Essay Archives

ગુરુઃ જીવનનું રૂપાંતર કરનાર

જીવનને સાર્થક બનાવનાર મૂલ્યો વિશે માહિતી મેળવવી એ એક બાબત છે અને એ મૂલ્યોને આચરણમાં મૂકવાં એ બીજી બાબત છે. જીવનઉત્કર્ષના પંથે આગળ વધવા પ્રયત્ન કરનાર પ્રત્યેક સાધક કોઈ ન કોઈ સમયે એવો અનુભવ અવશ્ય કરે છે કે પોતે સમજેલા, વિચારેલા કે સ્વીકારેલા સિદ્ધાંતોને પણ જ્યારે જીવનમાં મૂકવાના આવે ત્યારે પોતાનું બળ ઓછું પડે છે. વ્યસનથી શું નુકસાન થાય છે એ વાત સારી રીતે જાણનાર અને એનાથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર પણ ઘણીવાર વ્યસનથી છૂટી શકતા નથી. ગુસ્સો કરવાથી અંતે પસ્તાવાનો જ વારો આવે છે એ જાણ્યા પછી અને અનુભવ્યા પછી પણ ગુસ્સો છોડી શકાતો નથી એ ઘણા લોકોનો અનુભવ છે. આવા સ્થાને ગુરુ સાથેનો સંબંધ ચમત્કાર સર્જે છે. જે ઘણું જાણીને કે પ્રયત્ન કરીને ન થાય તે ગુરુની કૃપાદૃષ્ટિથી સહજમાં થઈ જાય છે. એક સાધનાશીલ સંત ઉપેન્દ્રાનંદ સ્વામીને જે કામ-દોષના સંકલ્પો હતા, તે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની એક દૃષ્ટિથી જ શમી ગયા.  સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સંસ્થાનના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના અંતરમાં જે ગ્રંથિઓ રહી ગઈ હતી તે પણ ગુણાતીતાનંદ સ્વામીના અલ્પકાળના સત્સંગમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. 
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું સમગ્ર જીવન ઉચ્ચકક્ષાની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિક સાધનામય રહ્યું હતું. જીવનપર્યંત તેઓએ જ્યાંથી પણ સારું મળ્યું તે ગ્રહણ કરીને આચરણમાં અપનાવવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો હતો. સૌ કોઈને પ્રેરણા આપે એવું ઉન્નત જીવન જીવનાર આ મહાનુભાવને પણ એમના આંતરિક રૂપાંતરમાં ગુરુના પ્રતાપનો જ અનુભવ થયો. પ્રમુખસ્વામી મહારાજ સાથેની પોતાની આધ્યાત્મિક અનુભૂતિ વર્ણવતાં તેઓ લખે છે, ‘How do I summarize Pramukh Swamiji's effect on me? He has indeed transformed me. He is the ultimate stage of the spiritual ascent in my life, which started with my father, was sustained by Dr. Brahma Prakash and Prof. Satish Dhawan; now, finally, Pramukh Swamiji has put me in a God–synchronous orbit. No manoeuvres are required any more, as I am placed in my final position in eternity.’  અર્થાત્ “મારા પર થયેલી પ્રમુખસ્વામીજીની અસરનો સાર હું કઈ રીતે સમજાવું? એમણે મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે. તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે, જે આરોહણનો આરંભ મારા પિતાશ્રીએ કરાવ્યો, ડૉ. બ્રહ્મપ્રકાશ તથા પ્રોફેસર સતીશ ધવને જેનું પોષણ આપ્યું; અને આખરે હવે, પ્રમુખસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણકક્ષામાં મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી, કારણ કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોંચી ચૂક્યો છું.”
આમ, ગુરુની ભૂમિકા ફક્ત માર્ગદર્શક તરીકેની નથી, પણ પરમ સત્યમાં શ્રદ્ધા પ્રગટાવી પોતાના આચરણથી પ્રેરણા આપી છેવટે પોતાની આધ્યાત્મિક શક્તિથી જ શિષ્યને શ્રેષ્ઠ કક્ષા પર પહોંચાડવાની છે. આવું ગુણાતીત ગુરુ વિના બીજું કોણ કરી શકે? અને આવા ગુરુનું ૠણ કોણ અદા કરી શકે?

પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનાં ઉપદેશવચનોમાં ગુરુભક્તિનો ઉપદેશ :

ભગવાન સ્વામિનારાયણે મુમુક્ષુઓના શ્રેય માટે જે સર્વકાલીન ઉપદેશ વચનામૃતમાં આપ્યો છે, તેમાં કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિને આત્મસાત્ કરવા માટે અવશ્યપણે ગુરુમાં જોડાવાનો માર્ગ ચીંધ્યો છે. વચનામૃતનો અભ્યાસ કરતાં એવું ચોક્કસ જણાય કે ગુરુના સેવન વિના આ માર્ગમાં કંઈ જ ના થઈ શકે. ક્યારેક ‘પરમ એકાંતિક સાધુ’  શબ્દથી, તો કોઈવાર ‘સત્પુરુષ’  શબ્દોથી, ક્યારેક ‘મોટા સાધુ’  શબ્દથી તો કોઈવાર ‘ગુરુરૂપ હરિ’  શબ્દથી અક્ષરબ્રહ્મ ગુરુ દર્શાવી તેઓએ પ્રત્યક્ષ ગુરુમાં જોડાણરૂપ ભક્તિને જ સકલ સાધનાની સિદ્ધિ માટે મુખ્ય ઉપાયરૂપે બતાવી છે.
વચનામૃતમાં અનેક સ્થાનોએ, ક્યારેક પ્રશ્નના ઉત્તરરૂપે તો ક્યારેક કૃપાવાક્યરૂપે, તેઓએ સંતનું સેવન કરવાનો જ ઉપદેશ આપ્યો છે. નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ પામવા માટે , પૂર્વના મલિન સંસ્કારો અને પ્રારબ્ધના દુઃખમાંથી મુક્ત થવા માટે , અયોગ્ય સ્વભાવમાંથી મુક્ત થવા માટે , ભગવાનમાં દૃઢ પ્રીતિ કે સ્નેહ વધારવા માટે , એકાંતિક ધર્મની સિદ્ધિ માટે , મોક્ષ માટે , આત્મસત્તારૂપ સ્થિતિ પામવા માટે , કૃતાર્થપણાના અનુભવ માટે  કે આત્મા-પરમાત્માના સાક્ષાત્કાર માટે  સંતની સેવા, સંતમાં પ્રીતિ, સંતની આજ્ઞાનું પાલન, સંતનો મહિમા કે સંતની પ્રસન્નતા બતાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ અક્ષરબ્રહ્મ ગુરુ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય  છે, ગુરુની ભગવાનની જેમ ભગવાન સાથે થાળ માનસી વગેરે ‘સરખી સેવા’  કરવી, ગુરુમાં ભગવાનની જેમ પ્રીતિ કરવી , સંતનો ભગવાનની જેમ આશરો કરવો , સંતનો ભગવાનની જેમ માહાત્મ્યે સહિત નિશ્ચય કરવો , એમનાં દર્શનને ભગવાનનાં દર્શનતુલ્ય જાણવાં  એમની સેવાથી ભગવાનની સેવા કરવાનું ફળ મળે અને એમના દ્રોહથી ભગવાનનો દ્રોહ કર્યાનું પાપ લાગે  વગેરે વચનો દ્વારા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુની ભક્તિનો ઉપદેશ આપ્યો છે.

ગુરુભક્તિથી પરમાત્માની ગૌણતા થાય?

આધ્યાત્મિક માર્ગે ચાલેલા પ્રત્યેક સાધકનું અંતિમ લક્ષ્ય પરમાત્માના પરમ સુખની અનુભૂતિ છે. આથી પરમ ઉપાસ્ય સ્વરૂપ પરમાત્મા સ્વયં છે. એમની જ ઉપાસના અને પરાભક્તિ કરવાની છે. જ્યારે એ સ્વયં પરમાત્માની આજ્ઞા અનુસાર, એમની યથાર્થ ઉપાસના કરવા માટે ગુરુના શરણે જઈએ, ગુરુનો મહિમા સમજીને ‘ગુરુભક્તિ’ કરવામાં આવે, ત્યારે ભગવાન વિના અન્યની ભક્તિ થવાથી ભગવાનની અનન્ય ભક્તિમાં બાધ આવે કે કેમ? આનાથી પરમાત્માની ગૌણતા થાય? એનાથી પરબ્રહ્મના સ્વરૂપનો દ્રોહ થયો કહેવાય? આવો પ્રશ્ન ઉપસ્થિત થવાની સંભાવના રહે છે, પરંતુ જ્યારે ખરા અર્થમાં ખરા ગુરુની ભક્તિ કરવામાં આવે છે ત્યારે જેમ-જેમ ગુરુની ભક્તિ કરે તેમ-તેમ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને મહિમા વૃદ્ધિ પામે છે; અને છેવટે ગુરુમાં જ એમને પરમાત્માના પ્રત્યક્ષપણાનો અનુભવ થાય છે.
સાચા ગુરુની વિશેષતા એ છે કે એમનામાં ભગવાન જેવાં ઐશ્વર્ય હોવા છતાં, ભગવાનના જ વચનને અનુસરીને એમના શિષ્યો એમનામાં ભગવાન જેવો ભાવ રાખતા હોવા છતાં તેઓ હંમેશાં ભગવાનના દાસ બનીને જ રહે છે. ગુણાતીત ગુરુપરંપરામાં સૌ કોઈએ પ્રત્યક્ષ અનુભવ્યું છે કે તેઓ ક્ષણમાત્ર પણ ભગવાન પ્રત્યેની પોતાની દાસત્વભક્તિથી વિચલિત થતા જ નથી. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજમાં સૌને અપાર સામર્થ્યનાં દર્શન થતાં. જેમ ભગવાન સ્વામિનારાયણના સંબંધે હજારોને સમાધિ થતી, તેમ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી પણ સમાધિઓ થતી. હજારો ભક્તો એમને ભગવાનનું સ્વરૂપ માનીને તેમને આદર આપતા, પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો હંમેશાં પોતાને અક્ષરપુરુષોત્તમના ‘બળદિયા’  કહેવામાં અને સમજવામાં જ ગૌરવનો અનુભવ કરતા. કોઈ પ્રેમી ભક્ત મહિમાથી એમનાં ચરણારવિંદની છાપ માગતા ત્યારે ‘મારા પગ કાપીને લઈ જાઓ’  એમ ઉપેક્ષા કરી ભગવાન સ્વામિનારાયણનાં જ ચરણારવિંદને પૂજવાનું કહેતા.
આવા સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપ ગુરુનો મહિમા સમજનારને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વિશેષ સમજાય છે. જેમના દાસ આવા સમર્થ છે તો એમના સ્વામી કેવા સમર્થ હશે, એમ એમની પરમેશ્વર પ્રત્યેની જ ઉપાસના વધુ દૃઢ થાય છે.
આથી જ ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ‘અક્ષર- પુરુષોત્તમ દર્શન’માં સર્વના કારણ, આધાર અને પ્રેરક એવા અક્ષરબ્રહ્મ ગુરુહરિનો મહિમા સમજી તે સાથે એકતા કરીને તે અક્ષરબ્રહ્મના પણ કારણ, આધાર અને પ્રેરક એવા પરબ્રહ્મની સ્વામી-સેવકભાવથી ઉપાસના કરવામાં આવે છે. 
તા. 26-10-2017ના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગાંધીનગરમાં આશીર્વચનોમાં કહેલું, ‘સાચા ગુરુઓ શિષ્યને પોતામાં જોડતા જ નથી. પોતાનામાં જોડે તે સંત જ ન કહેવાય.
સંત ભગવાનમાં જ જોડે. એ દાસભાવે વર્તે. તેઓ ભગવાનમાં અધિક ને અધિક જોડાણ થાય એવો પ્રયત્ન કરે. શ્રીજીમહારાજને પ્રાપ્ત કરવા હોય, ભક્તિ કરવી હોય તો સંતમાં જોડાવું. નિઃશંકપણે સત્પુરુષમાં જોડાવું.’

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS