સતત બદલાતા રહેવું, સતત પરિવર્તનશીલ રહેવું — એ જગતનો સ્વભાવ છે. પરંતુ એ આવનારું પરિવર્તન કેવું હશે? એની દૂરોગામી અને નિકટવર્તી અસરો કેવી હશે? તેની સાથેના વિપરીત સંજોગોમાં નિશ્ચલ રહેવા માટે કેવાં પગલાં ભરવાં જોઈએ? એ બધી પરખમાં માહેર હોવાની હેસિયત સામાન્ય માનવી કે સરેરાશ નેતાઓમાં નથી હોતી. એટલે જ અનેક સંસ્થાના સૂત્રધારો એ પરિવર્તનને ઝીરવી શકતા નથી અને તે સંસ્થાનો સૂર્ય આથમી જાય છે.
પરંતુ શાસ્ત્રીજી મહારાજ એ બધાથી કંઈક અલગ ઊંચાઈએ હતા. વાત બીજા વિશ્વયુદ્ધની હોય કે આઝાદીના જંગની હોય, એમણે સમયે સમયે પરિવર્તનના આગોતરા શંખ ફૂંક્યા હતા. 'ખબર નહિ પલની ને વાત કરે કલની...' એવી જમાતો વચ્ચે શાસ્ત્રીજી મહારાજને પળપળનું બધું જ 'हस्तामलकवत्' હતું. સને ૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધ વખતે શાસ્ત્રીજી મહારાજે ખેંગારજીભાઈને કહ્યું હતું : 'અંગ્રેજો જીતશે. હાલ તો જર્મનો યુરોપમાં તથા આફ્રિકામાં ખૂબ જોર બતાવે છે, પણ ધીરજ રાખો અને જોયા કરો.' ને ખરેખર જર્મનો હાર્યા !
શાસ્ત્રીજી મહારાજ ત્રિકાળદર્શી પુરુષ હતા. સને ૧૯૪૭માં જૂન મહિનામાં તેમણે આઝાદી પૂર્વે જ કરાચી પારાયણ વખતે હરિભક્તોને ભાવિકથન કહ્યું હતું કે 'મહાકાળ આવે છે. સૌ અહીં જે કાંઈ હોય તે છોડીને દેશમાં આવી જજો.' ને ખરેખર આઝાદી પછી ભાગલા પડ્યા ને હિંસાનો મહાતાંડવ રમાયો હતો.
હજુ તો વરતાલવાસીઓ અને જૂની પરંપરાના હરિભક્તોને તેમની સૂકલકડી કાયાનું તેજ સમજ્યામાં આવ્યું નહોતું અને 'દીવાલ પરનું ઘાસ' કહીને તેમની સામાન્યતાનાં ગાણાં ગાતા હતા, ત્યારે તેમણે બોચાસણમાં રામજી મંદિરની શ્રીજીમહારાજની પ્રસાદીની રામ-લક્ષ્મણની મૂર્તિઓ ઉગમણે મુખારવિંદે એક નાના ખોરડામાં પધરાવતાં કહ્યું હતું: 'બોચાસણમાં મોટું શિખરબદ્ધ મંદિર થશે અને સર્વોપરી અક્ષરપુરુષોત્તમ મહારાજ મધ્યમંદિરે વિરાજશે ત્યારે આ મૂર્તિઓની સાથે પ્રતિષ્ઠા કરીશું.'
ઝવેરભાઈએ પૂછ્યું : 'મંદિર ક્યારે થશે ને કોણ જોશે?'
શાસ્ત્રીજી મહારાજ કહે : 'બે-ત્રણ વર્ષમાં થશે અને તમે જોશો! વરતાલમાં બદરીતળે નરનારાયણે પાંચ વર્ષ તપ કર્યું ત્યારે લક્ષ્મીનારાયણ શિખરબદ્ધ મંદિરમાં વિરાજ્યા. તેમજ અહીં પણ આ રામ-લક્ષ્મણ તપ કરશે. તેમના તપે કરીને મહારાજ ધામ સહિત અહીં વિરાજશે.'
મહાપરિવર્તનની એ આગાહી હતી. અને તેમ જ થયું. શાસ્ત્રીજી મહારાજની અગમ વાણી સત્ય ઠરી. બોચાસણમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ વિરાજ્યા. અને પછી સ્વામિનારાયણ સંપ્રદાયે વિકાસના પરિવર્તનનો કેવો મહાયુગ નીરખ્યો !
શાસ્ત્રીજી મહારાજ પરિવર્તનની આગોતરી પરખ ધરાવનારા આર્ષદ્રષ્ટા પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજને નિયુક્ત કર્યા ત્યારે સંસ્થાના પરિવર્તનનો એક નવો યુગ તેમણે ભાખી લીધો હતોઃ 'સંસ્થાને હું કાયમનું સુખ કરતો જાઉં છું.' તેમની એ આર્ષદૃષ્ટિની કમાલ આજે પણ આપણને નતમસ્તક બનાવે છે.
'અમે તો જઈશું અહીંથી પણ,
પણ કરી ગયા તે કમાલ રહેશે...'