પોતે સ્વયં ગુરુ હોવા છતાં કોઈ શિષ્ય પણ ભક્તિ કરતો હોય તો તેને ભક્તિપૂર્વક લળી પડવાની તેમની સહજ સ્વાભાવિકતા હતી. કોઈ તીર્થ કરીને આવે તો તેને નીચા નમી ચરણસ્પર્શ કરે. કોઈએ તપ્તકૃચ્છ્ર કે પારક જેવું તીવ્ર તપ ભગવાનની પ્રસન્નતા માટે કર્યું હોય ને તે દર્શને આવે ત્યારે સ્વામીશ્રી સામેથી તેમનો ચરણસ્પર્શ કરે ને રાજીપો દર્શાવે. સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય કોઈપણ પરંપરાના ભક્તે પણ ભગવાનને રીઝવવા આકરાં વ્રત કર્યાં હોય, કોઈ પોતપોતાના ઇષ્ટદેવનું ભજન કરતા હોય તો તેના પ્રત્યે અહોભાવ દાખવે, કોઈ ભજન ગાય તેને પ્રેમથી સાંભળે, તેમની કથામાં પણ લીન બને. તેમાં સ્વામીશ્રીની ભક્તિનું અનોખું પ્રતિબિંબ ઝિલાતું.
ભગવાનની કથાભક્તિ કરવા-સાંભળવામાં સ્વામીશ્રીને ક્યારેય કંટાળો નહીં. દૈહિક બીમારી હોય, તાવ ચઢ્યો હોય તો પણ ધ્રૂજતા શરીરે કથારસ રેલાવે ! ભગવાનની વાત કરવામાં સમય, સ્થળ, સુવિધા, શ્રોતા કે શરીરસ્થિતિ - કંઈ જ ગણકારે નહીં. એક શ્રોતા માટે પણ એવા જ ઉત્સાહથી કથા કરે, જાણે સામે લાખો શ્રોતા બેઠા છે ! 1972ની સ્પેશિયલ ટ્રેનમાં એક વચનામૃત પર સતત પાંચ કલાક કથારસ રેલાવ્યો હતો, એકાદશીનો નિર્જળ ઉપવાસ હોવા છતાં !
ઠાકોરજી સન્મુખ કદી ઊંચા આસને ન બેસે. 1974માં અમેરિકામાં ન્યૂયોર્કની ધરતી પર પ્રથમ હરિમંદિરની ખાતવિધિ બાદ સભા થઈ. યુવક મંડળે સ્વામીશ્રી માટે સુંદર આસન તૈયાર કર્યું હતું. પરંતુ સ્વામીશ્રીએ એક નજરમાં માપી લીધું કે ઠાકોરજીનું આસન સામાન્ય હતું. તરત સ્વામીશ્રી સામાન્ય આસન ઉપર બિરાજી ગયા ને જ્યાં પોતાને બેસવાનું હતું તે મુખ્ય આસન પર હરિકૃષ્ણ મહારાજને વિરાજિત કર્યા.
ચિન્મય મિશનના સ્વામી ચિન્મયાનંદજી આ પ્રસંગે ટોરન્ટોથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વામીશ્રીની આ ઇષ્ટભક્તિ નજરે નિહાળી, તેમના મુખેથી શબ્દો સરી પડ્યાઃ ‘વા... હ !’ તેઓ એટલા પ્રભાવિત થયા કે વક્તવ્યમાં બોલી ઊઠ્યા : ‘આધ્યાત્મિક પ્રગતિ તો જેની પાસે ભગવાન હોય તેવા પુરુષના સંબંધથી જ સાધી શકાય. પ્રમુખસ્વામી એવા અધ્યાત્મમાં ડૂબેલા પુરુષ છે. એમને ભગવાનમાં અતૂટ પ્રીતિ છે. આવા સત્પુરુષનો પ્રસંગ થાય તો જગત તરફ જઈ રહેલી જીવની વૃત્તિઓ ભગવાન તરફ વળે...’
ઠાકોરજીની નવધા ભક્તિ વિના સ્વામીશ્રી ક્ષણ પણ વ્યર્થ સમય જવા ન દે. પળ-પળનો સદુપયોગ કરી જ લે. મૂર્તિને ક્યારેય ધાતુ-પાષાણ કે ચિત્રામણની ન ગણે. તેમાં સાક્ષાત્ ભગવાનનો આવિર્ભાવ છે એવું દૃઢપણે માને ને એ મુજબ વર્તે. થાળ, વાઘા, શણગાર આદિ ૠતુ-ૠતુ પ્રમાણે થાય તેનો દૃઢ આગ્રહ રાખે.
પોતે શ્રીહરિના દૃઢ દાસ છે, એ ભાવ કદી ન ભૂલે. કાર્યક્રમ અને સમારંભ મોટો હોય કે નાનો, ઉદ્ઘાટન નાનું હોય કે મોટું - પ્રથમ ઠાકોરજીને જ આગળ કરે. ઠાકોરજી ઉદ્ઘાટન કરી રહ્યા છે, એ ભાવ એમની બધી ક્રિયાઓમાં પરખાય.
સુરતની મોટામાં મોટી જે. જે. એરકંડિશન્ડ માર્કેટનું ઉદ્ઘાટન કરવા પધાર્યા ત્યારે જાણે ઠાકોરજી જ ઉદ્ઘાટન કરે છે! એવો ભાવ. સમારંભ વખતે સ્ટેજ પર સ્વામીશ્રી પધાર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે પોતાના માટે સુશોભિત આસન છે અને ઠાકોરજી માટે સાદું આસન છે. તરત જ પોતે ઊભા રહી ગયા અને કહ્યું: ‘ઠાકોરજીને આ (પોતાના) આસન પર પધરાવો, હું પેલા પર બેસીશ.’ પછી તો હરિભક્તો ઠાકોરજી માટે ગાલીચો લઈ આવ્યા અને ઠાકોરજી માટેના આસન પર બિછાવ્યો ત્યારે જ તેઓ પોતાના આસન પર બિરાજ્યા.
સમૂહ ફોટો પડાવવામાં પણ જો હરિકૃષ્ણ મહારાજ ઢંકાઈ જાય તો સ્વામીશ્રી એ સાંખી ન શકે.
વડોદરા જિલ્લાના કુણપાડ ગામે સ્વામીશ્રી પધાર્યા હતા ત્યારે હરિભક્તોને એવી ઇચ્છા થઈ કે આપણે સ્વામીશ્રી સાથે સમૂહ ફોટો લેવડાવીએ. બધા સ્વામીશ્રીની આજુબાજુમાં હરખભેર ગોઠવાઈ ગયા. એમાં ઠાકોરજીની મૂર્તિ ઢંકાઈ ગઈ. સ્વામીશ્રી તરત અકળાઈ ગયા અને કહે : ‘ઠાકોરજી આવે એવી રીતે ફોટો પાડો. આપણને બસ આપણું જ તાન છે, પણ ઠાકોરજીને લઈને આપણે છીએ.’
કોઈ સ્વામીશ્રીને એમ કહે કે ‘આપના માટે જ ખાસ આ વાનગી બનાવી છે.’ તો તરત, ક્ષણનાય વિલંબ વગર કહી દેઃ ‘મારા માટે કરો છો એમ ન બોલાય. ઠાકોરજી માટે કરીએ છીએ એમ બોલો. ઠાકોરજી માટે જ કરવું, અમારા માટે ન કરવું.’
ઠાકોરજીએ જે અંગીકાર ન કર્યું હોય એ સ્વામીશ્રી ક્યારેય અંગીકાર ન કરે, એ પછી ભલે ને ફૂલની એક પાંદડી હોય! એક વખત આખા દિવસની કઠિન મુસાફરી કરીને સ્વામીશ્રી રાત્રે મહેળાવ પધાર્યા. હરિભક્તોએ ઉમંગભેર નગરયાત્રાનું આયોજન કર્યું હતું. ખૂબ થાકેલા હોવા છતાં સ્વામીશ્રી નગર- યાત્રામાં જોડાયા. ટ્રેક્ટરમાં બિરાજ્યા. હરિભક્તોની ખૂબ ભારે ભીડ હતી. એમાં એક હરિભક્તે હરખમાં આવી જઈને સ્વામીશ્રીને હાર પહેરાવવા માટે હાથ લંબાવ્યા. સ્વામીશ્રીએ એકદમ તેમનો હાથ પકડ્યો, અટકાવીને કહ્યું : ‘પહેલાં ઠાકોરજીને ધરાવો, મને પછી.’ આવું તો અસંખ્યવાર બન્યું છે.
1974માં વિદેશયાત્રામાં એક પધરામણીમાં પૂજન સમયે હરિભક્ત વિનોદભાઈ પટેલે હરિકૃષ્ણ મહારાજને પહેરાવવા માટે પોતે ઘેર તૈયાર કરેલો એક નાનો પુષ્પહાર સ્વામીશ્રીને આપ્યો. તે ભીનો હતો. સ્વામીશ્રીએ તેને ધીરેથી નિતારી લીધો, પોતાના ગાતરિયામાં થોડો સમય દબાવી, તેમાંનું પાણી સૂકવી નાખ્યું. પછી તે હાર હરિકૃષ્ણ મહારાજને પહેરાવ્યો !
1987માં કેદારનાથથી નીચે ઊતર્યા પછી ગૌરીકુંડમાં ગરમ પાણીના કુંડમાં સૌ સહયાત્રીઓ સ્નાન કરતા હતા. પરંતુ સ્વામીશ્રી પધાર્યા ત્યારે તેમણે પ્રથમ ઠાકોરજીને સ્નાન કરાવ્યું. કુંડનું પાણી ગરમ હતું તેમાં થોડું ઠંડું પાણી મેળવીને સમશીતોષ્ણ કર્યું. ઠાકોરજીને નિરાંતે સ્નાન કરાવ્યા પછી જ પોતે સ્નાન કર્યું!
1994માં વિદેશયાત્રામાં સ્વામીશ્રી રોજ સવારે પ્રાતઃપૂજામાં ઠાકોરજીને થાળ ધરાવે ત્યારે સ્વામીશ્રીને થાળનું વજન ન લાગે તે માટે સેવક અધ્યાત્મજીવનદાસ થાળનું વજન નીચે હાથ રાખી ઝીલી લે. સ્વામીશ્રી બંને હાથે થાળ ઝાલીને પ્રેમથી ધરાવે. પરંતુ સ્વામીશ્રી થાળ ઉપર વજન આપી થાળને નીચે દબાવે. સેવકને ખ્યાલ ન આવે કે આ ભાર ક્યાંથી આવે છે ? કેટલાક સમય પછી એક વાર સ્વામીશ્રીએ કહ્યું : ‘થાળ થોડો નીચે રાખીએ. નીચે હોય તો ઠાકોરજીને થાળમાંથી પોતાના હાથથી વાનગી લેતાં ફાવે.’ કેવી સૂક્ષ્મ ભક્તિ !
આવી સૂક્ષ્મ ભક્તિ તે જ કરી શકે, જેમને સતત ઠાકોરજી મૂર્તિમાં પ્રત્યક્ષ બિરાજે છે તેવી પ્રતીતિ હોય !