Essays Archives

અર્જુનવિષાદ-યોગ

અધ્યાય - ૧
ગતાંકમાં આપણે જાણ્યું કે 'ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્રિત થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું?' એમ ગીતાના આરંભે ધૃતરાષ્ટ્રે પૂછ્યું. સંજયે ઉત્તરમાં દુર્યોધનની વાત પ્રથમ કરી. દુર્યોધન વ્યૂહાકારે ગોઠવાયેલી સેનાને જોઈને આચાર્ય દ્રોણ પાસે ગયો અને કહ્યું - 'હે આચાર્ય! આપના ધીમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ગોઠવવામાં આવેલી પાંડુ-પુત્રોની આ મોટી સેનાને જુઓ.' ત્યાર પછીની વાત હવે જાણીએ...
દુર્યોધન દ્વારા બંને સેનાનું વર્ણન :
આચાર્ય દ્રોણને પાંડવ સેનાને જોવાનું કહીને પછી દુર્યોધન પોતે જ પાંડવોની સેનાનું વર્ણન કરવા માંડે છે. તેણે કહ્યું,


'अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युघि।
युयुघानो विराटश्र्च द्रुपदश्र्च महारथः॥४॥
घृष्टकेतुश्र्चेकितानः काशिराजश्र्च वीर्यवान्।
पुरुजित्कुन्तिभोजश्र्च शैब्यश्र्च नरपुङ्गवः॥५॥
युघामन्युश्र्च विक्रान्त उत्तमौजाश्र्च वीर्यवान्।
सौभद्रो द्रौपदेयाश्र्च सर्व एव महारथाः॥६॥'


'આ યુદ્ધમાં સેનામાં સામેલ થયેલ મહાધનુર્ધારી ભીમ તથા અર્જુન જેવા શૂરવીરો, સાત્યકિ, વિરાટ, મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, શક્તિશાળી કાશીરાજ, પુરુજીત્, કુન્તિભોજ, નરશ્રેષ્ઠ શૈલ્ય, પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના (પાંચ) પુત્રો, આ બધા જ મહારથીઓ છે.' (ગીતા - ૧/૪,૫,૬) (મહારથી એક વિશિષ્ટ પદવી છે. કહ્યું છે કે - 'एको दशसहस्राणि योघयेद् यस्तु घन्विनाम्। शस्त्रशास्त्र-प्रवीणश्र्च महारथ इति स्मृतः॥' જે શસ્ત્રવિદ્યા તથા શાસ્ત્રવિદ્યામાં પારંગત હોય અને એકલો દશ હજાર ધનુર્ધારીઓ સાથે યુદ્ધ કરવાનું સામર્થ્ય ધરાવતો હોય તેને મહારથી કહેવાય.)
આ રીતે પાંડવોની સેનાનું વર્ણન કરી દુર્યોધન હવે પોતાની સેનાનું વર્ણન કરતાં કહે છે -


'अस्माकं तु विशिष्टा ये तान्निबोघ द्विजोत्तम।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते॥ ७॥
भवान्भीष्मश्र्च कर्णश्र्च कृपश्र्च समितिञ्जयः।
अश्वत्थामा विकर्णश्र्च सौमदत्तिर्जयद्रथः॥८॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः।

नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः॥९॥'


'હે વિપ્રવર્ય! હવે આપણી સેનામાં પણ જે વિશિષ્ટ યોદ્ધાઓ છે તેને આપ જાણી લો. મારી સેનાના જે નાયકો છે તેને આપની જાણ ખાતર કહું છુ _ - આપ, ભીષ્મ, કર્ણ, સમરવિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા. વળી, આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજી દીધેલા ઘણા શૂરો અનેક પ્રકારનાં શસ્ત્રથી સજ્જ છે અને યુદ્ધવિશારદ છે.' (ગીતા - ૧/૭,૮,૯)
આમ બંને સેનાનું વર્ણન કરી અંતે કહે છે -


'अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम्।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्॥१०॥
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि॥११॥'


'ભીષ્મ વડે રક્ષાયેલું આપણું સૈન્ય અપર્યાપ્ત છે. જ્યારે, ભીમ વડે રક્ષાયેલું આ લોકોનું (પાંડવોનું) સૈન્ય તો પર્યાપ્ત છે. માટે હે આચાર્ય! સર્વત્ર યુદ્ધમોરચે જે તે ભાગમાં નિમાયેલા આપ સૌ ભીષ્મની સર્વપ્રકારે રક્ષા કરો.' (ગીતા - ૧/૧૦,૧૧)
દુર્યોધને આ રીતે બંને સેનાનું વર્ણન કરતાં ઉદ્ગારો કહ્યા. આ ઉદ્ગારોમાં પણ દુર્યોધનના મનોભાવ ધ્વનિત થતા જોઈ શકાય છે.
આખી પાંડવ સેનામાં તેને સર્વપ્રથમ ભીમ દેખાયો છે. કેમ? કારણ ચોખ્ખું છે. તે જાણે છે કે આ ભીમે જ મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. વળી, ભીમ પરાક્રમી અને સત્યપ્રતિજ્ઞ છે. મને છોડશે નહીં. આમ અંદર રહેલો છૂપો ભય તેની આંખો પર છવાઈ જાય છે. તેથી જ તેના માટે તો સમગ્ર પાંડવ સૈન્ય જ 'भीमाभिरक्षितम्' થઈ ગયું છે! હકીકતમાં જેમ કૌરવ સેનાના સેનાપતિ ભીષ્મ હતા. તેથી તે સૈન્ય 'भीष्माभिरक्षितम्' છે એમ દુર્યોધને કહ્યું. તો તે પ્રમાણે પાંડવ પક્ષમાં ત્યારે ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિ હતા. તો પાંડવના સૈન્યને 'घृष्टद्युम्नाभिरक्षितम्' એમ કહેવું જોઈએ. છતાં તેને 'भीमाभिरक्षितम्' લાગે છે.
એટલું જ નહીં તેને તો જાણે પાંડવ પક્ષના પ્રત્યેક યોદ્ધામાં કોઈ ન કોઈ અસાધારણતા દેખાય છે. બધા જ તેને મહારથીઓ દેખાય છે. તેના ભયભીત મનની આ પ્રતિક્રિયા હતી.
આ થઈ જે દેખાયું તેની વાત. હવે તેથી પણ અગત્યની વાત છે જે ન દેખાયું તેની. દુર્યોધનની આંખ પાંડવપક્ષે ભીમ, અર્જુન જેવા લગભગ ૧૯ શૂરવીર યોદ્ધાઓની નોંધ લઈ શકે છે, જેમનો નામ સહિત તેણે ઉલ્લેખ પણ કર્યો છે. પરંતુ એ જ પાંડવપક્ષમાં ઉપસ્થિત એક વ્યક્તિને તેની આંખ જોઈ શકતી નથી. તે છે શ્રીકૃષ્ણ ભગવાન! ઘણું દેખાયું પણ ભગવાન જ ન દેખાયા! તેની ગણતરીમાં શ્રીકૃષ્ણ એક સામાન્ય માણસ જેવા છે. માત્ર સારથિ! ઈશ્વરીયતત્ત્વના સામર્થ્યને તે પારખી શકતો નથી. લાગે છે કે દુર્યોધનનું નબળામાં નબળું પાસું આ જ છે. આ જ તેની ઊર્ધ્વગતિનું અવરોધક બન્યું છે. અહીં જ તેની અધોગતિનાં મૂળ ધરબાયેલાં છે. તેને શ્રીકૃષ્ણ જ ન દેખાયા! ઘર કરી બેઠેલી આસુરીવૃત્તિનું આ પરિણામ હતું.
હા, આ પહેલાં પણ તેના જીવનમાં આવું બન્યું છે. મહાસંગ્રામ પૂર્વે તેણે શ્રીકૃષ્ણને પસંદ ન કરતાં નારાયણી સેનાને જ પસંદ કરી હતી. 'આ કૃષ્ણ તો ગાયો ચારનાર ગોપાલનંદન છે. આ ગોવાળિયામાં બીજું શું હોય? વળી, યુદ્ધમાં આવશે તોપણ શસ્ત્ર ધારણ નહીં કરે. તો આવા કાયરથી કામ પણ કઈ રીતે સરે...' આવા ને આવા ભ્રામક ખ્યાલોમાં તે રમતો રહ્યો ને ભગવાનને જ પડતા મૂક્યા! કેટલી ભારે પડશે આ બાદબાકી?
બસ, દુર્યોધન અને અર્જુનની દૃષ્ટિમાં અહીં જ મોટો તફાવત દેખાઈ આવે છે. સૈન્યબળ અને ભગવદબળ! બેમાં કોણ ચઢે? દુર્યોધનદૃષ્ટિ પ્રથમ વિકલ્પ પસંદ કરશે. અને પાર્થદૃષ્ટિમાં બીજો વિકલ્પ હશે. ખરેખર, દુર્યોધન દ્વારા પાંડવસેનામાં કૃષ્ણનું જ અદર્શન કેટલું સૂચક છે!
વળી, અહીં દુર્યોધને પિતામહ ભીષ્મની રક્ષા કરવાની સલાહ આપી તે પણ ગણતરી પૂર્વકની છે. તે જાણે છે કે જે બની રહ્યું છે તેમાં ભીષ્મની સંપૂર્ણ સંમતિ નથી. વળી, ભીષ્મ તો ધર્મજ્ઞ છે. એટલે અમારું કપટયુક્ત અને ક્રૂર અધર્માચરણ તેમને ખટક્યા કરે છે. તેથી કદાચ તેઓ લડશે તોપણ અધૂરા મનથી. ખરા ઉત્સાહથી નહીં લડી શકે. તેથી તેમને સાચવવા પડશે. આમ ભીષ્મના નબળા મનની આશંકાને લીધે પોતાનું સૈન્ય ભીષ્માભિરક્ષિત અને સંખ્યાની દૃષ્ટિએ પાંડવો કરતા વિશાળ હોવા છતાં તેને અપર્યાપ્તમ્ કહેતાં અપૂરતું લાગે છે. મુખ્ય સેનાપતિ માટે જ જ્યાં આશંકાઓ સેવાતી હોય ત્યાં બીજી કઈ બાબતમાં ભલીવાર હોય!

શંખનાદ :

દુર્યોધને આચાર્ય દ્રોણને ઉપરોક્ત વાત કરી. સામે દ્રોણ કોઈ પ્રતિભાવ આપતા નથી. મૌન સેવે છે. પિતામહ ભીષ્મે આ જોયું. તેઓ દુર્યોધનનું ભયભીત અને શંકાશીલ મન કળી જાય છે. રખેને યુદ્ધના આરંભમાં જ તેનું મન નિરુત્સાહી થઈ જાય! આવા વિચારથી  દુર્યોધનને આનંદ પમાડવા તેમણે શંખનાદ કર્યો. આ વાત કરતાં સંજય કહે  છે - 'तस्य संजनयन् हर्षं कुरुवृद्धः पितामहः। सिंहनादं विनद्योत्व्चैः शङ्खं दध्मौ प्रतापवान्॥ ततः शङ्खाश्र्च भेर्यश्र्च पणवानकगोमुखाः। सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत्॥' કૌરવોમાં વડીલ મહાપ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનને હર્ષ જન્માવતા સિંહની જેમ ગરજીને જોરથી શંખ ફૂંક્યો. પછી (તો કૌરવ પક્ષમાં) શંખ, નગારાં, ઢોલ, મૃદંગ તથા રણશીંગા (વગેરે વાદ્યો) એક સાથે વાગી ઊઠ્યાં. એ અવાજ ભયંકર થયો. (ગીતા - ૧/૧૨,૧૩)

આમ જ્યાં ભીષ્મપિતામહે શંખનાદ કરી પાંડવપક્ષને આવાહન કર્યું કે તુરંત જ સામા પક્ષે પણ વળતો જવાબ આપ્યો. સંજય કહે છે - 'ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ । माघवः पाण्डवश्र्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः॥' ત્યારબાદ શ્વેતવણી ઘોડા જોડેલા મહાન રથમાં બેઠેલા માધવે, કહેતાં શ્રીકૃષ્ણ ભગવાને તથા પાંડવે, કહેતાં અર્જુને પણ દિવ્ય શંખ વગાડ્યા. (ગીતા - ૧/૧૪)


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS