સાધુતા જેનામાં ઠાંસોઠાંસ ભરેલી હોય તે સાચા સાધુ છે. છેલ્લાં ૫૦ કરતાંય વધુ વર્ષોથી અનુભવું છું કે એવા સાધુ પ્રમુખસ્વામી મહારાજ છે. સ્વામીશ્રીનો સૌપ્રથમ યોગ મને ૧૯૫૯માં અટલાદરા મંદિરમાં મને થયો હતો. હું તે સમયે મુંબઈમાં વી.જે.ટી.આઈ. એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતો હતો અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને મળવા માટે નીકળેલો. યોગીજી મહારાજ અટલાદરાની આજુબાજુ વિચરણ કરતા હતા એટલે અટલાદરાથી બધા સમાચાર મળશે તેમ જાણી અટલાદરા આવેલો. કોને પૂછવું તે વિચારમાં હતો ત્યાં પ્રમુખસ્વામી મહારાજ ત્યાં પધાર્યા ને મેં તેઓને પૂછ્યું : 'યોગીજી મહારાજ અત્યારે ક્યાં મળશે ?' સ્વામીશ્રીએ કહ્યું : 'યોગીજી મહારાજ જંબુસરમાં બિરાજે છે ને બસ દ્વારા જઈ શકાશે.' બસના સમયની વાર હતી તેથી સ્વામીશ્રીએ મને કહ્યું : 'અહીં આવો, બેસો.' એમ કહેતાં તેમણે મને ખૂબ પ્રેમથી આવકાર્યો અને હાલના સભામંડપનાં પગથિયાં ચઢીને તુરત જે પંખો છે તેની નીચે અમે બંને બેઠા. સ્નેહપૂર્વક સ્વામીશ્રીએ મારી સાથે ગોષ્ઠિ શરૂ કરી : શ્રીજીમહારાજનો કેવો દિવ્ય પ્રતાપ હતો ! પરમહંસોએ તેમજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે દુઃખ સહન કર્યાં ને અત્યારે આપણે પંખા નીચે બેઠા છીએ તે કેવું સુખ છે ! સત્સંગમાં ટકવા માટે સત્પુરુષમાં હેત કરવું, કોઈની મોળી વાત ન સાંભળવી. ગુણગ્રાહક થવું તો સત્સંગમાં વૃદ્ધિ પમાય, સત્સંગના એવા પાયાના સિદ્ધાંતોની દૃઢતા એમણે મને પ્રથમ મુલાકાતે જ કરાવેલી, તે આજેય એમ ને એમ સાંભરે છે. મને બોધ મળે તે માટે તેમણે પોતાનો પ્રસંગ પણ કહેલો. એમની આ પ્રથમ મુલાકાતે જ લાગ્યું કે તેઓ ખૂબ નમ્ર છે. જેઓ અજાણ્યાનું પણ હિત ઇચ્છે છે, જેમને પોતાનું કોઈ માન નથી, તેઓ જ પરહિતની આમ વાતો કરી શકે. સ્વામીશ્રીએ પોતાનું સમગ્ર જીવન જ્ઞાની-અજ્ઞાની જીવોના શ્રેય માટે જ વિતાવ્યું છે. સ્વામીશ્રી સાથેની એ પ્રથમ મુલાકાતથી લઈને આજ સુધી, ૫૦ વર્ષના તેમના સહવાસમાં એ જ અનુભવ્યું છે કે તેઓ સતત મારું શ્રેય કરી રહ્યા છે.
સ્વામીશ્રી સાધુતાની મૂર્તિ છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, એમના જીવનમાં સંપૂર્ણપણે વણાયેલું કીર્તન 'હાંજી ભલા સાધુ, હરિ કી સાધ, તનકી ઉપાધિ તજે સોહી સાધુ' ઘણી વાર અલમસ્ત સ્થિતિમાં ગાતા અને કહેતા કે આ અમારી માલિકીનું કીર્તન છે. આ કીર્તનમાં જણાવેલાં સાચા સંતનાં સર્વ લક્ષણો સ્વામીશ્રીમાં મૂર્તિમાન દેખાય છે, અનુભવાય છે.
અનેક પ્રસંગોમાં સ્વામીશ્રીની માન-અપમાનમાં એક સ્થિતિ જોઈ છે. અમેરિકા, કેનેડા, લંડનના સન્માન સમારંભો તેમજ સુવર્ણતુલા બાદ થયેલા અપમાનોમાં એમની બ્રાહ્મસ્થિતિનું દર્શન થયું છે. સુખ અને દુઃખમાં એમને સમભાવ છે. સુખમાં ક્યારેય લેવાતા નથી ને દુઃખમાં ક્યારેય નિરાશ થયા નથી કે પાછા પડ્યા નથી.
વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૬૭માં શ્રીજીમહારાજ સાચા સત્પુરુષની વાત કરતાં કહે છે કે, એવા સંતને આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ નથી. સ્વામીશ્રીના જીવનમાં અનેક વખત એ પ્રત્યક્ષ અનુભવ્યું છે. આ લોકના ગમે તેવા રમણીય ભોગમાં તેઓ ક્યારેય લલચાયા નથી. તેમણે કેવળ ભગવાન સ્વામિનારાયણમાં જ સુખ માત્ર માન્યું છે. 'વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીએ રે લોલ...' તે સાર્થક કરેલું છે. તેઓ ભગવાનના રાસમાં ડૂબેલા રહે છે.
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર સ્વામીશ્રીએ ધનનો સંપૂર્ણ ત્યાગ પાળ્યો છે. કોડી જેટલું પણ ધન પોતાનું કરી રખાવતા નથી. થોડાં વર્ષો પહેલાં એક વખત ટ્રેઇનમાં વડોદરાથી મુંબઈ જતા હતા ત્યારે સ્વામીશ્રી પાસે ટી.સી.એ ટિકિટનો એક્સ્ટ્રા ચાર્જ ભરવાના પૈસા માંગ્યા, પરંતુ સ્વામીશ્રી પાસે વીસ-પચ્ચીસ રૂપિયા જેવી સામાન્ય રકમ પણ નહોતી. ઘાટકોપરના એક સજ્જને તે ભરી દીધા હતા.
સ્વામીશ્રીએ ૮૮ વર્ષની ઉંમર સુધી ભગવાન સ્વામિનારાયણે આપેલા બ્રહ્મચર્યના પાલનના નિયમમાં રંચમાત્ર પણ ફેર પડવા દીધો નથી. સ્ત્રીઓનો અષ્ટ પ્રકારે સંપૂર્ણ ત્યાગ સ્વામીશ્રી અનન્ય છે. દેશ, વિદેશમાં સતત વિચરતા રહ્યા છે છતાં તેઓનો સંયમ અને નિયમ-પાલન અક્ષુણ્ણ રહ્યા છે.
સ્વામીશ્રીને ભગવાન સ્વામિનારાયણનું અખંડ સ્મરણ છે. ક્ષણ માત્રનું પણ વિસ્મરણ નથી. જેમ માછલીને જળ એ જીવન છે તેમ સ્વામીશ્રીનું જીવન ભગવાન સ્વામિનારાયણ છે. વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખપદે છેલ્લાં ૫૮ વર્ષથી બિરાજે છે, દેશ-વિદેશનાં ૮૦૦થીય વધુ મંદિરોમાં પોતાનું કરીને કશું જ રાખ્યું નથી. સંતો, ભક્તો રહેવા માટે વ્યવસ્થા કરે, પણ કોઈપણ સ્થાનનું મમત્વ નથી. સ્વામીશ્રીનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. તેમની સાથે વર્ષો સુધી ભેગા રહેનારને તેઓની દરેક ક્રિયા સહજ, સરળ ને નિર્દંભ જણાઈ આવે છે. સ્વામીશ્રી આવી વિશાળ સંસ્થાનું સંચાલન કરતા હોવા છતાં ક્યારેય ક્રોધ કર્યો નથી, હા, જીવના હિતની વાત કરવા જરૂર કડકપણે કહી પુણ્યપ્રકોપ દર્શાવે છે.
અનેક વખત અનુભવ્યું છે કે તેઓ જમે છે ત્યારે તેઓને થાળમાં પીરસેલ પદાર્થોનો સ્વાદ હોતો નથી, પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જ સ્વાદ લે છે. જમતાં જમતાં કથાનું શ્રવણ કે ગ્રંથનું શ્રવણ કરતાં હોય. ઘણી વાર તો સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય કે શું જમ્યા તેનો ખ્યાલ ન રહે ને ચળુ કરવા તૈયાર થઈ જાય.
યોગીજી મહારાજ કહેતા, 'સહન કરવું એ સાધુતા.' સ્વામીશ્રી પણ વ્યવહારમાં નાના મોટા સૌનું અનેક પ્રસંગોએ સહન જ કરતા આવ્યા છે. ક્યારેય કોઈ પ્રતિભાવ નહીં કે પ્રતિકાર નહીં.
સ્વામીશ્રી દેહને સતત દમતા આવ્યા છે. શરીરના આરામ, ખોરાક વગેરે પોતાની કોઈ જ ચિંતા કરી નથી. માત્ર ભગવાનનો ભક્ત કેમ રાજી થાય અને સમાજનું હિત કેમ થાય તે જ ચિંતા કરી છે. બીજાના હિત માટે તેમણે પોતાના મોતિયાના કે ગાંઠના આૅપરેશનોને જાનના જોખમે પણ પાછળ ઠેલ્યા છે.
એમની ભક્તિ પણ અજોડ છે. શ્રવણ ભક્તિ, ભગવાનની કથા કરવા-સાંભળવાનો તેમનો ઈશક અજોડ. સ્વામીશ્રીના એ ભક્તિમય જીવનનો પણ આસ્વાદ માણ્યો છે.