Essays Archives

નારદ-સનત્સુજાત આખ્યાન - ભૂમાવિદ્યા

‘अघीहि भगवः’ (છા.ઉ. ૭/૧/૧) 'હે ભગવન્! મને જ્ઞાન આપો.' મુનિ નારદનો આ આર્તનાદ છે. મુનિ નારદે મહર્ષિ સનત્સુજાતનું શિષ્યત્વ સ્વીકાર્યું ને ઉપરોક્ત વચનો કહ્યાં ત્યારે સનત્સુજાત કહે, ‘यद् वेत्य तेन मोपसीद ततस्त वक्ष्यामीति।’ (છા.ઉ. ૭/૧/૧) ' પ્રથમ તો તમે જે જાણતા હો તે મને જણાવો. પછી તેથી ઉપરનું જ્ઞાન હું તમને આપીશ.' ત્યારે નારદે જે વિદ્યાઓ પોતે જાણતા હતા તે કહેવા માડ્યું, ‘ऋग्वेदं भगवोऽध्येमि यजुर्वेदš सामवेदमाथर्वणं चतुर्थमितिहासपुराणं पञ्चमं वेदानां वेदं पित्र्यš राशिं दैवं निघिं वाकोवाक्यमेकायनं देवविद्यां ब्रह्मविद्यां भूतविद्यां क्षत्रविद्यां नक्षत्रविद्याš सर्पदेवजनविद्यामेतद्भगवोऽध्येमि।’ (છા.ઉ. ૭/૧/૨) 'ભગવન્! ચારે વેદ જાણું છુ _. ઇતિહાસ, પુરાણ જાણું છુ _. સંપૂર્ણ વ્યાકરણશાસ્ત્ર, શ્રાદ્ધશાસ્ત્ર, ગણિતવિદ્યા, ઉત્પાત વિજ્ઞાન, નિધિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, દેવતાઓની વિદ્યા, વેદના સકળ અંગો, વશીકરણ વિદ્યા, ધનુર્વેદ, જ્યોતિષ, સર્પવિદ્યા, ગન્ધર્વવિદ્યા તથા આયુર્વેદાદિ વિદ્યાઓ - આટલું જાણું છુ _.' આમ હોવાં છતાં ‘सोऽहं भगवो शोचामि’’ (છા.ઉ. ૭/૧/૩) 'હું શોકસાગરમાં ડૂબેલો છુ _.' ‘श्रुतं ह्येव मे भगवद्दृशेभ्यस्तरति शोकमात्मविदिति’ (છા.ઉ. ૭/૧/૩) 'મેં આપના જેવા મોટા પાસે સાંભળ્યું છે કે જે પરમાત્માને જાણી લે છે તે દુઃખનો દરિયો તરી જાય છે.' ‘तं मा भगवन् शोकस्य पारं तारयतु’ (છા.ઉ. ૭/૧/૩) 'તો હે ભગવન્! આપ જ મને આ શોકસાગરથી પાર ઉતારો. મને પરમાત્મસ્વરૂપનું જ્ઞાન આપો.'
આ સાંભળી સનત્સુજાત કહે, 'અરે નારદ! જે વિદ્યાઓ તું જાણે છે એમ તને લાગે છે તે તો કેવળ નામમાત્ર જ છે. ‘नामैवैतद्’ (છા.ઉ. ૭/૧/૪). આમ કહી નામ, વાણી, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બળ, અન્ન, જળ, તેજ, આકાશ, સ્મૃતિ તથા આશા વગેરે આત્મા સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓને ઉત્તરોત્તર એકબીજાથી ચઢિયાતી દર્શાવી તેમાં ‘नाम ब्रह्म’ (છા.ઉ. ૭/૧/૫), ‘वाचं ब्रह्म’ (છા.ઉ. ૭/૨/૨), ‘मनो ब्रह्म’ (છા.ઉ. ૭/૩/૨), ‘संकल्पं ब्रह्म’ (છા.ઉ. ૭/૪/૩), ‘चित्तं ब्रह्म’ (છા.ઉ. ૭/૫/૩) એમ તે દરેકમાં બ્રહ્મદૃષ્ટિ કરવાનો ઉપદેશ આપ્યો. આટલું કહી પ્રાણ શબ્દથી કહેવાયેલ આત્મામાં પણ આ બ્રહ્મભાવને ઘૂંટવાનો ઉપદેશ કર્યો છે. ભગવદ્ગીતામાં પણ બ્રહ્મરૂપને જ ભગવાનની ભક્તિનું વરદાન આપવામાં આવ્યું છે. તેથી નારદે આગળ પ્રશ્ન ન કર્યો હોવા છતાં અહીં પરમાત્માની ઉપાસના કરવાની કહે છે. અને ત્યારબાદ ‘एष तु वा अतिवदति यः सत्येनातिवदति’ (છા.ઉ. ૭/૧૬/૧) એમ કહી તે સત્યસ્વરૂપ પરમાત્માને જાણનારની જ પૂર્વે કહેલ આત્મજ્ઞાની કરતાં પણ શ્રેષ્ઠતા દર્શાવી. પછી સનત્સુજાત કહે કે 'હે નારદ! આ સત્ય-સ્વરૂપ પરમાત્માને જાણે, તેનું મનન કરે, તેમાં શ્રદ્ધા અને નિષ્ઠા રાખે અને આ બધું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તો જ તેને સાચું ફળ મળે. અને એ પ્રયત્ન પણ જે વસ્તુમાં સુખ મળે તેમાં જ કરાય છે. માટે સાચું સુખ ક્યાં છે તે જાણવું પડે.' નારદજીને તો આ જ જોઈતું હતું. એટલે એમણે તુરંત પ્રાર્થના કરી કે, ‘सुखं भगवो विजिज्ञास इति’ (છા.ઉ. ૭/૨૨/૧) 'હે ભગવન્! મારે સાચા સુખને જાણવું છે.' ત્યારે સનત્સુજાતે જવાબ વાળ્યો, ‘यो वै भूमा तत् सुखं नाल्पे सुखमस्ति भूमैव सुखम्।’ (છા.ઉ. ૭/૨૩/૧) 'હે નારદ! સર્વથી મહાન્ એવા પરમાત્મા જ સુખસ્વરૂપ છે. અલ્પ માયિક વિષયોમાં સુખ જ નથી.' એટલે તમારે જો દુખમાંથી ઊગરવું હોય તો ‘भूमा त्वेव विजिज्ञासितव्यः’ (છા.ઉ. ૭/૨૩/૧) 'ભૂમા, એટલે કે સર્વથી મહાન્ પરમાત્માનો જ સાક્ષાત્કાર પામવો જોઈએ.' આમ, અપરંપાર મહિમા કહી નારદજીને સુખનો સાચો રાજમાર્ગ બતાવી પ્રસન્ન કર્યા.
અહીં સુખસ્વરૂપ પરમાત્માને ભૂમા શબ્દથી નિરૂપ્યા હોઈ આ ઉપદેશ ભૂમાવિદ્યા તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે.
પોતાના આત્મામાં બ્રહ્મની વિભાવના કરી સુખમૂર્તિ પરબ્રહ્મને જાણવાથી દુઃખના દરિયાથી ઊગરી શકાય છે તે આ સમગ્ર ઉપદેશનું તાત્પર્ય છે.


બ્રહ્મનો હૃદય સાથેનો અભિયોગ - દહરવિદ્યા

છાન્દોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયનો આરંભ બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને દિવ્ય તત્ત્વોને જાણવાના આદેશથી થયો છે. ‘अथ यदिदमस्मिन्ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन्नन्तराकाश-स्तस्मिन्यदन्तस्तदन्वेष्टव्यं तद्वाव विजिज्ञासितव्यमिति।’ (છા.ઉ. ૮/૧/૧) દહર એટલે નાનું. આ શરીરરૂપી નગરમાં દહર, અર્થાત્  નાનું કમળના જેવું હૃદયરૂપી ઘર છે. તે હૃદયરૂપી ઘરમાં તેનાથી પણ દહર કહેતાં સૂક્ષ્મ એવો એક આકાશ છે. જેને દહરાકાશ કે ચિદાકાશ કહેવાય છે. સર્વવ્યાપી અક્ષરબ્રહ્મનું આ એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેને અને તે દહરાકાશરૂપી અક્ષરબ્રહ્મની પણ અંદર જે છે - પરબ્રહ્મ - તેને અવશ્ય શોધવા જોઈએ, જાણવા જોઈએ. એમ આ મંત્રનો ભાવ છે.
આટલું કહી હવે સર્વ પ્રથમ અક્ષરબ્રહ્મના સ્વરૂપને જ વિશેષ મહિમા નિરૂપે છે. ‘यावान्वा अयमाकाशस्तावानेषोऽन्तर्हृदय आकाश उभे अस्मिन् द्यावापृथिवी अन्तरेव समाहिते उभावग्निश्र्च वायुश्र्च सूर्याचन्द्रमसावुभौ विद्युन्नक्षत्राणि यत्व्चास्येहास्ति यत्व्च नास्ति सर्वं तदस्मिन्समाहितमिति।’ (છા.ઉ. ૮/૧/૩) અર્થાત્ જેવો આ બાહ્ય આકાશ વ્યાપી રહ્યો છે. તેમ આ સર્વના હૃદયની અંદર રહેલો આકાશ એટલે કે ચિદાકાશ અક્ષરબ્રહ્મ સર્વત્ર વ્યાપી રહે છે. પરંતુ ફેર એટલો છે કે જે આ બાહ્ય આકાશ છે તે તો લૌકિક છે, ભૌતિક છે અને સીમિત છે. જ્યારે આ ચિદાકાશ તો અલૌકિક છે, અનંત છે અને તે ભૌતિક આકાશમાં પણ વ્યાપીને રહ્યું છે. અંતરિક્ષલોક કે આ આપણો પૃથ્વીલોક વગેરે બધા જ લોકો તેમાં રહ્યા છે. અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર તથા નક્ષત્રો વગેરે પણ તેના આધારે રહ્યા છે. એટલું જ નહીં પણ જે કાંઈ અત્યારે અહીં વિદ્યમાન છે. અને જે નથી એટલે કે પૂર્વે હતું અને ભવિષ્યમાં થશે તે બધું જ તે ચિદાકાશ અક્ષરબ્રહ્મના આધારે રહ્યું છે.
આ રીતે આ ઉપનિષદ વ્યાપક અક્ષરબ્રહ્મને આપણા સૌના હૃદય સાથે પણ જોડી આપે છે.
અહીં 'દહર' શબ્દ પ્રયોજી સર્વના હૃદયમાં રહેલ અક્ષરબ્રહ્મનું વર્ણન થયું હોવાથી આ ઉપદેશ દહરવિદ્યા નામે પ્રસિદ્ધ પામ્યો છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ઉપદેશ વચનામૃતમાં દૃઢાવ્યો છે - 'આવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માંહી પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ (ચિદાકાશરૂપી અક્ષરબ્રહ્મ) છે તેને આકારે જેની દૃષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ. અને ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે.' (વચનામૃત ગઢડા પ્રકરણ ૪૬)
અહીં એક સ્વાભાવિક જિજ્ઞાસા ઊઠી શકે કે આ રીતે જો અક્ષરબ્રહ્મ સદાય આપણા હૃદયકમળમાં દહરાકાશરૂપે વ્યાપીને રહ્યા જ છે તો પછી એનો અનુભવ કેમ થતો નથી? છાન્દોગ્ય ઉપનિષદમાં આનો સચોટ જવાબ છે, ‘तद्यथापि हिरण्यनिघिं निहितमक्षेत्रज्ञा उपर्युपरि सञ्चरन्तो न विन्देयुरेवमेवेमाः सर्वाः प्रजा अहरहर्गत्व्छन्त्य एतं ब्रह्मलोकं न विन्दन्त्यनृतेन हि प्रत्यूढाः।’ (છા.ઉ. ૮/૩/૨)
એક અજ્ઞાની ખેડૂતનો દાખલો અહીં આપ્યો છે. જેમ કોઈ ખેડૂત હોય અને તેની જમીનમાં નીચે સુવર્ણનિધિ દટાયેલો પડ્યો જ હોય અને તે જ જમીન ઉપર દરરોજ હરતો ફરતો હોય, હળ ચલાવતો હોય, તેમ છતાં પણ તે સુવર્ણનિધિનું જ્ઞાન નહીં હોવાથી વર્ષો સુધી હળ હાંકતો દરિદ્રતાનું જ વહન કરે છે. સુવર્ણનિધિના લાભથી વંચિત રહી જાય છે. એ જ રીતે આપણે સૌ પણ એ ખેડૂત જેવી પરિસ્થિતિમાં છીએ. આપણા હૃદયમાં અક્ષરબ્રહ્મ રહેલા જ છે, પરંતુ આપણો આત્મા તો ‘अनृतेन हि प्रत्यूढाः’ (છા.ઉ. ૭/૩/૨) અનૃત કહેતાં અનાદિ અવિદ્યામાયાના આવરણથી ઢંકાયેલો છે. તેથી એ દિવ્ય ખજાનાનો અનુભવ થતો નથી.
હવે જો એ અનુભવ કરવો હોય તો એ સુવર્ણનિધિને જાણ્યા વગર છૂટકો જ નથી. તેથી આ ઉપનિષદમાં હવે અક્ષરબ્રહ્મના દિવ્ય ગુણોનું દર્શન કરાવ્યું છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS