વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ એટલે સમતા અને મમતાનું સર્વોચ્ચ શિખર. નિઃસ્વાર્થ મમતા સાથે તેઓએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે દાયકાઓ સુધી વિચરણ કરીને એ અબુધ અને ભોળી પ્રજાના ઉત્કર્ષ માટે જે પ્રયાસ કર્યો છે તેની ગાથા એક વિસ્તૃત ગ્રંથની ગરજ સારે છે. દાયકાઓ સુધી સ્વામીશ્રીએ કરેલા આ પ્રચંડ પુરુષાર્થથી અજ્ઞાનનાં અંધારાં ધરાવતાં કંઈક ગામોમાં પરિવર્તનનાં અજવાળાં ફેલાયાં છે. એક-બે નહીં, પરંતુ હજારોની સંખ્યામાં આદિવાસી પરિવારોમાં સ્વામીશ્રીના પ્રતાપે પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે તેનું દસ્તાવેજીકરણ કરવા કેટલીય ખેપ ઓછી પડે તેમ છે. સ્વામીશ્રી જ્યાં જ્યાં પધાર્યા ત્યાં પરિવર્તન પામેલા એ ભક્તો આનંદ અને ઊલટભેર પોતાની કહાની વર્ણવતાં સ્વામીશ્રી પર ઓવારી જાય છે.
વ્યારામાં રાત્રે યોજાયેલી જાહેરસભામાં સેલવાસથી આવેલા એક આદિવાસી બંધુએ પોતાના જીવન-પરિવર્તનની ગાથા રજૂ કરતાં કહ્યું હતું: ‘અમારા બાપ-દાદાઓથી તાડી, દારૂ, મરઘી, માંસનું ચાલ્યું જ આવતું હતું. સાંજ પડે ને દારૂ જોઈએ. પરોણો આવે તો મરઘી તૈયાર. પછી અમે ભજન મંડળ ચાલુ કર્યું. તેમાં પણ વચ્ચે દારૂની બાટલીઓ જોઈએ જ. પણ અમારા આત્માને સત્સંગ સારો લાગ્યો. કંઠી પહેરી. અત્યારે અમારું આખું કુટુંબ સત્સંગી છે ને બધાં સુખી છે. અમને નિશ્ચય છે કે પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી વિના મોક્ષ છે જ નહીં.’
આ એક અનુભવમાં સામે બેઠેલા બે હજાર આદિવાસીઓનો પડઘો હતો.
પ્રમુખસ્વામી મહારાજે યોજેલા એક બાળમહોત્સવમાં ભાગ લેવા આવેલા સેંકડો આદિવાસી બાળકોના પ્રતિનિધિ રૂપે રાંધા ગામના એક બાળકે હૃદયસ્પર્શી પ્રવચન કરતાં કહ્યું હતું કે ‘પહેલાં અમે જૂઠું બોલતા, ખરાબ વસ્તુઓ ખાતા. પછી પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી હું તેમના બાળમંડળની સભામાં હું જવા માંડ્યો. સંતો હેત કરે, પ્રવચન આપે અને શિખવાડે કે ‘ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, દારૂ-માંસથી દૂર રહેવું.’ પરંતુ મારાં બા અને બાપ તો માંસ ખાય ને દારૂ પીવે. હું સત્સંગી થયો એટલે હું સ્કૂલે જઉં તોય તેમને ન ગમે, પછી ધીરે ધીરે મારી બા સુધરી ગઈ. તેણે દારૂ-માંસ મૂકી દીધાં. મારા બાપને પણ મેં બીડી છોડાવી છે. હવે દારૂ છોડાવવો છે. હું પ્રયત્ન કરું છું પણ શું કરું? હજી હું નાનો છું. ગામની આજુબાજુનાં ગામડાંના બાળકો પણ બાળ મંડળમાં જવાથી સુધર્યા છે. હું સ્વામીબાપાને પ્રાર્થના કરું છું કે તમે અમને સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં બેસાડી દેજો.’
આદિવાસી બાળકની આ નિર્દોષ વાણીએ ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા.
સાંકરીમાં સન 1995માં ભોજન કરી રહેલા સ્વામીશ્રી સમક્ષ ઉપસ્થિત આદિવાસીઓમાંના એક વૃદ્ધ જમુનાભાઈએ સ્વામીશ્રીએ કરેલા પરિવર્તનની દુહાઈ દેતાં કહ્યંુ હતું: ‘મારે તો બપોરે-હાંજે દારૂ વગર ની હાલે. તણ દિ’એ મરઘાં જોઈએ. ગામના લોકો હારાં બકરાં હોધવા મને જ મોકલે. લોકો મને જમુના ખાટકી જ કહેતાં. મારું ઘર હાવ ઝુપ્પડ. પાથરવા કંતાન બી ની મલે. પણ હવે સત્સંગ થયો તે શાંતિ થઈ ગઈ. તણ વરહમાં મારું ઘર મજબૂત (પાકું) થઈ ગયું. અત્યારે પાછલી જિંદગી વિચારતાંયે હસવું આવે.’
સ્વામીશ્રીની પ્રતિભાનો પરિચય આપનારા આવા નમૂના મહેલથી મઢૂલી સુધી જોવા મળે છે.
શરાબના નશામાં ચકચૂર રહેવાને કારણે એક સમયે લાલુ ‘બાટલી’થી જ ઓળખાતા દાદરા-નગર હવેલીના લાલુભાઈ સ્વામીશ્રીના સહવાસથી ટેલિફોન ઍક્સચેન્જના પ્રામાણિક કર્મચારીની પ્રતિષ્ઠા ધરાવતા થયા છે અને તેઓનો દીકરો તો ડૉક્ટર (M.D.) બન્યો છે.
દોણજાના અગ્રણી કાર્યકર શ્રી છાયલાભાઈ કહે છેઃ ‘પ્રમુખસ્વામી મહારાજનો સત્સંગ થયા પહેલાં અમારા આદિવાસી શિક્ષકો એવા હતા કે સ્કૂલે જાય કે છૂટે કે તરત દારૂ પીએ અને કેટલાકની બીડી તો એટલી લાંબી કે ઘેરથી સ્કૂલે પહોંચે ત્યાં સુધી બે-ત્રણ કિ.મી. ચાલે. એવા સેંકડો શિક્ષકોનું સ્વામીબાપાએ પરિવર્તન કર્યું છે. અમને સૌને જીવન આપનાર, સવળે માર્ગે લઈ જનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ છે.’
એટલે જ મધ્ય ગુજરાતના જાણીતા અધિકારી અને અગ્રણી શ્રી અર્જુનસિંહ રાઠવાએ જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું: ‘સાક્ષાત્ પ્રભુના અવતાર જેવા પ્રમુખસ્વામી મહારાજનાં દર્શનમાત્રે વિચારો બદલાઈ જાય છે. અમારો પાવી-જેતપુરનો આદિવાસી વિસ્તાર પહેલાં જે રીતે હતો અને બાપાના આવ્યા પછી આજે જે પરિસ્થિતિ છે એ માટે હું કહી શકું કે બાપાએ આખા પંથકનું પરિવર્તન કર્યું છે.’
જીવન-પરિવર્તનની આ ગંગાધારા પેઢી દર પેઢી વહેતી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે સંતો અને મંદિરોની આ વિસ્તારોમાં ખૂબ મોટી ભેટ આપી છે. આ મંદિરો આદિવાસીઓનાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કારની ગંગોત્રી સમાં બની રહ્યાં છે. શિક્ષણ માટે સ્વામીશ્રીએ સ્થાપેલાં આદિવાસી છાત્રાલયો કે શાળા પરિસરો, સ્વાસ્થ્ય માટે તેઓએ સ્થાપેલી હૉસ્પિટલો અને ફરતાં દવાખાનાંઓ વગેરે તેમનાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સંભાળ લેતાં રહેશે, પ્રમુખસ્વામી મહારાજે કરેલી એ બધી લોક- સેવાઓનો તો એક વિરાટ અધ્યાય છે, પરંતુ સ્વામીશ્રીએ સર્જેલાં આધ્યાત્મિક સંસ્કારની ઘડતરશાળા સમાં મંદિરોનાં પ્રદાનોનું કોઈ મૂલ્ય આંકી શકાય તેમ નથી! આ મંદિરોની શીતળ છાયા નીચે ઠેર ઠેર બાળ-બાલિકા મંડળો, યુવક- યુવતી મંડળો, સંયુક્ત સત્સંગ મંડળો, મહિલા મંડળો હજારો લોકોનું નૈતિક, આધ્યાત્મિક જીવનઘડતર કરે છે. આ મંદિરો આજે આદિવાસીઓના સર્વાંગી ઉત્કર્ષનાં કેન્દ્રો બન્યાં છે.
મુંબઈમાં એક સભામાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી ભગુભાઈએ સ્વામીશ્રીને પોતાના વ્યવસાયની વાત કરતાં કહ્યું હતું: ‘સેલવાસમાં અમારી એલ્યુમિનિયમનાં વિવિધ વાસણો બનાવવાની ફેક્ટરી છે.’
ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીએ મંદિરોનો નિર્દેશ કરતાં હસતા હસતા તેમને ચોખવટપૂર્વક કહ્યું હતું: ‘તમે જેમ ફેક્ટરી નાંખી છે તેમ અમે પણ ત્યાં એક ફેક્ટરી નાંખી છે.’
આ વાત સાંભળીને પેલા ઉદ્યોગપતિ મૂંઝવણમાં મુકાયા! એટલે સ્વામીશ્રીએ ચોખવટ કરતાં કહ્યું : ‘અમે ત્યાં આદિવાસીઓને સુધારીને સદાચારી કરવાની ફેક્ટરી નાંખી છે. એટલે કે, અમે લોકોને સારી પ્રેરણા આપીને જીવન સુધારે એવું મંદિર સ્થાપ્યું છે.’
ઠેર ઠેર આવાં મંદિરો સ્થાપીને સ્વામીશ્રીએ આ આદિવાસીભાઈઓનાં હૈયે સનાતન હિન્દુ ધર્મના સંસ્કારોની હરિયાળી ફેલાવી છે. ગુજરાતના જાણીતા ઇતિહાસકાર શ્રી મકરંદ મહેતા સ્વામીશ્રીએ સર્જેલા આ ચમત્કારની રૂબરૂ નોંધ લેતાં બોલી ઊઠ્યા હતાઃ ‘કહેવાતા ઊજળા અને શહેરી લોકો કરતાં પણ આ લોકો વધુ પવિત્ર અને સંસ્કારી છે.’
આ આધ્યાત્મિક સંસ્કારોની ચરમસીમા એટલે મુક્તિનો અહેસાસ. વેદ-ઉપનિષદો અને ભગવદ્ગીતાની જ્ઞાન-ગંગા પર કલાકો સુધી ભાષણો આપતા વિદ્વાનો મુક્તિની મીમાંસા કરે છે, પરંતુ તેનો અનુભવ ક્યારેક તેમનાથી જોજનો દૂર હોય છે. પરંતુ આ આદિવાસીઓ ભલે મુક્તિની આવી મીમાંસાઓ કરી ન શકે, પરંતુ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી મુક્તિનો અનુભવ અવશ્ય માણે છે.
એક ઉદાહરણ ટાંકવાનું મન થાય છે.
સન 1982માં પ્રમુખસ્વામી મહારાજ ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામે પધાર્યા હતા. ધોડિયા અને વર્લી જાતિના આદિવાસીઓનું આ ગામ. તેઓ સ્વામીશ્રીને ગાડામાં બેસાડીને અહીં લઈ આવ્યા હતા. અહીં તેઓને લાભ આપીને સ્વામીશ્રીએ તેમને ધન્ય કર્યા હતા. તેમાંનો એક આદિવાસી એટલે શ્રી ખલપુ લાછિયા. તેના ઝૂંપડાને પણ સ્વામીશ્રીએ પાવન કર્યું હતું.
બસ, તે દિવસથી ખલપુભાઈના જીવનમાં આધ્યાત્મિકતાની અનોખી લહેર ચઢી ગઈ હતી. ત્રણેક વર્ષ બાદ એ આદિવાસી ભક્તનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે સ્વામીશ્રીએ દિવ્ય દર્શન આપી તેઓને કહ્યું હતું કે ‘આજથી ત્રીજા દિવસે હું તમને અક્ષરધામમાં લઈ જવા માટે તેડવા આવીશ.’
ખલપુએ સૌને હોંશે હોંશે આ વાત કરી. પરંતુ નખમાં પણ રોગ નહીં એવો એ સ્વસ્થ હતો. કોઈને મનાયું નહીં. પરંતુ મૃત્યુ નહીં, મુક્તિનો આનંદ માણતાં ખલપુએ પોતાનાં સંબંધીઓને બોલાવી લીધાં. એમ કે ‘આજથી ત્રીજા દિવસે હું નહીં રહું.’
અને એમ જ બન્યું. ત્રીજા દિવસે ખલપુએ એકત્રિત સ્વજનોને કહેવા માંડ્યું કે ‘સ્વામીબાપા મને લેવા પધારી ચૂક્યા છે. માટે સૌને જય સ્વામિનારાયણ.’
આ સાંભળનારા સૌને એ જ વખતે ચારેકોર તેજ વ્યાપી વળ્યાનો અનુભવ થયો. તેની વચ્ચે ખલપુભાઈ ભૌતિક દેહ છોડી અક્ષરધામ સિધાવી ગયા.
વ્યસનમુક્તિથી લઈને આત્યંતિક મુક્તિ સુધી આ આદિવાસીઓની સંભાળ લેનારા પ્રમુખસ્વામી મહારાજને આજે સૌ દિલના તાર રણઝણાવતા સંભારે છે. આ વિસ્તારમાં કાર્ય કરી રહેલા એક ઉદ્યોગપતિ શ્રી અમૂલભાઈ નાયક તો બોલી ઊઠ્યા હતાઃ ‘આજથી પાંચસો વર્ષ પછી લોકો પૂછશે કે પ્રમુખસ્વામી મહારાજ શું કરતા હતા ? એમનો કેવી રીતે પ્રભાવ હતો ? એમને સમાજ સુધારવાની કેટલી તમન્ના હતી ? એની ખબર આવા ઇતિહાસ દ્વારા પડશે.’
આજે તેઓના એ વિરાટ આદિવાસી ઉત્કર્ષ કાર્યનું વહન પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રમાં બી.એ.પી.એસ. સંસ્થાના સેંકડો સંતો અને હજારો કાર્યકર્તાઓ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીએ તેનો સરવાળો માંડવા જઈએ તો આંકડા ટૂંકા પડે તેમ છે.
વર્ષો પહેલાં મોટી ચીખલી ગામે પધારેલા પ્રમુખસ્વામી મહારાજના સત્કારમાં, સ્થાનિક આશ્રમશાળાના આદિવાસી બાળકોએ મીઠી હલકે સ્વાગતગીત લલકાર્યું હતું તે યાદ આવે છેઃ ‘અમને કોણે બતાવી વાટ, લીલવો ગિરધારી; અમને સ્વામીએ બતાવી વાટ, લીલવો ગિરધારી...’
અસંખ્ય લોકોને સાચી વાટ બતાવનાર સ્વામીશ્રીની એ સ્નેહવર્ષાનું સ્મરણ કરીને લાખો આદિવાસીઓ તેમને શતાબ્દીએ વંદના કરે છે...