Essays Archives

અસરકારક નેતાની આગવી વિશેષતા એટલે સંઘશક્તિ - ટીમ સ્પિરિટ ઉત્પન્ન કરવાની ક્ષમતા. શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વમાં એવા સમર્થ નેતાનાં દર્શન થાય છે.
૧૩, નવેમ્બર, ૧૯૦૫, શુક્રવાર. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા હતા — એક સનાતન વૈદિક સિદ્ધાંત માટે.
સામે હતા દ્વેષીઓ, સામે હતાં વિઘ્નો, સામે હતી અસલામતી. છતાં એક નાનો સંઘ લઈ શાસ્ત્રીજી મહારાજ ચાલ્યા. પાંચ સંતો ને મુઠ્ઠીભર હરિભક્તો વડે એ શું સિદ્ધ કરી શકે તેમ છે? લોકો પૂછતા, મશ્કરી કરતા અને ખડખડાટ હસતા.
પણ એ સૌનું હાસ્ય બહુ લાંબું ન ચાલ્યું, કારણ કે એક નાની પણ અસ્મિતાવાળી સંઘશક્તિનો ઉદય થઈ ચૂક્યો હતો. એ હતો શાસ્ત્રીજી મહારાજનો સંઘ ! તેમની ટીમ! કેવાં હતાં આ ટીમનાં વૈવિધ્યો? સમર્થ સંત નિર્ગુણદાસ સ્વામીથી લઈને નાની ઉંમરના અક્ષરજીવનદાસ સુધી! અલગ જ્ઞાતિ, અલગ જાતિ, અલગ ભણતર, અલગ વય, અલગ પ્રતિષ્ઠાઃ ધનવાન, ગરીબ, અધિકારી, નોકરિયાત. એ વખતના રાષ્ટ્રીય નેતા શ્રી નંદાજીથી લઈને વાસણ ઉટકનાર ધૂળા ભગત સુધી! આવો હતો શાસ્ત્રીજી મહારાજનો સંઘ! આ સંઘને ભેગો કરવો, તેમની પાસે કાર્ય કરાવવું, પ્રગતિના પંથે ચડાવવા, આ બધું અશક્ય જેવું લાગતું; પણ શાસ્ત્રીજી મહારાજે કરી બતાવ્યું. સંઘની - 'ટીમ'ની સાચી વ્યાખ્યા એ જ, 'બધા સભ્યો એક સૂત્ર હેઠળ, એક ચોક્કસ હેતુ અને એક ચોક્કસ ધ્યેય મેળવવા, એક અસ્મિતાથી કાર્ય કરે.'
શાસ્ત્રીજી મહારાજને વડતાલથી નીકળ્યાને ચાર મહિના થયા હતા. હજુ એક પણ વાર શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં પૂનમનો સમૈયો થયો નહોતો. સૌએ આણંદમાં ફાગણ પૂનમનો સમૈયો ગોઠવ્યો. પણ આ ચાર મહિના દરમ્યાન શાસ્ત્રીજી મહારાજ શું કરતા હતા? સખત અને સતત વિચરણ. ગામોગામ સાચો સિદ્ધાંત ગાજતો કર્યો. સૌના હમદર્દી બન્યા. અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના બાગને પોતાના પરસેવાથી સિંચતા રહ્યા. આ બાગનાં પુષ્પોની ફોરમ આણંદમાં મહેકી ઊઠી. સમૈયામાં ૭૦૦-૮૦૦ હરિભક્તો એકત્રિત થયા. ધામધૂમથી સમૈયો ઊજવાયો. બોચાસણમાં મંદિર બાંધવાનો નિર્ણય લેવા. એ નિમિત્તે સૌએ આર્થિક સેવા કરી. રૂપિયા ૪૦,૦૦૦ની લખણી થઈ ! આટલા ટૂંક સમયમાં આટલો સમૂહ! આટલી અસ્મિતા! આટલી સંઘશક્તિ!
સમૂહમાં તો સૌ કોઈ કાર્ય કરે પણ એકલા પડે ત્યારે? પોતાને સોંપેલી સેવા પ્રામાણિકપણે કરવી એ પણ સંઘશક્તિનું એક આગવું લક્ષણ છે, જે શાસ્ત્રીજી મહારાજે સૌમાં પ્રગટાવેલું.
લખણી તો થઈ. મંદિર કોણ બાંધશે? સેવા કોણ કરશે? માલ-સામગ્રી ક્યાંથી આવશે? પણ ટીમ સ્પિરિટ કોનું નામ? શાસ્ત્રીજી મહારાજના સંતો-ભક્તોએ કમર કસીને દેહના કૂચા બોલાવી દીધા. પછી તે ચરોતરનો પાટીદાર હોય કે ગામધણી, વૃદ્ધ કે યુવાન, સાધુ કે ગૃહસ્થ, અભણ કે ભણેલો, બધા હોમાઈ ગયા. અને માત્ર બોચાસણ મંદિર નહીં, આ કાર્ય પ્રત્યેની અસ્મિતા શાસ્ત્રીજી મહારાજે એવી તો પ્રગટાવેલી કે જોતજોતામાં પાંચ-પાંચ મંદિર થઈ ગયાં ! યોગીજી મહારાજ એ મુઠ્ઠીભર સંતોની ટીમ સ્પિરિટ માટે કહે છે : 'પચાસ સાધુ સ્વામી કહે તેમ કરતા... એક કહે તો પચાસ માની જાય.' શાસ્ત્રીજી મહારાજ પણ કહેતા : 'એક એક સંત દસ માણસનું કામ કરે છે!' શું ધગશ! ફના થવાની કેવી ભાવના શાસ્ત્રીજી મહારાજે આ સંતોમાં રેડી હશે! શાસ્ત્રીજી મહારાજે કેવી કાર્ય-પ્રતિબદ્ધતા પ્રગટાવી હશે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંતો-ભક્તો પોતાના કાર્યમાં, ઉપાસનાર્થે ઝઝૂમતા રહ્યા! બરડો ફાટે ત્યાં સુધી સો-સો પાનાંના પત્રો લખવાની નિર્ગુણ સ્વામીની ધગશ. નારાયણચરણ સ્વામી જીવનભર ભંડારની સેવા કરતા રહ્યા, તો ભક્તિવલ્લભ સ્વામી કોઠારીની સેવા બજાવતા રહ્યા. યોગીજી મહારાજ જીવનના અંત સુધી પગવાળી બેઠા નથી અને આજે પ્રમુખસ્વામી મહારાજ ૮૮ વર્ષની ઉંમરે પણ અહોરાત્ર પુરુષાર્થ-શીલ રહ્યા છે! અને હરિભક્તો પણ એવા ઝઝૂમતા રહ્યા. હર્ષદભાઈ દવે હોય કે પ્રૉ. જેઠાલાલ સ્વામિનારાયણ, આશાભાઈ પટેલ હોય કે મોતીભાઈ ભગવાનદાસ, સૌ છેલ્લા શ્વાસ સુધી મથી રહ્યા! 'ટીમ સ્પિરિટ'ની ચરમસીમા એટલે તેના દરેક સભ્ય વચ્ચેની અતૂટ આત્મીયતા; એકબીજા માટે ઘસાવાની, સહન કરવાની, મદદ કરવાની ભાવના. શાસ્ત્રીજી મહારાજ અને એમની ટીમનો દરેક સભ્ય આ સ્પિરિટથી કેવો ચેતનવંતો હતો?
શાસ્ત્રીજી મહારાજ મુંબઈ વિરાજમાન હતા. આશાભાઈ, ઈશ્વરભાઈ અને મોતીભાઈને સરકારી મહેસૂલ ભરવા રકમની જરૂરિયાત હતી. શાસ્ત્રીજી મહારાજે શેઠ ભગવાનદાસને આર્થિક સહાય કરવા આજ્ઞા કરી. શેઠે નિઃસંકોચપણે સેવા પણ કરી. પણ આશ્ચર્યની વાત કે પૂજ્ય નિર્ગુણ સ્વામીએ પણ આ નિમિત્તે ખાનદેશના હરિભક્ત પાસે સેવા કરાવડાવી. જે ખાનદેશના હરિભક્તે આ ત્રણ હરિભક્તોને જોયા પણ નહીં હોય, કદાચ ઓળખતા પણ નહીં હોય, તે સૌએ પોતાના દાગીના અને ઝવેરાત ગીરવે મૂકી રકમ મોકલી દીધી!

ખરેખર, આ 'ટીમ સ્પિરિટ'ના સુકુશળ સૂત્રધાર અને વર્ધક શાસ્ત્રીજી મહારાજે વિશ્વના સમગ્ર માનવ સમુદાયને 'બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા' દ્વારા ટીમ સ્પિરિટનું અને એક પરિવારનું એક અજોડ અધ્યાત્મ દર્શન કરાવ્યું છે! 'ॐ श्री सङ्‌घशक्तिवर्घकाय नमः।'  


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS