Essay Archives

અહીં યાદ આવે છે, 1951-60નાં વર્ષોમાં યોગીજી મહારાજના સાંનિધ્યમાં ‘નવ યોગેશ્વર’ તરીકે ઓળખાતા એ સંતોની આધ્યાત્મિક મજલ.
એ સમયે યોગીજી મહારાજના દિવ્ય પ્રેમમય આકર્ષણથી આકર્ષાઈને કેટલાક વિદ્યાર્થી યુવાનો રજાઓમાં એમની સાથે ગામડે ફરતા, મંદિરોમાં સેવા કરતા અને નિકટના સાંનિધ્યનો લાભ લેતા. સાથે ફરતા યુવકોને યોગીજી મહારાજ એમની સાદી-સરળ અનુભવ વાણીનો લાભ આપતા. ગામઠી લાગતી એ વાણીમાં વિદ્વત્તા નહોતી, પણ તે વાણી આચરણમાંથી નીતરતી હતી. આથી એ બ્રહ્મનાદ યુવકોનાં હૃદયને ભીંજવી જતો. યોગીજી મહારાજ આ યુવાનોને સંબોધીને અનેક વાર ઉચ્ચારતા કે ‘તમને બધાને બ્રહ્મવિદ્યાની કૉલેજમાં ભણાવવા છે, એકાંતિક બનાવવા છે.’ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાંથી આવતા એ સુશિક્ષિત યુવાનો પાસે એમણે બ્રહ્મવિદ્યાની કૉલેજની વિભાવના મૂકી, ત્યારે એ યુવાનોને ખબર નહોતી, પણ યોગીજી મહારાજના મનમાં સ્પષ્ટ હતું કે ‘સૌને ત્યાગના પંથે ભગવા રંગે રંગવા છે.’
જો કે આ યુવકોમાં એવો વૈરાગ્ય નહોતો કે સહેલાઈથી સંસારનાં, મા-બાપનાં કે મહત્ત્વાકાંક્ષાઓનાં બંધનો છોડી શકે; પણ યોગીજી મહારાજમાં અપાર હેત અને અખૂટ વિશ્વાસને કારણે એક પછી એક યુવાન સંસારનાં બંધનો તોડીને, એમનાં ચરણે સમર્પિત થતો ગયો. તેમાં સૌ પ્રથમ યાહોમ થનારા હતા - આણંદના વિનુભાઈ, મહંત સ્વામી મહારાજ! એગ્રીકલ્ચરલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈને 1957માં તેમણે યોગીજી મહારાજ પાસે સૌ પ્રથમ દીક્ષા ગ્રહણ કરી. તેમના આ સમર્પણમાંથી ઘણાને પ્રેરણા મળી. બીજા પણ કેટલાક યુવાનો તૈયાર હતા. આ પૈકી છ યુવકો માટે યોગીજી મહારાજે ઘાટકોપરમાં ‘બાલાજી આશ્રમ’માં એક નાનકડી ઓરડીમાં રહેવા-કરવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરી, તેમને અહીંની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણવા મૂકી દીધા. એટલું જ નહીં, તેમને તાલીમરૂપે સાધુ તરીકેના કેટલાક કડક નિયમો પણ આપી દીધા! મુંબઈના હરિભક્તોને ભલામણ કરી કે ‘આ યુવકોને સાચવવા. કોઈ તકલીફ ન પડે તેનું પૂરું ધ્યાન રાખવું.’ તેમને કથાવાર્તાનું પોષણ આપવા માટે ભક્તરાજ હર્ષદભાઈ દવેને આજ્ઞા કરી.
થોડા જ સમયમાં યોગીજી મહારાજે નિર્ધારેલો દિવસ આવી ગયો. તા. 3-7-1960, અષાઢ સુદ 9ની પવિત્ર તિથિ હતી. યોગીજી મહારાજે નવ યુવાનોને મુંબઈની કપોળવાડીમાં ત્યાગાશ્રમની પાર્ષદી દીક્ષા આપી એક ઇતિહાસ રચી દીધો. પોતાના વચને જીવન સમર્પણ કરી રહેલા આ નવલોહિયા નવદીક્ષિતોને જોઈને સ્વામીશ્રીનાં અંગેઅંગમાં હેતના ઊભરા આવતા હતા. વેદમંત્રોના ધ્વનિ વચ્ચે દીક્ષાર્થી યુવકો પાસે ઠાકોરજીનું પૂજન કરાવીને તેમણે 9 યુવકોને જનોઈ, કંઠી, ઉપવસ્ત્ર તથા પાઘ ધારણ કરાવી, તિલક કરી, કાનમાં ગુરુમંત્ર આપી તેમને ‘નવ યોગેશ્વર’ તરીકે જાહેર કર્યા. વિનુ ભગત(મહંત સ્વામી મહારાજ) સાથે રણછોડ ભગત, નિરંજન ભગત, અરુણ ભગત, મહેન્દ્ર ભગત, નારાયણ ભગત, અનુપમ ભગત, મધુ ભગત અને સૂર્યકાંત ભગત એમ સૌનાં નામાભિધાન થયાં.
આ દીક્ષા બાદ વિનુ ભગતના નેતૃત્વમાં નવ દીક્ષિતોને પુનઃ સંસ્કૃત અભ્યાસ માટે મુંબઈમાં જ રોકીને યોગીજી મહારાજ તેમના પૂર્વવત્‌ વિચરણમાં નીકળી પડ્યા, પરંતુ તેઓ મુંબઈથી નીકળી, સંતોથી જુદા પડ્યા અને તુરત તેમના પત્રોની પરંપરા વહેવા લાગી. લગભગ એકાંતરા એમનો પત્ર આવી જ ગયો હોય. જુઓ તેમના એ ઉત્સાહભર્યા પત્રોના કેટલાક અંશોઃ
‘સંતો! તમારે માટે મેં વિનુ ભગત તમારી પાસે રાખ્યા છે, તેમની મર્યાદા સાચવવી. મારે તો એક જ મુદ્દો છે - તમ દુવારે(દ્વારે) આખો સંપ્રદાય ચલાવવો છે... તમારી સાથે સ્વામીશ્રીજી તથા ભગતજી મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ છે.’
‘તમામને એવું બળ મહારાજ તથા સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજ આપશે, આખું બ્રહ્માંડ ડોલશે. આપણે છેલ્લો જન્મ કરીને આવરદા હવે પૂરી કરીને સ્વામીશ્રીજીને દેહ અર્પણ કર્યો છે. તેથી સ્વામીશ્રીજી, સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઘણા જ રાજી થઈ ગયા છે. તો હવે આપ રાજી રહેશો.’

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS