પરમાત્મસ્વરૂપની ઓળખાણ
મૃત્યુ થયા પછીની બાબતોના વિવાદોમાં એક વિવાદ એ પણ છે કે દેહ પડી ગયા પછી આ આત્માનો કોઈ નિયામક છે કે નહીં? મૃત્યુ થયા પછી એ આત્માની ગતિવિધિઓનો દોર કોઈ સંભાળે છે કે નહીં? શું આ દેહ અને જન્મમરણના બંધનોમાંથી મુક્ત થયેલા આત્માથી પર કોઈ તત્ત્વ રહે છે? કે એવું કાંઈ છે જ નહીં. મરી ગયા એટલે મુક્તિ થઈ ગઈ, હવે મુક્તિમાં પણ ઉપાસના કોની? અને તેની જરૂર પણ શી? વગેરે...
તો હે યમરાજા! આ અંગે આપ મને સ્પષ્ટ સમજણ આપો. તેને સંતોષતા યમરાજાએ જે કહ્યું તેમાં પરમાત્મસ્વરૂપની ઓળખાણ હતી.
પરમ આત્માનું નિત્ય અસ્તિત્વ - नित्यो नित्यानाम्
સર્વપ્રથમ તો જેમ આત્માનું નિત્ય અસ્તિત્વ છે તેમ એ આત્માથી પણ પર એવા પરમાત્માનું પણ નિત્ય અસ્તિત્વ છે જ એ વાત સમજાવતાં યમે કહ્યું, 'नित्यो नित्यानां चेतनश्र्चेतनानामेको बहूनां विदघाति कामान्' (કઠ ઉપનિષદ - ૫/૧૩)
અર્થાત્ 'પરમાત્મા નિત્ય છે અને નિત્ય એવા આત્માઓથી પર પણ છે. એ પરમાત્મા ચેતન છે કહેતાં જડથી અત્યંત વિલક્ષણ છે અને ચેતન એવા આત્માઓથી પર પણ છે. એ પરમાત્મા એક જ છે છતાં અનેકની કામનાઓને પરિપૂર્ણ કરે છે.'
આમ મૃત્યુદેવ અહીં નાસ્તિકવાદના સંહારક બને છે. હવે તે પરમાત્મા કેવા છે તે વિવિધ ગુણો દર્શાવી જણાવે છે.
સર્વના સદા નિયામક - र्इशानो भूतभव्यस्य
'र्इशानो भूतभव्यस्य' (કઠ ઉપનિષદ - ૪/૧૨,૧૩)
અર્થાત્ 'એ પરમાત્મા જે થઈ રહ્યું છે, થઈ ગયું છે અને થવાનું છે તેના નિયામક છે. કહેતાં દેહધારીઓના જન્મ પહેલાની, જન્મ પછીની કે મૃત્યુ પછીની બધી ગતિવિધિઓનો દોરીસંચાર પરમાત્માને આધીન હોય છે.
સર્વવ્યાપક - अणोरणीयान् महतो महीयान्
સર્વનિયામકતા સાથે સર્વવ્યાપકતા હંમેશા જોડાયેલી જ રહે છે. પરમાત્મા સર્વનિયામક છે એટલે સર્વવ્યાપક પણ છે જ. આ વાત સમજાવતાં યમે કહ્યું, 'अणोरणीयान् महतो महीयानात्मास्य जन्तोíनहितो गुहायाम्' (કઠ ઉપનિષદ - ૨/૨૦)
અર્થાત્ 'એ પરમાત્મા અણુ કરતા પણ વધુ સૂક્ષ્મ છે. અણુની અંદર પણ વ્યાપીને રહ્યા છે. અને મહાન કરતાં પણ મહાન છે. પોતાની અંતર્યામીશક્તિએ કરીને સર્વત્ર વ્યાપી રહ્યા છે. આ વ્યાપકતાને જ વિવિધ દૃષ્ટાંતો આપીને યમે સ્પષ્ટતા કરી છે. તેઓ કહે છે, 'अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव। एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्र्च॥' (કઠ ઉપનિષદ - ૫/૯) અર્થાત્ 'જેમ એક જ અગ્નિ સમગ્ર ભુવનમાં જુદી જુદી વસ્તુઓમાં પ્રવેશ કરીને તે તે રૂપે દેખાય છે. તેમ સકળ વિશ્વમાં અનુપ્રવેશ કરીને પરમાત્મા વ્યાપી રહ્યા છે.
સૌમાં વ્યાપક સૌથી ન્યારા - न लिप्यते लोकदुःखेन
વ્યાપીને રહેવાની વાત આવે એટલે સંગદોષની આશંકા ઊઠે. જે જેમાં રહે તેને તેના પાશ લાગ્યા વિના રહે નહીં એવું સામાન્યતઃ અનુભવાય છે. પાણીમાં પડો એટલે ભીના તો થઈ જ જવાય. શરીરમાં રહેનારો જીવાત્મા પણ શરીરના યોગે દુઃખી તો થાય છે જ ને! શું આવું જ પરમાત્માનું નથી? તે તો જડ- ચેતન બધામાં રહ્યા છે તેથી તે બધાના દોષો પરમાત્માને પણ વળગે? તો આવી આશંકાનું સમાધાન યમદેવે સૂર્યનું ઉદાહરણ આપીને સુગમતાથી કર્યું છે.
તેમણે કહ્યું, 'सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः।
एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः॥' (કઠ ઉપનિષદ - ૫/૧૧)
અર્થાત્ 'સૂર્ય જેમ સહુ લોકોનો ચક્ષુ છે. પોતાનાં કિરણો દ્વારા તે સર્વનાં નેત્રમાં પ્રવેશે છે. છતાં તે લોકોના નેત્રદોષથી સૂર્યને કોઈ જાતનો દોષ લાગતો નથી. તેવી રીતે એક પરમાત્મા સર્વના અંતરાત્મા છે. છતાં તેઓ બાહ્ય જગતનાં લૌકિક દુઃખોથી લિપ્ત નથી થતા.
આમ, સહુમાં રહીને સહુથી ન્યારા રહેવાની તેમની વિશેષતા અહીં જાણવા મળે છે.
સર્વાન્તર્યામી છતાં પુરુષાકાર - पुरुषोऽन्तरात्मा
વ્યાપક હોવા છતાં નિર્લેપ છે તે વાત થઈ. હવે વ્યાપક હોવાં છતાં પરમાત્મા નિરાકાર નથી પણ સાકાર છે તે વાત અહીં યમે સમજાવી છે. કઈ રીતે સમજાવી? 'पुरुष' શબ્દ પ્રયોજીને. કઠ ઉપનિષદમાં યમરાજાએ 'पुरुषः परः' (કઠ ઉપનિષદ - ૩/૧૧), 'पुरुषो मध्य आत्मनि' (કઠ ઉપનિષદ - ૪/૧૨), 'पुरुषो ज्योतिरिवाऽघूमकः' (કઠ ઉપનિષદ - ૪/૧૩) એમ વારંવાર પુરુષ શબ્દ પરમાત્મા માટે પ્રયોજ્યો છે. આવો પ્રયોગ કરી યમરાજ સમજાવવા માગે છે કે હે નચિકેતા! જે સર્વવ્યાપક સર્વાન્તરાત્મા પરમાત્મા છે તે સાકાર જ છે પણ નિરાકાર નથી. અને સાકારમાં પણ પશુ કે પક્ષી જેવા અથવા ગોળ, લંબગોળ કે ચોરસ જેવા કોઈ આકારે નહીં પણ પુરુષાકાર સાકાર છે.
સકળ કર્તા - एकं बीजं बहुघा करोति यः
પરમાત્મા સકળ જગતના કર્તા છે, કારણ છે. એ વાત સમજાવતાં યમે કહ્યું, 'एको वशी सर्वभूतान्तरात्मा एकं बीजं बहुघा करोति यः' (કઠ ઉપનિષદ - ૫/૧૨) સર્વાન્તર્યામી પરમાત્મા અખિલ જગતના નિયામક છે અને તેઓ પોતાના દિવ્યસંકલ્પમાત્રે પ્રલય સમયે એક બીજરૂપે રહેલા પ્રકૃતિતત્ત્વને અનેક રૂપે કહેતાં આ દૃશ્યમાન જગત સ્વરૂપે કરે છે. સમગ્ર સૃષ્ટિને રચે છે.
અમર સંહારક - मृत्युर्यस्योपसेचनम्
જે સર્જક છે તે જ વિસર્જક પણ છે. મૃત્યુ પોતે અહીં મહાસંહારકની ઓળખાણ કરાવે છે. આમ તો યમરાજને પ્રત્યેક મર્ત્ય માનવી કે પદાર્થો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જે જન્મે તેની સાથે જ મૃત્યુનું બીજ પાંગરવા લાગે. આમ છતાં સ્વયં મૃત્યુદેવ અહીં જ્યાં પોતાનું પણ કશું ચાલી શકે તેમ નથી તેવું અલૌકિક પરમ સત્ય આ બાળબટુ સામે પ્રગટ કરી રહ્યા છે. યમે કહ્યું, 'यस्य ब्रह्म च क्षत्रं च उभे भवत ओदनः। मृत्युर्यस्योपसेचनम्' (કઠ ઉપનિષદ - ૨/૨૫) 'હે નચિકેતા! બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણયુક્ત દેખાતાં આ શરીરો અને તેણે સહિત આ જે કાંઈ સૃષ્ટિમાં પથરાયેલું દેખાય છે તે બધું એ પરમાત્માનું અન્ન છે. કહેતાં તેનો તેઓ પ્રલયકાળે ભક્ષણ કરે છે.' તેમાં મૃત્યુ અર્થાત્ હું તો એ પરમાત્મા માટે 'ઉપસેચન' સમાન છુ _. ભોજન કરતી વખતે એક મુખ્ય વસ્તુનો સ્વાદ લેવા માટે જમવામાં આવતી બીજી ગૌણ વસ્તુને સંસ્કૃતમાં 'ઉપસેચન' કહેવામાં આવે છે. ઢોકળાં, ફાફડા વગેરે સાથે જમવામાં આવતી ચટણી, અથાણાં વગેરે વસ્તુઓ 'ઉપસેચન' છે. એમ પરમાત્મા અનંતકોટિ બ્રહ્માંડોનું ભક્ષણ કરે કહેતાં તેનો નાશ કરે ત્યારે 'મૃત્યુ' તો કેવળ ઉપસેચન માત્ર બની રહે છે.
આમ મૃત્યુ સર્વસંહારક છે તો પરમાત્મા તેના પણ સંહારક છે - એ વાત ખુદ મૃત્યુદેવ જ સમજાવે છે.
હવે પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ તત્ત્વ છે તે જણાવે છે.
પરમાત્માથી પર કોઈ નહીં - पुरुषान्न परं किञ्जत्
જે સર્વનિયામક હોય, સર્વકર્તાહર્તા હોય તેનો અર્થ જ એ થાય કે તે સર્વોપરી જ હોય. છતાં પરમાત્મા જ સર્વોપરી છે એમ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવાનું યમને ઉચિત લાગ્યું. આ રજૂઆત પણ મનોરમ છે.
ત્યાં કહ્યું, 'इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्येश्र्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान् परः॥ महतः परमव्यक्तम्' (કઠ ઉપનિષદ - ૩/૧૦,૧૧) અર્થાત્ 'ઇંદ્રિયો કરતાં પંચવિષય પર છે. એ પંચવિષયો કરતાં મન પર છે. મન કરતાં બુદ્ધિ પર છે. બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ છે. અને એ આત્મા કરતાં પણ 'અવ્યક્ત' કહેતાં અક્ષરબ્રહ્મ શ્રેષ્ઠ છે. અને તે અક્ષરબ્રહ્મ કરતાં પુરુષ કહેતાં પુરુષોત્તમ પરમાત્મા શ્રેષ્ઠ છે.'
આમ એકબીજાથી ચઢિયાતાં તત્ત્વો રજૂ કરીને તે બધાથી પર સર્વોપરી પરમાત્મા છે તેમ જણાવ્યું. હવે તે પરમાત્માથી પણ પર કોઈ બીજું તત્ત્વ છે? એવી કોઈને આશંકા પણ ન ઊઠે તેથી યમ સ્પષ્ટ કહી દે છે - 'पुरुषान्न परं किञ्चित्। सा काष्ठा सा परा गतिः।' (કઠ ઉપનિષદ - ૩/૧૧) 'એ પુરુષોત્તમ પરમાત્માથી તો કોઈ શ્રેષ્ઠ નથી. એ પરમાત્મા જ શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા છે. એ જ પરમગતિ છે.' આમ યમે અહીં પરમાત્માની સર્વોપરિતાનો ડંકો વગાડ્યો છે.
આ રીતે આપણને 'પરમાત્મા છે, નિત્ય છે, નિયામક છે, વ્યાપક છે, નિર્લેપ છે, સર્વકર્તાહર્તા છે અને સર્વોપરી છે એમ પરમાત્મસ્વરૂપની ઓળખાણ અહીં પ્રાપ્ત થાય છે.
આમ, આત્મસ્વરૂપ તથા પરમાત્મસ્વરૂપની ઓળખાણ તો કરાવી, પણ આ ઉપનિષદમાંથી આ બે તત્ત્વોને જ જાણવાનાં છે એવું નથી. અહીં તો આત્મા અને પરમાત્મા બંનેથી ભિન્ન એવા દિવ્ય અલૌકિક ત્રીજા તત્ત્વની ઓળખાણ પણ યમરાજ નચિકેતાને કરાવે છે.