દેશ-વિદેશના મહાન ધર્મગુરુઓ - સંતો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને વિશ્વના સત્તાધીશો-ધુરંધરો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. દરેક મહાનુભાવ સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં કંઈક અદ્ભુત અનુભવ કરે છે. એ અનુભવો આશ્ચર્યકારક રીતે મળતા આવતા હોય છે ! જાણે કે આ બધા મહાનુભાવોએ મુલાકાત પછી એક મિટિંગ કરીને સ્વામીશ્રી વિષે ચર્ચા કરી ન હોય ! જુદાં જુદાં ક્ષેત્રોના, જુદા જુદા સમયે, સ્વામીશ્રીને મળેલા જુદા જુદા અનુભવો વાળા મહાનુભાવો સ્વામીશ્રી પાસે તો એક સરખો જ અનુભવ કરે છે ! આમ બનવાનું કારણ એ છે કે સ્વામીશ્રીના ગુણો માયિક નથી, દિવ્ય છે.
લોકો પૂછે છે : 'આપની સાધના કઈ ?'
સ્વામીશ્રી જવાબ આપે છે : 'ભગવાન રાખ્યા છે, ને લોકોને ભગવાનને માર્ગે ચડાવીએ છીએ એ !'
બહુ સાદી વાત છે એટલે સમજાતી નથી. આટલા મોટા-બહોળા વ્યવહારમાં વર્તન ને સ્વભાવો અથડાય જ; વ્યવહાર અને આધ્યાત્મિકતા, સાધુતા બંને જુદા જુદા છેડાના અંતિમો છે. તે ભેગાં થાય જ કેવી રીતે ? આ શંકા સ્વામીશ્રીને - તેમના જીવનને જોયા પછી જતી રહે છે.
સ્વામીશ્રીને ક્યારેય એકાંત હોતું નથી. સદાય પ્રવૃત્તિના હલ્લા ચારેબાજુ દેખાયા કરતા હોય છે. આ બધાની વચ્ચે પણ સ્વામીશ્રીની એક શાંત-નિરાળી આધ્યાત્મિક છબિ ઉપસતી રહી છે. આટલો વ્યવહાર હોવા છતાં સ્વામીશ્રી ક્યારેય વ્યવહારમય લાગ્યા નથી !
વહેવારિયા લોકોને એક ટેવ પડી જાય છે. પોતાનું અસ્તિત્વ બતાવવા માટે તેમને બૂમાબૂમનો આશરો હોય છે. મને યાદ છે કે યોગીબાપાના અમૃત મહોત્સવ વખતે સ્વામીશ્રીએ એકલે હાથે બધા જ વિભાગોને સંભાળેલા, પણ ક્યારેય પોતે ઊભરાઈ ગયા નહોતા. અમે યોગીબાપા સાથે છેલ્લી વિદેશયાત્રા કરી ભારત આવ્યા ત્યારે બધાં જ શહેરો-ગામોમાં સંતો-હરિભક્તોની ગાડીઓની તેમજ બેઠક વ્યવસ્થા પણ સ્વામીશ્રી જ સંભાળતા. આટલા ગૂંચવાડાવાળા અને એકધારા કામમાં સ્વામીશ્રીને ક્યારેય કંટાળેલા નથી જોયા. બિલકુલ ધીર-સ્થિર. બીજા અમથા બૂમો પાડતા હોય. આપણને લાગે કે આ જ વ્યવસ્થાપક હશે ! પણ શાંત રહીને કામ કરવાની કુશળતા સ્વામીશ્રીની સાધુતાને વધુ ઝળહળતી બનાવે છે.
સ્વામીશ્રીનાં અનેક રૂપોમાં અધ્યાત્મ પ્રગટે છે. સંતો-ભક્તો સાથે એમને રમૂજની છોળો ઉડાડતા જોયા છે. બાળકો સાથે હળવોફૂલ વાર્તાલાપ સાંભળ્યો છે, સખત ટૅન્શન અને ચિંતા ઊભી થઈ જાય તેવા સંજોગોમાં ભગવાનને સર્વ કર્તાહર્તા સમજીને વગર ચિંતાએ અતિ અગત્યના નિર્ણયો લેતા જોયા છે. અત્યંત મૃદુ વાણીથી એમના અંતરનાં અમૃત ચાખ્યાં છે. આ બધું શું બતાવે છે ? તેઓ કોઈના ઠરાવ્યા ઠર્યા નથી. અંતર જ જેમનું અરોગી છે, રાગદ્વેષથી રહિત છે, ત્રિગુણથી પર છે, તેવા મહાપુરુષને તો ભગવાન સામેથી વશ વર્તે. કોઈ ધારણા નહીં, યોગનાં કોઈ અંગ નહીં, તો પણ સ્વામીશ્રી યોગી છે !
સ્વામીશ્રીની આ અલગારી-અવધૂત સ્થિતિ છે. વ્યવહારમાં કોઈ એમની બરોબરી કરી શકે તેમ નથી એવું જણાય, પણ તરત બ્રહ્મરૂપે વર્તતા જોઈએ ત્યારે એમ જણાય કે સ્વામીશ્રી પરમ દિવ્ય આધ્યાત્મિક પુરુષ છે !
અક્ષરભવન, મુંબઈમાં એકવાર સ્વામીશ્રી એકધારા ત્રણ કલાક લોકોની માથાકૂટ ભરી સમસ્યાઓમાં બેસીને, બપોરે બહાર આવ્યા ત્યારે એમનાં અદ્ભુત દર્શન થયાં. કોઈ વ્યક્તિ ૧૦ કલાક આરામ કરી (નિદ્રા લઈ) સવારે જાગે ત્યારે કેવી તાજગી હોય ! તેવા સ્વામીશ્રી તાજા અને અતિ પ્રસન્ન દેખાયા.
સ્વામીશ્રી એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં સહેલાઈથી સરકી જતા હોય છે. વચ્ચે આરામ, પોરો કે હાશ નહીં ! પોતાના અંગત લાભની વાત જ નહીં. તે માટે તેમનો અવતાર જ નથી. છતાંય અંતરે તો આરામ.
અમેરિકામાં ૧૯૭૭માં એક વખત સતત ચાર દિવસના, આખી ને આખી રાતના ઉજાગરા ચાલુ મુસાફરીએ થયા હતા. રાત્રે ગાડીમાં બેઠાં બેઠાં પાંચસો પાંચસો માઇલ કાપવાના હોય. ડ્રાઇવરને ઝોલું ન આવે તે પણ સ્વામીશ્રીએ જોવાનું અને અખંડ માળા અને જાપ ચાલુ!! સ્થાને પહોંચતાંવેંત, સીધા નાહી-ધોઈને, પૂજા-આરતી, અલ્પાહાર કરી પધરામણીઓ ચાલુ થઈ જાય. જમ્યા પછી પણ પધરામણીઓ, આરામ તો ભાગ્યે જ મળે. પાંચમે દિવસે આટલા સખત ભીડા પછી પણ અમે સંતોએ નજરોનજર એમને જોયેલા છે, એકદમ હળવા અને તાજા! આળસ મરોડતા, બગાસાં ખાતા કે એવી રીતે નહીં! આવા સખત કષ્ટમાંય હળવાશ!
માણસની કમજોરી છે કે વહેવાર-પ્રવૃત્તિઓમાં જ્ઞાનની સાથે ભક્તિને વિસારે પાડતો જાય કે 'હવે માળા જ છે ને! સમજણ મુખ્ય છે.' સ્વામીશ્રીને મેં ખૂબ ખૂબ ભક્તિમાં તરબોળ જોયા છે.
પ્રાતઃપૂજા વખતે ખૂબ હળવા અને આનંદસભર હોય. પૂજામાં માનસી વખતે તો ભગવાન સાથે વાતો કરતા હોય ને શું! મુખારવિંદ ઉપર ખૂબ ઉત્સુકતા દેખાય. ઠાકોરજીનાં દર્શન, આરતીમાં પણ ખૂબ ખૂબ આનંદ લેતા હોય, એકાગ્રતાથી, પ્રેમભાવથી દર્શન કરતા હોય, ત્યારે બીજા સંતો-ભક્તો તેમની મૂર્તિમાં એકાગ્ર થઈ જાય એવો આનંદ બધાને આવે. પોતાની એકાગ્રતાથી બીજાને એકાગ્ર કરી દે. જમતાં-જમતાં, કથાવાર્તા કે વાંચન થાય. તેમાં પૂર્ણ એકાગ્ર હોય. અંતરની પૂર્ણ હળવાશ કે મનમાં શાંતિ વિના આવું અશક્ય છે !
સ્વામીશ્રીને ૨૪ કલાક - ક્ષણે ક્ષણ હળવાશ છે, કારણ કે ભગવાનના સુખમાં (મૂર્તિમાં) એમની સ્થિતિ છે. તેમની દરેક ક્રિયામાં અરે, સૂવામાં પણ પોતે અતિ તૃપ્ત, સંતોષપૂર્ણ દેખાય છે. બ્રહ્મની સ્થિતિ વર્તાય છે. હા, આવી સો ટચના સોના જેવી હળવાશ તો અસલી સાધુનો જ ઈજારો છે.
સ્વામીશ્રી પરમ એકાંતિક છે, રાગદ્વેષ, મારું-તારું જેવાં અનેક દ્વન્દ્વોથી પર છે. સ્વભાવ-પ્રકૃતિથી પર છે. એમની અંદરનું - એમની આજુબાજુનું વાતાવરણ ભગવાનથી પરિપૂર્ણ છે. અને એ જ એમના પરિચયમાં આવનારી વ્યક્તિ પર અને આજુબાજુના વાતાવરણ પર ઊંડી અસર પાડે છે. આ પારદર્શક સાધુતાથી જ એમણે અસંખ્ય લોકો પર પ્રભાવ પાથર્યો છે.
સ્વામીશ્રીને મળ્યું છે, તેટલું માન-સન્માન કોને મળ્યું હશે ? નાની ઉંમરે પ્રમુખપદ; માત્ર ૫૧ વર્ષની ઉંમરે ધર્મધુરા ધારણ કરી; વર્ષોવર્ષ ઊજવાતા 'શાનદાર' જયંતી મહોત્સવો; દેશ-વિદેશનાં અનેક શહેરોએ આપેલાં 'કિ ટુ ધ સિટી'નાં બહુમાનો; અને જગતનાં અનેક મહાનગરોથી લઈને ભારતમાં મહાનગર-પાલિકાઓ, નગરપાલિકાઓ કે તાલુકા પંચાયતોએ સામે ચાલીને તેમના સન્માન-સમારંભો યોજ્યા છે. એમની સુવર્ણતુલા અને પ્લેટિનમ તુલા દ્વારા ભક્તોએ પોતા ઉપરનું ૠણ ચૂકવવા પ્રયત્નો કર્યા છે. બ્રિટન અને કેનેડાની પાર્લામેન્ટે એમનું બહુમાન કર્યું છે. દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ તેમજ ભારતના વિદ્વાન અને મૂર્ધન્ય સંતોએ બે મુખે સ્વામીશ્રીનાં ગુણગાન તેઓની હાજરીમાં જ ગાયાં છે. આ બધું પચાવવું એ સહેલું છે ? અપમાન એ કદાચ કડવું હશે, પણ ઝેરી નથી. માન-બહુમાન એ ઝેર છે. અને તેનાં ઝેર ચડ્યાં હોય તેને કોઈ ઉતારી શકતું નથી. કોઈક ચિંતકે કહ્યું છે : — માપમાં મળેલાં માન-સન્માન પચે, પણ ઢગલે ઢગલા મળે તો છકી જવાય, અજીર્ણ થઈ જાય. એ સહેલાઈથી પચાવી શકાતાં નથી. પણ સ્વામીશ્રી આવાં સન્માનોના મેરુ જેવા ઢગલાને ગાયનાં પગલાંની જેમ વટાવી ચૂક્યા છે. કારણ કે તેઓ ભગવાનના સુખે સુખી છે. કોઈના હાથમાં એમણે પોતાની માન કે અપમાનની દોરી સોંપી નથી. ભગવાનને હાથ સોંપી છે, પછી એમનાં દર્શનમાત્રે પૂર્ણતાનો અનુભવ લોકોને થવા લાગે તેમાં શાની નવાઈ હોઈ શકે ?
હ્યુસ્ટનમાં પ્રવીણભાઈએ સ્વામીશ્રીને પૂછ્યું : 'આ સંતો આપની હાજરીમાં આપની આટલી બધી પ્રશંસા કરે છે, તેમ છતાં આપ અહંશૂન્ય કઈ રીતે રહી શકો છો ?'
સ્વામીશ્રી કહે : 'જે કાંઈ થાય છે, તે ભગવાનને લીધે છે. આપણે કરીએ તો અહં આવી જાય ને !'
પ્રવીણભાઈ કહે : 'આવો વિચાર ક્યારે આવે છે ?'
સ્વામીશ્રીએ તરત કહ્યું : 'એ વિચાર ટળતો જ નથી !'
પૃથ્વી ઉપર, ખાસ કરીને ભારત દેશમાં અવધૂત કોટીના યોગીઓ, ૠષિઓ, મહર્ષિઓ, યતિઓ અને સિદ્ધો થઈ ગયા છે. અદ્વૈતીઓ, ભક્તિપ્રધાન સંપ્રદાયોના સાધુ મહાત્માઓ-સંન્યાસીઓના અનેક પ્રકાર છે. બધાનો ધ્યેય પણ એક છે : ભગવાન મેળવવા. હા, દરેકના રસ્તા જુદા જુદા છે. બૌદ્ધ, શીખ, પારસી, ઈસ્લામ, જૈન, ક્રિશ્ચિયન એમ બધાના સાધુઓ છે. બધાએ પરમેશ્વર, પરમ તત્ત્વ સાથે એકતા સાધવા રસ્તા લીધા છે. કેટલાકના રસ્તા અજાણ્યા છે, કેટલાક થોડે પહોંચ્યા છે, કેટલાક દિશમોડ થતાં ઊંધે જ રસ્તે છે, કેટલાકને ભ્રમ છે, કેટલાક થાકી ગયા છે, કેટલાક કંટાળી ગયા છે, કેટલાક આશા ગુમાવી પાછા કનક, કામિની, કીર્તિ, માન, મરતબામાં આવી ગયા છે. હા, થોડાક છે, જે કાંઈક પરમેશ્વરની નજીક આવી ગયા છે. આ દૃષ્ટિકોણથી ૬૦ વર્ષોથી સ્વામીશ્રીને નિકટતાથી જોઉં છું ત્યારે અંતરમાં પ્રતીતિપૂર્વક અનુભવ્યું છે કે તેઓ અનાદિસિદ્ધ સંત છે. જન્મજાત સાધુતાનું શિખર છે. ભગવાનના સૌથી નજીકના, સૌથી જૂના, અનાદિના સેવક છે.
ભારતીયોને સંતો પ્રત્યે સ્વાભાવિક આદર, મહિમા અને પૂજ્યભાવ રહે છે. લોકો તેમનું અનુકરણ કરે. તેમને કંઈક સમર્પણ પણ કરે... આ વૃત્તિનો કેટલાય ઢોંગીઓ - અસંતો ગેરલાભ ઉઠાવી સ્વાર્થ સિદ્ધ કરે છે. લોકો પણ સાચા-ખોટા વચ્ચે ભેદ પારખી શકતા નથી. ઉપરાંત પશ્ચિમની કેળવણી અને રહેણી-કરણીના અનુકરણથી ભૌતિકવાદ વધતાં સાચા સંતો પ્રતિ પણ આજના શિક્ષિત વર્ગને ઘૃણા અને સૂગ પેદા થઈ રહી છે.
સામે પક્ષે પ્રમુખસ્વામી મહારાજને જોઈ લો. આટલા મહાન છતાંય નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિઃસ્વાદી, નિઃસ્નેહી, અત્યંત નિર્લેપ, અસંગી, અત્યંત નિર્વાસનિક, કાંઈ પણ સ્વાર્થની અપેક્ષા વિના સમાજને દેહ કૃષ્ણાર્પણ કરી દીધો છે. છતાં હું કાંઈ જ કરતો નથી - એવી સહજ અહંશૂન્ય સિદ્ધિ !
૧૯૫૧થી સાધુતાના આ સાગરને નીરખું છું. મને તો એમ થયા જ કરે છે કે અમારાં કેવાં ભાગ્ય કે સ્વામીશ્રી જેવા ગુરુનો યોગ થયો ! આવા શ્રેષ્ઠ, દયાના સાગર, પવિત્ર, સર્વે દોષે રહિત, સર્વે ગુણે યુક્ત, આપણને સૌને ક્ષમા જ કર્યા કરે છે, નભાવે છે, પોષે છે, આગળ ને આગળ લઈ જાય છે.
એમને સંભારવામાત્રથી રોમાંચ થાય છે !