સન 1987-88ના ભયંકર દુષ્કાળના કપરા દિવસોમાંથી ગુજરાત પસાર થઈ રહ્યું હતું. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દિવસ-રાત એક કરીને ગુજરાતમાં વિશાળ પાયે દુષ્કાળ રાહત-કાર્ય હાથ ધર્યું હતું. ગામોગામ દુષ્કાળગ્રસ્તોને અન્ન- વસ્ત્રના વિતરણથી લઈને પશુઓના નિભાવ માટે સ્વામીશ્રીએ સેવાની ધૂણી ધખાવી હતી. ખેડૂતોનાં પશુઓને સાચવવા માટે હજારોની સંખ્યામાં એ પશુઓને દત્તક લઈને તેમના નિભાવ માટે સ્વામીશ્રીએ ઠેર-ઠેર કેટલકેમ્પ ખોલ્યા હતા. હજારો અજાણ્યા લોકોનાં પશુઓને બી.એ.પી.એસ. સંસ્થાના કેટલકેમ્પમાં સાચવીને સ્વામીશ્રી એમને પાછા આપવાનાં હતાં. આ કેટલકેમ્પમાં પશુઓને ચારો પૂરો પાડવા માટે જ્યાં જ્યાં પાણીની સગવડ હતી ત્યાં ખેડૂતોને ચારો વાવવાની સ્વામીશ્રીએ અપીલ કરી હતી.
તારાપુર પાસે આવેલા મધ્ય ગુજરાતના એવા જ એક અંતરિયાળ ગામ વલ્લીમાં પણ તળપદા ખેડૂતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીની અપીલને પ્રતિસાદ આપ્યો હતો. અહીંના પછાત ખેડૂતોએ થોડા સમય માટે 350 વીઘા જમીન કેટલકેમ્પના પશુઓના નીરણ માટે ઘાસ વાવવા આપી હતી. ભલે કોઈક અજાણ્યા લોકોના રિબાતાં પશુઓ માટે એ ખેડૂતોએ નીરણ માટે સહયોગ આપ્યો હતો, પરંતુ સ્વામીશ્રી તો એ પોતાના માથેનો બહુ જ મોટો ઉપકાર માનતા હતા. એટલે જ તેઓ આ ખેડૂતોને રૂબરૂ મળીને કૃતજ્ઞતા અને હૃદયથી આભાર વ્યક્ત કરવા ઇચ્છતા હતા. એ વિસ્તારમાં વિચરણ કરતા સંતોને સ્વામીશ્રીએ કહી રાખ્યું હતું કે મારે કોઈપણ ભોગે એ ગામે જવું છે. સન 1987ના એ અરસામાં સ્વામીશ્રી બોચાસણ પધાર્યા હતા. તેમણે યાદ રાખીને એ ગામે જવાનો કાર્યક્રમ ગોઠવી દીધો અને એ ગામે પહોંચી પણ ગયા.
તા. 10-11-1987નો એ દિવસ હતો.
ગામમાં ઉદેસંગભાઈના ફળિયામાં સભા ગોઠવાઈ હતી. હૃદયથી સૌનો આભાર માનીને સ્વામીશ્રીએ સૌને સંબોધતાં કહ્યું: ‘આ ગામની વસ્તી ભલે સામાન્ય છે, પણ સત્સંગ અને ધર્મની દૃષ્ટિએ આપ સૌ ઊંચા છો. આપનો ભાવ ઊંચો છે. ભલે આપણે પછાત હોઈએ પણ જે ભજે એના ભગવાન છે. ભગવાનનો ઇજારો કોઈની પાસે નથી. ભગવાન તો ગરીબનિવાજ છે. લાકડાંમાં અગ્નિ છુપાયેલો છે પણ પ્રગટ અગ્નિ અડે તો જ એ ઉત્પન્ન થાય. એમ આપણામાં પણ ભગવાનનો વાસ છે. પણ આપણને એની ખબર નથી. એના માટે સત્સંગ જોઈએ. સત્સંગ એટલે સારા પુરુષનો સંગ. તમારા જીવમાં સત્સંગ છે એટલે આપ સૌએ આ સેવા કરી છે. આપ સૌએ પશુના નીરણ વાવવા માટે જમીન આપી છે એ નાનીસૂની વાત નથી. આપ સૌને ખૂબ ધન્યવાદ છે. ભગવાન તમને સૌને વધારે ને વધારે આપે અને એ લાભ તમે બીજાને પણ આપતા રહો, ગામનો ખૂબ વિકાસ થાય એ પ્રાર્થના છે.’
સ્વામીશ્રી પ્રત્યેના અપાર આદર ભાવને લઈને ગામના કોળીઓ, લતીફશાહ સૈયદ જેવા મુસ્લિમો અને ભંગીઓ પણ આ સેવા કરવામાં જોડાયા હતા. આ ગામના કોઈએ 5 વીઘા, કોઈએ 10 વીઘા તો કોઈએ 15 વીઘા જમીન આપીને ઘાસ વાવવા માટે સહયોગ આપ્યો હતો. એ તમામને વ્યક્તિગત મળીને તેમને બિરદાવવા માટે સ્વામીશ્રી તલસતા હતા. સભામાં ખેડૂતો તથા એ સૌનાં નામ જાહેર થયાં. એ એક-એકને બોલાવીને વ્યક્તિગત મળીને સ્વામીશ્રીએ તેમનો ખૂબ આભાર માન્યો અને ખૂબ આશીર્વાદ આપ્યા.
એમાં છેલ્લે બે વ્યક્તિનાં નામ બોલાયાં: ભગાભાઈ અને રત્નાભાઈ ઝીણાભાઈ. બંને હરિજન બંધુઓ. આ હરિજનભાઈઓએ પણ દુષ્કાળગ્રસ્ત પશુઓ માટે પોતાની એક-એક વીઘું જમીન ઘાસ વાવવા આપેલી. સભામાં સંતોએ તેમનાં નામ ઉચ્ચાર્યાં પણ તેઓ હાજર નહોતા. સ્વામીશ્રી તો તેમને મળવા માટે રાહ જોઈને બેસી રહ્યા. જોકે એ બંને સભામાં ઉપસ્થિત જ નહોતા. ત્યારપછી સભા તો પૂરી થઈ અને સ્વામીશ્રી ઉદેસંગભાઈની ઓસરીએ જમવા પધાર્યા. સ્વામીશ્રીએ સંતોને કહ્યું: ‘બધાં નામ જાહેર કર્યાં, એમાં છેલ્લે બે જણનાં નામ હતાં, એ બે હરિજનભાઈઓ સભામાં આવ્યા હતા?’
સંતોએ કહ્યું: ‘ના! તેઓ આવ્યા નહોતા.’
‘એમને બોલાવી લાવો, આપણે મળવું છે. એમને મળ્યા પછી જમીશું.’ જો કે તેઓ બહાર ગયા હતા એટલે જમવા બિરાજ્યા. પછી ફરીથી કહ્યું: ‘ચાર વાગે આ બંને ભાઈઓને બોલાવી લાવજો. મારે એ બંનેને ખાસ મળવું છે.’
ચાર વાગે સ્વામીશ્રી ગામમાં હેમુભાઈ વગેરેના ઘરે પધરામણીએ પધાર્યા, બીજા કેટલાક ગરીબ મુમુક્ષુઓને આશીર્વાદ પણ આપ્યા, પરંતુ એ બધા વચ્ચે સ્વામીશ્રી પેલા ગરીબ હરિજન બંધુઓની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેઓ આવ્યા એટલે સ્વામીશ્રી પ્રસન્ન થઈ ગયા. તેમને આશીર્વાદ આપતાં કહેવા લાગ્યાઃ ‘આ તમે મોટું કામ કર્યું છે. શેઠિયાઓ લાખ રૂપિયા આપે અને તમે એક રૂપિયો આપો, તોય સરખું પુણ્ય છે. ભજન કરજો, વ્યસનો છોડી દેજો, આશીર્વાદ છે. ભગવાન ખૂબ લાભ આપશે.’ એટલું કહીને સ્વામીશ્રી તેમની તથા અન્ય જે જે ખેડૂતોએ ઘાસ વાવવા જમીન આપી હતી, તે જમીનો પર પણ પધારીને દૃષ્ટિ કરી, પ્રાર્થના કરી કે, ‘ભગવાન સૌને ખૂબ લાભ આપે.’
સ્વામીશ્રીના મુખ પર એ સૌને મળ્યાનો અપાર સંતોષ હતો. આજે સવારે બોચાસણથી નીકળી એક જ દિવસમાં રાત સુધીમાં વલ્લી, કનેવાલ, પંડોળી, કરમસદ, વલ્લભવિદ્યાનગર વગેરે ગામોમાં ઘૂમતા સ્વામીશ્રીને આખા દિવસના શ્રમને કારણે થાક તો લાગ્યો હતો. આમ, છતાં રાત્રે પોણા બાર વાગે વલ્લભવિદ્યાનગર પધાર્યા ત્યારે પણ એમના મુખ પર એવો ને એવો ઉત્સાહ હતો. પરને કાજે જાતને ઘસીને બીજાને સુવાસ આપતા સ્વામીશ્રીના એ ઉત્સાહને હું આજેય ભૂલી શક્યો નથી. એટલું જ નહીં, જે બે હરિજન બંધુઓને સ્વામીશ્રી મળ્યા હતા, તેમણે તો જીવ્યા ત્યાં સુધી જીવનમાં સત્સંગ જાળવ્યો, પરંતુ એમનાં સંતાનોએ પણ આજેય સ્વામીશ્રીએ સિંચેલા સત્સંગના સંસ્કારોની સુવાસ જાળવી રાખી છે. જાણે તે દિવસે ખૂબ કષ્ટો વેઠીને સ્વામીશ્રી એ સાવ સામાન્ય અને કોઈ ગણતરીમાં ન હોય એવા પછાતો-ભાવિકો માટે જ અહીં પધાર્યા હતા. તેઓના એ અદ્ભુત કાર્યની સુવાસ આજે પણ ગામમાં મહેકી રહી છે.