જીવનમાં ‘સ્વાર્થી’ પ્રેમ નહીં, ‘સ્વસ્થ સ્વપ્રેમ’ની જરૂર છે
પ્રમુખસ્વામી મહારાજે અનેકની સેવા કરી છે અને તેમના આચરણને જોઈને, સત્સંગમાં ‘Serve Others’ એ બી.એ.પી.એસ.ના સ્વયંસેવકોનો સહજ સ્વભાવ બની ગયો છે. જો તમે તમારી સ્વયંની સેવા કરતા થઈ જશો તો તમારા ઘરના પચાસ ટકા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. ક્યારેક તો ઘરમાં બૂટ બરાબર મૂક્યા ન હોય કે સ્નાન કરીને ઘરમાં ટુવાલ ગમે ત્યાં ઉડાડી દીધો હોય તોપણ ઝઘડા થાય. અરે! તમે પ્રમુખસ્વામી મહારાજની જેમ વાસણ ન ઊટકો તો કંઈ નહીં, પણ એક ચમચી તો ઊટકી જુઓ.
બોચાસણનો એક પ્રસંગ છે. તે સમયે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની વય ૯૦ વર્ષની હતી. પ્રમુખસ્વામી મહારાજ બેસીને પત્ર વાંચતા હતા. એક પત્ર પૂરો થયો અને તરત ટેબલ લેમ્પ બંધ કરી દીધો. એ પછી ધર્મચરણ સ્વામીએ બીજો પત્ર પ્રમુખસ્વામી મહારાજને આપ્યો. સ્વામીશ્રીએ પાછો ટેબલ લેમ્પ ચાલુ કર્યો. સ્વામીશ્રી એક ક્ષણ પણ લાઇટ ચાલુ રાખવા દેતા નહીં. વીજળી બચાવવી એ તો સ્વામીશ્રીની ગળથૂથીમાં છે. જેવું પત્ર વાંચવાનું પૂર્ણ થાય એટલે તરત જ સ્વામીશ્રી લેમ્પ બંધ કરી દે.
હું પણ ત્યાં ઊભો હતો અને હું પણ પત્ર લઈને જ ગયો હતો. મેં તેમને પત્ર વાંચવા આપ્યો એટલે પ્રમુખસ્વામી મહારાજે પુન: લેમ્પ ચાલુ કર્યો અને પત્ર વાંચવાનો પૂર્ણ થયો એટલે લેમ્પ બંધ કરવા ગયા, ત્યારે મેં તેમનો હાથ પકડીને કહ્યું, ‘સ્વામીશ્રી! હવે તો ખમૈયા કરો. અમને તો સેવા કરવાની તક આપો. તમે સ્વયંસેવક છો - એવા તમારા આવી સેવા કરવાના અસંખ્ય પ્રસંગો કહી-કહીને અમે થાકી ગયા છીએ.’
સ્વામીશ્રી મારી સામે નિર્દોષ ભાવે જોવા લાગ્યા અને જે રીતે તેઓ જોતા હતા, એ જોઈને મેં મારા હાથની પકડ ઢીલી કરી દીધી. એટલે પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘પણ હું થાક્યો નથી.’ સ્વામીશ્રીએ જાતે જ ટેબલ લેમ્પ બંધ કરી દીધો અને માર્મિક બોલ્યા, ‘શું થાય, અમને સેવા કરવાની આદત પડી ગઈ છે.’
જો પ્રમુખસ્વામી મહારાજના તમે સાચા શિષ્ય હો અને ગુણાનુરાગી હો, તો સેવા કરવાની તમને આદત પડવી જોઈએ અને એ તમારો સ્વભાવ બની જવો જોઈએ; અને તો જ પ્રમુખસ્વામી મહારાજને તમે ગુરુ કર્યા કહેવાય.
આપણને કોઈ કહે અને સેવા કરીએ તે બરાબર નથી. સેવા કરવાનું કોઈએ આપણને કહેવું પડે તે બરાબર ન ગણાય. એટલે કે સેવા કહેવી ન પડે, સહજ થાય.
તેમજ If you love someone, understand them. If you love someone, forgive them. If you love someone, serve them. (જો તમે કોઈને ચાહો તો તેમને સમજો, જો તમે કોઈને ચાહો તો તેમને માફ કરો, જો તમે કોઈને ચાહો તો તેમની સેવા કરો.) જો આપણે બીજાને સમજતાં, માફ કરતાં અને સેવા કરતાં શીખીશું તો આપણું જીવન ધન્ય થઈ ગયું સમજો. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જે બીજાને પ્રેમ કરતાં શીખવાનું સૂત્ર હતું, તેનાં જ આ ત્રણ પેટા બોધ-સૂત્ર છે.
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી શીખવાનું બીજું મુખ્ય સૂત્ર છે: Love yourself - સ્વયંને ચાહો. ‘Before you love others, love yourself.’ (તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં સ્વયંને ચાહો)
તમને લાગે કે ‘સ્વપ્રેમ’, પોતાને ચાહો, તો તમે કહેશો કે ‘સ્વામી! હું સ્વયંને તો ચાહું જ છું. રોજ અરીસા સામે પંદર મિનિટ ઊભો રહું છું. સારાં સારાં કપડાં પહેરીએ, સારું સારું ભોજન જમીએ’ – આ સ્વપ્રેમ નથી, એ તો ભોગવાદ છે. Love yourselfનો અર્થ કરવાનો છે – સ્વસ્થ સ્વપ્રેમ, સ્વાર્થી પ્રેમ નહીં. મોટાભાગે તમને લોકો કહેશે કે તમે તમારી જાતને ચાહો. એનો અર્થ સ્વાર્થ કરીએ તો એ ભોગવાદ છે. તમે તમારી જાતમાંથી બહાર આવતા નથી.
ગ્રીક પૌરાણિક કથામાં એક પ્રસંગ આવે છે. એક સ્વરૂપવાન યુવાન નાર્સિસસને પોતાના રૂપનું એટલું અભિમાન હતું કે કોઈ બીજો એને ચાહે તોપણ એને ધુત્કારે. કોઈ એને મળવા આવે તોપણ એનાથી દૂર ભાગે. કેટલાયને એણે દુઃખી કર્યા, લોકો એને ચાહી ન શકે, કોઈ તેની નજીક ના જઈ શકે. નેમેસિસ નામની એક વ્યક્તિએ નક્કી કર્યું કે ગમે તેમ કરીને આને પાઠ ભણાવવો પડે. રૂપવાન પોતાના રૂપમાંથી બહાર ન આવે. એટલે નક્કી કર્યું તે મુજબ નજીકના એક નાનકડા તળાવ પાસે નાર્સિસસને લઈ ગયા. તળાવમાં એણે પોતાનું પ્રતિબિંબ જોયું. પોતાના જ પ્રતિબિંબમાં તે એટલો મોહ પામ્યો અને એવું લખેલું છે કે તે જમવાનું ભૂલી ગયો, બોલવાનું ભૂલી ગયો, ત્યાંથી ખસવાનું ભૂલી ગયો અને તેને એટલો બધો મોહ થયો કે તે બીજું વિચારવાનું જ ભૂલી ગયો અને પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં જ નાર્સિસસ મરી ગયો.
હું આવા પ્રેમની વાત નથી કરતો. આ તો અસ્વસ્થ પ્રેમ છે. હકીકતમાં સ્વસ્થ પ્રેમ એટલે શું? તમને તમારું સ્વાભિમાન હોય, અભિમાન નહીં. ભગવાને તમને જે જિંદગી આપી છે એની ગરિમાથી તમે જીવી શકો. સ્વયંને નીચા પાડી, દિલગીરીથી જીવવાનું નથી, પણ તમને તમારું આત્મગૌરવ હોવું જોઈએ. સામાન્ય રીતે એવું થતું હોય છે કે કાં લોકો અભિમાની થઈ જાય છે અથવા તો તેઓ લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. મધ્યમ માર્ગ કોઈને ખબર નથી. પણ મધ્યમ માર્ગ છે, સ્વસ્થ સ્વપ્રેમ. As long as you cannot love yourself in the real way, you will never be able to love others. (જ્યાં સુધી તમે સ્વયંને સાચો પ્રેમ નહીં કરી શકો ત્યાં સુધી સાચા અર્થમાં તમે બીજાને પ્રેમ કરતાં નહીં શીખી શકો.)
વિશ્વના મોટા મોટા મનોચિકિત્સકો કે માનસશાસ્ત્રીઓ એવું કહે છે કે ‘આ દુનિયાના મોટા ભાગના ક્રિમિનલ્સ, સિરિયલ કિલર્સ, જે બોંબ બનાવતા હોય અને ફોડતા હોય અને ભયંકર ગુનેગારો - એ બધાના મૂળમાં શું છે ખબર છે? એ બધા મોટા ભાગે એવું કહેતા હોય છે કે, ‘I hate my self; that is why I hate the world.’ (હું સ્વયંને ધિક્કારું છું, માટે જ હું વિશ્વને ધિક્કારું છું.)’
જો તમારો પ્રેમ સ્વસ્થ નહીં હોય, તમારા જીવનમાં સાચો સંતોષ અને આનંદ નહીં હોય તો તમે સાચો પ્રેમ, બીજાને આપી શકતા નથી. Love Others - બીજાને ચાહો. એ માટે પણ તમારી પાસે ‘સ્વસ્થ સ્વપ્રેમ’ હોવો જરૂરી છે. બીજી રીતે કહીએ તો પ્રમુખસ્વામી મહારાજની જેમ નિ:સ્વાર્થ પ્રેમ આપવો હોય તોપણ તેમના આ બોધપાઠને જીવનમાં ચરિતાર્થ કરવો કે આચરણમાં ઉતારવો જરૂરી છે.