1982માં કાર્તિક મહિનામાં અચારડામાં સ્વામીશ્રીએ પારાયણ કરી હતી. દિવસે પારાયણ કરીને સાંજે કે રાત્રે સ્વામીશ્રી આજુબાજુનાં ગામડાંઓમાં વિચરણ કરવા નીકળી પડે. તા. 23-11-1982ના રોજ અચારડામાં સાંજે ઘણી પધરામણીઓ કરી. પધરામણી પછી પારાયણમાં લાભ આપીને જીપમાં બેસીને સ્વામીશ્રી ભોયકા પધાર્યા હતા. ભોયકામાં સ્થાનિક લોકોએ ટ્રેક્ટરમાં બેસાડીને સ્વામીશ્રીનું સામૈયું કર્યું. પછી ગામમાં પધરામણીનો દોર શરૂ થયો. ગામમાં વ્યસનનું જોર વધ્યું હતું. સ્વામીશ્રીને તેની જાણ થતાં ઘરોઘર વ્યસનમુક્તિની વાતો કરી. ઘણાએ વ્યસન- મુક્તિની પ્રતિજ્ઞા લીધી. પધરામણીઓ પૂરી ગામના મંગુભા મુખીના ડેલે પધાર્યા. અહીં સભા હતી. સભામાં સ્વામીશ્રીએ સૌને સત્સંગલાભ આપ્યો. ત્યારબાદ ઠાકોરજી જમાડ્યા. એટલામાં રાતના લગભગ 10-30 વાગી ગયા હતા.
એ સમયે ગામમાં જ રહેતા અજિતસિંહે પોતાને ત્યાં સ્વામીશ્રી પધરામણીએ પધારે તેવી સંતો દ્વારા વિનંતી કરી. સ્વામીશ્રી ત્યારે જમતા હતા. અજિતસિંહની વાત સાંભળતાં સ્વામીશ્રી કહે, ‘ચાલો અત્યારે જ પધરામણીએ જઈ આવીએ.’ એમ કહીને ભોજન આટોપીને તરત ઊભા થયા. ગામમાં લાઇટ હતી નહીં. છતાં સ્વામીશ્રી ગામમાં નીકળ્યા. આ દરમ્યાન અહીંના હરિભક્ત નરેન્દ્રસિંહનું ઘર વચ્ચે આવતાં સ્વામીશ્રી કહે, ‘ચાલો બાપુ, તમારા ઘરે પણ જઈ આવીએ.’ એમ કહીને એ ઘરમાં સ્વામીશ્રીએ પધરામણી કરી. અહીંથી અજિતસિંહ બાપુના ઘરે ચાલતાં ચાલતાં પધાર્યા ત્યારે વચ્ચે અંધારામાં ગામની ઊભરાયેલી ગટરના કાદવના ખાબોચિયાંમાં સ્વામીશ્રીનો પગ પડ્યો અને તેમની મોજડી અંદર ફસાઈ ગઈ. સ્વામીશ્રી એક પગની મોજડીને કાદવમાં જ રહેવા દઈને એક પગે મોજડી અને બીજા ખુલ્લા પગે પધરામણીએ ચાલતા રહ્યા. ધૂળ-ઢેફામાં કાંટા-કાંકરા વાગશે એની પરવા કર્યા વગર! પેટ્રોમેક્સના અજવાળે અજિતસિંહના ઘરે સ્વામીશ્રી એક પગમાં રહેલી મોજડી કાઢતા હતા ત્યારે સૌનું ધ્યાન ગયું, પૂછ્યું, બીજી મોજડી ક્યાં? જાણે કે કાંઈ બન્યું જ ન હોય એવા ભાવથી સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું કે ‘કાદવમાં રહી ગઈ હશે.’
ચાર-પાંચ હરિભક્તો પેટ્રોમેક્સ લઈને મોજડી શોધવા ગટર ઊભરાઈ હતી ત્યાં પહોંચ્યા. કાદવમાં ખૂંપી ગયેલી મોજડી દેખાઈ. એ લઈને, સાફ કરીને સ્વામીશ્રીને આપી.
આવી પરિસ્થિતિમાં પધરામણી કરીને સ્વામીશ્રી અચારડા પહોંચ્યા ત્યારે લગભગ મધરાતનો સમય થવા આવ્યો હતો.
આવી પરિસ્થિતિમાં પણ સ્વામીશ્રી સમગ્ર પરિવારને ખૂબ પ્રેમથી મળે. સ્વામીશ્રીના મુખ ઉપર ક્યારેય થાકની રેખા ન જોઈ શકાય. ઉમળકાથી સ્વામીશ્રી સૌના ભાવ પૂરા કરે અને ઉત્સાહથી ઘરોઘર પધરામણીઓ કરે.
આવાં કષ્ટો વચ્ચે વાહનની તકલીફ ક્યારેક પરિસ્થિતિને વધુ કઠિન બનાવતી.
સુરેન્દ્રનગર જિલ્લાના માળોદ ગામે સન 1973માં સ્વામીશ્રી પધારવાના હતા. ચોમાસાના દિવસો હતા. સખત વરસાદ વરસ્યો હતો. બાજુના ખારવા ગામેથી સ્વામીશ્રીને ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડીને માળોદના ભક્તો માળોદ લઈ જઈ રહ્યા હતા. વરસાદને લીધે રસ્તા સાવ બગડી ગયા હતા. રસ્તામાં ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા હતા. ખારવાથી માળોદ લગભગ પંદરેક કિલોમીટર થાય. એક તો ખરાબ રસ્તા, ચારેય બાજુ ખાડા અને એમાં વળી ઊછળતું ટ્રેક્ટર! ટ્રેક્ટર સાવ ગોકળગાયની ગતિએ આગળ વધતું હતું. અતિ ખરાબ રસ્તાને કારણે પાછળની ટ્રોલી અતિશય ઊછળતી હતી. અને સાથે તેમાં બેઠેલા સ્વામીશ્રી પણ! આવા હડદાને કારણે સ્વામીશ્રીને પેટની પિચોટી ખસી જવાનો પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. સ્થાનિક ખેડૂતો પણ આવી ટ્રોલીમાં બેસવા તૈયાર ન થાય એવી પરિસ્થિતિ હતી. પરંતુ સ્વામીશ્રી તો ભજન કરતાં કરતાં, આનંદભર્યા મોંએ માળોદ પધાર્યા. અહીં ઉતારા કરીને થોડી જ વારમાં પંદર કિલોમીટર દૂર આવેલા રામપરા ગામે જવા નીકળ્યા. રસ્તાની પરિસ્થિતિ એવી ને એવી જ. ટ્રેક્ટરની ખુલ્લી ટ્રોલીમાં ઊછળતાં ઊછળતાં બેઠેલા સ્વામીશ્રી પર વચ્ચે વચ્ચે ક્યાંક વરસાદ પણ છાંટણાં નાખી જતો હતો. રામપરામાં સભા કરીને સ્વામીશ્રી આવી હાલતમાં પાછા પંદર કિલોમીટરનું અંતર કાપીને માળોદ પધાર્યા. આવી હાલતમાં એક જ દિવસમાં કુલ 45 કિલોમીટરની મુસાફરી ટ્રેક્ટરમાં કરીને સ્વામીશ્રી રાત્રે દસેક વાગે પાછા માળોદ પધાર્યા, ત્યારે સ્થાનિક ગામના લોકો સભા માટે રાહ જોઈને બેઠા હતા. સ્વામીશ્રીએ સભામાં કથાવાર્તાનો લાભ આપ્યો, પછી જમ્યા, અને થાક્યાપાક્યા રાતના એકાદ વાગે સૂતા!
બીજે દિવસે સવારથી માળોદ ગામના હરિભક્તો પોતાના ઘરે ઘરે સ્વામીશ્રીને પધરાવવા સજ્જ થઈને બેઠા હતા. વરસાદને લીધે ગામમાં ગારો પણ પુષ્કળ થયો હતો. એ ગારો ખૂંદતાં ખૂંદતાં સ્વામીશ્રીએ વીસેક ઘરોમાં ચાલતાં ચાલતાં જ પધરામણી કરી અને એ હરિભક્તોને રાજી રાજી કરી દીધા.
એક વર્ષે સ્વામીશ્રી અચારડા પધાર્યા ત્યારે સમગ્ર પંથકમાં ખૂબ વરસાદ ખાબક્યો હતો. અચારડાથી સ્વામીશ્રીને ટ્રેક્ટરમાં બેસીને ભોયકા જવાનું હતું. વરસાદને લીધે જમીન ચીકણી થઈ ગઈ હતી. એટલે નાળા પાસે ટ્રેક્ટર ફસાયું. ટ્રેક્ટરે બળ તો ઘણું કર્યું પણ વધુ ને વધુ ફસાતું ગયું. સ્વામીશ્રીની સાથે ટ્રોલીમાં સંતો-હરિભક્તો પણ હતા. સૌ નીચે ઊતર્યા. ગારાવાળી જમીનમાં ટાયર નીચે પથરા મૂક્યા, પણ તેનાથી ટ્રેક્ટર આગળ વધી ન શક્યું. પછી તો ગામમાંથી બીજાં બે ટ્રેક્ટર આવ્યાં. આ ટ્રેક્ટર સાથે દોરડું બાંધીને ખેંચવામાં આવ્યું પણ જરાય ફરક ન પડ્યો. છેલ્લે ભોયકા ગામના જીલુભા ટ્રેક્ટર લઈને ગયા અને બળ કર્યું ત્યારે માંડ માંડ ટ્રેક્ટર બહાર નીકળ્યું. અને રાત્રે છેક 8 વાગે સ્વામીશ્રી પહોંચ્યા.
1981માં સ્વામીશ્રી વડોદરાના ભક્તોએ આપેલી એમ્બેસેડર કાર દ્વારા લીંબડીથી નડિયાદ જવાના હતા. પરંતુ કાર બગડી. આથી લીંબડીમાં જ સ્વામીશ્રીએ રિપેર કરવા માટે મોકલી આપી. એકાદ કલાકે ગાડી રિપેર થઈને આવી ગઈ. સ્વામીશ્રી તેના દ્વારા નડિયાદ જવા નીકળ્યા. ચાતુર્માસનો સમય હતો. ચાતુર્માસમાં ધારણાંપારણાં વ્રતનો ઉપવાસનો દિવસ હતો. રસ્તો દેખાય જ નહીં એવો મુશળધાર વરસાદ વરસતો હતો. માંડ થોડા કિલોમીટર ગાડી ચાલી હશે અને પાછી ગાડી બગડી. સ્વામીશ્રી પણ વરસતા વરસાદમાં બહાર નીકળ્યા અને પલળતાં પલળતાં માર્ગદર્શન આપવા લાગ્યા. સંતોએ ધક્કા માર્યા. પણ ચાલુ જ ન થઈ. રસ્તામાં પસાર થતા ટ્રકવાળાને ઊભા રાખવા માટે સૌ હાથ ઊંચો કરે, પણ કોઈ ઊભો ન રહ્યો. છેવટે સંતોએ ગાડીને ધક્કા માર્યા. વોકળામાં એક એક ફૂટ વહેતા પાણી વચ્ચેથી ધક્કા મારીને પાણીના વહેણમાંથી ગાડી બહાર કાઢી ત્યાં સામે રેલવેનું ફાટક આવ્યું. એનો ઢાળ ચડાવવાનો હતો. જેવો ઢાળ ચડ્યા ને ગાડી ચાલુ થઈ ગઈ. ચાલુ ગાડીમાં જ ઇન્દ્રવદનભાઈ સીટ ઉપર બેસી ગયા. સ્વામીશ્રી કહે, ‘પહેલાં સીધી ગેરેજમાં લઈ લો.’ નજીકમાં ગેરેજ હતું ત્યાં ગાડી લઈ ગયા, ત્યારે મિકેનિકે કહ્યું કે ગાડીમાં કોઈ જ વાંધો નથી. ગાડી જોવાના પાંચ રૂપિયા આપો. સ્વામીશ્રી હસી પડ્યા!
રાત્રે 11 વાગે નડિયાદ પહોંચ્યા. અહીં એક હરિભક્તને અકસ્માત નડ્યો હતો. એમને હોસ્પિટલમાં મળીને રાત્રે 12 વાગે જમનાદાસ અમીનના ઘરે આરામમાં પધાર્યા.
ચચાણા ગામની એક સ્મૃતિ ક્યારેય ભુલાય તેમ નથી.
1973માં ભાદરવાના એ તાપમાં સ્વામીશ્રી ઝાલાવાડમાં ઘૂમી રહ્યા હતા ત્યારે એક ગામે જૂના મંદિરે ઊતર્યા હતા. તા. 26, 27 સપ્ટેમ્બરના એ દિવસો હતા. ખેતીનો પાક લણાઈ જવાને કારણે મચ્છરોનો ત્રાસ પણ અસહ્ય કહી શકાય એટલી હદે વધી ગયો હતો. નારાયણ ધરે તેમજ અચારડામાં આખો દિવસ ઉત્સવ, સામૈયાઓ, પધરામણીઓ અને કથાવાર્તા કરીને રાત્રે પોઢવા માટે પધાર્યા ત્યારે લગભગ મધરાત જેવો સમય થઈ ગયો હતો. વળી, એ સમયે સાધારણ સગવડની તો કોઈ વાત જ ન હતી. થાક્યાપાક્યા સ્વામીશ્રી સૂતા તો ખરા, પરંતુ ભાદરવાના ઉકળાટ અને ગરમી અસહ્ય હતાં. ઉપર પંખો ન હતો. ગરમી અને મચ્છરને કારણે સ્વામીશ્રી માત્ર પડખાં ફરી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં પણ અમને કોઈને ઉઠાડ્યા વગર જાતે ગાદલું લઈને સ્વામીશ્રી મંદિરના ચોકમાં આવીને સૂતા. પરંતુ અહીં પણ પવન નહોતો અને મચ્છરોનો ત્રાસ ત્રાસ તો હતો જ. થોડી વાર થઈ ત્યાં હું જાગી ગયો ને જોયું તો સ્વામીશ્રી મંદિરના ચોકમાં જાગતા બેઠા હતા.
મેં પૂછ્યું એટલે કહે, ‘મચ્છર બહુ છે અને ગરમી પણ બહુ છે.’ પછી કહે, ‘ચાલ, આપણે તળાવની પાળે જઈને સૂઈ જઈએ.’ પછી અમે બંને ગાદલું બગલમાં દબાવીને તળાવની પાળે પહોંચ્યા. રાતના અઢી વાગ્યા હતા. તળાવની પાળે થોડી ઘણી ઠંડક હતી એટલે લગભગ ત્રણેક વાગે ઊંઘ આવી હશે. છતાં સવારે રોજના સમયે ઊઠીને, નિત્યકર્મથી પરવારીને સ્વામીશ્રી તો પધરામણીઓમાં લાગી ગયા. સ્વામીશ્રીએ હરિભક્તોને સહેજ ખ્યાલ પણ આવવા ન દીધો કે રાત્રે ઉજાગરો વેઠીને તળાવની પાળે જઈને તેઓ સૂતા હતા!
નવાગામ-સેજકપરમાં શિયાળાની એક સાંજે સ્વામીશ્રીને શૌચવિધિ કરવા જવાનું થયું. શૌચવિધિ પતાવ્યા પછી ગામ બહાર એક કૂવો જોતાં સ્વામીશ્રીએ કહ્યું, ‘અહીં જ નાહી લઈએ.’ પ્રગટ ભગત અને મેં કહ્યું: ‘શિયાળાનો સમય છે, ઠંડી લાગશે.’ સહજતાથી હસતાં હસતાં સ્વામીશ્રી કહે, ‘કાંઈ વાંધો નહીં આવે, ભગવાનને સંભારીને નાહી લઈએ.’ અને સ્વામીશ્રીએ ઠંડા વાયરા વચ્ચે ખુલ્લામાં જ સ્નાન કર્યું હતું. ક્યારેક તળાવની પાળે, ક્યારેક કૂવાના થાળે, ક્યારેક ટ્રેક્ટરની ટ્રોલી પર, ક્યારેક તો કો’કના ખેતર કે ઘરની ડંકી નીચે પણ સ્વામીશ્રી સ્નાન કરી લેતા.
આવી રીતે સ્વામીશ્રીની ઘનવર્ષાથી પ્રસન્ન થઈ પાંગરતા હરિભક્તોનાં હૃદયવનને નીરખ્યાં છે, અને એમને પ્રસન્ન થયેલા નીરખીને અનેક કષ્ટો વચ્ચે હરખાતા સ્વામીશ્રીને પણ નીરખ્યા છે, એ ક્યારેય વિસરાશે નહીં.