Essay Archives

અસ્મિતાને કારણે જ, ગુણાતીતાનંદ સ્વામી સહિત 500 પરમહંસો નિષ્ઠાપ્રવર્તનના કાર્ય માટે ખપી ગયા. શ્રીજીમહારાજનો મહિમા પ્રવર્તાવવામાં તેઓએ બાવા-વૈરાગીઓની અસહ્ય મારઝૂડ સહન કરી. મુક્તાનંદ સ્વામી જેવા સંતને આંખ-કાનમાંથી લોહી નીકળે તેવો માર પડેલો. હીરાદાસ નામે એક સંતને તો આખા શરીરે બાવાઓએ ડામ દીધા તોય તેઓએ સ્વામિનારાયણનું નામ મૂક્યું નહીં. ગુણાતીતાનંદ સ્વામી જેવા નિર્દોષ અને સમર્થ સંતને પણ સાવરના ઉગા ખુમાણે બાવળની કાંટાળી સોટીથી ફટકારેલા. અદ્ભુતાનંદ સ્વામીને ઝેર આપવામાં આવેલું. છતાં અસ્મિતાના જોરે આ પરમહંસો શ્રીજીમહારાજનો મહિમા પ્રવર્તાવવામાંથી પાછા પડ્યા નહીં. કોઈ સુવિધા નહીં, ભોજનની પણ કોઈ તજવીજ નહીં, પગપાળા મુસાફરીઓ કરવાની; તેમાંય શ્રીજીમહારાજ વિવિધ પ્રકરણો ફેરવે તે પાળવાના. આવાં કૈંક કષ્ટોમાં તે પરમહંસો અસ્મિતાથી મંડ્યા રહ્યા.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ. કેનેડીનું વિધાન છે કે, ‘Let every nation know, whether it wishes us well or ill, that we shall pay any price, bear any burden, meet any hardship, support any friend and oppose any foe to assure the survival and the success of liberty’
અર્થાત્ અમારું ભલું કે બુરું ઇચ્છતો પ્રત્યેક દેશ જાણી લે કે સ્વાતંત્ર્યની સુરક્ષા અને સફળતા માટે અમે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છીએ, ગમે તેટલો ભાર વેઠવા તૈયાર છીએ, ગમે તેવી હાડમારી ભોગવવા તત્પર છીએ, ગમે તેવા મિત્રને સહકાર આપવા અને ગમે તેવા દુશ્મનનો સામનો કરવા સજ્જ છીએ.
પરમહંસો શ્રીજીમહારાજની નિષ્ઠા પ્રવર્તાવવા આ રીતે જ પ્રયત્નશીલ રહેલા. તેઓએ નિષ્ઠાપ્રવર્તન માટે કિંમતો ચૂકવી. કહેવાય છે કે શ્રીજીમહારાજના 1500 જેટલા પરમહંસોને તો બાવાઓએ મારી નાંખેલા. પરંતુ અસ્મિતાસભર વ્યક્તિ માટે આ કષ્ટો પણ નગણ્ય બની જાય છે.
નાથા હેલ (Natha Hale) નામના દેશભક્તનું વિધાન છે કે ‘I regret that I have but one life to give for my country.’ - મને અફસોસ છે કે મારા દેશ પર ન્યોછાવર કરવા મારી પાસે એક જ જિંદગી છે.
કૃપલાણી કહેતા કે ‘ગાંધીજીને શહાદતની મોહિની લાગી હતી.’ તેમ પરમહંસોને શ્રીજીમહારાજની નિષ્ઠા પ્રવર્તાવવાની મોહિની લાગી હતી. તેથી જ તેઓએ પણ ગાયું છે કે -
‘સો સો માથાં જાતાં સોંઘા છોગાળા,
એક શિર કે વાસ્તે ક્યું ડરત હૈ ગમાર?’
જામનગર જિલ્લાના જગા ગામ પાસે આવેલા મેડી ગામના એક બાળકને તેના પિતાએ ગાડાના જોતરે બાંધી ઉલાળીને મારી નાંખ્યો, છતાં તેણે સત્સંગ મૂક્યો નહીં. તેની રગેરગમાં સંપ્રદાયની કેવી અસ્મિતા ઊભરાતી હશે! શ્રીજીમહારાજના સમયમાં હરિભક્તો સત્સંગ સારુ નાત બહાર મુકાયા હતા, છતાં તે સઘળું તેઓએ હસતે મુખે સહન કરી લીધું. કારણ હતું, અસ્મિતા!
એક કવિએ કહ્યું છે કે -
‘ભાતું ખૂટી જજો ને પાણી ખૂટી જજો;
પંથીનો સાથેય વછૂટી જજો;
ડણકે મારગ છો ડુંગરિયા દૈત્ય શા,
નાગણ શી નદીઓય આડી હજો;
તોય મારો પંથ હજી બાકી હજો.’
વિપતના ગંજ વચ્ચે ખીલે પૌરુષ મારું, એને વિહરવાના મારગ હજો.’ અસ્મિતાથી આવી ખુમારી આવે છે.
ઉપાસના પ્રવર્તન માટે ભગતજી મહારાજે ધોલધપાટ સહન કર્યા, ઝેર પીધું, વિમુખ થયા, કુત્સિત શબ્દોનો મારો ઝીલ્યો, પણ ‘ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર’ એ વાત મૂકી નહીં.
શાસ્ત્રીજી મહારાજ અને તેઓના સંતો-ભક્તોએ પણ અક્ષરપુરુપોત્તમ માટે હથેળીમાં માથું રાખીને કાર્ય કર્યું. શાસ્ત્રીજી મહારાજને પણ ઝેર આપવામાં આવ્યું, શરીરમાં સોયા ઘોંચાયા, સળગતી ચૂલમાં ફેંકી મારી નાંખવાના પ્રયત્નો થયા, છતાં તેઓ અક્ષરપુરુષોત્તમની આહલેક જગાવતા રહેલા. કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને તેઓ ખાતા. આવી હાડમારીમાં પણ તેઓના ઉત્સાહમાં ઓટ આવી નહોતી. વૃદ્ઘ ઉંમર, રોગગ્રસ્ત શરીર, વાહનોની અછત, સુવિધાશૂન્ય સંસ્થા વગેરે કશું જ તેઓને પાછા વાળી શક્યું નહીં; કારણ, તેઓમાં અસ્મિતા હતી. ‘અક્ષરપુરુષોત્તમ માટે શ્વપચના ઘેર વેચાવું પડે તોય ઓછું છે’ - શાસ્ત્રીજી મહારાજના આ એક જ વાક્યમાં તેઓમાં રહેલી સંપ્રદાય અને સિદ્ઘાંતની અસ્મિતાની અદ્ભુત અભિવ્યક્તિ થઈ જાય છે. સારંગપુરમાં મંદિર-નિર્માણ માટે જેણે જમીન આપેલી તેવા લીમડીના ઠાકોર સાહેબને પણ ‘આ મૂંડાવ્યું છે તે અક્ષરપુરુષોત્તમને માટે, તેથી મધ્ય મંદિરમાં તો તે જ બેસશે,’ એમ અક્ષરપુરુષોત્તમ સિદ્ઘાંત માટે સામે મોઢે રોકડું પરખાવી દેનાર શાસ્ત્રીજી મહારાજના રોમે રોમમાં કેવી અસ્મિતા ભરી હશે તે સહેજે સમજાય તેવું છે. શાસ્ત્રીજી મહારાજ એક-એક વ્યક્તિને વાતો કરી અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા સમજાવવા રાતોની રાતો જાગેલા છે. એ ઉત્સાહમાં તેઓની નસેનસમાં દોડતી અસ્મિતાનું પ્રતિબિંબ છે.
યોગીજી મહારાજ શરીરમાં 17-17 રોગ સાથે 80 વર્ષ સુધી ઘૂમતા રહેલા. આજે પ્રમુખસ્વામી મહારાજ પણ 90 વર્ષે પગ વાળીને બેસતા નથી. તેઓના શરીર પર અનેક શસ્ત્રક્રિયાઓ થઈ ચૂકી છે, છતાં દેહને ગણકાર્યા વિના તેઓ સતત વિચરણશીલ છે.
ઇસુ માટે લોકો કહે છે: ‘He died for us.’ પરંતુ પ્રમુખસ્વામી મહારાજ માટે તો ‘He is living for us.’ કહેવું પડે તેવું તેમનું જીવન-કાર્ય છે. અને એ હકીકત છે કે કોઈના માટે મરવા કરતાં કોઈના માટે જીવવું વધુ અઘરું છે, કારણ કે કોઈના માટે જીવવામાં પળે પળે મરવું પડે છે. કોઈના માટે જીવવામાં હયાતીની ક્ષણે ક્ષણે અને અસ્તિત્વના કણે કણે અપમાન, તિરસ્કાર, અગવડ વગેરે વેઠવું પડે છે. સ્વામીશ્રીએ આ બધું હસતા મુખે કરી બતાવ્યું છે, કારણ કે તેઓને અક્ષરપુરુષોત્તમની અસ્મિતા છે.
આમ, અસ્મિતા હોય તો નિષ્ઠા દૃઢ રહે અને નિષ્ઠાપ્રવર્તન માટે ભીડો પણ વેઠાય.

Other Articles by સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS