભોગો ભોગવે છે એમ તું જાણ.' જેમ રથ, સારથિ, અશ્વો, લગામ કે પછી માર્ગ વગેરેથી તેમાં વિહરનારો રથી અત્યંત જુદો જ હોય. તેને તો રથસ્વામી કહેવાય. તેમ આ આત્મા દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ વગેરેથી અત્યંત જુદો જ છે અને તે બધાનો સ્વામી કહેતાં અધિષ્ઠાતા છે.
એટલે જ ભગવાન સ્વામિનારાયણ પણ વારંવાર આ આત્મ- સ્વરૂપના વિચારને પોતાના ભક્તોને દૃઢાવતા. એમણે વચનામૃતમાં કહ્યું, 'દેહ આત્માની વિક્તિ એક વાર ચોખી સમજાણી હોય તો પછી દેહ પોતાનું રૂપ મનાય જ નહીં. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિષે માનવા જ નહીં. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહીં. એ ગુણ તો આત્માને વિષે સમજવા.' (વચનામૃત સારંગપુર - ૧૨)
આત્મસ્વરૂપનો કેવો સચોટ ઉપદેશ! આત્માનું અસ્તિત્વ, નિત્ય અસ્તિત્વ, નિત્ય નિર્વિકારિતા અને દેહાદિથી ભિન્નતા એ આપણા ભારતીય સનાતન ધર્મનું આગવું વિજ્ઞાન છે. જે આપણને આ કઠ ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય છે. ખરેખર, હજારો વર્ષોથી ઘૂંટાતા આ વિજ્ઞાનમાં હજુ કોઈ ફેરફાર કે સુધારા કરી શક્યું નથી. જેમ જેમ સમય વીતે છે તેમ તેમ ભારતવર્ષનું પુરાતન વિજ્ઞાન જ દુનિયાના અતિ આધુનિક અને અતિ શ્રેષ્ઠ સિદ્ધાંત તરીકે સ્થાન લેતું જાય છે. આ, ઉપનિષદના સત્ય સિદ્ધાંતોની તાકાત છે. એને જે નહીં સમજે, નહીં માને તે સત્યથી વેગળો રહેશે, તાકાતવિહોણો રહેશે.
આમ મૃત્યુ થયા પછી પણ આત્મા તો મરતો જ નથી. તેનું અસ્તિત્વ રહે જ છે. એવો એક સિદ્ધાંત મૃત્યુએ સ્વયં સમજાવ્યો.
હવે બીજો સિદ્ધાંત સમજાવે છે.