જે ધર્મમાર્ગે જતો નથી તેને જીવનમાંથી કંઈ જ પ્રાપ્ત થતું નથી
ઇતિહાસ જીવનમાંથી શું શિખવાડે છે?
‘History teaches us one thing, that man learns nothing!’
એટલે કે માનવ ઇિતહાસમાંથી એટલું જ શીખે છે કે માનવી ઇતિહાસમાંથી કશું જ શીખતો નથી.
મહાભારત પણ ઇતિહાસનો ગ્રંથ છે. તે શું શીખવે છે? જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ જાય છે ત્યારે આખું યુદ્ધ-મેદાન લોહીથી ખરડાયેલું હોય છે. વાતાવરણ શોક-દુ:ખથી ગમગીન બની ગયું છે. શોકાતુર ધૃતરાષ્ટ્ર ઉદાસ થઈને વિલાપ કરે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપવા માટે પહોંચે છે. વિદુરજીએ જે ઉપદેશ આપ્યો છે, તેનો એક ગ્રંથ બન્યો છે, ‘વિદુરનીતિ’ જે નીતિશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને શિખામણ આપેલી, તે મહાભારતના ઉદ્યોગ-પર્વમાં અધ્યાય ૩૩ થી ૪૧ – એમ કુલ ૯ અધ્યાયમાં આવે છે.
આપણે ત્યાં આવા નીતિ-ગ્રંથો છે, જે જીવનમાં આચરણમાં મૂકવાથી ખૂબ જ ઉપયોગી થાય છે. આ ગ્રંથો એવા છે, જેનાથી ‘સ્વ’ નું એટલે કે આત્માનું કલ્યાણ થાય છે, સાથે જ ‘પર’ - સમાજનું પણ કલ્યાણ થાય એવા વ્યવહારની વાત કરવામાં આવી છે. જે રીતે ભગવાન સ્વામિનારાયણે ‘શિક્ષાપત્રી’માં જણાવ્યું છે ‘सर्वजीवहितावहः’ - સર્વ જીવ હિતકારી. આપણા સાહિત્યમાં આવાં અનેક નીતિ શાસ્ત્ર અને ગ્રંથો મળી આવે છે.
જેમાંથી, કેટલાક આ મુજબ છે: ‘ચાણક્ય નીતિ’, રામાયણમાં ‘અંગદ નીતિ’ની ચર્ચા છે, ભર્તૃહરિએ ‘નીતિ શતક’ની રચના કરી છે. એ જ રીતે મહાભારતમાં પિતામહ ભીષ્મે, યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો હતો તે ‘શાંતિપર્વ’.
મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પછીની વાત આપણે કરી રહ્યા છીએ. આ ભીષણ અને વિશ્વનું સૌથી મોટું યુદ્ધ પૂરું થઈ ગયા પછી ઉદાસ થયેલા ધૃતરાષ્ટ્રને સમજાવવા વિદુરજી આવે છે અને કહે છે કે મેં તો આપને પહેલેથી જ આ યુદ્ધની ભયાનકતા અને આવાં ગંભીર પરિણામ અંગે ચેતવ્યા હતા, પરંતુ તે સમયે આપ કંઈ જ સમજવા તૈયાર નહોતા. આ સમયે ધૃતરાષ્ટ્ર બે હાથ જોડીને કહે છે. યાદ રાખજો! ધૃતરાષ્ટ્ર વિદુરજીને કરગરે છે કે મને શાંતિ થાય એવું કંઈક કહો. તે સમયે વિદુરજી જે જવાબ આપે છે તે જીવન અંગે મહત્ત્વની વાત બની જાય છે.
‘હે ધૃતરાષ્ટ્ર! આ પૃથ્વી ઉપર તમને તો ખબર છે કે સાચું શું છે અને ખોટું શું છે. મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જે મનુષ્ય સૂએ છે, તેનાં કર્મ પણ સૂઈ જાય છે. જે મનુષ્ય જાગે છે, તેનાં કર્મ પણ જાગે છે. જે મનુષ્ય બેસે છે, તે મનુષ્યનાં કર્મ પણ બેસી રહે છે. જે મનુષ્ય દોડે છે, તેનાં કર્મ પણ દોડે છે. રાજા હોય કે ભિખારી હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, અંતમાં તો તમામ - બધા જ સ્મશાનમાં જ જાય છે. નાના-મોટા સર્વે આ પૃથ્વીના ખોળામાં સમાઈ જાય છે. હે ધૃતરાષ્ટ્ર! જ્યારે આપણા બધાની ગતિ એક જ પૃથ્વીના ખોળામાં જવાની છે અને અંતે તો સ્મશાનમાં જ જવાની છે તો વેર-ઝેર શાનાં? આ ઝઘડા શાના? આ અશાંતિ શેની? અદેખાઈ શેની? મારપીટ શેની?’
આટલું સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્ર, વિદુરજીને કહે છે, ‘હે વિદુરજી! આપ મને બુદ્ધિમાં સમજાય એવું કંઈક કહો!’
વિદુરજી હવે એક પ્રસંગ જણાવીને સાથે ધૃતરાષ્ટ્રને કહે છે, ‘હે ધૃતરાષ્ટ્ર! અજ્ઞાનને કારણે મનુષ્યમાત્ર એટલે કે તમે, હું અને માનવ માત્ર મોહાંધ થઈને જીવીએ છીએ.
એક જંગલની અંદર એક બ્રાહ્મણ ભૂલો પડે છે. એ જંગલમાંથી બહાર નીકળવા માગે છે. એક વિકરાળ વૃદ્ધ ડાકણ તેને બહાર જવા દેતી નથી. જંગલની અંદર જંગલી પશુઓ તેને ભયભીત કરે છે. માર્ગ ભૂલેલો આ બ્રાહ્મણ આમ-તેમ ફરતાં અચાનક એક કૂવામાં જઈને પડે છે. કૂવામાં જે લતાઓ હોય છે તે ડાળખીમાં ફસાઈ જાય છે અને ઊંધો લટકી જાય છે. જાણે હમણાં પડી જશે એવી સ્થિતિમાં આવી ગયો હોય છે. કૂવાની અંદર એક અજગર મોં ફાડીને બેઠો હોય છે કે તે જેવો નીચે આવે તેને હું ગળી જવું. જ્યારે બહાર છ માથા અને બાર પગનો એક વિકરાળ હાથી ઊભો હોય છે. ત્યારે એક કાળો અને ધોળો ઉંદર એ ડાળને કાપતા હોય છે. પછી તેને ખબર નથી પડતી કે હવે શું કરવું?
ક્યારેક આવી સ્થિતિ આપણા જીવનમાં પણ આવી જતી હોય છે કે હે ભગવાન! હવે શું કરવું તેની ખબર જ નથી પડતી. ત્યાં તો તેના માથા ઉપર ટપકાં પડે છે અને તે ટપકાંને જીભે અડાડે છે. તેને ખબર પડે છે કે આ મધ છે ત્યારે આ ભયંકર સ્થિતિમાં રહેલો તે માણસ મધપૂડો જુએ છે અને મધ ચાટવા માટે મથે છે. પળવાર માટે તે ભૂલી જાય છે કે નીચે અજગર છે, ઉપર હાથી છે અને ઉંદર ડાળ કાપી રહ્યા છે એટલે કે નીચે જઈશ તોય મરીશ, ઉપર જઈશ તોય મરીશ પણ તે મધની અંદર એટલો તો મોહાંધ થઈ જાય છે કે મધમાખી તેને ડંખ મારે છે છતાં પણ તે ભાન ભૂલી જાય છે.’
આ પ્રસંગ કહ્યા બાદ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે, ‘હે ધૃતરાષ્ટ્ર! આ જંગલ છે એ જીવન છે. આ કૂવો છે એ મનુષ્ય દેહ છે. વૃદ્ધ ડાકણ છે તે વૃદ્ધાવસ્થા છે, તે કોઈને જવા દેતી નથી. આ જે જંગલી પશુઓ છે તે અંતરનાં ભય અને દુ:ખ છે. જે હાથી છે, તેનાં છ માથાં છ ઋતુઓ અને ૧૨ પગ ૧૨ મહિના છે. અજગર છે તે મૃત્યુ છે. કાળો અને ધોળો ઉંદર છે તે રાત અને દિવસ છે. મધપૂડો છે તે વિષયવાસના છે, મધમાખી જે સતત ડંખ મારે છે તે સંકલ્પ-વિકલ્પ છે. માણસ તેમાંથી બહાર જઈ શકતો નથી. મનુષ્ય જીવન સરળ નથી, તે ક્ષુલ્લક છે. જે ધર્મના માર્ગે નથી જતો, જે આવા સંત પુરુષનાં ચરણે નથી જતો તેને મનુષ્યજીવનમાંથી કશું જ પ્રાપ્ત થતું નથી.’
આમ, મહાભારત મનુષ્યજીવનને મથામણ જ નહીં પણ તે ઉપરાંત ક્ષુલ્લક દર્શાવે છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આ વાત દોહરાવતાં ઘણીવાર સમજાવે છે ‘મનુષ્ય મોહાંધ થઈ જાય ત્યારે જીવન ક્ષુલ્લક બની જાય છે. જે વ્યક્તિ પોતે પોતાને નથી જોતો અને જગતમાં મોહ પામે છે - તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખમાં અતિ મૂર્ખ છે અને ઘેલામાં અતિ ઘેલો છે.’ સાચા સંત મળે અને તે સંઘર્ષરૂપી સંસારમાંથી ધર્મનો સાચો માર્ગ બતાવે ત્યારે અંતરની આંખો ખૂલે છે.