ન્યુજર્સીમાં, સ્વામીશ્રીની અધ્યક્ષતામાં ભવ્ય કલ્ચરલ ફૅસ્ટિવલ આૅફ ઈન્ડિયા ઊજવાઈ રહ્યો હતો. ઉત્સવના સ્થળ પર જ સ્વામીશ્રી રોકાતા હતા. દરરોજ તેઓ ભોજન પણ ત્યાં જ લેતા. આ દિવસોમાં એક વખત હું તેઓની સેવામાં જોડાયો હતો. સ્વામીશ્રી જમી લે પછી રોજ મીઠાના પાણીના કોગળા કરે છે. મેં એક દિવસ રોજ પ્રમાણે પાણી આપ્યું. તેના કોગળા કરી સ્વામીશ્રીએ બે વખત મને પૂછ્યું, 'આ મીઠું છે ?'
મેં કહ્યું, 'હા, આજે નવું જ બૉટલમાં ભર્યું છે !'
સ્વામીશ્રી મૌન રહ્યા, ને ફરી બધા જ પાણીના કોગળા કરી લીધા. પરંતુ સ્વામીશ્રીએ બે વખત પૂછેલું એટલે મને શંકા પડેલી. તેથી રસોડામાં જઈને તરત જ એ બૉટલમાંથી ચાખી જોયું તો ખબર પડી કે એ મીઠું નહોતું લીંબુનાં ફૂલ હતાં ! સાયટ્રિક ઍસિડ હતો !! સહનશીલતાની કેવી ચરમસીમા!
મારી સ્મૃતિના ઘણા પ્રસંગો આનંદમાં ઉમેરો કરે તેવા છે પણ આ પ્રસંગ સંભારતાં દુઃખ થઈ આવે છે. આપણી કેટલી બધી બેદરકારીને સ્વામીશ્રી વિશ્વાસના, વાત્સલ્યના અને સાધુતાના આવરણ નીચે ચાલવા દે છે ! ચલાવી લે છે ! કોઈ જ ઠપકો નહીં, શબ્દ પણ નહીં, અરે, ફરી એ પ્રસંગ સંભાર્યો પણ નથી !!