'સ્વામી! શ્રીજીમહારાજની સાથે તો આપ ઘણું રહ્યા છો. તો એ વખતે 'ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે' એવી વાત સત્સંગમાં થતી હતી?'
સુરત મંદિરના મહંત અને શ્રીજીમહારાજની સાથે બાર વર્ષ રહીને તેમનો સાક્ષાત્ લાભ લેનાર સ્વામી વિજ્ઞાનાનંદજીના ઓરડામાં એક મહત્ત્વનો વાર્તાલાપ થઈ રહ્યો હતો. ભગતજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો અને વિજ્ઞાનાનંદ સ્વામી થોડા સતર્ક થઈ ગયા. આજુ બાજુ નજર ફેરવી. કોઈ જ સાંભળતું નથી એવી ખાતરી થતાં તેમણે ધીમેથી કહ્યું : 'હા, શ્રીજીમહારાજના વખતમાં પણ 'ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે' એ વાત થતી અને મેં શ્રીજી-મહારાજના મુખે આ વાત સાંભળી છે.'
વિજ્ઞાન સ્વામીના મુખમાંથી નીકળેલા ગુણાતીતાનંદ સ્વામીના મૂળ અક્ષરપણાના મહિમાના એક એક શબ્દને તેમના જ ઢોલિયા નીચે સંતાયેલા નાના યજ્ઞપુરુષદાસે રૂમની કોઈ દીવાલ સુધી પહોંચવા જ ન દીધા. અદ્ધર ઝીલી લીધા અને એ શબ્દોને પીને તૃપ્તિનો ઓડકાર ખાતા એ નાનકડા યજ્ઞપુરુષદાસ ઢોલિયા નીચેથી અચાનક બહાર નીકળ્યા. એ જોઈને વિજ્ઞાન સ્વામી હેબતાઈ ગયા હતા.
યજ્ઞપુરુષદાસે પૂછ્યું, 'તો પછી સ્વામી, તમે અત્યાર સુધી આ વાત કેમ મને કરી નહિ?' વિજ્ઞાન સ્વામીનો ઉત્તર બે શબ્દોથી લાંબો ન હતો : ઉપાધિની બીક.
પૂર્વે પૃથ્વી પર કદીયે પ્રાદુર્ભાવ ન પામેલા અક્ષર અને પુરુષોત્તમનાં સ્વરૂપો, શ્રેયાર્થી મુમુક્ષુઓને તત્ત્વે સહિત સમજાય અને ઓળખાય; મુમુક્ષુ બ્રહ્મરૂપ થઈ શકે તો જ તે પુરુષોત્તમની ભક્તિનો અધિકારી થઈ શકે; પ્રગટ બ્રહ્મસ્વરૂપ સત્પુરુષના સંગથી બ્રહ્મરૂપ જ થવાય અને એ જ આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે -આવું શુદ્ધ ઉપાસનાનું નવું લાગતું રહસ્યમય જ્ઞાન સાંગોપાંગ શીખવાનું યજ્ઞપુરુષદાસજીને તાન ચઢ્યું! રાતની રાત ગુરુ ભગતજી મહારાજ પાસેથી આ જ્ઞાન સાંભળવામાં અને અર્ધી રાત્રે પોતાના જોડિયા સાધુ રામરતન-દાસને જગાડીને ભગતજી પાસેથી સાંભળેલી વાત ફરીથી કરવામાં એમને ક્યારેય તૃપ્તિ થતી નહિ. આ અલૌકિક જ્ઞાન શીખવાની અને અન્યને એ જ્ઞાન સમજાવવાની એમની કટિબદ્ધતા અને તત્પરતા અનન્ય હતી. બપોરની કથામાં અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન કહેવામાં કાળનું ભાન ભૂલી જાય ને ભૂખ્યા પેટે જ બપોરના ત્રણ ત્રણ વાગ્યા સુધી કથા કરવામાં તલ્લીન થઈ જાય !
પરંતુ તેથીય વિશેષ, આ જ્ઞાન શીખવવા માટે સુખ-દુઃખ, માન-અપમાન, ટાઢ-તડકો અને ભૂખ-તરસ વેઠવાની એમના હૈયે હિંમત અપાર હતી. એ જ્ઞાન તત્પરતાથી શીખવવાનું શરૂ કર્યું ત્યારે ઉપાધિઓનો ધોધ શરૂ થયો. મરચાંની ધૂણી થવા લાગી, પાણીના માટલાં ફૂટવા લાગ્યાં, ગડદા-પાટુ થવા લાગ્યાં, સાથળોમાં સોયા ભોંકાવા લાગ્યા, ખીચડીમાં ઝેર અપાવા લાગ્યું, સળગતા ચૂલામાં ફેંકી દેવાના પ્રયત્નો થવા લાગ્યા.
અનેક અપમાનો અને તિરસ્કારો એમની આંખ સામે હોવા છતાંય વડતાલના સદ્ગુરુ સમાં સન્માનો ક્ષણમાં છોડવાની હિંમત હતી. ભગવાં ઉતારી લઈ યજ્ઞપુરુષદાસમાંથી 'ડુંગર ભગત' બનાવી દેવાયા, છતાંય એમની આ જ્ઞાન ફેલાવવાની તત્પરતા ન તો તૂટી કે ન એમાં ઓટ આવી. સાંજના છ વાગ્યાથી બીજે દિવસે સવારના ૪-૦૦ વાગ્યા સુધી પ્રદક્ષિણામાં એક જ બેઠકે બેસીને જેઠા ભગત જેવા એકલ-દોકલ મુમુક્ષુને આ અક્ષરજ્ઞાનની વાતો કરવામાં એમને કંટાળો, થાક કે આળસનો અંશ નહીં ! કલેક્ટર શ્રી ગોવિંદસિંહ ચૂડાસમા તથા વિનાયકરાવ ત્રેિવેદી કે હર્ષદભાઈ દવે જેવા મુમુક્ષુઓને અમૃતરસનું પાન કરાવતા એમના શબ્દો કે પત્રોમાં એમની તત્પરતા રેલાતી જણાય છે.
શુદ્ધ જ્ઞાનના પ્રવર્તનમાં આટલી મુશ્કેલીઓની વચ્ચે એમના હૈયામાં હિમાલયથીય અદકેરી અડગતા હતી. દાણા, માણા, પાણા કે નાણાં પણ નહોતાં. એવા ટાણાં હતાં ત્યારે શાણા શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાનાં માત્ર ગાણાં જ ગાયાં નથી, પરંતુ હિંમત અને તત્પરતાના એ અદ્ભુત મિશ્રણથી આભને આંબતાં વિશાળ કલાત્મક શિખરબદ્ધ મંદિરો કરી, અક્ષર-પુરુષોત્તમના આ સિદ્ધાંતને સાકાર સ્વરૂપ આપ્યું હતું! આ જ્ઞાનના પ્રવર્તન માટે ૮૫ વર્ષની વૃદ્ધવયે પણ ગઢડા મંદિરના પાયા ગાળવાની હામ એમનામાં તરવરતી હતી.
શાસ્ત્રીજી મહારાજના ૮૬ વર્ષના જીવનનું સરવૈયું માંડીએ તો પોતે શીખેલા જ્ઞાનના પ્રવર્તન માટેની તત્પરતા અને હિંમત જ સિલકમાં દેખાય!
એમની હિંમત અને તત્પરતાના એ રણકારો શાશ્વતકાળ સુધી નવખંડમાં ગુંજતા રહેશે.