Essays Archives

સ્પષ્ટવક્તાપણાનો અર્થ એ નથી કે 'હું જે માનું છું તે સૌને કહેતો ફરું.' સ્પષ્ટવક્તાપણું તો સામેવાળાની લાગણી, તેનું હિત અને સિદ્ધાંતો વચ્ચેનું અદ્‌ભુત સંતુલન છે. એક સંસ્થાના સૂત્રધાર ત્યારે જ ખરા અર્થમાં સ્પષ્ટવક્તા બની શકે જ્યારે તે આ ત્રિકોણીય સંતુલનને સારી રીતે સાચવી જાણે.
શાસ્ત્રીજી મહારાજમાં બાળવયથી જ આ ગુણ સહજ હતો. બાળપણમાં તેમની અપ્રતિમ પ્રતિભાથી આકર્ષાઈને વરતાલના મદદનીશ કોઠારી બેચર ભગતે તેમને કોઠારમાં રાખવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેમણે તો તરત જ સ્પષ્ટપણે જણાવ્યું કે 'મારે તો સાધુ થવું છે.'
કોઠારીને આ જવાબથી સંતોષ ન થયો. એટલે જ્ઞાન ઠાલવતાં કહે : 'અંતરથી સાધુ થા ને !'
ડુંગર ભક્ત નાના હતા, પણ તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ અને સચોટ હતો. એટલે રજોગુણી વેશ ધરાવતા બેચર ભગતને દૃઢતા સાથે કહી જ દીધું કે 'તમે અંતરથી સાધુ થાવ, મને તો એવા સાધુ મળશે ત્યારે સહેજે થવાશે.'
અહીં રોકડું પરખાવવાની એમની એ સ્વાભાવિકતામાં એમના જીવન-આદર્શોનું એક પ્રતિબિંબ દેખાય છે.
ભગવાન સ્વામિનારાયણે પણ આવી જ વાત ગઢડા અંત્ય પ્રકરણના ૨૫મા વચનામૃતમાં કરી છે. તેઓ કહે છે : 'પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ, તે તો અતિશય ભૂંડું છે.'
શાસ્ત્રીજી મહારાજના ત્યાગાશ્રમનાં શરૂઆતનાં વર્ષોની આ વાત છે. જૂનાગઢમાં સત્સંગિજીવન ગ્રંથની એક માસની પારાયણનું આયોજન થયેલું. ચાર મુખ્ય વક્તાઓમાં શાસ્ત્રીજી મહારાજ ઉંમરમાં સૌથી નાના વક્તા હતા. પણ પારાયણની પૂર્ણાહુતિના દિવસે પૂજનનો અવસર આવ્યો ત્યારે એક સવાલ ઊઠ્યોઃ 'મુખ્ય યજમાન ચાર વક્તાઓમાંથી કોનું પૂજન પ્રથમ કરશે?'
પારાયણના યજમાન હરિલાલ શેઠે જાહેર કર્યું કે 'તે સૌથી પહેલું પૂજન શાસ્ત્રીજી મહારાજનું કરશે, કારણ સૌથી વધુ સમાસ તેમની કથાથી થયો છે.'
આ સાંભળી કેટલાક દ્વેષીઓને ઉકળાટ થયો અને જાહેર સભામાં જ બોલ્યા કે 'આજે તો જેણે દરજી અને મોચીને ગુરુ કર્યા છે તે સભામાં મોટા થયા છે !'
શાસ્ત્રીજી મહારાજે જોયું કે વર્ણ અને આશ્રમના બહાના હેઠળ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત અને ભક્તરાજ જાગા ભક્ત જેવા ભગવાનના મોટા ભક્તનો દ્રોહ થઈ રહ્યો છે. આવે સમયે દબાઈને ચૂપ બેસી રહે તો એ શાસ્ત્રીજી મહારાજ શાના! તેમણે તરત સિંહગર્જના કરતાં સભામાં કહ્યું કે —
'ગુરુ થવાનો અધિકાર કાંઈ એકલા ભગવાંધારીઓએ જ રાખ્યો નથી. શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે 'જ્યાં સુધી વર્ણાશ્રમનું માન આવે છે ત્યાં સુધી સાધુપણું જ આવતું નથી.'
શાસ્ત્રીજી મહારાજની આવી સચોટ અને સિદ્ધાંતસભર સ્પષ્ટવાણી સાંભળી દ્વેષીઓ દબાઈ ગયા. અલબત્ત, હરિલાલ શેઠ પ્રથમ પૂજન કરવા શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે વિનયપૂર્વક ના કહી, છેલ્લે જ પોતાનું પૂજન કરાવ્યું.
પ્રેમના અતિરેકમાં ઉપાસના-સિદ્ધાંત વિરુદ્ધનું કંઈ પણ આચરણ, એમને આરપાર ખટકતું અને તેઓ તે જ ઘડીએ જાહેરમાં ચોખવટપૂર્વક તેનો નિષેધ કરવામાં વિલંબ ન કરતા.
અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ બીમાર હતા. ભારતના તત્કાલીન રાષ્ટ્રીય નેતા અને મજદૂર મહાજન સંઘના પ્રમુખ ગુલઝારીલાલ નંદા દર્શને પધાર્યા. વાતવાતમાં નંદા સાહેબે કહ્યું : 'સ્વામી! હું તો આપની માળા ફેરવું છું. મારે મન તો આપ જ ભગવાન છો.'
આ સાંભળી શાસ્ત્રીજી મહારાજે ઠપકો આપતાં કહ્યું : 'એમ ન બોલવું. ભગવાન તો એક સ્વામિનારાયણ છે. બધાએ ભગવાન સ્વામિનારાયણની જ માળા ફેરવવી અને તેમનું જ ભજન કરવું. હું પણ તે જ કરું છું અને તમે પણ તેમ જ કરજો. મારી આજ્ઞા છે. એમ નહિ કરો તો અપરાધ થશે.'
સારંગપુરમાં એક રાત્રે સ્વામીશ્રી સભામંડપમાં આરામમાં હતા. થોડી વારે આફ્રિકાના કેટલાક હરિભક્તો સભા-મંડપમાં આવી પહોંચ્યા. સ્વામીશ્રીએ તેમના તરફ કરુણાદૃષ્ટિ કરી.
રણછોડભાઈએ સ્વામીશ્રીને વિનંતિ કરી : 'સ્વામી ! આફ્રિકાના હરિભક્તોને પ્રસાદી આપો !'
'પ્રસાદી શાની ?'
'આપનાં ચરણારવિંદ (ચરણારવિંદની કુમકુમ છાપ) આપો.'
સ્વામીશ્રીએ એકદમ ચમકીને પૂછ્યું : 'મારાં ?'
'હા!'
'મારાં ચરણારવિંદ જોઈતાં હોય તો મારા પગ કાપી જાવ ! શ્રીજીમહારાજ સિવાય બીજાનાં ચરણારવિંદ પૂજાય જ નહીં...'
સિદ્ધાંત માટે સ્વામીશ્રીની આ સિંહ-ગર્જનાથી સૌ સ્તબ્ધ થઈ ગયા.
સંપ્રદાયના નિયમ-ધર્મની ગૌણતા થાય તેવા સંજોગોમાં પણ શાસ્ત્રીજી મહારાજનું સ્પષ્ટવક્તાપણું એક સિંહ-ગર્જના સમું લાગતું અને કોઈના પણ મનની શિથિલતા સહજતાથી ખરી પડતી.
એક વાર સ્વામીશ્રીને ભરૂચમાં ટાઇફોઈડની બીમારી થઈ ગઈ. ઉંમર, અશક્તિ અને બીમારીની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડૉક્ટરોએ સ્વામીશ્રીને બિલકુલ આરામ કરવા અને પથારીમાં બેઠાં બેઠાં જ કુદરતી હાજતો કરવા સૂચન કર્યું. પરંતુ સ્વામીશ્રી માને? ડૉક્ટરો કરતાં તેમને શ્રીજીમહારાજની આજ્ઞાનું વધુ મહત્ત્વ હતું. એમાં વળી તેમને ઝાડાં થયાં. પરંતુ ખૂબ અશક્તિ વચ્ચે પણ સ્વામીશ્રી પોતાની બધી જ દૈહિક-ક્રિયા રોજિંદા નિયમ મુજબ જ કરતા હતા. જેટલી વખત શૌચ માટે જાય તેટલી વખત સ્નાન કરે જ! સૌએ ઘણું સમજાવ્યા, પરંતુ આંતર-બહિર્‌ શુદ્ધિમાં જીવનભર દૃઢ રહેનારા સ્વામીશ્રીને માટે શ્રીજીની આજ્ઞાનું યથાર્થ પાલન એ જ સર્વોચ્ચ લક્ષ્ય હતું.
આવી એક માંદગીના પ્રસંગે, અમદાવાદમાં આમલીવાળી પોળમાં રહેતા નારણભાઈએ સ્વામીશ્રીને સ્નાન ન કરવા વિનંતી કરી, ત્યારે સ્વામીશ્રી બોલી ઊઠ્યા : 'નારણભાઈ! તમે ઘર ચણીને તૈયાર કર્યું હોય અને તેને પાડી નાંખે તો તમને કેટલું વસમું લાગે? એમ, મોટા સત્પુરુષો તો ધર્મના સ્તંભરૂપ છે અને જીવોને ધર્મ અને ભક્તિને માર્ગે લઈ જાય છે. તે ધર્મનું કોઈ ખંડન કરે તો તેમને કેટલું વસમું લાગે?' નારાયણભાઈ અવાક્‌ બની સાંભળી રહ્યા.

શાસ્ત્રીજી મહારાજની આ જ લાક્ષણિકતા હતીઃ સ્પષ્ટવક્તાપણું — સંસ્થાના હિત માટે, સંસ્થાના સિદ્ધાંત માટે, સંસ્થાના સભ્યોના હિત માટે, સંસ્થાના આદર્શોના જતન માટે. પોતાના અંગત હિત માટે નહીં, અંગત મમત્વ માટે નહીં, અંગત રાગ-દ્વેષ માટે નહીં. આવા વિરલ પુરુષ જ અન્યની લાગણી, તેનું હિત અને સિદ્ધાંતના ત્રિકોણીય સંતુલન સાથે સફળ નીવડી શકે.  


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS