૨. અક્ષરબ્રહ્મ - ભગવાનના ધામરૂપે
આપણાં સનાતન શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મ તત્ત્વનું નિરૂપણ કરતાં તેનો ભગવાનના પરમધામરૂપે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. આ અક્ષરધામના સ્વરૂપ વિષે, તેની મહત્તા વિષે અને તેની પ્રાપ્તિના ઉપાય વિષે શાસ્ત્રો શું કહે છે તે આપણે જોઈએ.
અક્ષરબ્રહ્મ - સ્થાનવિશેષ
અક્ષરબ્રહ્મ તત્ત્વ એક સનાતન દિવ્ય સ્થાનરૂપે પરબ્રહ્મ તથા મુક્તોને ધારણ કરીને રહે છે. આથી જ અક્ષરબ્રહ્મનો ‘पदम्’ એટલે કે 'સ્થાન' શબ્દથી શ્રુતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, ‘सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद् वदन्ति। यदित्व्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत् ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥’ (કઠ ઉપનિષદ, ૨/૧૫)
અર્થાત્ 'સર્વે વેદો જે સ્થાનનું મનન કરે છે, સર્વે તપશ્ચર્યાથી પણ જે સ્થાન પ્રાપ્ય કહેવાયું છે, જેને પામવાની ઇચ્છાથી જ મનીષીઓ બ્રહ્મચર્યની સાધના કરે છે, તે સ્થાન 'ૐ' કહેવાય છે.' એ જ અક્ષર છે, તે સ્થાન જ બ્રહ્મ છે.
આ સ્થાન કેવું તેજોમય છે, તેનું વર્ણન કરતાં કહેવાયું છે, ‘न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः। तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति॥’ (કઠ ઉપનિષદ, ૫/૧૫) અર્થાત્ 'આ અક્ષરધામ એવું પ્રકાશમાન છે કે સૂર્ય, ચંદ્ર, તારા કે વીજળીનો પ્રકાશ ત્યાં નજરમાં નથી આવતો તો પછી અગ્નિનો પ્રકાશ તો ક્યાંથી જણાય? એ અક્ષરધામના પ્રકાશથી વિશ્વમાં સઘળું પ્રકાશમાન છે.'
આ અક્ષરધામ ભગવાનનું નિવાસસ્થાન છે, એમ જણાવતાં શ્રુતિ કહે છે, ‘तद् विष्णोः परमं पदम्।’ અર્થાત્ 'તે અક્ષર ભગવાનનું શ્રેષ્ઠ સ્થાન છે.' ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે, 'જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે.' (વચનામૃત ગઢડા પ્રકરણ ૧)
અક્ષરધામ - સર્વોપરી સ્થાન
અનંતકોટિ બ્રહ્માંડોમાં રહેલાં અસંખ્ય સ્થાનકોમાં અક્ષરધામ સર્વોપરી સ્થાન છે, એમ સમજાવતાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે, ‘अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम्।’ (ભગવદ્ગીતા - ૮/૨૧) અર્થાત્ 'અક્ષરધામ અવ્યક્ત છે અને એ જ પરમગતિ છે એટલે કે સર્વશ્રેષ્ઠ પ્રાપ્ય સ્થાન છે.'
અક્ષરધામની સર્વોપરિતા બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય ૠષિ તથા ગાર્ગીના સંવાદમાં સુચારુરૂપે પ્રગટ થઈ છે. ગાર્ગી યાજ્ઞવલ્કયને પૂછે છે કે આ પૃથ્વી શામાં ઓતપ્રોત છે, અર્થાત્ શાના આધારે છે ? ત્યારે યાજ્ઞવલ્કય જવાબ આપે છે કે પૃથ્વી જળમાં ઓતપ્રોત છે. આ જ રીતે જળ કોના આધારે છે એનો જવાબ આપતાં યાજ્ઞવલ્કય તેજનો નિર્દેશ કરે છે. ત્યારબાદ ગાર્ગીના પ્રશ્નના ઉત્તરરૂપે ક્રમશઃ વાયુ, આકાશ, અહંકાર વગેરેને આધારરૂપે દર્શાવતાં અંતમાં બધું જ અક્ષરબ્રહ્મના આધારે છે એમ યાજ્ઞવલ્કય કહે છે. આ વખતે ગાર્ગી હજુ આગળ પ્રશ્ન પૂછવા જાય છે કે, ‘कस्मिन्नु खलु ब्रह्मलोका ओताश्र्च प्रोताश्र्चेति।’ 'બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે?' ત્યારે યાજ્ઞવલ્કય બ્રહ્મનાદ કરતાં કહે છે કે, ‘स होवाच गाíग मातिप्राक्षीर्मा ते मूर्घा व्यपप्तदनतिप्रश्न्यां वै देवतामतिपृत्व्छसि गाíग माऽतिप्राक्षीरिति ततो ह गार्गी वाचक्नव्युपरराम।’ (બૃહદારણ્યક ઉપનિષદ, ૩/૬/૧) 'બસ ગાર્ગી, હવે જો આગળ પ્રશ્ન પૂછીશ તો તારું માથું ઊડી જશે.' અક્ષરબ્રહ્મથી પર કોઈ સ્થાન છે જ નહિ, આથી તેનાથી પર સ્થાનની કલ્પનાને પણ પ્રાણઘાતક કહીને યાજ્ઞવલ્કય તેનો છેદ ઉડાવી દે છે.
અક્ષરધામ - માયાના ગુણોથી પર
અક્ષરધામ અપ્રાકૃત છે, ગુણાતીત છે, માયાથી પર છે. આથી જ તેને પાપરૂપ માયાથી પર દર્શાવતાં કહે છે, ‘विपापो विरजोऽविचिकित्सो ब्राह्मणो भवत्येष ब्रह्मलोकः।’ (બૃહદારણ્યક ઉપનિષદ, ૪/૪/૨૩) અર્થાત્ 'અક્ષરધામ પાપરહિત, રજોગુણાદિ માયિક ગુણોથી પર અને માયાકૃત સંદેહથી મુક્ત છે.'
વળી કહ્યું, ‘सर्वे पाप्मानोऽनोऽतो निवर्तन्ते। अपहतपाप्मा ह्येष ब्रह्मलोकः।’ અર્થાત્ 'સર્વે પાપમય માયિકભાવ જેનાથી દૂર ભાગે છે એવું અક્ષરધામ 'અપહતપાપ્મા' એટલે કે અમાયિક છે.'
અક્ષરધામમાંથી પુનરાવૃત્તિ નહીં...
અક્ષરધામની અદ્વિતીય વિશેષતા એ છે કે તેને પ્રાપ્ત કર્યા પછી કયારેય પાછા પડવાનું થતું નથી. અક્ષરધામ સુધીના અન્ય લોક કે સ્થાનમાંથી ફરી મૃત્યુલોકમાં આવવું પડે છે, એમ જણાવતાં શ્રીમદ્ભગવદ્ગીતામાં કહે છે, ‘आब्रह्मभुवनाल्लोकाः पुनरावíतनोऽर्जुन।’ (ભગવદ્ગીતા, ૮/૧૬) અર્થાત્ 'હે અર્જુન, અક્ષરધામ સુધીના સર્વે લોક એવા છે, જેમાંથી પાછા ફરવું
પડે છે.'
આ વાત છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહી છે, ‘स खल्वेवं वर्तयन्यावदायुषं ब्रह्मलोकमभिसम्पद्यते न च पुनरावर्तते न च पुनरावर्तते॥’ (છાંદોગ્ય ઉપનિષદ, ૮/૧૫/૧) અર્થાત્ 'આ બ્રહ્મલોકને પામ્યા પછી ત્યાંથી મુક્તનું આ લોકમાં પુનરાગમન નથી થતું, પુનરાગમન નથી જ થતું.'
અક્ષરધામમાં પરબ્રહ્મનાં દર્શન
અક્ષરધામની પ્રાપ્તિનો હેતુ શો છે? ત્યાં જઈને શું કરવાનું છે? અક્ષરધામમાં પ્રાકૃત વિષયભોગ નથી તો શું અપ્રાકૃત ભોગવિલાસ ભોગવવાના છે? અથવા તો શું ત્યાં કેવળ આત્માના સ્વરૂપમાં લીન થઈને રહેવાનું છે? આ પ્રશ્નોનું સમાધાન આપતાં ઉપનિષદ કહે છે કે અક્ષરધામમાં રહીને પુરુષોત્તમ ભગવાનનાં દર્શન કરવાનાં છે. ‘स सामभिरुन्नीयते ब्रह्मलोकं स एतस्माज्जीवघनात् परात्परं पुरिशयं पुरुषमीक्षते तदेतौ श्लोकौ भवतः॥’ (પ્રશ્નઉપનિષદ, ૫/૫) અર્થાત્ 'તે મુક્ત બ્રહ્મલોકને પામીને ત્યાં સમગ્ર જીવ, ઈશ્વરાદિથી પર એવા અક્ષરબ્રહ્મથી પણ પર પુરુષોત્તમનારાયણને જુએ છે.' પરબ્રહ્મની અનંત સુખમય મૂર્તિનાં દર્શનમાં જ અક્ષરધામની પ્રાપ્તિની સાર્થકતા સમાયેલી છે.