મોહગ્રસ્તની પ્રતિક્રિયા
હવે અર્જુન શું બોલ્યો તે જાણીએ. 'दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥ सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति। वेपथुश्र्च शरीरे मे रोमहर्षश्र्च जायते॥ गाण्डीवं संस्रते हस्तात् त्वक्चैव परिदह्यते। न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः॥' અર્જુન બોલ્યો - હે કૃષ્ણ, યુદ્ધની ઇચ્છાવાળા ઉપસ્થિત આ સ્વજનોને જોઈને મારાં અંગો શિથિલ થઈ રહ્યાં છે. મોં સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં ધ્રુજારી અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે. ત્વચા બળી રહી છે. હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. જાણે મારું મન ભમે છે. (ગીતા ૧/૨૮-૩૦)
વળગેલા મોહની આ પ્રતિક્રિયા હતી. લાગણીઓએ જોર જમાવ્યું. વિચારો વિકૃત થઈ ગયા. પરિણામે શરીર ઉપર પણ વિકૃત અસરો જણાવા લાગી. સશક્ત અંગો ઢીલાં પડ્યાં. વીરશ્રીથી શોભતું મુખારવિંદ શુષ્કતાને પામ્યું. પડછંદ કાયાની અડગતા કાંપી ઊઠી. મહાધનુર્ધરમાં ધનુષ ધરવા જેટલીય ધીરજ ન રહી. સંતાપની આગ રોમરોમ વ્યાપી ગઈ અને મજબૂત મને સંતુલન ગુમાવ્યું.
જીવનની વાસ્તવિકતાને સમજવા આ ઘટનાનું વધુ ઊંડાણથી ચિંતન કરવું જોઈએ.
મોહને સીધેસીધો સમજવો મુશ્કેલ છે, પરંતુ અંદરના વિચારો ઉપર થયેલ અસરને આધારે તેને સમજી શકાય છે. અને તે અસરગ્રસ્ત વિચારો જ પછી સ્થૂળ રૂપે પરિણમી બાહ્ય શરીરને પ્રભાવિત કરી મૂકે છે. આમ આંતરિક પરિબળો અને બાહ્ય શરીર એ બંનેનો પરસ્પર સંબંધ કેટલો સઘન હોય છે તેનો અહીં સરળતાથી અનુભવ કરી શકાશે.
શું અર્જુનનાં અંગો ખરેખર નબળાં હતાં? કેમ તેનું મુખ અચાનક જ સુકાવા લાગ્યું? શું તેના માટે આ સર્વપ્રથમ યુદ્ધ હતું? શું તે ડરપોક હતો એટલે રણમેદાને ધ્રૂજવા લાગ્યો? કેમ એકદમ જ ઉપાડેલું ધનુષ ભારે થઈ પડ્યું ને હાથમાંથી સરી ગયું? એવાં કયાં પરિબળો ભાગ ભજવી ગયાં તે અર્જુન જેવા અર્જુનની આવી દશા થઈ? પ્રત્યુત્તર છે - આંતરિક આવેગો. કળા પ્રાપ્ત કરવી સારી બાબત છે. કોઈ સંગીતકાર બને, કોઈ ચિત્રકાર બને, કોઈ વિજ્ઞાનના ક્ષેત્રે સજ્જ થાય, કે પછી કોઈ રમત-ગમતમાં નામ કાઢે. જેમ અર્જુને અહીં અસ્ત્ર-શસ્ત્રની વિદ્યામાં કીર્તિમાનો સ્થાપ્યાં છે. આમ છતાં આ બધી કળાઓને માત્ર આવડત કહેવાય. કેવળ આવડતો કેળવવાથી કામ પતી જતું નથી. આંતરિક આવેગો સામે ઝ ઝ ñમવું જૂદી વાત છે. ગમે તેવી અને ગમે તેટલી આવડતો ધરાવનાર મનુષ્ય પણ પોતાની પ્રકૃતિમાંથી જન્મેલા આવેગોને જ વશ થઈ જતો દેખાય છે. પછી આવડત પડી રહે છે ને આવેગો મેદાન મારી જાય છે. પરિણામે ક્યારેક જાણે-અજાણે ન કરવાનું પણ થઈ જાય. ગુસ્સે થઈ જવાય. ન લેવા જેવી પ્રતિજ્ઞાઓ લેવાઈ જાય. વાણીમાં કુત્સિતતા આવી જાય. ઝ ઘડાળુ થઈ જવાય. નિર્ણય લઈ ન શકે. કાંઈ સૂઝ õ નહીં. સુનમુન થઈ જાય. ખાવું ભાવે નહીં અથવા તો ખા ખા જ કરે. કોઈની સાથે બોલવું ગમે નહીં અથવા તો બબડ્યા જ કરે. સૂએ તો નિદ્રા ન આવે અથવા તો ઊંઘ્યા જ કરે. આવું વારંવાર થાય એટલે શરીર પર નવા નવા રોગોનું આક્રમણ થવા લાગે. શરીર નબળું પડી જાય. કાંઈ કામ કરવાનું મન જ ન થાય. કંટાળો આવે. સહિષ્ણુતા ઘટી જાય. ક્યાંય ગમે નહીં. કોઈ ગમે નહીં. કાંઈ ગમે નહીં અને અર્ધબળ્યા કાષ્ઠની જેમ ધૂંધવાયો થઈ ફર્યા કરે. રઘવાયો થઈ જાય. જીવવા જેવુંય લાગે નહીં. તેથી ક્યારેક આવેગવશ થઈ આપઘાત પણ કરી બેસે. આવું તો કેટલુંય થઈ શકે. વળી, ક્યારેક પોતાથી થઈ શકે એવી બાબતો માટે પણ આ કામ મારાથી નહીં જ થઈ શકે એવી લઘુતાગ્રંથી અઠંગ અડ્ડો જમાવી બેસે. એમાંથી જ પછી ધીરે ધીરે આ કામ કરવા જેવું જ નથી એવો આભાસ પણ થવા લાગે અને એને સાબિત કરવાના પ્રયત્નો થવા માંડે. આમાંથી ઘણા અનુભવો આપણને વારંવાર થતા હશે. અર્જુનને આજે કાંઈક એવું જ થયું છે. તેનામાં છુ પાયેલા મોહે અચાનક આક્રમણ કરી તેના વિચારોને નબળા કરી મૂક્યા. અને એ વૈચારિક નબળાઈએ શરીરને બળહીન, અસ્વસ્થ અને કંગાલ બનાવી મૂક્યું. તેને આંતરિક આવેગોનું ગ્રહણ લાગ્યું છે.
આવેગીના નિર્ણયો
આવો આવેગગ્રસ્ત અર્જુન હવે કેવા નિર્ણયો કરવા લાગે છે તે તેના જ શબ્દમાં જોઈએ.
અર્જુને કહ્યું - હે કેશવ, હું તો લક્ષણો પણ અવળાં જ જોઉં છુ _ અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ જોતો નથી. હે કૃષ્ણ, ન તો હું વિજય ઇચ્છુ _ છુ _ કે ન તો રાજ્ય કે નહીં સુખ. હે ગોવિંદ, આપણે આવા રાજ્યથી શું પ્રયોજન? અથવા આવા ભોગો કે પછી જીવનથી પણ શું પ્રયોજન? આપણે જેમના માટે રાજ્ય, ભોગ કે સુખ ઇચ્છીએ છીએ તે જ આ બધા પોતાનું ધન અને જીવવાની આશા છોડીને યુદ્ધમાં ઉપસ્થિત થયા છે. વળી, આ તો બધા આચાર્યો, પિતાઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, સાળા તથા અન્ય સંબંધીઓ છે. માટે હે મધુસૂદન, ભલે હું હણાઈ જાઉં તોપણ અથવા તો ત્રણે લોકનું રાજ્ય મેળવવા માટે પણ આ સંબંધીઓને હું હણવા નથી ઇચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને આપણને શું સુખ મળશે? આ આતતાયીઓને હણીને તો આપણને પાપ જ લાગશે. માટે હે માધવ! પોતાના જ બાંધવો એવા ધૃતરાષ્ટ્રપુત્રોને હણવા માટે આપણે યોગ્ય નથી. પોતાના જ સંબંધીઓને હણીને આપણે કેમ સુખી થઈશું? જોકે લોભને લીધે હણાયેલા ચિત્તવાળા આ લોકો કુળના નાશને લીધે ઉત્પન્ન થતા દોષોને તથા મિત્રદ્રોહથી થતા પાપને જોતા નથી, છતાં પણ હે જનાર્દન! કુળનાશને લીધે થતા દોષોને જાણનાર આપણે આ પાપમાંથી બચવા માટે શા માટે વિચાર ન કરવો જોઈએ? વળી, કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામી જાય છે અને ધર્મ નષ્ટ થતાં સકળ કુળને અધર્મ અભિભૂત કરી દે છે. હે કૃષ્ણ! અધર્મના પ્રભાવને લીધે કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને સ્ત્રીઓ દૂષિત થતાં હે વાર્ષ્ણેય! વર્ણસંકરતા જન્મે છે. વર્ણસંકરતા તો કુળને હણનારોને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. વળી, પિંડ તથા તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નાશ પામી જાય છે. વળી, હે જનાર્દન! જેમના કુળધર્મો નાશ પામી ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એવું આપણે સાંભળતા આવ્યા છીએ. અરે! અરે! ઘણા ખેદની વાત છે કે આપણે બુદ્ધિશાળી હોવા છતાં એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, રાજ્ય તથા સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. આ કરતાં તો પ્રતિકાર નહીં કરનાર અને શસ્ત્રરહિત એવા મને હાથમાં શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો હણી નાખે તો તે પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. (ગીતા ૧/૩૧-૪૬)
આટલું અર્જુને ભગવાનને સંભળાવ્યું. ખરું કહો તો મોહવ્યાધિથી ગ્રસ્ત રોગીનો વિષાદ જ આ બધું સંભળાવી રહ્યો હતો. સ્વજનાસક્તિમાંથી જન્મેલી આ ફિલસૂફી હતી. પોતાના મનધાર્યા વિચારને યોગ્ય ઠેરવવાની માત્ર બૌદ્ધિક યુક્તિઓ હતી. પરંતુ અર્જુનના મતે તો આ જ બધું સત્ય હતું. પોતે માનેલો ધર્મ જ શાસ્ત્રનો પરમ આદેશ હતો. ઘણી વાર ભૂલા પડેલાને પોતાનો માર્ગ સાચો જ લાગતો હોય છે. એમાંય વળી, ક્યારેક તેની પુષ્ટિ માટે નાનાં-મોટાં સમર્થનો પણ સાંપડી જાય છે. અર્જુન આજે એવી પરિસ્થિતિમાં હતો. સ્વજનાસક્તિ તેના વિચારોને વિપરીત દિશામાં દોરી જતી હતી. કિંતુ અર્જુનને મન તે જ સાચો રાહ હતો.
આટલું કહી પાર્થે શું કર્યું તે જણાવતાં સંજય કહે છે - 'एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् । विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः॥' આ રીતે બોલીને રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનવાળો અર્જુન બાણસહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. (ગીતા ૧/૪૭)
કેવું લાગ્યું હશે આ દૃશ્ય! આ જોઈ અન્ય પાંડવો અને પાંડવપક્ષકારો શું વિચારતા હશે? કૌરવોને કેવું લાગ્યું હશે? એ તો ઠીક પણ આ દૃશ્યની કલ્પના માત્રથી આંધળા ધૃતરાષ્ટ્રની ગણિતજ્ઞ બુદ્ધિમાં કેવા પ્રતિભાવો રચાયા હશે? તેનાં મનનો હરખ કઈ સીમાએ પહોંચ્યો હશે? અને હા, એ અર્જુનના જ રથમાં સારથિ થઈ બેઠેલા શ્રીકૃષ્ણનું મન શું વિચારી રહ્યું હશે? જવાબ જે હોય તે. એટલું તો સાચું જ કે આ દૃશ્યે દરેક વ્યક્તિના માનસપટ પર કોઈ ને કોઈ અવનવા મૂલ્યાંકન સાથેની ધારણાઓને આકાર આપ્યો હશે. એટલે એક રીતે તો આ પળ પાર્થને જોનાર પ્રત્યેક વ્યક્તિના પાર્થ પ્રત્યેના મનોવલણની ચકાસણી પણ હતી.
આ રીતે અર્જુનના મોહમાંથી જન્મેલા ઘેરા વિષાદની વિશદ અભિવ્યક્તિ સાથે પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. આ વિષાદની એક વિશેષતા પણ છે કે અહીં વિષાદમાં પણ ભગવાનનો યોગ છે. આથી જ તો આ અધ્યાયનું નામ અર્જુનવિષાદયોગ છે. અને આ અધ્યાય જ સમગ્ર ગીતાની ભૂમિકા બની રહ્યો છે.
વિષાદે ધરી મહાન શાસ્ત્રોની ભેટ
હા, વિષાદની વાત ચાલે છે ત્યારે અહીં એક વિશેષ વાત યાદ કરવી જોઈએ.
ભારતવર્ષને એવાં ઘણાં મહાન શાસ્ત્રો પ્રાપ્ત થયાં છે કે જેની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ રીતે વિષાદ જોડાયેલો છે.
વાલ્મીકિના વિષાદે રામાયણ નામના ઐતિહાસિક આદિ કાવ્યગ્રન્થની ભેટ ધરી. કથા એવી છે કે ક્રૌંચ પક્ષીનું એક યુગલ આનંદ કરી રહ્યું હતું. અચાનક કોઈ એક શિકારી આવ્યો અને તેમાંથી એકનો વધ કરી નાંખ્યો. વાલ્મીકિએ આ જોયું. અને વિષાદમાં સરી પડ્યા. છંદ દ્વારા એ વિષાદ અભિવ્યક્ત થઈ ગયો. પછી તો ત્યાં બ્રહ્માજી આવ્યા. વાલ્મીકિને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે હવે આ જ છંદમાં 'रामस्य चरितं कृत्स्नं कुरु त्वम् ऋषिसत्तमम्' - ભગવાન શ્રી રામનું સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. અને પછી તો ખરેખર, शोकः श्लोकत्वमागतः કહેતાં એ શોક જ શ્લોક રૂપમાં પરિણમી ગયો અને રામાયણની રચના થઈ.
મહર્ષિ વેદવ્યાસની વાત જાણીતી છે. તેઓ એકવાર સરસ્વતી નદીના કિનારે એકાંતે બેઠા. સહેજે આત્મા અંતર્દૃષ્ટિમાં એકતાર થઈ ગયો. વેદોના વિભાગ તથા અન્ય શાસ્ત્રોની રચના જેવા પોતે કરેલા પરોપકારોની સ્મૃતિ થઈ. આમ છતાં આત્મામાં પ્રસન્નતાનો લેશમાત્ર અનુભવ ન થયો. ઊલટાનું આત્મા પોકારી ઊઠ્યો - 'तथापि बत मे दैह्यो ह्यात्मा ... असम्पन्न इवाभाति' (ભાગવત - ૧/૪/૩૦) અરે! આટલું કરવાં છતાં અંતર સૂનું સૂનું કેમ લાગે છે? ખાલીપો અને અપરિપૂર્ણતાથી પીડાતા આત્માનું આ વિષાદવાક્ય હતું. સહેજે નારદજીનું ત્યાં આગમન થાય છે. વ્યાસજીએ વિષાદની પીડા ઠાલવી. નારદજીએ તે વિષાદ ટાળવાના ઉપાય રૂપે પરમાત્માના પ્રત્યક્ષ અવતારનાં ચરિત્રોનું ગાન કરતું શાસ્ત્ર રચવા આદેશ કર્યો. વ્યાસજીએ તેમ કર્યું. શ્રીમદ્ ભાગવત મહાપુરાણની રચના કરી અને પ્રસન્નતા પામ્યા. આમ મહર્ષિ વેદવ્યાસના વિષાદમાંથી શ્રીમદ્ભાગવત નામના મહાપુરાણનો જન્મ થયો.
'सोहं भगवो शोचामि। तं मां शोकस्य पारं तारयतु।' હે ભગવન્ હું શોકસાગરમાં ડૂબેલો છુ _. તો આપ મને શોકથી ઉગારો. આ છે નારદજીનું વિષાદવાક્ય. છાંદોગ્ય ઉપનિષદના સાતમા અધ્યાયના આરંભની શ્રુતિઓમાં આવતો આ મંત્ર છે. ૠષિવર સનત્સુજાતને શરણે જઈ આ રીતે તેમણે આર્તનાદ કર્યો હતો. ઉપાય રૂપે સનત્સુજાતે ભૂમાવિદ્યાનો ઉપદેશ કરી નારદજીનો શોક ટાળ્યો ને પ્રસન્ન કર્યા. આમ નારદજીને વિષાદ આવ્યો ને છાંદોગ્ય ઉપનિષદના સાતમા અધ્યાય રૂપે ભૂમાવિદ્યાએ આકાર લીધો. પ્રસ્તુતમાં અર્જુનના વિષાદે આપણને ગીતાની ભેટ ધરી છે.