કરોડો વર્ષોથી પર્વતોનાં શિખરોને અને હજારો વર્ષોથી મંદિરો અને પિરામિડોને આપણે કાળના આકરાં પ્રહારો ઝીલતાં અડગ ઉભેલાં જોઈએ છીએ. મજબૂત અને સ્થિર એવા આ પિરામિડના માળખાને ઊલટું- એટલે કે શિખરનું બિંદુ સૌથી નીચે અને પાયો ઉપર- એ રીતે ઉભું રાખવાની કોશિશ કરીએ તો? એ ક્ષણમાત્ર પણ પોતાનું બેલન્સ- સમતુલા જાળવી શકે ખરું?
આજે બહુધા અપનાવાતાં કોર્પોરેટ(ધંધાકીય) માળખાં પણ પિરામિડ પ્રકારનાં હોય છે, જેમાં એક બોસ સર્વોચ્ચ બિંદુ ઉપર એકલો બિરાજતો હોય છે. એનાં હુકમોનો અમલ કરાવનારાં થોડાં ઓફિસરો હોય છે, જે એમની હાથ નીચેનાં હજારો મજૂરો પાસે કામ કરાવે છે. પરંતુ જો આ બોસ-ઓફીસરો-મજૂરો-ના પિરામિડને ઊલટું ઉભું રાખવાની કોશિશ કરી હોય તો? એટલે કે નીચે રહેલાં માણસો પોતાનાં સાહેબો ઉપર હુકમ ચલાવે અને એમ કરતાં કરતાં સર્વોચ્ચ બોસના માથે તમામેતમામ લોકો બોસ બનીને ચડી બેસે તો? આ તંત્ર કેટલી સેકન્ડ લગી ટકી શકે?
અતિ આશ્ચર્યકારક લાગશે પરંતુ વિશ્વકક્ષાએ સફળતાનો પરચમ લહેરાવનારા BAPS સંસ્થાના વડા પ્રમુખસ્વામીએ કામગીરીના પિરામિડને જીવનભર પોતાના માથે ઊંધો લટકતો રાખીને કાર્ય કર્યું હતું, એટલે કે પોતે સર્વોચ્ચ પદે બિરાજમાન હોવા છતાં નાનામાં નાના માણસને પોતાના માથાનો મુગટ સમજીને તેની સેવા કરી હતી.
સંસ્થાના એકેએક સંતને યોગ્યતા મુજબની સેવા મળે એ માટેના નિર્ણયો સારંગપુર મંદિર સ્થિત ‘સંત તાલીમ કેન્દ્ર‘ દ્વારા લેવામાં આવે છે. ત્યાંના સંચાલક સંતોએ પ્રમુખસ્વામીને એક મંદિરમાં અમુક પ્રકારના સંતની જરૂરિયાત ઊભી થઈ છે એમ જણાવેલું. પછી એવું બન્યું કે પ્રમુખસ્વામીના જ ધ્યાનમાં એક સંત આવી ગયા. આથી સ્વામીએ એ સંતને એ સેવા સોંપવાનું નક્કી કરી એમના ઉપર એક આશીર્વાદ પત્ર લખી નાખ્યો. પરંતુ એ પત્ર રવાના થાય એ પહેલાં સંચાલક સંતો પાછા મળવા આવી ગયા. એમણે એક બીજા જ સંતના નામનો પ્રસ્તાવ મૂક્યો કે જે પ્રમુખસ્વામીએ નક્કી કરેલ નામથી અલગ હતું. પ્રમુખસ્વામીએ આ સાંભળ્યું કે તરત એક હરફ ઉચ્ચાર્યા વિના પેલો પત્ર મંગાવ્યો અને એ પત્રના ટુકડેટુકડા કરીને ફેંકી દીધા. જ્યારે સંચાલક સંતોને આ વાતની ખબર પડી ત્યારે એમણે પ્રમુખસ્વામીને કહ્યું, ‘ સ્વામી, એ પત્ર ફાડી નાખવાની જરૂર નહોતી. અમને ખબર હોત તો અમે એ જ સંતને ત્યાં મૂકી દેત.‘ પરંતુ એ વખતે પ્રમુખસ્વામી કહે કે ‘આ તમારો વિભાગ છે. તમે જે નિર્ણય લો તે આંખ-માથાપર. એમાં મારે કાંઈ કહેવાય નહીં.‘ બાકી પ્રમુખસ્વામીને પોતાનું ધાર્યું કરવામાં કોઈ રોકનાર નહોતું.
યોગીબાપાની હયાતીમાં પ્રમુખસ્વામી એકવાર સારંગપુરમાં હતા ત્યારે એમને તાત્કાલિક ગોંડલ જવાનું થયું. નીજી વાહન ન હોવાને લીધે બોટાદથી ટ્રેનમાં ગોંડલ જવાનું હતું. પ્રમુખસ્વામી સંસ્થાના સર્વોચ્ચ વડા હોવાથી તમામ વાહનો તો એમની માલિકીના જ ગણાય, પરંતુ એમણે પદવી પ્રમાણે પોતાના કરતાં ઘણાં નીચલા ક્રમે આવતા સારંગપુર મંદિરના કોઠારી પાસે બોટાદ જવા માટે ટ્રેક્ટર માગ્યું. કોઠારીએ પ્રમુખસ્વામીને ટ્રેક્ટર આપવાને બદલે જ્ઞાન આપ્યું કે ‘ ટ્રેક્ટરનાં છ પૈડાં ઘસાય, જ્યારે ઘોડાગાડીને બે પૈડાં હોય.‘ આ તીખાંતમતમતાં વેણનો કોઈ પ્રતિકાર કર્યા વિના પ્રમુખસ્વામીએ સવારે ૧૧ થી સાંજના ૪ વાગ્યા સુધી રાહ જોઈ. પછી કોઠારીએ ઘોડાગાડી આપી. આ જોઈને પ્રમુખસ્વામીના સેવક હકા ખાચરથી રહેવાયું નહીં અને તેઓ ઉશ્કેરાઈને બોલવા લાગ્યા ‘તમે સંસ્થાના ધણી છો. તમારે કોઠારીને કહી દેવું જોઈએ.‘ ત્યારે પ્રમુખસ્વામીએ ઠંડકથી જવાબ આપ્યો ‘અમે ગમે તે હોઈએ, પણ મંદિરના કોઠારી એ કહેવાય. એમની સામે આપણાથી બોલાય નહીં.‘ Hirarchy- પરંપરાને ઊંધી પાડી દેનાર પ્રત્યે આટલો સાદર અભિગમ !
અટલાદરા(વડોદરા)માં ગુરુ શાસ્ત્રીજી મહારાજની સુવર્ણતુલાનું આયોજન થયું હતું. પ્રમુખસ્વામી કોઈ અન્ય બાબતે ગુરુને મળવા આવેલા અને મળીને નીકળી રહ્યા હતા, એવામાં એકાએક શાસ્ત્રીજી મહારાજે જાહેરાત કરી કે ‘સુવર્ણતુલા વખતે ત્રાજવાના એક પલ્લામાં સોનું મુકાયું હોય એની સામેના પલ્લામાં હું બેસીશ નહીં.‘ આગેવાનો અને ટ્રસ્ટીઓને આ વાત બિલકુલ પચી નહીં. પ્રમુખસ્વામી શાસ્ત્રીજી મહારાજને તાજેતરમાં મળેલા એટલે બધાએ કોણ જાણે એમ જ માની લીધું કે પ્રમુખસ્વામીએ શાસ્ત્રીજી મહારાજને આ રીતે ત્રાજવામાં બેસવાની મનાઈ કરી છે એટલે તેઓ આવી જાહેરાત કરે છે. અને બસ, પછી તો પૂછવું જ શું? બધા આગેવાનોએ પ્રમુખસ્વામીને ઘેરી લીધા અને આકરાં વચનનાં વજ્રથી વીંધવા લાગ્યા કે ‘તમે જ આ વિઘ્ન ઊભું કર્યું છે- તમને શો અધિકાર છે?‘ ત્યારે કોઈપણ હિસાબે પોતાનો વાંક ન હોવા છતાં પ્રમુખસ્વામી સફાઈનો એક શબ્દ ઉચ્ચાર્યા સિવાય હાથ જોડીને કરગરવા લાગ્યા કે ‘મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો.‘ વર્ષો પછી પ્રમુખસ્વામીને આ અંગે પૂછાયું કે ‘વાંક ન હોવા છતાં આપે કેમ બધું સહન કરી લીધું?‘ ત્યારે તેઓ કહે કે ‘એ બધા મોટેરા હતા. એમણે ખૂબ ભોગ આપ્યો હતો. એટલે એમને મને કહેવાનો અધિકાર હતો.‘ પોતે જ અધિકારી હોવા છતાં પોતાનું અપમાન કરવાનો અધિકાર બીજાને આપી દેનાર અધિકારના તોતિંગ પિરામિડને પોતાના માથે ઊંધું રાખીને પણ સમતોલ કેમ ન રાખી શકે !
દુનિયા આ વાત નહીં જ સ્વીકારી શકે કે કામગીરીના પિરામિડને ઊંઘો પાડી દીધા બાદ પણ બેલન્સ રાખી શકાય. પરંતુ પ્રમુખસ્વામીએ સત્તાના પિરામિડની ટોચ ઉપર હોવા છતાં સૌથી હેઠળની જગ્યાએ દાસભાવે રહીને કાર્યનો ભાર અને અપમાનનો માર વેઠતાં વેંઢારતાં જ વિક્રમી સિદ્ધિઓ હાંસલ કરી છે, એને જોતાં જોતાં આશ્ચર્ય અને અહોભાવનાં શિખરો પણ મસ્તક નમાવી દેશે !