બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શ્રી અક્ષરપુરુષોત્તમની ઉપાસના-પ્રવર્તનના અજોડ કાર્યના ચુનંદા અને આદિ સેવકોમાંના અગ્રણી વીર સેવક એટલે પરમ ભક્તરાજ મોતીભાઈ. સમર્પણ, નિષ્ઠા અને અનન્ય ખુમારીનું મૂર્તિમાન ઉદાહરણ.
‘મોતી ભગવાન’ એ સૌની જીભે ચઢેલું તેમનું બહુ મીઠું અને વહાલભર્યું ટૂંકું નામ હતું. આખું નામ મોતીભાઈ ભગવાનદાસ પટેલ. સમજણ અને સેવામાં શૂરવીર, વાતમાં જોરદાર, શરીર અને મનની અખૂટ તાકાતવાળા આ ભક્તરાજમાં ચરોતરના લેઉઆ પાટીદારના ઉચ્ચ ગુણો હતા, જે શાસ્ત્રીજી મહારાજની સેવામાં નિર્ગુણભાવ પામી આદર્શ શૂરવીર ભક્તિમાં પરિણમ્યા હતા.
ચરોતરના મુઠ્ઠી ઊંચેરા ગણાતા આણંદના એ મોભાદાર પાટીદાર. આણંદ એટલે ચરોતરનું મધ્ય અને ભગવાન સ્વામિનારાયણ અને તેમના પરમહંસો વડે પાવન થયેલું પ્રાસાદિક નગર. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સન 1905માં વડતાલથી પ્રસ્થાન કર્યું ત્યારે અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રર્વતનની શરૂઆતની સેવા આણંદને પ્રાપ્ત થઈ હતી. એ દિવસ હતો કારતક વદ 1, સન 1905નો. શાસ્ત્રીજી મહારાજની ત્યારે ઉંમર હતી માત્ર 42 વર્ષ. મુઠ્ઠીભર સંતો-હરિભક્તો, ઉપર આભ અને નીચે ધરતીનો સહારો હતો છતાં શ્રીજીની દૃઢ નિષ્ઠાના બળે ઉપાસના-પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ પર્વતપ્રાય અડગ હતા. એટલે જ ઉપાધિઓ વચ્ચે પણ તેમણે સૌ પ્રથમ ઉત્સવ કર્યો આણંદમાં. આ ઉત્સવ બે રીતે ઐતિહાસિક બન્યો : પ્રથમ તો શ્રીજીમહારાજે બોચાસણના કાશીદાસ મોટાને બોચાસણમાં મંદિર કરવાનો કોલ આપેલો તે સંકલ્પ પૂરો કરવા શાસ્ત્રીજી મહારાજે બોચાસણ ખાતે મંદિર કરવાનો ઐતિહાસિક નિર્ણય અહીં લીધો. અને બીજું, શુદ્ધ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનું એ સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર કરવા માટેની સેવાની લખણી આણંદમાં થઈ. આમ, આજની વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનો પાયો બનવાનું સદ્ભાગ્ય આણંદને પ્રાપ્ત થયું. શિર સાટે શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખીને સમર્પણ કરનાર આણંદના એ હરિભક્તોમાંના એક હતા - આશરે 25 વર્ષના નવજુવાન મોતીભાઈ ભગવાનદાસ.
જો કે તે સમયે શાસ્ત્રીજી મહારાજની સાધુતાથી પ્રભાવિત હોવા છતાં શાસ્ત્રીજી મહારાજને ભગવાનના સાક્ષાત્ સ્વરૂપ સમાન સંત તરીકેનો તેમને નિશ્ચય નહોતો.
આણંદના પૂર્વોક્ત પ્રથમ સમૈયામાં શાસ્ત્રીજી મહારાજે ગઢડા અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત વંચાવીને કહ્યું : ‘ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય ?’ એમ કહીને વિસ્તારપૂર્વક વચનામૃતમાં આપેલાં એવા સંતનાં લક્ષણો સમજાવતાં કહ્યું : ‘એવા સંત ભગવાનની જ પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું હોય તેને આવા સંતનાં લક્ષણ ઓળખી તેની સેવા કરવી. એ વચનામૃતનો આદેશ છે.’
એ વાત સાંભળી મોતીભાઈએ નક્કી કર્યું કે ‘શાસ્ત્રીજી મહારાજ સાથે ફરવું અને આ લક્ષણ તેમનામાં મળતાં આવે તો એમ જાણવું કે એવા એ ભગવાનની પેઠે સેવવા યોગ્ય મોટા સંત તેઓ જ છે.’
અને મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજની સાથે નીકળી પડ્યા. વિચક્ષણ બુદ્ધિ ધરાવતા આ યુવાન ભક્તરાજે સૂક્ષ્મતાથી શાસ્ત્રીજી મહારાજનું નિરીક્ષણ કર્યું અને થોડાક જ દિવસોમાં તેમને પ્રતીતિ થઈ ગઈ કે ‘વચનામૃતમાં કહેલા ભગવાનની પેઠે સેવવા યોગ્ય સંત તો આ શાસ્ત્રીજી મહારાજ જ છે.’
વાતને પૂર્ણવિરામ મળી ગયું. શાસ્ત્ર-પ્રમાણ અને જાત અનુભવથી કટિબદ્ધ થયેલા મોતીભાઈએ નક્કી કર્યું કે હવે શાસ્ત્રીજી મહારાજ માટે આ જીવન કુરબાન કરી દેવું છે. એમાં જ શ્રેય છે, પરમ કલ્યાણ છે. અને તન-મન-ધન સર્વસ્વ તેમણે શાસ્ત્રીજી મહારાજ માટે ન્યોછાવર કરી દીધું.
મોતીભાઈ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાયા નંખાઈ રહ્યા હતા તેના એક સાક્ષી જ નહીં, પરંતુ પાયાના પત્થર બન્યા હતા. બોચાસણનું મંદિર બન્યું તે દિવ્ય અવસરમાં સેવાના એ સહભાગી હતા. અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી સારંગપુરના ભવ્ય મંદિરના પણ તેઓ દિવ્યદ્રષ્ટા બન્યા હતા. એ વર્ષ હતું સન 1910નું. બોચાસણની પ્રાણપ્રતિષ્ઠાને હજુ ત્રણ વર્ષ વીત્યાં હતાં. પ્રતિષ્ઠા પછી પણ મંદિરના નિર્માણમાં ઘણું કામ બાકી હતું, જેને પૂરું કરતાં કદાચ વર્ષો નીકળી જાય તેમ હતું. એ અરસામાં શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પધાર્યા હતા. મોતીભાઈ સાથે હતા. એક દિવસ શાસ્ત્રીજી મહારાજ નારાયણ કુંડે નાહવા જતાં હાલ જ્યાં મંદિર છે ત્યાં ઊભા રહ્યા. તેમણે મોતીભાઈને કહ્યું : “મોતીભાઈ ! શ્રીજીમહારાજે આ જગ્યાએ રોઝો ઘોડો કુંડાળે નાખ્યો હતો અને કહ્યું હતું : ‘અમે આજ મોટા મંદિરનું ખાત કરીએ છીએ.’ એટલે અહીં મંદિર જરૂર થશે.” એમ કહી નાહીને પાછા ઉતારે પધાર્યા.
ઉતારે આવ્યા પછી શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને કહ્યું: ‘મોતીભાઈ ! સારંગપુરમાં આપણે શ્રીજીમહારાજના સંકલ્પ પ્રમાણે ભવ્ય મંદિર કરવું છે તો તેનું કીર્તન બનાવો.’
મોતીભાઈ ચોંકી ગયા. સારંગપુરમાં મંદિર ? હજુ તો બોચાસણનું મંદિર પણ પૂરું થયું નથી, વળી પૈસા તો કોઠારમાં દેખાતા જ નથી, છતાં શાસ્ત્રીજી મહારાજ આવા સંકલ્પ કરે છે ! તેઓ વિચારમંથનમાં હતા એટલામાં જ શાસ્ત્રીજી મહારાજે તેમના તરફ દૃષ્ટિ કરી, ફક્ત એક જ ક્ષણ. મોતીભાઈનાં ભૌતિક ચક્ષુ આગળથી વર્તમાનનો એક પડદો જાણે હટી ગયો અને સારંગપુરમાં આજે જેવું ભવ્ય ત્રિશિખરબદ્ધ મંદિર છે તેવું સુવર્ણ કળશે સહિત ભવ્ય મંદિર તેમની નજર સામે દેખાવા લાગ્યું. મધ્ય મંદિરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગોપાળાનંદ સ્વામી; દક્ષિણ ભાગમાં ગોપીનાથ મહારાજ, મુકુન્દવર્ણી અને હરિકૃષ્ણ મહારાજ; અને ઉત્તર ભાગમાં ધર્મકુળ; આ દિવ્ય મૂર્તિઓ સહિત અતિ ભવ્ય મંદિરનાં દર્શન થતાં જ મોતીભાઈ હર્ષવિભોર થઈ ગયા. એ સમાધિ અવસ્થામાં તેમના મુખમાંથી કીર્તનની કડી નીકળી પડી :
શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી,
જોઈ અલૌકિક અદ્ભુત ધામ અવિકારી.
પછી તો જાણે મુખે સરસ્વતી વહેતી હોય તેમ એક પછી એક કીર્તન-પંક્તિઓ તેમના મુખમાંથી નીકળતી ગઈ.
શાસ્ત્રીજી મહારાજ આ કીર્તન સાંભળી રાજી થયા. શ્રીજીના ચરણસ્પર્શથી દિવ્ય બનેલી સારંગપુરની ભૂમિ, શાસ્ત્રીજી મહારાજનાં કરકમળો દ્વારા પોતાના ખોળે શ્રીજીમહારાજ અને સ્વામીને પધરાવવાના કોડથી થનગની રહી છે - એ મોતીભાઈએ નજરોનજર અનુભવ્યું હતું.
ત્યારપછી તો શાસ્ત્રીજી મહારાજના ઉપાસના પ્રવર્તનના કાર્યમાં મોતીભાઈ સદાના સેવક બની રહ્યા. એમની શૂરવીર પ્રકૃતિ મંદિરનાં નિર્માણથી લઈને અનેકવિધ સેવાઓમાં શાસ્ત્રીજી મહારાજને પ્રસન્ન કરતી રહી.
એ સમયે બી.એ.પી.એસ. સંસ્થામાં નહોતાં માણાં (માણસો), નહોતાં નાણાં કે નહોતા દાણા. પરંતુ મોતીભાઈ જેવા ગણ્યાગાંઠ્યા સમર્પિત હરિભક્તોએ સાચા અર્થમાં ‘અક્ષરપુરુષોત્તમના બળદિયા’ બનીને અક્ષરપુરુષોત્તમ મહારાજનો રથ વહાવવામાં દિવસ-રાત એક કર્યા હતા. આ રથને આર્થિક દૃષ્ટિએ ક્યાંય મુશ્કેલી ન નડે એવા આશયથી મોતીભાઈએ વિશાળ પાયે જમીનો રાખીને ખેતીનું આયોજન કર્યું હતું. અને તેમાં તેમના સાથીદાર હતા - આશાભાઈ અને ઈશ્વરભાઈની બંધુબેલડી.
મોતીભાઈ, આશાભાઈ તથા ઈશ્વરભાઈએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી જમીનો તો રાખી હતી, પરંતુ ભગવાને તેમની કસોટી કરવામાં બાકી ન રાખ્યું. મોતીભાઈ આ જમીન ઉપર અથાગ મહેનત કરી, દેવું કરી સુધારણા કરે, પરંતુ તેમની મહેનતને અંતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હિમ, અગ્નિ કે વાયુ આવીને પાકને છિન્નભિન્ન કરી દેતા.