Essays Archives

વિવિધ કથાનકો દ્વારા ગહન તત્ત્વજ્ઞાનને સરસ, સરળ અને સચોટ રીતે પીરસવું તે ઉપનિષદની વિશિષ્ટ શૈલી છે. છાન્દોગ્ય ઉપનિષદમાં એ વિશેષ પ્રમાણમાં ઉજાગર થઈ છે. ક્યાંક ઉષસ્તિ અને મહાવતની કથા, ક્યાંક શ્વેતકેતુ અને ઉદ્દાલકનો વાર્તાલાપ, કે ક્યાંક નારદ અને સનત્સુજાતનો સંવાદ કે પછી ક્યાંક ઇંદ્ર-વિરોચનનું આખ્યાન મૂકીને અહીં બ્રહ્મવિદ્યાનો હૃદયંગમ ઉપદેશ થયો છે. આ ઉપનિષદ સામવેદમાં સમાયું છે. સામવેદ અંતર્ગત તવલકાર નામના બ્રાહ્મણમાં આઠ અધ્યાયમાં વહેંચાયેલ આ ઉપનિષદના અધ્યાત્મરસને માણીએ.

આરંભે જ અક્ષરનું ઉદ્ગાન! - अक्षरम् उद्गीथम् उपासीत

'ॐ इत्येतद् अक्षरम् उद्गीथम् उपासीत' (છા.ઉ. - ૧/૧/૧) 'ૐકાર જેની સંજ્ઞા છે અને સર્વે વેદોમાં જેનું ઉદ્ગાન થયું છે એવા અક્ષરબ્રહ્મનું ચિંતવન કરવું જાઈએ.' છાન્દોગ્યનો પાઠ આરંભીએ ને પહેલા જ મંત્રમાં અક્ષરબ્રહ્મના મહિમાનું ગાન થાય! આમ કરવાનું તાત્પર્ય પણ સમજી શકાય છે - અક્ષરરૂપ થયા વિના પુરુષોત્તમની યથાર્થ ઉપાસના ભક્તિ થઈ ન શકે. તેથી જ તો મુંડક ઉપનિષદમાં પણ જ્યારે બ્રહ્મવિદ્યાના નિરૂપણનો પ્રસંગ આવ્યો ત્યારે 'अथ परा' (મુ.ઉ. - ૧/૧/૫) એમ ઉપક્રમ કરીને 'तद् अक्षरम् अघिगम्यते' (મુ.ઉ. - ૧/૧/૫) એમ પ્રથમ અક્ષરબ્રહ્મના સ્વરૂપનો જ ઉપદેશ કર્યો - 'ॐ इत्येतद् अक्षरम्' (માંડૂક્ય ઉપનિષદ - ૧/૧) એમ માંડૂક્ય ઉપનિષદનાં શ્રીગણેશ પણ અક્ષરબ્રહ્મના ઉદ્ગાનથી જ થયાં અને એવું જ આ છાંદોગ્ય ઉપનિષદમાં પણ થયું છે.

તે જ અક્ષરબ્રહ્મને જાણનારને શો લાભ થાય છે તે જણાવે છે.

અક્ષરને જાણનારનો અક્ષરધામમાં પ્રવેશ - ‘अक्षरं प्रविशति’

‘यदेतद् अक्षरम् एतदमृतम् अभयं तत्प्रविश्य देवा अमृता अभया अभवन्। स य एतदेवं विद्वान् अक्षरं प्रणौति तदेव अक्षरम् अमृतम् अभयं प्रविशति। तदमृतो भवति।’ (છા.ઉ. - ૧/૪/૪,૫) અર્થાત્ 'જે આ અક્ષરબ્રહ્મ છે તે અમૃતમય છે, જન્મમરણ રહિત છે, તેમાં કોઈ પ્રકારનો ભય નથી. તેને જે જાણે છે તે તેમાં પ્રવેશ કરે છે', એટલે કે અક્ષરધામમાં પ્રવેશે છે અને જન્મમરણ થકી રહિત થાય છે, નિર્ભય થાય છે, અમૃતત્વ પામે છે.

સાકાર પુરુષોત્તમની ઉપાસના - ‘तस्य यथा पुण्डरीकमेवमक्षिणी’

હવે ત્યારપછીના ખંડમાં પુરુષોત્તમ પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે - ‘य एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते हिरण्यश्म-श्रुíहरण्यकेश आ-प्रणवात्सर्व एव सुवर्णः॥ तस्य यथा कप्यासं पुण्डरीकमेवमक्षिणी।’ (છા.ઉ. - ૧/૬/૬,૭) અર્થાત્ 'સુવર્ણમય દિવ્ય કાંતિથી શોભતા આ દિવ્યપુરુષ સમગ્ર સૂર્યમંડળમાં વ્યાપીને રહ્યા છે. તેમની દાઢી, તેમના કેશ, તેમના નખ વગેરે સંપૂર્ણ દિવ્યવિગ્રહ સુવર્ણના ઝ ગમગાટની જેમ ઝ ળહળી રહ્યો છે. વળી, તેમનાં બે નેત્રો કમળ જેવાં કોમળ અને અતિ શોભાયમાન છે.'
ઉપનિષદના આ શબ્દો પરમાત્મા સદા સાકાર છે તેવું સમજાવે છે. સાકારપણામાંય ગમે તે આકારે નહીં પરંતુ ‘पुरुषः’ એમ કહીને સર્વાંગ સુંદર પુરુષાકાર છે એમ સમજાવે છે. આથી અક્ષરધામમાં વિરાજમાન પરબ્રહ્મનું દિવ્ય સ્વરૂપ હોય કે પછી અનંતકોટિ બ્રહ્માંડમાં અંતર્યામીપણે વ્યાપેલું દિવ્ય સ્વરૂપ હોય, તેમને ક્યારેય નિરાકાર તો ન જ સમજવા એવો આગ્રહ આ મંત્ર દ્વારા ધ્વનિત થાય છે.
અને આ રીતે પરમાત્માને સદા સાકાર સમજીને ઉપાસના કરનારને લાભ પણ જેવો તેવો થતો નથી. અહીં કહ્યું, ‘स एष सर्वेभ्यः पाप्मभ्य उदितः उदेति ह वै सर्वेभ्यः पाप्मभ्यो य एवं वेद॥’ (છા.ઉ. - ૧/૬/૭) 'જે આ રીતે સમજે છે તે પાપોથી મુક્ત થઈ જાય છે.'
આ રીતે છાન્દોગ્ય ઉપનિષદમાં શરૂઆતના ખંડોમાં અક્ષર અને પુરુષોત્તમના દિવ્ય સ્વરૂપનો સુંદર ઉપદેશ થયો છે.
હવે આ જ બ્રહ્મ અને પરબ્રહ્મનો વિશેષ મહિમા પિતા-પુત્રના એક સંવાદ દ્વારા અહીં સમજાવવામાં આવ્યો છે તે જોઈએ.

શ્વેતકેતુ-આરુણિ આખ્યાન - સદ્વિદ્યા

આરુણિ નામે એક ૠષિ હતા. શ્વેતકેતુ નામે તેમને પુત્ર હતો. શ્વેતકેતુ સમજણો થયો. પિતાએ તેને ભણવા સમજાવતાં કહ્યું, ‘श्वेतकेतो वस ब्रह्मचर्यम्’ (છા.ઉ. - ૬/૧/૧) 'બેટા! આપણા કુળમાં હજુ કોઈ ભણ્યા વગરનું રહ્યું નથી માટે તું કોઈ ગુરુકુળમાં રહી બ્રહ્મચર્યનું પાલન કર અને ભણ.' શ્વેતકેતુએ આદેશાનુસાર કર્યું. બાર વર્ષ ગુરુકુળમાં રહ્યો. અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો. પિતાએ પુત્રને ઘણાં વર્ષે જોયો. પુત્રના મુખ ઉપર વિદ્યાના તેજના સ્થાને અભિમાનના ભાવો વિશેષ જણાતા હતા. પિતાને દુઃખ થયું. તેમણે પુત્રને બોલાવી કહ્યું, 'દીકરા! તું એવું તે શું ભણી આવ્યો કે આવો અભિમાની થઈ ગયો? શું તારા ગુરુએ તને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ નથી આપ્યો?' ત્યારે શ્વેતકેતુ કહે, 'એ ઉપદેશ કેવો હોય?' પિતા કહે, ‘येनाऽश्रुतं श्रुतं भवत्यमतं मतमविज्ञातं विज्ञातमिति।’ (છા.ઉ. - ૬/૧/૩) 'પુત્ર! એ બ્રહ્મવિદ્યા તો એવી છે કે જેને પામવાથી ન સાંભળેલું પણ બધું સંભળાઈ જાય, કહેતાં બીજું કાંઈ સાંભળવાનું બાકી રહેતું નથી. બીજું કાંઈ મનન કરવાનું રહેતું નથી અને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી.' વળી, ‘यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृण्मयं विज्ञातं स्याद्।’ (છા.ઉ. - ૬/૧/૪) 'હે પ્રિય પુત્ર! જેમ કોઈ એક માટીના પિંડાને વ્યવસ્થિત જાણી લે તો એ માટીમાંથી બનેલી બધી જ વસ્તુઓનું સ્વરૂપ જણાઈ જાય છે. તેમ આ જ્ઞાન પણ એવું છે.' આ સાંભળી પુત્રને રસ પડ્યો. તેણે પિતાને પ્રાર્થના કરી, 'એ જ્ઞાન તમે મને આપો.' રાજી થઈ પિતાએ પુત્રને બ્રહ્મવિદ્યાના અદ્ભુત ઉપદેશનો આરંભ કર્યો.

 

સત્ એ જ સકળ જગતનું કારણ - सदेव सोम्येदमग्र आसीद्

‘सदेव सोम्येदमग्र आसीद्’ (છા.ઉ. - ૬/૨/૧) 'બેટા! સૃષ્ટિ પહેલાં ‘सत्’ કહેતાં સદાય નિર્વિકારી, માયાના સંબંધથી રહિત એવું સત્ય તત્ત્વ હતું.' તે સત્માંથી આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે.
અહીં ‘सत्’ શબ્દના ચાર અર્થ કરી શકાય તેમ છે - સંસારચક્રમાં ફરતો આત્મા, પરમાત્મા, અક્ષરબ્રહ્મ કે પછી મુક્તાત્મા. તેમાંથી સંસારચક્રમાં ફરતા આત્માને અહીં સકળ સૃષ્ટિના કારણરૂપે લીધા નથી. કારણ તેને પણ માયા વળગેલી છે તેથી તે પણ જગતની અંદર જ ગણાય. વળી, દરેક મુક્તાત્માઓ પણ પહેલા તો અનાદિમાયાથી બંધાયેલા જ હતા. અને જન્મમરણ પામી જગતમાં ભટકતા હતા. તેથી તેઓને પણ અહીં સકળ સૃષ્ટિઓના કારણ તરીકે કહ્યા નથી. જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે તત્ત્વો તો નિત્ય મુક્ત છે, સદાય માયાથી નિર્લેપ છે અને સકળ જગતની ઉત્પત્તિ કરવા સમર્થ છે. તેથી સત્ શબ્દથી એ બે દિવ્ય તત્ત્વોનું અહીં પ્રતિપાદન કર્યું છે.
આટલું કહી પિતા આગળ કહે છે, ‘सन्मूलाः सोम्येमाः सर्वाः प्रजाः सदायतनाः सत्प्रतिष्ठाः’ (છા.ઉ. - ૬/૮/૪) 'હે પ્રિય પુત્ર! આ જે કાંઈ ઉત્પન્ન થયેલું દેખાય છે તે સત્યસ્વરૂપ એવા બ્રહ્મ અને પરબ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું છે. એટલું જ નહીં, એ સૃષ્ટિની સ્થિતિ અને પ્રલયનું કારણ પણ તેઓ જ છે.'
આ રીતે હે શ્વેતકેતુ! એ બ્રહ્મ અને પરબ્રહ્મ જ સર્વના કારણ, સર્વના આત્મા હોવાથી ‘तत्त्वमसि’ (છા.ઉ. - ૬/૮/૭) 'તારા આત્માના પણ આત્મા તેઓ જ છે. તેથી તું પણ તદાત્મક છે.' બ્રહ્મવિદ્યાના જ્ઞાનથી શ્વેતકેતુ પ્રસન્ન થયો.
અહીં બ્રહ્મ તથા પરબ્રહ્મનો ઉલ્લેખ સત્ શબ્દથી થયો હોઈ આ બ્રહ્મવિદ્યા સદ્વિદ્યા તરીકે પ્રસિદ્ધિ પામી છે.
આમ, પિતા-પુત્રના આ દિવ્ય સંવાદ દ્વારા સકળ સૃષ્ટિના કારણનું રહસ્ય આ ઉપનિષદમાં નિરૂપ્યું છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS