Essay Archives

ગુરુઃ શાસ્ત્રના મર્મ ખોલનાર અને શ્રદ્ધા પ્રગટાવનાર

શાસ્ત્રકથિત સિદ્ધાંતને ઉકેલવા માટે અનુભવી પુરુષનો આધાર જરૂરી છે. કેવળ શબ્દકોશ કે વ્યાકરણનો આધાર લઈ શાસ્ત્ર સમજી શકાતાં નથી. એમાં પણ પરસ્પર વિરોધાભાસની ગૂંચ આવે, ત્યારે ગુરુ જ તેને ખોલીને મૂંઝવણ ટાળી નાખે છે. ‘વચનામૃત’ શાસ્ત્રમાં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ વિશે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વડતાલમાં સ્પષ્ટતા કરી આપી, ત્યારે આ ઉપદેશનું લેખન કરનાર શુકાનંદ સ્વામી પણ સાશ્ચર્ય આનંદ અનુભવતાં કહેવા લાગ્યા હતા, ‘આ વચનામૃત મહારાજે મને ઉદ્દેશીને કહ્યું છે, પરંતુ તે યથાર્થ તો આજે જ મને સમજાયું.’
શાસ્ત્રમાં પ્રતિપાદિત પારલૌકિક સત્યમાં શ્રદ્ધા પણ પ્રગટ ગુરુનાં દર્શનથી જ આવે છે. ગુરુની ઉપસ્થિતિ અંતરમાં આધ્યાત્મિક ચેતના પ્રગટાવે છે. વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ IIM અમદાવાદ, ઉદયપુર અને શિલોંગમાં અધ્યાપનની સેવા નિભાવતા પ્રો. ગોકુલ કામથને દક્ષિણ ભારતમાં બેંગ્લોર પાસેના એક આશ્રમમાં બિરાજતા પૂજ્ય શ્રી વિરાજેશ્વર સ્વામીના સત્સંગમાં શ્રદ્ધા જાગી હતી. તેમને ગુરુ તરીકે સ્વીકારી તેઓ જીવનમાં પ્રગતિ પામ્યા હતા. પરંતુ સન 2014માં ગુરુની ચિરવિદાય બાદ તેઓ આધ્યાત્મિક ખાલીપો અનુભવતા હતા. અનેક સ્થાનોમાં આ ખાલીપો ભરવા માટેના પ્રયત્નો બાદ સન 2018માં એક વિદ્યાર્થી દ્વારા તેમને ગોધરામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃપૂજામાં દર્શન કરવાનો યોગ સાંપડ્યો. આ પ્રસંગની અનુભૂતિ વર્ણવતાં તેઓ કહે છે, “I was really worried about my progress on the spiritual path. My guru left his body in 2014. The influence of maya and absence of my guru meant that I was slowly losing grip on spirituality. I was in fear that I might waste my life. After my guru's death I visited many respected sages before meeting with Mahant Swami Maharaj. They all are respecteds, but I didn't find the spark of God- realization in them. And I was feeling completely lost even while going for darshan of Mahant Swami Maharaj. I didn't have much hope. But, when Swamiji's car entered the premise my eyesight met his. For that fraction of time, I saw the clear, direct and compassionate answer in his eyes. 'You are looking for an answer. Here, I am' and that was an electrifying thing. In that glance I felt an ocean of compassion. Regardless of what you are or your background, I found my answer in his eyes; 'My blessings are with you, just don't worry.'
In pooja darshan, Swamiji was completely immersed in God. For forty-five minutes tears were coming from my eyes continuously. My previous births' sins which were bothering me... obstacles in my spiritual progress, I felt cleansing was happening. After that moment my spiritual journey started moving. He is at the level of God. God who walks through him.”  અર્થાત્ “આધ્યાત્મિક માર્ગમાં મારી પ્રગતિ માટે હું ખરેખર ચિંતિત હતો. મારા ગુરુએ 2014માં દેહત્યાગ કર્યો હતો. માયાના પ્રભાવ અને મારા ગુરુની વિદાયને લીધે હું ધીરે ધીરે આધ્યાત્મિકતા ગુમાવી રહ્યો હતો. મને એ ભય હતો કે મારું જીવન વેડફાઈ જશે. મારા ગુરુના નિર્વાણ પછી મહંત સ્વામી મહારાજને મળતાં પહેલાં હું ઘણા આદરણીય સંતોને મળ્યો હતો. તે બધા જ આદરણીય હતા, પરંતુ મને એમનામાં ભગવાનની અનુભૂતિનો પ્રકાશ દેખાયો નહોતો. જ્યારે હું મહંત સ્વામી મહારાજનાં દર્શન માટે જઈ રહ્યો હતો, ત્યારે પૂરેપૂરો અસમંજસમાં ડૂબેલો હતો. મને અહીં પણ વિશેષ આશા નહોતી. પરંતુ, જ્યારે સ્વામીજીની કાર પરિસરમાં પ્રવેશી, ત્યારે મારી આંખો તેમની સાથે મળી ગઈ. ક્ષણભરમાં મેં એમની આંખોમાં સ્પષ્ટ, સરળ અને કરુણાસભર પ્રત્યુત્તર જોયો, ‘તું જે જવાબ શોધે છે એ અહીં મારી પાસે છે.’ એ એક ઊર્જાપ્રેરક અનુભૂતિ હતી. એ દૃષ્ટિમાં મને કરુણાનો મહાસાગર અનુભવાયો. હું ગમે તે હોઉં, મારી પૃષ્ઠભૂ ગમે તે હોય, તેનાથી નિરપેક્ષ એવો ઉત્તર મને એમની આંખોમાં દેખાયો, ‘મારા આશીર્વાદ તારી સાથે છે. તું બિલકુલ ચિંતા કરીશ નહીં.’
પૂજા દરમ્યાન સ્વામીજી સંપૂર્ણપણે ભગવાનમાં નિમગ્ન બની ગયા હતા. પરંતુ હકીકતમાં તો ભગવાનના અસ્તિત્વથી એમનું અસ્તિત્વ જુદું હતું જ નહીં. બન્ને જુદા હતા જ નહીં. સતત 45 મિનીટ સુધી મારી આંખોમાંથી આંસુ વહેતાં રહ્યાં. મારા પૂર્વજન્મનાં પાપનો બોજ જાણે નીકળી ગયો, મારી આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે આવતાં આવરણો હટી ગયાં! મને લાગ્યું કે મારું શુદ્ધીકરણ થઈ રહ્યું છે. એ ક્ષણથી મારી આધ્યાત્મિક યાત્રા આગળ વધવા લાગી. તેઓ ભગવાનની કક્ષા પર વિરાજમાન છે. તેમના દ્વારા ભગવાન સ્વયં વિચરી રહ્યા છે.”
જ્યાં બુદ્ધિની તીક્ષ્ણતા અને શાસ્ત્રનું જ્ઞાન આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં ટૂંકા પડે છે, ત્યાં પ્રત્યક્ષ ગુરુનું સાન્નિધ્યમાત્ર શ્રદ્ધા પ્રગટાવે છે, તેનું આ ઉદાહરણ છે.

ગુરુઃ પોતાના આચરણથી શાસ્ત્રના અર્થ સમજાવનાર

શાસ્ત્રોમાં દર્શાવેલ સિદ્ધાંતો જોઈને શ્રેષ્ઠ મૂલ્યોનું શબ્દચિત્ર તો મળે છે, પરંતુ આ સિદ્ધાંતનું આચરણમાં કેવું સ્વરૂપ હોઈ શકે એ સમજવા માટે ગુરુનું જીવન નમૂનારૂપ બને છે. વળી, આ ફક્ત પોથીની વાતો નથી પરંતુ મનુષ્યદેહે આ રીતે જીવી શકાય છે એવી શ્રદ્ધા પણ ગુરુના જીવનમાંથી જ પ્રાપ્ત થાય છે. ગુરુના જીવન સામે જોતાં શાસ્ત્રના અર્થો ઉદ્ઘાટિત થાય છે. ઉદાહરણરૂપે, વચનામૃતમાં ભગવાનને સર્વકર્તા માનવાનો ઉપદેશ ભારપૂર્વક આપવામાં આવ્યો છે.  પરંતુ જ્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવન સામે જોવામાં આવે ત્યારે ભગવાનનું કર્તાપણું માનવું એટલે શું એ સ્પષ્ટ થાય છે. સૌ કોઈનો એ અનુભવ છે કે જ્યારે સૃષ્ટિનો આશ્ચર્યજનક વૈભવ દેખાય કે કોઈ વ્યક્તિની અદ્ભુત પ્રતિભા નજરમાં આવે ત્યારે પ્રમુખસ્વામી મહારાજની વાણી અને વિચારોમાં - ભગવાનની જ આ સર્જનશક્તિ છે - એ મહિમા પ્રગટ થયો જ હોય. જ્યારે કોઈ કાર્ય સંપન્ન કરવાનું હોય ત્યારે પ્રાર્થનારૂપે ભગવાનના કર્તૃત્વ પ્રત્યેની એમની શ્રદ્ધાનું દર્શન થયું જ હોય. જ્યારે સફળતા કે સન્માન મળે ત્યારે, ‘મેં કંઈ જ નથી કર્યું, બધું જ ભગવાન અને ગુરુના પ્રતાપથી થયું છે’ - એવો રણકાર એમના અંતરમાંથી આવ્યો જ હોય. જ્યારે નિષ્ફળતા, દુઃખ કે અપમાનનો પ્રસંગ આવે ત્યારે, ‘જે થાય છે તે ભગવાનની ઇચ્છાથી અને સારા માટે જ થાય છે’ - એ પ્રતીતિ એમના પ્રતિભાવમાં વણાયેલી જ હોય. જ્યારે કોઈ વ્યક્તિ તરફથી એમને વેઠવાનું આવે ત્યારે પણ ‘કોઈ કોઈનું સુધારતું કે બગાડતું નથી, દરેકમાં રહીને ભગવાન જ આપણી પરીક્ષા લે છે’ એવી સમજણ એમના જીવનમાં જોવા મળી જ હોય. આ રીતે શાસ્ત્રમાં દર્શાવાયેલા ભગવાનના કર્તાપણાના સિદ્ધાંતને આચરણમાં ઉતારવો એટલે શું તેનું સમગ્ર ચિત્ર પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જ મળે છે. આથી, શાસ્ત્ર યથાર્થ રીતે સમજવા માટે અને આચરણમાં મૂકવા માટે ગુરુનું જીવન જોવું જ પડે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજી પ્રમુખસ્વામી મહારાજ વિષે પોતાની અનુભૂતિ વર્ણવતાં કહે છે, ‘મેં શાસ્ત્રો વાચ્યાં નથી, પરંતુ જીવનનું શાસ્ત્ર પ્રમુખસ્વામી મહારાજરૂપે નજર સમક્ષ જોયું છે. પ્રમુખસ્વામી મહારાજને હું જ્યારે-જ્યારે મળ્યો છું, ત્યારે પ્રત્યક્ષ એ અનુભવ કર્યો છે.’
શાસ્ત્રના સિદ્ધાંતો ગુરુ દ્વારા જીવાતા હોવાથી ગુરુ એ જીવંત શાસ્ત્ર છે અને એટલે જ એ મુમુક્ષુ માટે કોઈ પણ ગ્રંથ કરતાં વિશેષ બની રહે છે. આથી જ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ પ્રમુખસ્વામી મહારાજને શિક્ષાપત્રીનું મૂર્તિમાન સ્વરૂપ કહેતા અને પૂજ્ય ડોંગરેજી મહારાજ યોગીજી મહારાજને ‘ભાગવતસ્વરૂપ સંત’  કહેતા. શાસ્ત્રનું અધ્યયન કરનાર કે ન કરનાર બંને માટે પ્રત્યક્ષ ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે એ વાત આના પરથી સમજાય છે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS