Essays Archives

ગુરુશરણાગતિની રીત - समित्पाणिः। प्रशान्तचित्ताय शमान्विताय


જ્ઞાન પ્રાપ્ત કરનાર શિષ્ય માટે ગુરુશરણાગતિની વિશિષ્ટ રીત આપણાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. અહીં ‘समित्पाणिः’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨), ‘प्रशान्तचित्ताय शमान्विताय’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) જેવા શબ્દો પ્રયોજીને એ રીત દર્શાવી છે.
‘समित्पाणिः’ કહેતાં હાથમાં સમિધ્ લઈને ગુરુ પાસે જવું. સમિધ્ એટલે યજ્ઞાદિમાં ઉપયોગમાં આવતું કાષ્ઠ, એટલે કે લાકડું. શિષ્યે જંગલમાંથી આવાં સમિધ્ લઈ આવવાનાં હોય છે. સેવાની ભાવના અહીં જણાવવામાં આવી છે. જ્ઞાન મેળવવું હોય તો નમ્રભાવે ઉત્સાહથી ગુરુસેવા કરવી એ શિષ્યનો પ્રથમ ધર્મ છે. આળસ, અભિમાન હોય તો ગુરુ પાસે રહે તોય જ્ઞાન ન પમાય.
‘प्रशान्तचित्ताय’ એટલે ચિત્તની સ્થિરતા, પ્રસન્નતા. ચંચળ ચિત્ત શું ગ્રહણ કરે? ચિત્ત વ્યગ્ર હોય તોપણ કાંઈ સમજાય નહીં. મનના ઉધામા મૂકી ગુરુને સેવીએ તો જ્ઞાન થાય.
‘शमान्विताय’ એટલે ઇંદ્રિયોનો સંયમ. અનાવશ્યક તથા અયોગ્ય વિષયોનો ત્યાગ. આંખ અયોગ્ય ન જુએ. કાન અયોગ્ય ન સાંભળે. જીભ અયોગ્ય ન બોલે કે અભક્ષ્ય ન ખાય. ત્વચા અયોગ્ય સ્પર્શ ન કરે. નાસિકા અયોગ્ય ગંધ ન લે. જે અને જેટલું આવશ્યક અને યોગ્ય હોય તે અને તેટલું જ ભોગવે. બીજું ત્યજી દે. આમ, દરેક ઇંદ્રિયોને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે તો ગુરુદેવ જે ઉપદેશ આપતા હોય તે સંભળાય, સમજાય અને જીવનમાં ઘૂંટી શકાય. અન્યથા બેકાબૂ ઇંદ્રિયોનો તો વિષયભોગમાં જ ગળાડૂબ રહેવાનો સ્વભાવ છે. તેથી ઇંદ્રિયારામને અને બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કારને તો લાખ ગાઉનું છેટું જ પડી જાય.
આમ, ગુરુશરણાગત જિજ્ઞાસુ શિષ્યનાં કર્તવ્યો સમજાવ્યાં. હવે એ ગુરુદેવ સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, એમનો પ્રસંગ કઈ રીતે કરવો વગેરે બાબતો સમજાવે છે.


ગુરુનો પ્રસંગ - शरवत् तन्मयो भवेत्


સમર્પણ! મનસા, વચસા અને કર્મણા સમર્પણ! ગુરુશરણાગતિનો આ ખરો મર્મ છે. પાસે જવાથી, પાસે બેસવાથી કામ નથી પતતું. તેમાં સમર્પિત થઈ જવું પડે, હોમાઈ જવું પડે. એક સુંદર રૂપક આપીને અંગિરાજી આ સિદ્ધાંતને અહીં સમજાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘तदेतद् अक्षरं ब्रह्म स प्राणस्तदु वाङ् मनः। तदेतत् सत्यं तद् अमृतं तद् वेद्धव्यं सोम्य! विद्धि॥’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૨) 'હે સોમ્ય! શૌનક! અમૃતમય અને સત્યસ્વરૂપ એ અક્ષરબ્રહ્મ તો આપણા સૌના પ્રાણ છે, આપણું મન છે, કહેતાં આપણું સર્વસ્વ છે. એ વાત જરાય ખોટી નથી. પરમ સત્ય છે. માટે એમને ‘वेद्धव्यम्’ વીંધવા જોઈએ, કહેતાં લક્ષ્ય બનાવી સિદ્ધ કરવા જોઈએ. માટે તું એમને ‘विद्धि’ લક્ષ્ય બનાવી સિદ્ધ કર. હવે તને તે લક્ષ્યસિદ્ધિની રીત સમજાવું.' ‘प्रणवो घनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुत्व्यते। अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत्’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૪) પ્રણવ એટલે ૐકાર. ૐકાર એટલે અક્ષરબ્રહ્મ. ‘ॐ इत्येतद् एतद्ध्येवाऽक्षरं ब्रह्म’ (કઠ ઉપનિષદ - ૨/૧૫,૧૬),  ‘ॐ इत्येकाक्षरं ब्रह्म’ (ગીતા - ૮/૧૩) વગેરે શાસ્ત્રવચનોમાં ૐકાર શબ્દથી અક્ષરબ્રહ્મને નિરૂપ્યાં છે. ‘गुरुमेवाभिगत्व्छेत्  समित्पाणिः श्रोत्रियं ब्रह्म निष्ठम्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨) એ શ્રુતિ પ્રમાણે એ અક્ષરબ્રહ્મ એટલે બ્રહ્મસ્વરૂપ ગુરુ.
એટલે આ મંત્રનો અર્થ થયો - પ્રણવ અર્થાત્ સાક્ષાદ્ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુહરિ તે ધનુષ્ય છે. આપણો આત્મા તે બાણ છે. અને એ જ અક્ષરબ્રહ્મ આપણું લક્ષ્ય છે, નિશાન છે. માટે હવે જેમ બાણ ધનુષ્ય સાથે બરાબર વળગેલું રહીને લક્ષ્યમાં તલ્લીન થઈ જાય છે. તેમ આપણે પણ ધનુષસમ પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ સાથે પોતાના આત્માનું બરાબર સંધાન કરીને, કહેતાં તેમનો દૃઢ પ્રસંગ કરીને એ જ બ્રહ્મરૂપી નિશાનને પામવાનું છે. કહેતાં બ્રહ્મરૂપ થઈ અક્ષરધામ પામવાનું છે. કારણ કે તે અક્ષરધામમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમનારાયણ સાક્ષાત્ વિરાજમાન છે.
આટલું કહી મહર્ષિ અંગિરા અટકતા નથી. અક્ષરબ્રહ્મની ગરિમાને ઉદ્ઘાટિત કરતાં હજુ વધુ જણાવે છે કે જીવનમાં આ જ કરવા જેવું છે. બીજી વાતો વૃથા છે. તેથી તેઓ બોલી ઊઠ્યા, ‘तमेवैकं जानथाऽऽत्मानम् अन्या वाचो विमुञ्चथ’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૫) હે શૌનક! મારું તો કહેવું છે કે, ‘अन्या वाचः’ બીજી વાતો ‘विमुञ्चथ’ પડતી મૂકો અને ‘तमेवैकम्’ તે એક અક્ષરબ્રહ્મને જ ‘आत्मानं जानथ’ પોતાનો આત્મા માનો. તાત્પર્ય એવું છે કે જે ખરેખર કરવાનું છે તે રહી જાય છે ને બીજી બધી વાતોમાં જીવનનો અમૂલ્ય સમય વીતી જાય છે. માટે આવા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ જ્યારે મળે ત્યારે બીજી પંચાત મૂકી, તેમને પોતાનો આત્મા માની, તે સંગાથે એકતા કરી, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિનો - મોક્ષનો લાભ લઈ લીધા જેવો છે. કારણ કે, હે શૌનક! ‘अमृतस्यैष सेतुः’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૫) આ અક્ષરબ્રહ્મ ગુરુ જેવા તેવા નથી, આ તો અમૃતમય પરમાત્માને પામવાના સેતુ છે. એમનો લાભ લેવાથી સંસારપ્રવાહોની પેલી પાર રહેલા અક્ષરધામાધિપતિ પરમાત્માને સહેલાઈથી મળી શકાશે.
આમ, અંગિરા મુનિએ બ્રહ્મસ્વરૂપ ગુરુ સાથે જોડાવાનો કેવળ આદેશ જ નથી કર્યો, પણ એ જોડાણ માટેની એક આદર્શ રીત પણ શીખવાડી છે.
હવે એક વિશિષ્ટ રીત ઉજાગર કરે છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS