Essays Archives

નક્કર વૈજ્ઞાનિક ઘટના

પુનર્જન્મવાદની હિન્દુ માન્યતાને વિજ્ઞાનની સરાણ પર ચકાસવા માટે 40 વર્ષ સુધી મહેનત કરનાર વિખ્યાત અમેરિકન પરા-મનોવિજ્ઞાની ઈયાન સ્ટીવન્સન વિશે ઘણું બધું લખાયું છે.
તા. 11 ફેબ્રુઆરી, 2007નું અમેરિકન વર્તમાનપત્ર વૉશિંગ્ટન પોસ્ટ, ‘જર્નલ ઓફ નર્વ્ઝ એન્ડ મેન્ટલ ડિસિઝીઝ’ના તંત્રીને ટાંકતાં કહે છે : ‘શ્રી સ્ટીવન્સન પદ્ધતિસરના, ચોકસાઈભર્યા અને ખૂબ સાવચેત-ચપળ સંશોધક છે.’
તમામ કિસ્સાઓને તમામ શંકાઓની નજરે નિહાળ્યા અને ચકાસ્યા પછી, સસ્તી પ્રસિદ્ધિ કે પૈસાની લાલચે આવા બનાવટી કિસ્સાઓની બાદબાકી કર્યા પછી, જેને ‘સાયન્ટિફિક એવિડન્સ’ તરીકે સ્વીકારી શકાય એવી ‘મેથોડોલોજી’ સાથે તેમણે અને અન્ય વિજ્ઞાનીઓએ કિસ્સાઓ રજૂ કર્યા છે, જે પુનર્જન્મવાદના સચોટ પુરાવાઓ બની રહ્યા છે.
ડૉ. સ્ટીવન્સન કહે છે કે સૂક્ષ્મ ચોકસાઈભરી પદ્ધતિથી, એક પછી એક તમામ કારણોની બાદબાકી કરીને, આવી ઘટના માટે આપી શકાય એવું એક પણ કારણ કોઈ પણ દૃષ્ટિએ બાકી ન રહ્યું, ત્યાર પછી જ દરેક કિસ્સામાં અમારું સંશોધનકાર્ય તે દિશામાં અમે આગળ વધાર્યું છે.’ જેમ કે કોઈ ગરીબ પરિવારનું બાળક, પૈસાદાર-પરિવારના પૂર્વજન્મ તરીકે માહિતી બોલતો હોય તો કદાચ તેના પરિવારને પૈસાની લાલચ હોય કે તેને દત્તક લેવરાવવાની વૃત્તિ હોય અને તેના કારણે તેમની ગોખાવેલી બાબતો મુજબ બાળક આમ નહીં બોલતો હોય ને !
સ્ટીવન્સન કહે છે : ‘ભારતમાં એક ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક બાળકીએ તેના પૂર્વજન્મની સ્મૃતિઓ ઉખેળવા માંડી, અને તેમાં તેનો પૂર્વજન્મ એક હરિજન સફાઈ કામદારના સૌથી નિમ્નકક્ષાના પરિવારમાં પુરવાર થયો હતો. આમ સ્વભાવે ખૂબ વહાલી લાગે તેવી આ બાળકીમાં, તેના પરિવારને ચીતરી ચઢે તેવી કુટેવો પણ જોવા મળી ! જેમ કે આ ચુસ્ત શાકાહારી પરિવારમાં, આ બાળકી વારે વારે ડુક્કરનું માંસ ખાવા માગતી હતી ! અને ઘરમાં કોઈ નહોતું કરતું તેવું કામ તે સ્વેચ્છાએ ઉત્સુકતાપૂર્વક કરવા માંડતી - જેમ કે નાનાં બાળકોનો મળ ઉપાડવાનું કામ !’
આવી ઘટનામાં પુનર્જન્મ સિવાય બીજું કોઈ જ કારણ સંભવી શકતું નથી - એમ માનતા વિજ્ઞાની સ્ટીવન્સન કહે છે : આવી અનેક ઘટનાઓ ચકાસ્યા પછી ‘હું એવા તારણ પર આવ્યો છું કે, આવા મજબૂત કિસ્સાઓ પાછળ પુનર્જન્મ એ માત્ર કારણ નથી, પરંતુ મજબૂત કિસ્સાઓમાં તે એક જ અમારી પાસે સર્વશ્રેષ્ઠ કારણ છે.’
'Twenty Cases Suggestive of Reincarnation', 'Cases of the Reincarnation Type, Vol. I to IV', 'European Cases of the Reincarnation Type' વગેરે સંશોધનાત્મક પુસ્તકો લખનાર ડૉ. સ્ટીવન્સન પાસે આવા કિસ્સાઓની લાંબી હારમાળા છે.

નક્કર આધારોની શિલા

'આવી અનેક ઘટનાઓ ચકાસ્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે, આવા મજબૂત કિસ્સાઓ પાછળ પુનર્જન્મ એ માત્ર કારણ નથી, પરંતુ મજબૂત કિસ્સાઓમાં તે એક જ અમારી પાસે સર્વશ્રેષ્ઠ કારણ છે.’
- સતત 40 વર્ષ પુનર્જન્મના વિષયના સંશોધનમાં જ ખપાવી દેનાર પ્રસિદ્ધ અમેરિકન વિજ્ઞાની ડૉ. ઇઆન સ્ટીવન્સને 3,000 કિસ્સાઓ ચકાસ્યા પછી આ વૈજ્ઞાનિક તારણ આપ્યું છે. પુનર્જન્મ એ હિન્દુ ધર્મનો પાયાનો એક પ્રાચીન સિદ્ધાન્ત છે, પરંતુ પશ્ચિમી દુનિયાના વિજ્ઞાનીઓ પણ તેને સમર્થન આપતા થયા છે.
ડૉ. સ્ટીવન્સને  પુરવાર કરેલા આવા કિસ્સાઓમાં ભારતમાં સ્વર્ણલતા, શાંતિદેવી જેવા અનેક કિસ્સાઓ પ્રસિદ્ધ છે. ત્રણ વર્ષની ઉંમરે સ્વર્ણલતાએ અને ચાર વર્ષની ઉંમરે શાંતિદેવીએ પોતાના નિવાસસ્થાનથી કેટલાય કિલોમીટર દૂરનાં ગામોમાં પોતાના પૂર્વજીવનનાં એંધાણો આપ્યાં, એટલું જ નહીં, પોતાના પૂર્વજીવનનાં સંતાનો અને ઘરનાં અનેક સભ્યોને નામ-ઠામ સહિત પ્રથમ નજરે જ ઓળખી કાઢીને સૌને અચંબામાં નાંખી દીધા હતા.
ડૉ. સ્ટીવન્સન અને ધ વોશિંગ્ટન પોસ્ટના રવિપૂર્તિના ઍડિટર ટોમ શ્રૅડરે કરેલા સંયુક્ત પ્રયાસ રૂપે પ્રકાશિત થયેલું પુસ્તક ‘Old souls' પણ જગવિખ્યાત છે. (Shroder, Tom. 1999, Old Souls : The Scientific Evidence for Past Lives. Simson and Shuster, NY, USA.) તેમાં આવાં બાળકોના અનુભવોની ભરમાર છે.
આ બાળકોએ આપેલી માહિતીઓમાં, માત્ર પૂર્વ મૃત વ્યક્તિનું નામ જ નહીં, તેની રહેણીકરણીથી માંડીને, તેના અંગત જીવનની એટલી સૂક્ષ્મ માહિતી હતી કે જેની જાણ તેના અંગતમાં અંગત સ્વજન સિવાય કોઈને ન હોય ! અને આવા તો હજારો કિસ્સાઓ..
પુનર્જન્મના આવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિકોએ ઉંમરની બાબતમાં મહત્ત્વની કડી શોધી. સામાન્ય રીતે ત્રણેક વર્ષની ઉંમરે બાળકને પૂર્વ જન્મની સ્મૃતિઓ અચાનક ખીલવા લાગે છે અને પૂર્વજન્મની વાતો કરવા માંડે છે અને સાતેક વર્ષની ઉંમર સુધી આ સ્મૃતિઓ જળવાય છે. સાત વર્ષ પછી તે પૂર્વજન્મનું ભાથું ભૂલવા લાગે છે.
ડૉ. સ્ટીવન્સનનાં સંશોધનોમાં ઊડીને આંખે વળગે એવી એક વાત, સૌને પુનર્જન્મના મુદ્દા પર વિચાર કરતાં કરી મૂકે છે.
સને 1997માં તેમણે ત્રણ ભાગમાં બે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે : ‘બાયોલોજી એન્ડ રિઇન્કારનેશન’ તથા ‘વ્હેર બાયોલોજી એન્ડ રિઇન્કારનેશન ઇન્ટરસેક્ટ.’
અઢી હજાર કિસ્સાઓનો કમ્પ્યૂટરાઇઝ્‌ડ ડેટાબેઝ બનાવીને સ્ટીવન્સને આ પુસ્તકોમાં સંશોધનો રજૂ કર્યાં છે. બાળકને જન્મજાત આવતી ખોડખાંપણ કે શરીર પરનાં કેટલાંક ચિહ્‌નો અને તેના પૂર્વજન્મને કાંઈ લેવાદેવા છે? સ્ટીવન્સન પાસે તેનો જવાબ તૈયાર છે : હા ! ગયા જન્મમાં મૃતકના શરીર પર કોઈ મોતકારક ઘા કે કોઈ જખ્મ થયા હોય તેની અસર આ જન્મના શરીર પર દેખાઈ શકે છે.
કેવી રીતે ? 
વધુ આવતા અંકે...
 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS