કનક તજ્યો, કામિની તજ્યો, તજ્યો ધાતુકો સંગ,
તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ.
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે સ્ત્રી, ધન અને ભોજનનો ત્યાગ કરીને કેવળ માનના આધારે પણ માણસ જીવી જાય છે. એમના ૩૦૦ વર્ષ પછી ૧૩ વર્ષના નીલકંઠવર્ણી બ્રહ્મચારીએ આ વચન સત્ય સાબિત કર્યું. નેપાળમાં પોખરા પાસે એક બાવો આખું વર્ષ નિરાહાર રહી એક ગુફામાં રહેતો. માત્ર શરદપૂનમે એક જ વાર તે બહાર નીકળતો ત્યારે હજારો લોકો એનાં દર્શને આવતાં. નીલકંઠ કહે કે,‘આ ભલે ખોરાક લેતો નથી, પણ એ માન આરોગીને જીવે છે.‘ સને ૧૭૯૪ની શરદપૂનમે નીલકંઠના કહેવાથી કોઈ ત્યાં ગયું નહીં, તો એ બાવો ‘કુછ ભી નહીં ?‘- બોલતાં હ્રદયાઘાત પામીને એ જ ક્ષણે મરી ગયો. આ નીલકંઠવર્ણી એ જ ભગવાન સ્વામિનારાયણ.
માનના પ્રચંડ પ્રવાહમાં ન વહી જનારાં તો ‘લાખમાં લાધે નહીં ને કરોડમાં કો‘ક‘- એવાં વિરલા હોય. અતિ સાધારણ પૂર્વભૂમિકામાંથી આવતાં પ્રમુખસ્વામીને કલ્પના બહારનું માન મળેલું. પ્રચંડ સન્માનના પહાડને લોકોએ એમના માથા ઉપર મૂકેલો હોવા છતાં તેઓ હંમેશા હાથ જોડીને નિર્માનીપણે જીવતાં રહ્યાં એ અતિ દુર્ગમ સિદ્ધિ છે. તેઓ મહાસત્તાઓના સર્વોચ્ચ નેતાઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને ધર્મ-ધુરંધરો દ્વારા વારંવાર બહુમાન પામતાં રહેલાં. તો વળી લાખો ભક્તોનાં તો તેઓ જ સર્વસ્વ હતાં, એટલે એમનાં દર્શન-આશીર્વાદ માટે લાખોની તાદાતમાં જનમેદની ઉમટી પડતી. આ માહોલમાં- કોઈને કહીએ તો માની ન શકે- પણ હકીકત એ હતી કે આવા નાનામોટા દરેક પ્રસંગે તેઓ એવું જડબેસલાક આયોજન કરતાં અને કરાવતાં કે કોઈ પોતાની વ્યક્તિપૂજા કરી શકે જ નહીં! વ્યક્તિપૂજાને તેઓ લાખ નહીં પણ કરોડ ગાઉ છેટી રાખતાં.
ગુરુ શાસ્ત્રીજી મહારાજે એમને ૨૮ વર્ષની કુમળી વયે સંસ્થાના પ્રમુખ નિમ્યા ત્યારથી તેઓ સર્વેના ઉપરી બની ચૂક્યા હતા, ગુરુ યોગીજી મહારાજના પણ ! પરંતુ તેઓ હંમેશા યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિમાં જ લીન રહ્યા. અમદાવાદમાં પ્રભાશંકર પંડ્યા એક સવારે યોગીજી મહારાજની પ્રાત:પૂજાના દર્શન કરવા આવ્યા, પણ ગીર્દીને લીધે હોલમાં પ્રવેશ ન મળતાં તેઓ પ્રમુખસ્વામી પૂજા કરતા હતા ત્યાં જઈને બેઠા, જ્યાં કોઈ બેઠું નહોતું. પ્રમુખસ્વામીએ એમના આવવાનું કારણ જાણ્યું ત્યારે એમને તરત પોતાની પાસેથી ઉઠાડી મૂક્યા અને કડક સ્વરે કહ્યું, ‘પંડ્યાજી, નીચે યોગીજી મહારાજ પાસે જાઓ. ત્યાં ગીર્દીમાં જ કલ્યાણ છે, અહીં કશું નથી.‘ યોગીજી મહારાજે પ્રમુખસ્વામીની ૪૮મી જન્મજયંતી ઉજવવાનું ઉમળકાભેર આયોજન કર્યું ત્યારે પણ એમણે ત્યાંથી જતાં રહેવાનો પ્રયત્ન કરેલો.
લોકો તો પ્રમુખસ્વામીને વિષે બેહદ પૂજ્યભાવ ધરાવતાં હતાં, પરંતુ પ્રમુખસ્વામી કોઈ પોતાના નામનું ભજન કરે એ બિલકુલ ચલાવી લેતા નહીં, એને તત્ક્ષણ બંધ કરાવી દેતા. યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ પોતે ગુરુપદે બિરાજમાન થયા પછીથી એમની પ્રાત:પૂજામાં સંતો કીર્તન ગાતાં. તા.૮-૫-૭૧ની પૂજામાં એક સંતે એક નવોદિત કવિએ રચેલ પ્રમુખસ્વામીની પ્રશસ્તિનું કીર્તન ગાવાનું શરૂ કર્યું. સ્વામીશ્રીએ તત્ક્ષણ એ કીર્તન ગાવાનું બંધ કરાવ્યું. ઉપરાંત સંતોના સંગીતશિક્ષક અનુપમ ભગતને જણાવ્યું કે ‘આવાં કીર્તન ગાવાની તમારે ‘ના‘ કહી દેવી.‘
તા.૧૦-૭-૮૬એ અટલાદરામાં પાટોત્સવ પૂજનમાં સ્વામીશ્રીએ ઉપાધ્યાયને કહ્યું કે, ‘વરુણદેવનું એવું આવાહન કરો કે ધોઘમાર વરસાદ થાય.‘ ત્યારે ભૂદેવે જાહેરાત કરી કે, ‘બાપાની આજ્ઞા છે અને આપણે બાપાને જ પ્રાર્થના કરીએ કે વરસાદ સારો વરસાવે.‘ હજુ આ વાક્ય પૂરું થાય એ પહેલાં તો સ્વામીશ્રી જોરથી કહેવા લાગ્યા, ‘બાપો, બાપો શું કરો છો? બાપા તો આ બાલાં મારે. બાપાનાય બાપાને પ્રાર્થના કરો તો વરૂણદેવ બરાબર વરસે.‘ તે પછી બોચાસણમાં સારા વરસાદ માટેની ધૂનની રમઝટ વચ્ચે એક સંત નવતર કડી જોડી કાઢીને ગાવા લાગ્યા, ‘પ્રમુખસ્વામી, તમે વરસાદ પાડો....‘ ત્યારે સ્વામીશ્રી પુણ્યપ્રકોપ ધારણ કરીને કડકાઈથી બોલવા લાગ્યા, ‘નહીં પડે વરસાદ. પ્રમુખસ્વામીનું નામ વચ્ચે કેમ ઘાલો છો? ઠાકોરજીનું નામ લો. એ વરસાદ પાડશે. વચ્ચે બીજાં નામો(પોતાનું) ઉમેરવાં નહીં. ઠાકોરજીની મર્યાદા છે. ત્યાં બીજો ઊભરો કાઢવાની જરૂર નહીં.‘ પોતાનું નામ કોઈ હિસાબે આગળ ન આવે એ માટે મરણિયો પ્રયાસ કરતાં પ્રમુખસ્વામીને અનેકવાર જોયાં છે.
પોતાના સન્માનને હંમેશા ઠેલતાં રહેતાં સ્વામીશ્રીએ જ્યારે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના બે એવોર્ડ લંડનમાં આપવામાં આવ્યા ત્યારે કહેલું કે, ‘આ સાહેબે જે આપ્યું છે (એમને એ એવોર્ડનાં નામ જાણવાની પણ પડી નહોતી), તે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ યોગીજી મહારાજને આપવામાં આવ્યું છે. તેઓ જ બધું કરે છે. અમે શેક્યો પાપડ પણ ભાંગી શકીએ એમ નથી.‘
પોતાને યોગ્ય સન્માનને તેઓ શિષ્ય ભણી પણ કુનેહપૂર્વક સરકાવી દેતા. ૧૯૬૮ની ગુરુપૂર્ણિમાએ યોગીજી મહારાજ પોતે બોચાસણ ન જઈ શકવાથી એમણે પ્રમુખસ્વામીને ત્યાં મોકલેલા અને આજ્ઞા કહેવડાવી હતી કે ‘ગુરુ તરીકે અમારી જગાએ આ વખતે પ્રમુખસ્વામીનું પૂજન કરવું.‘ પણ પ્રમુખસ્વામી આશીર્વચન ઉચ્ચારતાં એમ બોલ્યા કે ‘પૂજ્ય યોગીબાપાએ જણાવ્યું છે કે પૂજ્ય મહંતસ્વામી ત્યાં આવે છે તો બધા પૂજન કરજો.‘(જેઓ આજે એમના ઉત્તરાધિકારી છે)
એમ નથી લાગતું કે માણસને જીવતો રાખવા માટે ઓક્સિજન કરતાં પણ માન-પ્રશંસા વધુ અગત્યનાં બનતાં ચાલ્યાં છે ? વીલીયમ જેમ્સે કહ્યું છે- ‘માનવ સ્વભાવનો ઊંડામાં ઊંડો સિદ્ધાંત છે: મારી પ્રશંસા થાય એવી અદમ્ય ઝંખના.‘ માત્ર છ ચોપડી ભણેલા પ્રમુખસ્વામી મહારાજે આયખાભર માન-પ્રશંસાને દૂર હડસેલતાં રહીને આ મહાન ફિલસૂફના વિચારને પોતાના જીવન પૂરતો ખોટો પાડી દીધો હતો.