Essays Archives

માણસ એક સામાજિક પ્રાણી છે, પરંતુ સ્વકેન્દ્રી પ્રાણી છે. એ કદાચ બીજાનો વિચાર કરે તોપણ પોતાના ભોગે તો નહીં જ. પરંતુ મહાપુરુષો એક આદર્શ બેસાડે છે — પર-કેન્દ્રિતાનો. બીજાના સુખમાં પોતાનું સુખ જોવાની એક પરગજુ વૃત્તિ, એમના વ્યક્ત્વિની આગવી ઓળખ બની રહે છે.
સને ૧૯૪૪ની સાલની આ વાત છે. શાસ્ત્રીજી મહારાજ અટલાદરામાં વિરાજમાન હતા. રાત્રે એક વાગ્યે સ્વામીશ્રી બહિર્ભૂમિ જવા જાગ્યા. ખુશાલભાઈ રાત્રે આમ-તેમ ફરતા હતા, એટલે સ્વામીશ્રીએ તેમને પૂછ્યું : 'કેમ ખુશાલભાઈ ! હજુ સૂતા નથી?'
ખુશાલભાઈ તો કંઈ બોલ્યા નહીં, પરંતુ સ્વામીશ્રી તરત એમના મનની ગડમથલ જાણી ગયા. તુરંત તેમના માટે એક ખાટલાનો બંદોબસ્ત કર્યો. પોતાનું ગોદડું હતું તે તેમને આપ્યું તથા પથારી કરીને તેમને સુવાડ્યા અને કહ્યું : 'તમો તો ભગતજી મહારાજના શિષ્ય ને મહાન ભગવદી, તે તમો નીચે સૂઓ તો પછી અમારાથી કેમ સૂવાય?'
જેમ બાળકને શું જોઈએ છે એ માતા પારખી શકે છે, તેમ ભક્તોને શું જોઈએ છે? એ તેમના કહ્યા વિના પણ પારખીને શાસ્ત્રીજી મહારાજ તેમની સંભાળ લેતા હતા.
યોગીજી મહારાજને રાજકોટમાં સખત મરડો થઈ ગયો હતો, તેથી સારવાર લેવા રાજકોટ અદાની દેરીએ રહ્યા હતા. તે વખતે મનજીભાઈ નથુભાઈના પેટ્રોલપંપે નોકરી કરતા હરિભક્ત હીરજીભાઈ ચાવડાએ શાસ્ત્રીજી મહારાજને અમદાવાદ પત્ર લખ્યો :
'આપ યોગીજી મહારાજનો સર્વોપરી મહિમા કહો છો, પણ અહીં એમની માંદગી પણ સર્વોપરી છે. શારીરિક અશક્તિ પણ ખૂબ છે. સહેજ અનાજ લે તેમાં પાંચ-છ વખત મરડાથી ઝાડે જવું પડે છે. દવા વગેરે સમયસર લેતા નથી. અને જોડવાળા સાધુ પણ સેવામાં ખબરદાર નથી કે જેથી એમની સંભાળ લેવાય. તો આ કાગળ વાંચી એક સારા સાધુ સેવામાં તરત મોકલશોજી.'
પત્ર મળતાં જ શાસ્ત્રીજી મહારાજે પોતાની સેવામાં રહેતા જગજીવનદાસને કહ્યું :
'તું મારી સેવા કરે છે, પણ યોગીજી મહારાજને ખૂબ માંદગી છે અને સેવકની જરૂર છે. તારે મિલની નોકરી છે, પણ રાજીનામું મૂકીને આજે સાંજની ગાડીમાં રાજકોટ જા, યોગીજી મહારાજ જેવા સાધુની સેવાથી સાક્ષાત્‌ શ્રીજીમહારાજની સેવા તુલ્ય ફળ મળશે.'
અને થોડા દિવસોમાં શાસ્ત્રીજી મહારાજ પણ રાજકોટ આવી પહોંચ્યા.
સંસ્થાના એક સંત પ્રત્યે એમને કેટલો મહિમા હશે કે પોતાની સગવડનો વિચાર કર્યા વિના પોતાના સેવકને પોતાના શિષ્યની સંભાળ માટે સમર્પિત કરી દીધા !

સંસ્થાના નાનામાં નાના ભક્ત પ્રત્યે ઘસાવાની ભાવનાથી કંઈ કરી છૂટવા માટે સદા તત્પર હતા શાસ્ત્રીજી મહારાજ. 'શાસ્ત્રીજી મહારાજ તો વાત્સલ્યમૂર્તિ હતા. રસિયા બાલમ હતા.' પ્રમુખસ્વામી મહારાજના આ શબ્દોમાં એમની વત્સલ છબિનું દર્શન થાય છે. પર કાજે જ જેમનું સમસ્ત જીવન હતું, એમના માટે આવી વિભાવનાઓ પણ ક્યારેક વામણી લાગે છે. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS