આપણે કેટલા કટિબદ્ધ છીએ?
લાખો લોકોને વ્યક્તિગત મળી મળીને કે પોતાના જાહેર જીવન દ્વારા લાખો લોકોને પ્રેરણા આપતા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોમાં નૈતિક પ્રતિભાનો જે ઉજાસ પ્રસરાવ્યો છે, તેને નિરૂપવા માટે ગ્રંથોના ગ્રંથો આરક્ષિત રાખવા પડશે.
‘ભગવાનમાં શ્રદ્ધા વિના સાચી નૈતિકતા ક્યારેય પ્રગટતી નથી, અને સત્સંગ વિના ભગવાનમાં સાચી શ્રદ્ધા પ્રગટતી નથી.’- એ પ્રમુખસ્વામી મહારાજનો મંત્ર છે. એટલે જ તેમણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત નિત્ય સત્સંગનો અદ્ભુત આદેશ વિરાટ પાયે પુનઃ જીવંત કર્યો છે. જ્યાં જ્યાં સત્સંગ અને સદ્વાંચનનો આ વારસો વહેતો રહ્યો છે, ત્યાં નૈતિકતા-પ્રામાણિકતાનો પવિત્ર વારસો સહજતાથી વહેતો રહ્યો છે. સત્સંગની ગંગા નિરંતર વહેતી રહે છે, ત્યાં માનવીના મનના મેલ સહજતાથી ધોવાય છે અને જ્યાં એ સત્સંગ-જળ સુકાય છે ત્યાં કેવી વેરાન દશા છે, એ આપણે સગી આંખે જોઈ શકીએ છીએ.
પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના માધ્યમથી શું રાષ્ટ્રીય પ્રદાન આપ્યું છે ? એવી જિજ્ઞાસા રાખનારને આરોગ્યથી લઈને શિક્ષણ અને રાહતકાર્યો સુધીનાં અનેક ક્ષેત્રોમાં સેંકડો સેવા-પ્રદાનો નીરખવા મળશે. પરંતુ અસંખ્ય ભક્તોનાં હૈયાંમાં પુણ્ય નાગરિક તરીકેની એક પવિત્ર જ્યોતિ તેમણે પ્રગટાવી છે, એનો પરિચય કેવી રીતે મળશે ? એનો પરિચય કેળવવા એ એક એક વ્યક્તિની જિંદગાની નિરખવા જેવી છે. ક્યારેક તેના પર થોડી નજર કરીશું. પરંતુ હિન્દુ નૈતિકતાની આ વહેતી ધારાને સમજતા સમજતા કેટલાક મહત્ત્વના સવાલોને વારંવાર ઘૂંટવા જેવા છે.
‘શુદ્ધ નૈતિક આચરણમાં એક અદ્ભુત તાકાત છે, ઊર્જા છે, પવિત્ર પ્રભાવ છે, શાંતિ અને સુખ છે.’ - મહાન સંતો દ્વારા આ સનાતન સંદેશ આપણને વારસામાં મળ્યો છે. પરંતુ પેઢી દર પેઢી એ વારસો વહેતો રહે તે માટે વ્યક્તિગત રીતે આપણે કેટલા જાગ્રત છીએ ?
હજારો વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા માટે વિદેશી ગોરાઓ અહોભાવ અને આદરથી છલકાતા હતા, એ અહોભાવ આપણી નવી પેઢીમાં ઉતારવા માટે આપણે કેટલા સજ્જ છીએ ?
વિશ્વની જે પ્રજા પાસે પોતાના પ્રેરક ઇતિહાસ અને વારસાનો પટારો નથી, એ પ્રજા બીચારી છે, દુર્ભાગી છે. પરંતુ જે પ્રજા પાસે પોતાના પ્રેરણાસભર ઇતિહાસ અને વારસાનો પટારો છે, છતાં તેને ખોલવાની ગમ નથી, તેની પરવા નથી, તેની ખબર સુદ્ધાં નથી - એ પ્રજા સૌથી વધુ કમનસીબ અને દુર્ભાગી છે.
એ દુર્ભાગ્યમાંથી આપણી નવી પેઢીને બચાવવા માટે આપણે વ્યક્તિગત રીતે કેટલા કટિબદ્ધ છીએ ?
પેઢી દર પેઢી, સૌ એ પટારો ખોલી ખોલીને, પોતાના અદ્ભુત નૈતિક-આધ્યાત્મિક વારસાની યાદ અપાવતા રહેશે, તો છ અબજની માનવવસ્તીમાં, પુનઃ ભારતીય અસ્મિતાનાં અજવાળાં ભારતીય ગરિમાનો જયકાર કરતાં જગતભરમાં ફેલાઈ જશે...
પ્રમુખસ્વામી મહારાજનો આ સંદેશ છે, તેને આપણો સંકલ્પ બનાવીએ.
શ્રદ્ધા પ્રગટાવે નૈતિકતા
પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે તા. 30-6-2001ના રોજ દિલ્હી ખાતે વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજની દર્શન-મુલાકાત વેળાએ તેમને કહ્યું હતું : ‘ભારતને વિકસિત દેશ કરવા માટે પુણ્ય-આત્મા, પુણ્ય-નાગરિક, પુણ્ય-નેતા અને પુણ્ય-અધિકારી જોઈએ. પરંતુ કેવી દયાજનક સ્થિતિ છે કે સરકારી નિયમોથી એ નથી પકાવી શકાતા. એ તો સ્વામીજી ! આપ જેવા સંતથી જ શક્ય બને છે !’
સ્વામીશ્રીએ વાર્તાલાપ દરમ્યાન પ્રત્યુત્તરમાં કહ્યું હતું : ‘ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતાથી લોકો એવા તૈયાર થાય છે. એ માટે એક ધર્મમય વાતાવરણ ખડું કરવાની જરૂર છે. અત્યારે લોકો દુરાચાર-ભ્રષ્ટાચારમાં ચાલ્યા ગયા છે. સારા માણસો તૈયાર કરવા હોય તો ભગવાનમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા કરાવવી જોઈએ. આધ્યાત્મિક સંતો થકી તે શ્રદ્ધા જાગ્રત થાય છે. શ્રદ્ધા થાય તો આ બધું સરળ થઈ જાય...’
શ્રી અબ્દુલ કલામના ‘ઈગ્નાઈટેડ માઈન્ડ્સ’ પુસ્તકમાં રજૂ થયેલો પ્રમુખસ્વામી મહારાજ સાથેનો આ પ્રત્યુત્તર અને વાર્તાલાપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ સત્સંગ સમુદાયમાં યથાતથા પડઘાય છે.
આવા મહાપુરુષના દિવ્ય આધ્યાત્મિક પ્રભાવથી લોકોમાં જે શ્રદ્ધા પ્રગટે છે, એ કેવાં પુણ્ય-નાગરિકો, પુણ્ય અધિકારીઓ, પુણ્ય-આત્માઓ પ્રગટાવે છે એની એક ઝલક આ કોલમમાં માણવી છે.
લોકો કહે છે : સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. નીતિ-પ્રામાણિકતાની વાતો માત્ર પુરાણકથાઓ જેવી બની રહી છે.
શું ખરેખર એવું છે ?
લોકો કહે છે : આજના યુગમાં પ્રામાણિકતાને કોઈ સ્થાન નથી. પ્રામાણિક કે નૈતિક રીતે શુદ્ધ રહેવામાં નથી પ્રગતિના શિખરે પહોંચાતું, કે નથી સુખનાં સ્વપ્નાં જોઈ શકાતાં. પ્રગતિ કે સુખ મેળવવાં હોય તો આજના યુગમાં અપ્રમાણિક થવું જ પડે.
શું ખરેખર એવું છે ? સત્ય શું છે ?
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના કેટલાક હરિભક્તોને પૂછવામાં આવ્યું : આપનો શો અનુભવ છે ?
અને જવાબરૂપે ગુજરાતના પૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના વિખ્યાત એડવોકેટથી લઈને અમેરિકાના આઈ.ટી. ઈન્ડસ્ટ્રીની ટોચ પર પહોંચેલા જુદા જુદા ક્ષેત્રના, જુદા જુદા પદ પર રહેલા હરિભક્તોના પ્રેરક અનુભવોની ભરમાર પ્રાપ્ત થઈ.
તેમાંથી કેટલુંક આચમન હવે પછી ક્રમે ક્રમે માણીશું.
કેટલાક લોકો કહે છે કે કળિયુગ હળાહળ વ્યાપ્યો છે, પરંતુ આવાં ઉદાહરણો વાંચતાં લાગે છે, ‘કલિ મેં સાચો સતયુગ આયો...’
આધ્યાત્મિકતા અને નૈતિકતાને ગાઢ સંબંધ છે. આધ્યાત્મિકતા વિનાની નૈતિકતા ઝાઝી ટકી શકતી નથી,
કે નૈતિકતા વિનાની આધ્યાત્મિકતા શોભતી નથી. વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજે,
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક છત્ર તળે દેશ-વિદેશમાં આવા પુણ્ય-નાગરિકોનાં હૈયે
પ્રામાણિકતાની કેવી પવિત્ર જ્યોતિ પ્રગટાવી છે, તેની પ્રતીતિ હવે માણતા રહીશું.
લાગે છે કે ટનબંધ ઉપદેશની વાતો કરતાં આચરણનો એક ગ્રામ વધુ વજનદાર હોય છે.
પ્રામાણિકતાનો મંત્ર જિવાય છે...
'1953-54ની સાલ હતી. મને મારી વિદ્યાર્થી અવસ્થાનો એ પ્રસંગ યાદ આવે છે. હું ત્યારે નાસિકના આરતી વિદ્યાલયમાં દસમા ધોરણમાં ભણતો હતો. મારા ક્લાસ ટીચર પાસેથી વાંચવા માટે હું ઇતિહાસનું પુસ્તક ઘરે લઈ ગયો હતો. એના પછીના જ અઠવાડિયે અમારી વાર્ષિક પરીક્ષા હતી. હું એ ઇતિહાસનું પુસ્તક વાંચતાં વાંચતાં પરીક્ષાની તૈયારી કરતો હતો તેમાં, પુસ્તકમાં જ મારા ક્લાસ ટીચરે લખેલાં બે-ત્રણ પાનાં મારા જોવામાં આવ્યાં. એ અમારું વાર્ષિક પરીક્ષાનું ઇતિહાસનું પ્રશ્નપત્ર હતું. ક્લાસ ટીચરે સેટ કરેલું પ્રશ્નપત્ર આ પુસ્તકમાં ભૂલમાં રહી ગયું હતું. બીજે દિવસે સવારે હું ટીચર પાસે ગયો અને પુસ્તક પાછું આપ્યું. પછી તેમને કહ્યું : ‘તમારે પ્રશ્નપત્ર બદલવું હોય તો બદલજો, કારણ કે તમારું લખેલું પ્રશ્નપત્ર આ પુસ્તકમાં રહી ગયું હતું અને મેં તે વાંચ્યું છે. મારે આ પ્રશ્નપત્રની પરીક્ષા આપવાનો કોઈ જ અર્થ નથી.’ ત્યારે ટીચરે મને કહ્યું હતું : ‘મને ખૂબ આનંદ થયો. ભલે તમે પ્રશ્નપત્ર જોઈ લીધું, પરંતુ તમે પ્રામાણિક છો, પ્રામાણિકપણે મહેનત પણ કરો છો, એટલે મારે પ્રશ્નપત્ર બદલવું નથી ! મને વિશ્વાસ છે કે હું કોઈ પણ પ્રશ્નપત્ર સેટ કરીશ, તમને કોઈ ફર્ક પડવાનો નથી !’ અને તેમણે એ જ પ્રશ્નપત્ર રાખ્યું, અને તેનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું.
ત્યારથી મને એક વિશ્વાસ વિશેષ દૃઢ થઈ ગયો : પ્રામાણિકતાથી માણસને ક્યારેય નુકસાન જતું નથી, પરંતુ ભગવાન તેને એક કે બીજી રીતે હંમેશાં પ્રગતિ અને સુખનો અનુભવ કરાવે છે.'
ગુજરાતના પૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના વિખ્યાત એડવોકેટ શ્રી સુરેશભાઈ શેલતના આ ઉદ્ગારો છે.
સન 1964માં જુનિયર લોયર તરીકે સુરેશભાઈએ કારકીર્દિની શરૂઆત કરી ત્યારે સન 1938થી બ્રિટિશ રાજ્યના સમયથી ન્યાયાધીશ તરીકે જોડાયેલા તેમના પિતાશ્રી હાઈકોર્ટમાં ન્યાયાધીશ થયા હતા. એમ માનનારો એક વર્ગ છે કે ન્યાયાધીશનાં દીકરા-દીકરી-જમાઈ કે સગાંવ્હાલાં જો વકીલ તરીકે પ્રેક્ટિસ કરતાં હોય તો તેમને કેટલોક ફાયદો મળે. તેમને વધુ કેસ લડવા મળે કે ન્યાયાધીશ તરીકેના હોદ્દાનો તેઓ લાભ લે. પરંતુ સુરેશભાઈના પિતા ન્યાયાધીશ હોવા છતાં તેમની પાસે કોઈ કામ જ નહોતું ! તેમના પિતાશ્રી હયાત હતા ત્યાં સુધી, એમણે ન તો એમના હોદ્દાનો લાભ લેવા દીધો કે ન સુરેશભાઈએ એ અંગે વિચાર્યું. સને 1972માં પિતાશ્રી અક્ષરવાસી થયાં. પરંતુ એમણે એક શિખામણ અવશ્ય આપેલી : ન્યાયના ક્ષેત્રમાં વ્યક્તિ નહીં, પુરાવા મહત્ત્વના છે. પુરાવાને વફાદાર રહેવું. વ્યક્તિ કોણ છે તે ન જોવું. ક્યારેક વ્યક્તિને વળગવામાં પ્રામાણિકતા ન રહે. વ્યક્તિને જોઈને બદલાઈ જઈએ તે ન્યાયના ક્ષેત્રમાં ન ચાલે.
એક એડવોકેટ તરીકે સુરેશભાઈને આ પ્રામાણિકતાનો મંત્ર કેવી રીતે આજપર્યંત સતત ઉપયોગી થતો રહ્યો છે ? તે વિશે હવે પછી વાત...