બ્રાહ્મી સ્થિતિ યોગ
અધ્યાય - ૨
અનુસંધાન - જગતની નશ્વરતા, દેહથી આત્માની ભિન્નતા અને આત્માના સ્વરૂપનો ઉપદેશ શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યો. આ ઉપદેશ એ જ સાંખ્યજ્ઞાન એમ કહ્યું. હવે ત્યાર પછીની વાત જાણીએ.
बुद्धिर्योगे त्विमां शृणु - યોગના ઉપદેશની પ્રતિજ્ઞા
અત્યાર સધી સાંખ્યજ્ઞાન સમજાવ્યું. હવે એક અતિ અગત્યના સિદ્ધાંતનો ઉપદેશ કરતાં કહે છે -
'एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां श्रृणु।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्घं प्रहास्यसि॥'
અર્થાત્, હે પાર્થ! તને આ સાંખ્યજ્ઞાન સમજાવ્યું. હવે યોગનું જ્ઞાન આપું છુ _, તેને તું સાંભળ. જે જ્ઞાનને પામીને તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. (ગીતા ૨-૩૯)
યોગના ઉપદેશની આ પ્રતિજ્ઞા છે. ભગવાને પોતે આ પ્રતિજ્ઞા કરી. યોગ ગંગાનું આ ગોમુખ છે. ભગવદ્ ગીતાયોગશાસ્ત્ર છે. ભગવદ્ગીતામાં યોગ શબ્દ સૌપ્રથમ આ શ્લોકમાં જ પ્રયોજાયો છે. અહીંથી અવતરેલી યોગ ગંગા હવે यत्र योगेश्वरः कृष्णः (ગીતા ૧૮-૭૮) એમ ગીતાના અંતિમ શ્લોક સુધી વહેતી રહેશે.
હે અર્જુન, અત્યાર સુધી મેં તને સાંખ્યજ્ઞાન આપ્યું, હવે યોગની વાત કરું છુ _. એમ અહીં એક વિષયનો ઉપદેશ કરી બીજા વિષયની વાત શરૂ કરી. પરંતુ ત્યાર પછી હે અર્જુન, આ રીતે તને મેં યોગની વાત કરી હવે ત્રીજી વાત કરું છુ _ એમ સંપૂર્ણ ગીતાનો ઉપદેશ પૂરો થાય ત્યાં સુધી ક્યાંય કહ્યું નહીં. યોગ જ મુખ્ય વિષય રહ્યો. આથી સાબિત થયું કે ગીતાનું પ્રધાન પ્રતિપાદ્ય આ જ છે.
યોગ શબ્દનો અર્થ
યોગ શબ્દનું મૂળ યુજ્ ધાતુ છે. વ્યાકરણ શાસ્ત્ર યુજ્ ધાતુના વિવિધ અર્થો દર્શાવે છે. જેમ કે યુજ્ એટલે સંબંધ, પ્રાપ્તિ અથવા જોડાણ (युजिर् योगे). યુજ્ એટલે સમાધિ (युज् समाघौ). અને યુજ્ એટલે ઐશ્વર્ય (युज् ऐश्वर्ये). આ યુજ્ ધાતુમાંથી જ યોગ શબ્દ બન્યો છે. આથી યોગ એટલે સંબંધ, યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે જોડાણ, યોગ એટલે સમાધિ અને યોગ એટલે ઐશ્વર્ય એમ યોગ શબ્દના પણ વિવિધ અર્થો પ્રાપ્ત થાય છે.
ભગવદ્ગીતામાં યોગના આ સઘળા અર્થો પ્રકાશિત થયા છે. ખૂબી તો એ વાતની છે કે ભગવદ્ ગીતાયોગના આ અર્થોમાં પરમાત્માને પ્રસ્થાપિત કરે છે. તેમાં પરમાત્મનિષ્ઠાના પ્રાણ પૂરી દે છે. એમાંય વળી પરમાત્મા એટલે પ્રત્યક્ષ પરમાત્મા અને એ પ્રત્યક્ષ પરમાત્મસ્વરૂપની નિષ્ઠા એ જ યોગ એમ અત્યંત સ્પષ્ટ, નિઃસંદિગ્ધ અને બુલંદ ઉદ્ઘોષ એટલી જ સહજતાથી તે કરી દે છે.
મહર્ષિ પતંજલિએ પ્રવર્તાવેલા દર્શનનું લક્ષ્ય પણ યોગ છે. અષ્ટાંગ યોગ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. તેનું વિગતે વિવરણ તેમણે કર્યું. તેથી તે દર્શન યોગદર્શન એવા નામે પ્રસિદ્ધિ પામ્યું. अथ योगानुशासनम् હવે યોગનું વ્યાખ્યાન કરવામાં આવે છે. (યોગસૂત્ર ૧-૧) એમ તેનો આરંભ થયો છે. ત્યાર બાદ તુરંત તે યોગની વ્યાખ્યા કરવામાં આવી. योगश्र्चित्तवृत्तिनिरोघः યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. (યોગસૂત્ર ૧-૨) વિવિધ વિષયોમાં વેરાતી ચિત્તની વૃત્તિઓને પાછી વાળવાનું તેમાં તાત્પર્ય છે. આગળ જતાં આ યોગને જ સમાધિ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાઆ સમાધિયોગને પણ પ્રત્યક્ષ ભગવાન સાથે જોડી આપે છે. પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની સર્વ વૃત્તિઓ પરોવાઈ જાય એટલે સમાધિ સર કરી ચૂક્યો. આવા સમાધિનિષ્ઠને યોગી કહેવાય. એમ શ્રીકૃષ્ણ વારંવાર કહે છે.
स योगी मयि वर्तते - પ્રત્યક્ષ ભગવત્પરાયણતા એ જ યોગ
છઠ્ઠા અધ્યાયનો દાખલો લઈએ. તે અધ્યાયમાં યોગનું વિશદ વિવરણ કરવામાં આવ્યું છે. સાચા સમાધિનિષ્ઠ યોગીની ઓળખ આપી છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે -
'सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि।
र्इक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः॥'
અર્થાત્ જે વ્યક્તિ જીવપ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને જોઈ શકે. એ પરમાત્મામાં બધું રહેલું છે તેમ અનુભવી શકે. જે સર્વત્ર રહેલા પરમાત્માને સમભાવે નિહાળી શકે તેને યોગયુક્ત જાણવો. (ગીતા ૬-૨૯) આ થઈ યોગીની એક સર્વ-સામાન્ય વ્યાખ્યા. હવે તેને પ્રગટ પરમાત્માની નિષ્ઠાથી સુવાસિત કરે છે - स योगी मयि वर्तते (ગીતા ૬-૩૧) કહેતાં આવો યોગી તો સદાય મારામાં રમમાણ વર્તે છે. પ્રત્યક્ષ નારાયણસ્વરૂપની અહર્નિશ રટના એ જ સમાધિની સર્વોચ્ચ ભૂમિકા, એમ અહીં સમજાવવું છે.
અષ્ટાંગ યોગની સાધનાનું લક્ષ્ય પણ આ જ છે. પરંતુ ઘણી વાર સાધન જ સાધ્ય બની જાય, મૂળ સાધ્ય ભુલાઈ જ જાય એવું બનતું દેખાય છે. તેનું એક ઉદાહરણ યોગસાધના પણ છે. યોગસાધના ઘણા કરે છે. સમાધિનો અનુભવ કરવા ઇચ્છે છે, પરંતુ ભગવાનના સ્વરૂપમાં તન્મયતા પ્રાપ્ત કરવી તે સાચી સમાધિ છે એ મૂળ મર્મને ભૂલીને સાધના કરે છે. આવી સાધના નિષ્ફળ છે. સમય અને શક્તિનો વ્યય છે. અર્જુન આવી ભૂલ ન કરી બેસે તે માટે શ્રીકૃષ્ણ સાચી સમાધિને ઉજાગર કરે છે.
શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ સાચી યોગસાધનાને આ રીતે જ સમજાવી છે. તેઓ કહે છે - 'જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો.' (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૨૫)
कश्र्चिन्मां वेत्ति तत्त्वतः - પ્રત્યક્ષ પરમાત્મયોગની દુર્લભતા
વળી, સાતમા અધ્યાયના આરંભમાં પણ યોગનું રહસ્ય ઉદ્ઘાટિત થયું છે. શ્રીકૃષ્ણ કહે છે -
'मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन् मदाश्रयः।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तत्व्छृणु॥'
હે પાર્થ! મારામાં આસક્ત મનવાળો અને મારે શરણે આવેલો તું યોગ સાધના કરતાં કરતાં મારા સ્વરૂપને કોઈ પણ પ્રકારની શંકા વગર અને સંપૂર્ણપણે જે રીતે જાણી લઈશ તે હવે સાંભળ. (ગીતા ૭-૧) પ્રગટ ભગવાનમાં મનની વૃત્તિઓ જોડાઈ જાય, તેમનો આશરો થાય તે યોગ સાધના. એ પ્રગટ સ્વરૂપનો સંશયરહિત-નિર્વિકલ્પ નિશ્ચય થાય તે તેની પરાકાષ્ઠા એમ આ શ્લોકનો હાર્દ છે. પરંતુ એ પરાકાષ્ઠાએ પહોંચનારા ઝાઝા હોય નહીં.