Essays Archives

આ સંદર્ભે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને ઉપદેશેલાં વચનો યાદ કરવા જેવાં છે. તેમણે કહ્યું - 'ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમ ધર્મ સ્થાપનને અર્થે જ નથી થતા. કેમ જે, વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે. માટે ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ(ભાગવત ધર્મ) તે પ્રવર્તાવવાને અર્થે થાય છે.'(વચ. ગ.મ. પ્રક. ૪૬), 'જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના(ભાગવત ધર્મના એટલે કે પરમાત્માની સ્વરૂપનિષ્ઠારૂપ ધર્મના) સ્થાપનને અર્થે  થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમ ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે.' (વચ. ગ.અં. પ્રક. ૨૧).

રહસ્યમય ધર્મ એટલે સ્વરૂપનિષ્ઠા - गुह्यतमम्‌ घर्म्यम्‌

'इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे... घर्म्यम्‌' 'અર્જુન! તને હવે હું એક અતિ ગોપનીય ધર્મની વાત કરીશ.' (ગીતા-૯/૧, ૩)
આમ, નવમા અધ્યાયનો આરંભ રહસ્યમય ધર્મનો ઉપદેશ કરવાની પ્રતિજ્ઞાથી થયો છે. શું હતો આ રહસ્યમય ધર્મનો ઉપદેશ? ગીતાના જ શબ્દો જોઈએ.
'मया ततमिदं सर्वम्‌' 'મારા વડે આ બધું વ્યાપ્ત છે.' (ગીતા-૯/૪), 'मत्स्थानि सर्वभूतानि' 'જીવપ્રાણીમાત્ર મારે આધારે છે.' (ગીતા-૯/૪), 'न च मां तानि कर्माणि निबध्नन्ति' 'મને કર્મો બાંધી શકતાં નથી.'(ગીતા-૪/૯), 'मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम्‌' 'મારા નિયમનમાં રહી પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે' (ગીતા-૯/૧૦), 'अवजानन्ति मां मूढा मानुषी´ तनुमाश्रितम्‌' 'મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માનવીઓ મનુષ્યશરીર ધારણ કરી અવતરેલા એવા મારી અવજ્ઞા કરે છે.' (ગીતા-૯/૧૧), 'पिताहमस्य जगतः' 'હું આ જગતનો પિતા છુ.' (ગીતા-૯/૧૭), 'मन्मना भव मद्‌भक्तो मद्याजी मां नमस्कुरु' 'મારામાં મન જોડ. મારો ભક્ત થા. મારું પૂજન કર. મને નમસ્કાર કર.' (ગીતા-૯/૩૪) વગેરે શબ્દો દ્વારા સમગ્ર નવમા અધ્યાયમાં પરમાત્મ-સ્વરૂપની નિષ્ઠાનો ઉપદેશ થયો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સ્વરૂપનિષ્ઠાના આ દિવ્ય ઉપદેશને જ શ્રીકૃષ્ણ ભગવાને घर्म्यम्‌ (ગીતા-૯/૨) કહેતાં ધર્મસંબંધી ઉપદેશ તરીકે ઓળખાવ્યો છે.

પરમાત્મનિષ્ઠા એ જ ધર્મમય અમૃત - घर्म्यामृतमिदम्‌

હવે બારમા અધ્યાયનો દાખલો લઈએ. ત્યાં પણ 'मय्यावेश्य मनो' 'મારામાં મન પરોવીને' (ગીતા-૧૨/૨), 'सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः' 'મારામાં બધાં કર્મો અર્પણ કરીને, મારા પરાયણ થઈને.'(ગીતા-૧૨/૬), 'मयि बुद्धिं निवेशय' 'મારામાં બુદ્ધિ સ્થાપિત કર'(ગીતા-૧/૮), 'मामाप्तुमित्व्छ' 'મને પ્રાપ્ત કરવાની ઇચ્છા કર.' (ગીતા-૧૨/૯), 'मत्कर्मपरमो भव' 'મારા સંબંધી કર્મ-પરાયણ થા.' (ગીતા-૧૨/૧૦) વગેરે વાક્યો દ્વારા સ્વરૂપ-નિષ્ઠાનો ઉપદેશ કર્યો અને અંતે આ ઉપદેશને જ 'घर्म्यामृतमिदम्‌' (ગીતા-૧૨/૨૦) ધર્મમય અમૃત ગણાવી ઉપસંહાર કર્યો છે. આ રીતે બારમા અધ્યાયમાં પણ સ્વરૂપનિષ્ઠાને ધર્મ શબ્દથી નિરૂપી છે.

યોગનો સંવાદ એટલે ધર્મનો સંવાદ - घर्म्यं संवादम्‌

હવે અંતમાં ગીતાના અંતિમ અધ્યાયનું ઉદાહરણ લઈએ. ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ પાર્થ સાથે થયેલા આ સંવાદને ધર્મ-સંબંધી સંવાદ ગણાવ્યો છે. તેમણે કહ્યું, 'इमं घर्म्यं संवादमावयोः' 'આ આપણા બંનેનો ધર્મમય સંવાદ.'(ગીતા-૧૮/૭૦). અધ્યાય-૧૮માં વહેંચાયેલી ગીતાનો જાણે એક ધર્મ શબ્દમાં ઉપસંહાર કરી દીધો!
યોગ ભગવદ્‌ગીતાનું પ્રધાન પ્રતિપાદ્ય છે. આથી જ ગીતાનો આ દિવ્ય સંવાદ યોગશાસ્ત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. તેના પ્રત્યેક અધ્યાયના અંતે योगशास्त्रे એવો પાઠ પણ કરવામાં આવે છે, પરંતુ યોગના આ સમગ્ર સંવાદને ધર્મનો સંવાદ કહીને ભગવાન શ્રીકૃષ્ણે યોગ અને ધર્મની એકતા સ્થાપિત કરી દીધી છે.
આમ, પરમાત્મસ્વરૂપની નિષ્ઠારૂપ યોગ ગીતામાં સાદ્યંત ધર્મ શબ્દથી નિરૂપાયેલો જોવા મળે છે. 'स्वल्पमप्यस्य घर्मस्य त्रायते महतो भयात्‌' (ગીતા-૨/૪૦) આ વાક્યમાં પણ એ જ યોગ, ધર્મ શબ્દથી ઉપદેશાયો છે.
ગીતાના ધર્મ શબ્દનો આ વિશિષ્ટ અને રહસ્યમય અર્થ સૌ પ્રથમ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને ઉદ્‌ઘાટિત કર્યો હતો. તેમણે કહ્યું, 'જ્યારે ભારતી લડાઈ થઈ, ત્યારે અર્જુન જે તે લડાઈને વિષે અનંત દોષ થયા તો પણ લેશમાત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રનાં વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું જે, મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ૠષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિઃસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત્સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. એ બળ જો લેશમાત્ર હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે, 'स्वल्पमप्यस्य घर्मस्य त्रायते महतो भयात्‌।'(ગીતા-૨/૪૦) એ શ્લોકનો એ અર્થ છે જે, ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ ભારતી લડાઈ થઈ ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઈ.' (વચ. ગ.મ. ૯)

પરમાત્મનિષ્ઠાને શ્રીસ્વામિનારાયણ ભગવાને અહીં ભગવત્‌ સ્વરૂપના બળ તરીકે સંબોધી છે. તેમણે ઉપરોક્ત શ્લોકમાં પ્રયોજાયેલા ધર્મ શબ્દનો અર્થ કર્યો અને એક જ અર્થમાં જાણે આખીયે ગીતાનું ભાષ્ય જ સમાવી લીધું! ગીતામાં સંતાયેલી ખૂબીને બહાર લઈ આવ્યા. જોકે ગીતાના શબ્દોનો વિમર્શ તો આ પૂર્વે પણ ઘણાએ કર્યો છે, પરંતુ ધર્મ શબ્દમાં પરમાત્મસ્વરૂપની નિષ્ઠાની વિભાવના કરવાનો અભિગમ શ્રીસ્વામિનારાયણ ભગવાન જ પ્રકાશમાં લઈ આવ્યા.
આ રીતે સ્વરૂપનિષ્ઠા જ અહીં ધર્મ શબ્દનો મુખ્યાર્થ છે. આથી જ ભગવાન શ્રીકૃષ્ણ આ ધર્મની વિશેષતાઓ જણાવતાં કહે છે કે नेहाऽभिक्रमनाशोऽस्ति (ગીતા-૨/૩૯) આ ધર્મ માટે કરેલો પ્રયત્ન ક્યારેય નિષ્ફળ જતો નથી. प्रत्यवायो न विद्यते (ગીતા-૨/૩૯) - એનાં કોઈ વિપરીત ફળ નથી. અને આ ધર્મ તો त्रायते महतो भयात्‌ (ગીતા-૨/૩૯) - ભવાટવીરૂપ મોટા ભય થકી રક્ષા કરે છે.
આમ, ગીતા પરમાત્મસ્વરૂપની નિષ્ઠાને જ યોગ કહે છે. એ યોગને જ स्वल्पमप्यस्य घर्मस्य (ગીતા-૨/૩૯) કહીને ધર્મ શબ્દથી પુનઃ દૃઢાવે છે. અને તેનાં દિવ્ય ફળ દર્શાવી આપણને પણ તે યોગધર્મ આત્મસાત્‌ કરવા પ્રેરે છે. અસ્તુ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS