Essays Archives

પલાયનવૃત્તિને પડકાર
લોકો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન કાર્યોમાં વ્યસ્ત હોય છે. કેટલાંક કાર્ય અત્યંત સરળ હોય છે; કેટલાંક કાર્યો વિશિષ્ટ પ્રકારની કુનેહ માંગી લે છે; કેટલાંક કામ એવાં હોય છે કે બળ કરતાં કળથી ઝડપથી ઉકલે છે, જ્યારે કેટલાંક કાર્યો એવાં કઠણ હોય છે કે જેને સંપન્ન કરવા ભૌતિક સાધનો, નાણાં, કાચી માલસામગ્રી, યંત્રો, પાણી, વીજળી, રસ્તાઓ જેવી પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ-આ સઘળું ઉપલબ્ધ હોવા છતાં જો માનસિક તૈયારી, દૃઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા ન હોય તો તે સુપેરે પાર પડતાં નથી. આવાં કામ દેખીતી રીતે જ સંપન્ન કરવાં કપરાં લાગે છે, કેડી દુર્ગમ લાગે છે, ચઢાણ સીધાં હોય છે. આવાં કાર્યોનો આરંભ કરતાં પહેલાં જ, વ્યક્તિ હિંમત હારી જતી હોય છે. શરૂઆત કરે એ પહેલાં જ તેના મોંમાંથી મોળા ઉદûગારો સરી પડતા હોય છે. દા.ત. કોઈક માનદપદ ગ્રહણ કરવાનું હોય તો કહે, 'ના, ના; હું બહુ નાનો પડું, મારાથી સેક્રેટરી ન થવાય.' 'આપ જ નિર્દેશક બનવા યોગ્ય છો - મારું એ કામ નહીં.'
ભૌતિક સંપત્તિની બાબત હોય તો સહેજે સહેજે બોલાઈ જાય કે 'એવડી મોટી જમીન આપણાથી ન ખરીદાય.' કોઈક વિરાટ આયોજનની બાબત હોય તો તેની પ્રારંભની મિટિંગમાં જ ફસકી પડે કે 'એ આપણી પહોંચ બહારની વાત છે, આપણી આવડત પણ નહીં.' અભ્યાસને લગતી બાબત હોય તો કહે કે 'ઇન્ડિયન ઇ ન્સ્ટિટ્યૂટ આૅફ મૅનેજમેન્ટની પ્રવેશ પરીક્ષામાં બેસવાનું વિચારાય જ નહીં. એ તો બહુ અઘરી પરીક્ષા, આપણી એમાં કોઈ ગણતી નહીં.'
વળી, કોઈકવાર આવું પણ સાંભળવા મળતું હોય છે કે 'આપણે એવું કે એકવાર જો કામ હાથમાં લઈએ તો સારામાં સારી રીતે કરીએ, જેવું તેવું આપણને ફાવે નહીં.' આવી દલીલ કરીને કામોને ટાળે-એક પણ કામ હાથમાં ન લે.
આધ્યાત્મિક માર્ગે પ્રથમ પદાર્પણ કરવા ઇચ્છતા મુમુક્ષુને પણ એવા વિચારો આવે કે 'આપણાથી આવા કડક નિયમો કેવી રીતે પળાય ?' 'આવાં કડક તપ-વ્રત કરવાં એ આપણું કામ નહીં.' 'સંતો તો કહે, એ તો એમનો ધર્મ છે, આપણાથી થાય એટલું કરવું.' 'ભગવાન તો કરુણાના સાગર છે, થોડું કર્યું ઘણું માની લેશે.'
આ રીતે આપણે જાતે જ આવા ખ્યાલો બાંધી મોળી વાતો કરવાનું શરૂ કરીએ અને પરિણામે આપણા વ્યવહારમાં, આચરણમાં ન્યૂનતા-ગૌણતા આવે છે. આવી ગૌણતાને વળી આવા ઉદûગારોનો વારંવાર ઓપ આપી ચળકતી રાખવા પ્રયત્નશીલ રહીએ છીએ, એક યા બીજા ઓઠા હેઠળ આપણી ન્યૂનતાને નિભાવીએ છીએ, મોળ્યપની માવજત કરતા રહીએ છીએ, એટલું જ નહીં તેને વાજબી-યથાર્થ ઠરાવતા justify કરતા રહીએ છીએ. સૌની પ્રકૃતિ સાથે મહદûઅંશે જડાયેલું આ મનોવલણ હોવાથી, આ બાબતે સૌમાં એકમત પ્રવર્તે છે - નથી હોતો આ બાબતે કોઈ વિવાદ, નથી હોતી કોઈ ચર્ચા કે નથી હોતી કોઈ સમાલોચન પદ્ધતિ ! આવા મોળા વિચારને સૌ કોઈ વધાવી લે છે, તેના સમર્થકો શોધવા જ નથી પડતા, સામેથી આવી તેમાં જોડાતા હોય છે ! અને પરિણામે આ મનોવલણ ધરાવતા વર્ગની વસ્તી ગુણોત્તર દરે વધતી જ રહે છે !!
વ્યક્તિની પલાયનવૃત્તિ પણ આમાં પ્રતિબિંબિત થાય છે. કોઈક કપરું કામ ન કરી શકવાની અસમર્થતા, તેને નહીં સમજી શકવાની પોતાની બુદ્ધિની મર્યાદા, એ છતું ન થઈ જાય, નીચાજોણું ન થાય એ માટે કોઈક તર્કના ઓઠા હેઠળ તેમાંથી છટકવાની આ એક તરકીબ છે, પોતાની જાત સાથેની છેતરપિંડી છે.
સાર્વત્રિક વર્તાતી આ વૃત્તિ, અન્ય ક્ષેત્રોમાં તો કદાચ ક્ષમ્ય બને, પરંતુ આધ્યાત્મિક માર્ગના રાહદારી અને રાહબર તરીકે પોતાને ઓળખાવતી અસંખ્ય વ્યક્તિઓ, જ્યારે ભગવાનની સર્વત્રતા, સર્વજ્ઞતા અને સર્વકર્તાહર્તાપણાનું ઓઠું લઈ, પોતાના આચાર-વિચારની ગૌણતાને ગુણ તરીકે ગણાવે, ત્યારે એ અક્ષમ્ય બને છે. આવા કહેવાતા ગુણીજનોના ઉપદેશે ઊછરતો ભક્ત સમુદાય પાંગળો, વીર્યહીન અને વિકૃત બની અન્યની સેવા કરવા જતાં અસેવા કરી બેસતો હોય છે.
માણસોમાં બહુધા જણાતી પલાયનવૃત્તિ અને વિશેષે કરીને આધ્યાત્મિક સમાજના આચરણમાં જાણ્યે-અજાણ્યે થઈ જતી અસેવાની આ દહેશતને, ભગવાન સ્વામિનારાયણ, વચનામૃત પ્રથમના ૧૭માં જોરદાર રીતે પડકારે છે, અને એવા ધર્મીઓનો કડક શબ્દોમાં ઊધડો લે છે. મહારાજ આ વચનામૃતમાં કહે છે કે 'તે કેવી રીતે વાત કરે છે જે, 'ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે' અને વળી એમ વાત કરે છે જે 'ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.' એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન, તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિમત્યરહિત વાત કરશો નહીં. સદા હિમત્ય સહિત જ વાત કરજ્યો. એ જે એવી હિમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસે ઉપવાસ કરવો.'
મહારાજ એમ પણ કહે છે કે '... હિંમત્ય વિનાની વાત કરે છે' તે 'સત્સંગમાં કુસંગ' છે.'
અભક્તોનો કોઈ સમુદાય હોય તો તેને સહેલાઈથી ઓળખી શકાય, નિરીશ્વરવાદીઓની નાસ્તિકતા છદ્મ નથી રહેતી, કારણ કે તેઓ પોતે જ પોકારી પોકારીને પોતાને ઓળખાવે છે, તેમની જાતને એ રીતે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે પરંતુ ભક્તોમાં રહેલો કોઈ અભક્ત, આસ્તિકોમાં છુપાયેલો કોઈ નાસ્તિક ઓળખવો અતિ અઘરું પડે છે. 'સત્સંગમાં રહેલા આ કુસંગ'ને પીછાણવો અઘરો છે.
મહારાજ, હિંમતરહિત વાત ન કરવા તો ચેતવે છે, પરંતુ આગળ વધીને આવી હિંમતરહિત વાત કરનારને 'નપુંસક'-સાવ વીર્યહીન નપાવટ તરીકે ઓળખાવે છે ! બીજા શબ્દોમાં, મહારાજના મતે, જે ધર્મ આચરણમાં નાનીશી ઊણપ કે કાચ્યપ ન રાખે, યમ-નિયમમાં સારધાર વર્તે, ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સંતનાં વચનને યથાર્થ પાળે, 'સ્વ'માં ઈશ્વરનો શાશ્વત નિવાસ છે એવું દૃઢપણે માને એ જ ખરો મરદ, એ જ ખરો હિંમતવાન. મહારાજના અભિપ્રાય મુજબ એ જ ખરી મરદાનગી.
જાણીતા લેખક એમર્સને 'Live dangerously' (જોખમમાં જ જીવો) એવું બળભર્યું સૂત્ર આપેલું. એક વખત તેમણે કોલંબિયા યુનિવર્સિટીના નાના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે 'જેઓ માને છે કે અમે વિજય પામીશું એવા લોકો જ વિજેતા બને છે. તમને જેનો ડર લાગતો હોય એ વસ્તુ તમે પહેલી કરજો. એની સાથે જ તમારો ડર મૃત્યુ પામશે.'
જો આપણે કોઈ સમસ્યાથી ભાગ્યા તો એ આપણો પીછો કરશે અને આપણને પછાડશે. દરેકે જિંદગીમાં બાણશય્યા પર સૂવાનું છે - એનાથી વિંધાયા વિના. આમાં જે પાર પડે તે હિંમતબાજ, જે ભાગ્યો તે કાયર.
છીંડા કે છટકબારીઓ શોધવાને બદલે અંતિમ ધ્યેયને નજરમાં રાખી સતત મથતા રહીએ તો પુરુષાર્થના છોડ પર પ્રાપ્તિનાં પુષ્પો પાંગર્યાં વિના નહીં રહે. પરંતુ જો આળસ કરી, હિંમત ન દાખવી, બહાનાં શોધ્યાં તો કામ બગડ્યું જાણવું. કહેવત છે કે 'આળસુ ખલાસીને કદી અનુકૂળ પવન મળતો જ નથી.'
વ્યક્તિ પોતાની મર્યાદાઓ, ઊણપો અને અસમર્થતાની આજુબાજુ તર્કનાં જાળાં રચી, પોતાના મન માન્યા સિદ્ધાંતો રચે છે અને પછી તેને સમષ્ટિને લાગુ પાડવાની કોશિશ કરે છે - આ રીતે કોઈ વિશિષ્ટ નમૂનાને આધારે સમષ્ટિ વિષે અનુમાન કરવાના તર્કનો સહારો લે છે. પરંતુ આ તર્કનો સહારો લેવામાં, ખાટલે મોટી ખોટ એ હોય છે કે એ પોતે પોતાને વિશિષ્ટ નમૂનો માની લે છે ! તેને ખબર નથી કે યમ-નિયમ તેનાથી નથી પળાતા. પરંતુ સત્સંગ અને સત્સંગેતર સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જે નિયમ પાલનમાં સારધાર વર્તે છે ! એવી ઘણી વ્યક્તિઓ છે જેના મુખે કદી મોળી વાત નીકળી નથી. એવી ઘણી વ્યક્તિઓ છે જેણે વ્યાવહારિક અને આધ્યાત્મિક સમસ્યાઓમાં અદમ્ય હિંમત દાખવી છે. આવી વ્યક્તિઓ છે જેણે વ્યાવહારિક અને આધ્યાત્મિક સમસ્યાઓમાં અદમ્ય હિંમત દાખવી છે. આવી વ્યક્તિઓને એક પ્રતિનિધિ નિદર્શ ગણી તેના પરથી સિદ્ધાંત તારવી, સમષ્ટિને લાગુ પાડે તે યથાર્થ તર્ક.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એમના ભગીરથ કાર્યમાં આંશિક પણ મોળ્યપ દાખવી હોત કે 'આપણી સામે ૨૦૦૦ સાધુ અને આ મોટી સંસ્થા છે' તો ભક્તે સહિત ભગવાનની શુદ્ધ ઉપાસનાથી અને આ પ્રગટ સત્પુરુષથી દુનિયા વંચિત રહી જાત ! મહારાજના પૃથ્વી પરના પ્રાગટ્યનો મૂળ હેતુ માર્યો જાત ! તેમનું અવતાર કાર્ય અધૂરું ન રહી જાય એટલે જ મહારાજે કદાચ આ સત્પુરુષને પૃથ્વી પર મોકલ્યા હશે !
અમેરિકાની શોધમાં નીકળેલ કોલંબસની ખાનગી નોંધોમાંથી કેટલીક એવી નોંધે છે જેનાથી તેની અતૂટ શ્રદ્ધા એ હિંમતનો અણસાર આપણને મળે છે. આટલાંટિક મહાસાગરનાં અણપ્રીછ્યાં જળમાં તેનાં તૂટેલાં--ફૂટેલાં વહાણો, કાફલાના લોથ-પોથ થાકેલા, કંટાળેલા, બળવો કરવાની તૈયારીમાં ગૂંથાયેલા સાથીઓ, મંઝિલનાં કોઈ એંધાણ નહીં અને છતાં શ્રદ્ધા અને હિંમતથી તે આગળ ધપતો જ રહ્યો, તેને કોઈ શંકા ન થઈ કે દરિયો પાર થશે કે નહીં અને મંઝિલે પહોંચીને જ જંપ્યો.
જો આપણને સૌથી વધુ હાનિ પહોંચાડતી હોય તો તે છે આપણી કાયરતા, ધ્યેયપ્રાપ્તિ અંગેની આપણી શંકા-કુશંકા. ઇતિહાસનાં કેટલાંક તારણોમાંનું એક તારણ એ છે કે મોટે ભાગે વ્યક્તિને આકાશ, ધરતી કે હવામાનની ખફગી કરતાં તેની પોતાની શંકા, અશ્રદ્ધા, કાયરતા વધુ નિષ્ફળ બનાવે છે. નેપોલિયને પોતાની જિંદગી વિષે પોતે જ અવલોકન કર્યું છે કે 'મારી જાતને મારા સિવાય બીજા કોઈએ કશું નુકસાન કર્યું નથી.'
અ.નિ. પૂજ્ય સંત સ્વામી ડાંગરવાના બે ભાઈઓ - અંગરોજી અને અમરોજીની વાત કરતા. એક વાર નંદાસણ ગામથી મુસ્લિમો ચઢી આવ્યા. ગામમાં કોઈ દરબાર નહીં. બંનેમાંથી એક ભાઈ ઢીલો પડી ગયો, 'આ લોકોનો સામનો કેવી રીતે કરી શકીશું ?' પણ બીજો ભાઈ મરણિયો થઈને મુસ્લિમો પર તૂટી પડ્યો ને બધાને ભગાડી મૂક્યા. ઘેર આવી એ પોતાનાં માતુશ્રીને પૂછ્યું કે 'મા ! આ મારો ભાઈ મોળું કેમ બોલ્યો ? કેમ પાછો પડ્યો ?'
વાત એમ હતી કે તે સાવ નાનો હતો ત્યારે તેની માતાને સ્તનનો રોગ થયેલો. એક વખત જ્યારે એ ભૂખ્યો થયો ત્યારે દાસીએ તેને સ્તનપાન કરાવી દીધું. તેની માને આ ખબર પડતાં જ તેને બે પગે પકડી ઊંધો રાખ્યો જેથી દાસીનું ધાવણ નીકળી જાય. ધાવણ નીકળી તો ગયું પરંતુ તેનો ફોદો રહી ગયો. મહારાજનું આ વચનામૃતમાં એમ કહેવું છે કે જો આપણને આવો ફોદો રહી જાય તો પાછા પડવા વારો આવે. સ્વામી વિવેકાનંદ કહેતા કે જગતનાં સઘળાં પાપો અને અનિષ્ટોને એક જ શબ્દથી વર્ણવી શકાય એ તે શબ્દ છે 'કાયરતા.'
Know that all sins and all evils can be summed up in that one word ‘weakness.' It is weakness that is the motive power of all evil-doing. It is weakness that makes them manifest what they are not in reality.
કવિવર બ્રહ્માનંદે સાચે જ ગાયું છે કે
'હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે,
વિપતે વરતી રે, કે'દિ દીન વચન નવ ભાખે.'
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હિંમત રહિત વાતને ઝેર સાથે સરખાવતાં કહે છે કે 'એ તો સમજણા થયા, સત્સંગમાં સ્થિર થયા, હવે હિંમતથી વાત કરો, ઝેર થોડું પ્રસરે તોય કેટલાકને મારે ! મોળી વાત ઝેર જ છે.' એમનું કર્મઠ જીવન તો જુઓ. તેમના જીવનની પ્રત્યેક પળ વિશ્વને શ્રદ્ધા, હિંમત અને વિશ્વાસનો પેગામ પહોંચાડે છે.
જે હિંમત દાખવે, નિયમ-પાલનમાં ક્યાંય બાંધછોડ ન કરે એવા મુમુક્ષુ પર ભગવાન પણ રીઝે છે. ‘The God seeks comrades and claims love. The devil seeks slaves and claims obedience.’
આવો, આપણે પણ ભગવાન સ્વામિનારાયણનાં આ અમૃતવચનોને અંતરમાં અંકિત કરી, તેમની અને તેમની પરાભક્તિમાં લીન એવા સંતવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રસન્નતાના અધિકારી બનીએ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS