Essay Archives

...પણ તમે કેવા સત્સંગી થયા ?

એકાંતિક ધર્મથી રાજીપો...

એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એટલે જીવનમાં આ ચાર વિરલ આધ્યાત્મિક ગુણોનો સમન્વય સિદ્ધ કરવો : સદાચાર રૂપી ધર્મ, આત્મા-પરમાત્માનું જ્ઞાન, પંચવિષયમાં વૈરાગ્ય અને મહિમા સહિત પરમાત્માની ભક્તિ. આ પૃથ્વી પર શ્રીહરિનું પ્રાગટ્ય એકાંતિક ધર્મના સ્થાપન માટે થયું હતું. જેણે જેણે એ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો તે સૌના પર તેમનો પ્રસન્નતાનો ધોધ વહ્યો હતો. અહીં એકાંતિક ધર્મ દ્વારા શ્રીહરિને અપાર રિઝવનારા ભક્તનું પુણ્ય સ્મરણ છે.
એક દિવસ બન્યું એવું કે શ્રીહરિ સંતો-ભક્તો સાથે વિચરણ કરતાં કરતાં ગોંડલ નજીક મેવાસા ગામે પધાર્યા હતા. ખળખળ વહેતી છાપરવડી નદીના કિનારે આ રમણીય ગામ વસેલું છે. નદીના કાંઠે નીરવ વાતાવરણમાં ‘વિદ્યયા અમૃતમશ્નુતે’ (વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય છે.) એ પંક્તિને ચરિતાર્થ કરતા શ્રીહરિના બે પરમહંસ સંતો બેઠા છે. એક છે સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી અને બીજા છે સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી. બંને શાસ્ત્રોના ગહન વિષયોની ચર્ચા કરી રહ્યા છે. એટલામાં સંત-પાર્ષદોથી વીંટળાયેલા શ્વેતવસ્ત્રધારી શ્રીહરિ ત્યાં પધાર્યા. બંને સંતો પાસે જઈને બેઠા. શ્રીહરિએ ઠેરઠેર વિચરણ કરીને આવેલા બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે ‘સ્વામી, દેશમાં સત્સંગ કેવો થયો છે ?’ બ્રહ્માનંદ સ્વામી તો ઉત્સાહથી કહે, ‘સત્સંગ તો બહુ થયો છે.’
શ્રીહરિએ તરત પૂછ્યું, ‘અને તમે કેવા સત્સંગી થયા છો ?’
ક્ષણમાં જ બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા, મહારાજ આજે કંઈ નવો બોધ આપવા ઇચ્છે છે. છતાં તેમણે મલકાતાં કહ્યું, ‘અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ.’
અને વાત પણ કોઈને પણ સાચી મનાય એવી છે, કારણ કે સમર્થ કવિરાજ બ્રહ્માનંદ સ્વામી કંઈક ધન-સંપત્તિ, સન્માનો અને મોટા મોટા મહારાજાઓનાં આમંત્રણ ઠેલીને સાધુ થયા હતા. આંખના પલકારામાં શ્રીહરિની મૂર્તિનાં અદ્‌ભુત કીર્તનો બનાવતા એવું એમનું કવિત્વ. જૂનાગઢમાં એમના સ્પર્શ માત્રે ઘોડાનો ઉન્માદ શમી ગયો હતો, એવી એમની સાધુતાસભર પ્રતિભા. અને મુક્તાનંદ સ્વામી તો સત્સંગની મા ગણાતા. એમની સાધુતા ભલભલાને નતમસ્તક બનાવી દેતી. બ્રહ્મચર્ય પાળવા તેઓ કેટલી ઉચ્ચ મુમુક્ષુતા રાખીને સંસાર છોડીને ચાલી નીકળ્યા હતા ! એવા મહાન સંતો ખરેખરા સત્સંગી હોય જ, એમાં વળી કોઈને શું શંકા થાય !
પરંતુ શ્રીહરિ આજે કોઈ જુદી ઊંચાઈએ લઈ જવા ઇચ્છતા હતા. તેમણે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, ‘સ્વામી, તમે તો હજુ ગુણબુદ્ધિવાળા સત્સંગી છો. (ગુણબુદ્ધિવાળા એટલે જેની બુદ્ધિમાં માયાના ગુણોનો ભાવ રહી જાય છે તે)ને ખરેખરા સત્સંગી થયા હો તો કહો, અમે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ ?’
ભલભલા વિદ્વાનોના અઘરા પ્રશ્નોના ચપટીમાં જવાબ આપનારા શતાવધાની બ્રહ્માનંદ સ્વામીને આનો ઉત્તર આપવો અઘરો પડ્યો. તેઓ હાથ જોડી કહે, ‘ના મહારાજ ! એવા સત્સંગી તે નથી થયા.’
ત્યારે શ્રીહરિ કહે, ‘અમારા ખરેખરા સત્સંગી તો ગોરધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે. તે તો અમને ત્રણે અવસ્થામાં નિરંતર દેખે છે.’ કોઈને પણ પ્રશ્ન થાય કે ભગવાં લૂગડે શોભતા સાધુ કરતાં સામાન્ય લાગતા ગૃહસ્થ ઉપર શ્રીહરિનો અધિક રાજીપો કઈ રીતે થઈ શકે ? શાસ્ત્રમાં પારંગત વિદ્વાન કરતાં અભણ ગૃહસ્થ હરિભક્ત ઉપર શ્રીહરિ અધિક રાજી કઈ રીતે હોઈ શકે ? સ્ત્રી-ધનના ત્યાગી કરતાં સંસારમાં ગૂંથાયેલા ગૃહસ્થ ઉપર શ્રીહરિનો અધિક રાજીપો કેવી રીતે થઈ શકે ? સત્સંગમાં પહેલી પંક્તિમાં બિરાજતા સદ્‌ગુરુ સંતો કરતાં, સૌથી છેલ્લી પંક્તિમાં બેસતા ગૃહસ્થ ઉપર શ્રીજી અધિક રાજી કઈ રીતે હોઈ શકે ?
પરંતુ આજે બધાને સમજાયું, જો એકાંતિક ધર્મ સિદ્ધ કરે તો એમ પણ શક્ય બને. એ હોય તો, વર્ણ-આશ્રમ-વિદ્વત્તા-ધનસંપત્તિ-લૌકિક મહત્તાઓ, બધું જ તુચ્છ થઈ જાય છે. પર્વતભાઈ તથા ગોરધનભાઈએ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હતો. એટલે જ સર્વ રીતે સાધારણ દેખાતા હોવા છતાં તેઓ મહારાજની સર્વશ્રેષ્ઠ પ્રસન્નતાના અધિકારી બન્યા હતા. મહારાજ કહે છે, ‘તે બંને ત્રણે અવસ્થામાં અમને નિરંતર દેખે છે.’ મહારાજના આ વચનને આધારે આપણે જોઈએ કે તેમના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારેય એકાંતિક ધર્મનાં અંગ હતાં. માહાત્મ્ય સહિત ભક્તિથી બંને મહારાજની મૂર્તિમાં નિરંતર રત રહેતા. હાલતાં-ચાલતાં, નાતાં-ધોતાં, ખાતાં-પીતાં, અખંડ પ્રગટ ભગવાનના સ્મરણમાં રમમાણ રહેતા.
આ જ રહસ્ય હતું, શ્રીહરિની અપાર પ્રસન્નતાનું.
મુક્તાનંદ સ્વામી મહારાજની આ પ્રસન્નતાનો મર્મ પામી ગયા. તેમણે મહારાજને પૂછ્યું : ‘મહારાજ, એવા ખરેખરા એકાંતિક સત્સંગી કેમ થવાય અને આપનો રાજીપો કેમ થાય ?’  શ્રીહરિએ કહ્યું હતું, ‘એવા સત્સંગી તો, તો થવાય જો માયિક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરો તો એવા સત્સંગી થાઓ.’
હવે, સમજાઈ ગયું. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવું, એ જ શ્રીહરિની પ્રસન્નતાનો રાજમાર્ગ છે. બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિનાં ચરણમાં મસ્તક નમાવી એવી પ્રસન્નતા માટે યાચી રહ્યા..

મર્મચિંતન

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ 21માં શ્રીજીમહારાજ કોઈનાય પૂછ્યા વગર કૃપાવચન ઉચ્ચારતાં કહે છે : ‘જે હરિભકતના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા તથા એક ભગવાન વિના સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે માહાત્મ્યે સહિત એવી નિષ્કામ ભક્તિ એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ.’
સત્સંગિજીવન ગ્રંથમાં એકાંતિક ધર્મનું નિરૂપણ કરતાં તેઓ કહે છે કે ‘તે એકાંતિક ધર્મ આત્યંતિક કલ્યાણ જે સાક્ષાત્‌ ભગવાનનું ધામ તેને પમાડનારો છે. એકાંતિક ધર્મે યુક્ત પુરુષને એકાંતિક ભક્ત કહ્યા છે. સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ભગવાનને વિષે અનન્ય ભક્તિના લક્ષણવાળો એકાંતિક ધર્મ, થોડાક આત્મબળવાળા પુરુષે ધારવો અતિશય કઠણ છે. એ એકાંતિક ધર્મને ધારવાવાળા પુરુષ જે સમયે હોય છે તે સમયે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે, અને એ પુરુષ જ્યારે ન હોય ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે.
પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સંગ થકી અથવા તે ભગવાનના એકાંતિક ભક્તના સંગ થકી એકાંતિક ધર્મ પમાય છે, એ વિના બીજે કોઈ પ્રકારે ક્યારેય પણ એ એકાંતિક ધર્મ પમાતો નથી. (સત્સંગિજીવન : પ્ર. 4, અ. 67, શ્લો. 31થી 34)
આમ, એકાંતિક ધર્મની સિદ્ઘિ એ ભગવાનના રાજીપાનો ઉપાય છે.      

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS