સર્વ આત્માઓથી પર છતાં પરમાત્માના દાસ - महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः
આમ, વિવિધસ્વરૂપે અક્ષરબ્રહ્મ તત્ત્વની ઓળખાણ કરાવતા યમ એ દિવ્ય તત્ત્વની મહાનતા પણ સમજાવે છે. આપણે આગળ જોયું તેમ ઇંદ્રિયો, પંચવિષય, મન તથા બુદ્ધિને એકબીજાથી ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહીને તે બધાથી પર એવો આત્મા છે એમ 'आत्मा महान् परः' (કઠ ઉપનિષદ-૩/૧૦) શબ્દોથી જણાવ્યું. ત્યારબાદ યમે કહ્યું, 'महतः परमव्यक्तम्' (કઠ ઉપનિષદ-૩/૧૧) 'એ મહાન આત્મા કરતાં પણ ''અવ્યક્ત'' એ નામનું તત્ત્વ શ્રેષ્ઠ છે.' આ અવ્યક્ત નામનું તત્ત્વ એટલે અક્ષરબ્રહ્મ. શ્રીમદ્ભગવદ્-ગીતાએ આ સ્પષ્ટતા કરી આપી છે. 'अव्यक्तोऽक्षर इत्युक्तः' (ગીતા-૮/૨૧) અર્થાત્ 'એ અવ્યક્ત એટલે અક્ષરબ્રહ્મ છે એમ કહેવામાં આવ્યું છે.'
વળી, ભગવદ્ગીતામાં જ બારમા અધ્યાયમાં 'अक्षरम् अव्यक्तम्' (ગીતા-૧૨/૧) એમ પાર્થના મુખે, તથા 'अक्षरम् अनिर्देश्यम् अव्यक्तम्' (ગીતા-૧૨/૩) એમ ભગવાન શ્રીકૃષ્ણના મુખે અવ્યક્ત એટલે અક્ષરબ્રહ્મ એમ ગાવામાં આવ્યું છે. આમ 'महतः परम् अव्यक्तम्' (કઠ ઉપનિષદ - ૩/૧૧) એ વાક્યનો અર્થ થયો કે મહાન એવા આત્મા કરતાં પણ અક્ષરબ્રહ્મ શ્રેષ્ઠ છે. બસ! ત્યાર પછી શ્રેષ્ઠતાની પરંપરામાં સીધા જ પરમાત્મા આવે છે. 'अव्यक्तात् पुरुषः परः।' (કઠ ઉપનિષદ - ૩/૧૧) 'એ અક્ષરબ્રહ્મ કરતાં પુરુષોત્તમ પરમાત્મા પર છે.' હવે એ પુરુષોત્તમથી પર કોઈ નહીં - 'पुरुषान्न परं किञ्चित्। सा काष्ठा सा परा गतिः।' (કઠ ઉપનિષદ - ૩/૧૧) પરમાત્મા તો સર્વમહાન! અહીં સંશોધન કરતાં એક વાત માલૂમ પડશે. આત્મા અને પરમાત્માની વચ્ચે અક્ષરબ્રહ્મ તત્ત્વ છે. જે આત્મા કરતાં શ્રેષ્ઠ છે અને પરમાત્મા કરતા ન્યૂન છે, પરંતુ અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મની વચ્ચે એવું કોઈ તત્ત્વ નથી કે જેને લઈને એ વચ્ચેના તત્ત્વની અક્ષરબ્રહ્મ કરતાં શ્રેષ્ઠતા કહેવાય. આનો નિષ્કર્ષ એ ફલિત થાય કે આ અક્ષરબ્રહ્મ સર્વ આત્માઓ કરતાં મહાન છે છતાં એક માત્ર પરમાત્માના દાસ છે.
કઠોપનિષદમાં નિરૂપાયેલ આ અક્ષરબ્રહ્મ તત્ત્વનો મહિમા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે સૌપ્રથમ ભગવાન શ્રીસ્વામિનારાયણ જ યથાર્થ રીતે પ્રકાશમાં લઈ આવ્યા છે. તેમણે વચનામૃતમાં કહ્યું, 'એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે.' (વચનામૃત ગઢડા મધ્ય - ૩)
આ રીતે અત્યાર સુધી મૃત્યુદેવે નચિકેતાને આત્માના સ્વરૂપની, પરમાત્માના સ્વરૂપની અને અક્ષરબ્રહ્મના સ્વરૂપની ઓળખાણ કરાવી.
આટલું કહીને પણ યમ થંભ્યા નથી. જે હેતુને ધ્યાનમાં રાખી આ ઓળખાણ આપવી આવશ્યક હતી તે હેતુ છે 'મોક્ષ'નો. અને બાળબટુએ પણ ચતુરાઈથી મૃત્યુ પછીનો સવાલ કરીને મોક્ષને જ પૂછી લીધો હતો. તેથી કુશળ વક્તા યમરાજ એક અગત્યનું પાસું ઉપદેશવાનું ચૂકતા નથી. એ છે સાધનાની વાત. કેવળ માહિતી મેળવીને શું? માહિતીથી મોક્ષનો સ્વાદ આવે? સાક્ષાત્કાર થવો જોઈએ. પોતાના આત્માનો સાક્ષાત્કાર, પરમાત્માનો સાક્ષાત્કાર અને અક્ષરબ્રહ્મનો સાક્ષાત્કાર થવો જોઈએ. તો દુઃખ ટળે. તો પરમ સુખ મળે. આવું થાય તે મોક્ષ પામ્યો કહેવાય. તે માટે સાધના કરવી પડે. તે સાધના શી છે તે જાણીએ.
અધ્યાત્મયોગ દ્વારા પરમોપાસના - अध्यात्मयोगाघिगमेन देवं मत्वा
સર્વસાધનાઓમાં શિરમોડ સાધના છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી તે. તેથી યમે કહ્યું, 'अध्यात्म-योगाघिगमेन देवं मत्वा घीरो हर्षशोकौ जहाति' (કઠ ઉપનિષદ - ૨/૧૨) 'अध्यात्मयोगाघिगमेन' એટલે પોતાના આત્માને વિષે બ્રહ્મના ગુણોનો યોગ સાધી બ્રહ્મરૂપતા સંપાદન કરવી. 'देवं मत्वा' એટલે પરમાત્માનું મનન ઉપાસના કરીને. તેથી અક્ષરબ્રહ્મના ભાવથી વિભૂષિત થઈ દેવાધિદેવ પરમાત્મા પરબ્રહ્મનું મનન ઉપાસન જે ધીરપુરુષ કરે તે લૌકિક હર્ષ-શોકથી રહિત થઈ જાય છે. એમ આ મંત્રનો ભાવ છે.
આમ, અહીં એ પણ સ્પષ્ટ થઈ ગયું કે મોક્ષ માટે કે પરમાત્માને પામવા માટે તેમની ઉપાસના અનિવાર્ય હોવાથી મોક્ષના ઇચ્છુકે ઉપાસ્ય તરીકે પરમાત્માને ઓળખવા જ પડે, તે ઉપાસનાના અધિકારી થવા બ્રહ્મરૂપ થવું અનિવાર્ય હોવાથી અક્ષરબ્રહ્મને પણ ઓળખવા પડે અને તે બ્રાહ્મી સ્થિતિ પોતાના આત્માને વિષે પ્રાપ્ત કરવાની હોવાથી પોતાના આત્માને પણ જાણવો પડે. એમ ખૂબ વિચાર કરી યમે ઉપરોક્ત ઉપદેશ કર્યો છે.
પ્રભુકૃપાએ પ્રભુ મળે - यमेवैष वृणुते तेन लभ्यः
પ્રભુને પામવા તે પણ સહેલી વાત નથી. તે માટે તેમની જ કૃપા જોઈએ. કૃપા વગર કેવળ સાધનોથી તે ન પામી શકાય. કેવળ સાધનોનું બળ તો શૂન્ય સમાન તુચ્છ છે. છતાં પોતાનાં સાધનોને જ આગળ કરવાં તે તો અભિમાન છે. સાધનો કરવા માટેય પ્રભુ કૃપા વગર ન ચાલે. તે કૃપા કરીને શરીર આપે, મન-ઇન્દ્રિયો આપે ત્યારે તેમને રીઝ વવા બધું થઈ શકે છે. માટે જે કાંઈ સાધના કરીએ તેમાં ભગવાનનું બળ-ઇષ્ટબળ મુખ્ય રાખીએ. તે વાત સમજાવવા યમે કહ્યું, 'नायमात्मा प्रवचनेन लभ्यो न मेघया न बहुना श्रुतेन। यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूš स्वाम्॥' (કઠ ઉપનિષદ - ૨/૨૩) અર્થાત્ 'હે નચિકેતા! આ પરમાત્મા કેવળ પ્રવચન, કેવળ બુદ્ધિ કે કેવળ શાસ્ત્રાધ્યયન જેવાં સાધનોથી નહીં પમાય. તે તો એ પ્રભુ પોતે જ જેની ઉપર કૃપા પસંદગી ઉતારે તે જ પામી શકે.'
આમ, અહીં પરમાત્મા કૃપાસાધ્ય છે, કેવળ ક્રિયાસાધ્ય નથી એમ સાધના માર્ગમાં સ્વરૂપનિષ્ઠાની પ્રધાનતા સમજાવી.
ગુરુવર્યના પ્રસંગે બધું પામો - प्राप्य वरान् निबोघत
પરબ્રહ્મને જાણવા હોય કે તેમની કૃપાના પાત્ર થવું હોય, આત્માને જાણવો હોય કે બ્રહ્મરૂપ થવું હોય, પ્રત્યક્ષ ગુરુવર્યના ચરણે મસ્તક ઝુકાવ્યા વગર છૂટકો નથી. એ વાત સમજાવતાં યમ કહે છે, 'उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोघत। क्षुरस्य घारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥' (કઠ ઉપનિષદ - ૩/૧૪) 'वरान्' શબ્દથી અહીં યમે તત્ત્વદર્શી ગુરુઓનો બોધ કરાવ્યો છે. તેથી મંત્રનો અર્થ એવો થાય કે, 'આ અધ્યાત્મપથ અસ્તરાની ધાર પર ચાલવા જેવો દુર્ગમ છે. તેથી આળસપ્રમાદ છોડી, ઊઠો! જાગો! અને પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ ગુરુવર્યને પ્રાપ્ત કરી બ્રહ્મવિદ્યાને આત્મસાત્ કરી લો.' આવા તત્ત્વદર્શી ગુરુ તો સાક્ષાત્ નારાયણના સ્વરૂપ તુલ્ય હોય છે. એમની પાસે જઈ બેસવાનું. તેઓ જ આપણા ભીતરના ભાવોને જેમ છે તેમ જાણી શકે, ઓળખાવી શકે અને બદલી શકે. માટે તેઓ કહે તેમ કરવાનું. આવું કરે એટલે બધું મળે. આમ ગુરુશરણાગતિનો જીવનમંત્ર યમે ભણાવ્યો.
ઉપસંહાર :
મૃત્યુ પછીનું, તે જ જીવનનું રહસ્ય - अत्र ब्रह्म समश्नुते
અને છેલ્લે છેલ્લે તો મૃત્યુ પછીના રહસ્યને જીવતાં જીવન સુધી યમ લઈ આવ્યા છે. તત્ત્વજ્ઞાન એ ભાવિના ઉધારા નથી. રોકડું નાણું છે. જીવતાં મુક્તિનો અહેસાસ થઈ શકે. તેથી યમદેવે ઉપસંહાર કરતાં કહ્યું કે, 'મેં તને કહેલી વાતને, જે રીતે મેં કહી તે જ રીતે જે આત્મસાત્ કરશે તેને મરીને મોક્ષની પ્રતીક્ષા નથી, એ તો - 'अत्र ब्रह्म समश्नुते' (કઠ ઉપનિષદ - ૬/૧૩) અહીં જ અક્ષરધામને પામી ચૂક્યો છે.' એમ કહી યમે સમાપન કર્યું - 'બસ! નચિકેતા, 'एतावदनुशासनम्' (કઠ ઉપનિષદ - ૬/૧૫) આટલો મારો ઉપદેશ હતો. આ ઉપદેશ તને તૃતીય વરદાનરૂપે આપ્યો.' આ સાંભળી બાળબટુ નચિકેતા પણ સંતૃપ્ત થયો અને પ્રસન્નતા વ્યક્ત કરી. કઠ ઉપનિષદ અહીં પૂર્ણ થાય છે.
આમ, તત્ત્વજ્ઞાનના આકાશમાં ઝ ળહળતાં એક નક્ષત્ર જેવો આ કઠ ઉપનિષદમાં સમાયેલો યમદેવનો ઉપદેશ આપણને મૃત્યુ પછીના અને જીવતાં જીવનનાં રહસ્યના ચિંતનમાં ગરકાવ કરી રહ્યો છે.