Essays Archives

પાત્ર પરીક્ષા

યમરાજ આ માગણીથી ખૂબ જ પ્રભાવિત થયા. પણ આ એક જ વર માગીને આ બાળબટુએ કેટલાં બધાં રહસ્યોનો ઉકેલ એક સાથે પૂછી લીધો છે એ તો યમરાજ જ જાણતા હતા. સમગ્ર આધ્યાત્મિકતાના હૃદયને છતું કર્યા સિવાય આજે છૂટકો ન હતો. બાળક લાગતા નચિકેતાની મનઃસ્થિતિ તથા બુદ્ધિવૈભવનો ખાસ્સો અનુભવ તો થઈ જ ગયો હતો. છતાં 'પાત્ર પરીક્ષા કરીને જ સિદ્ધાંત પીરસવો' એ પ્રણાલીને અનુસરીને તેઓએ આ બાળબટુની પરીક્ષા લઈ લેવા નિર્ણય કર્યો.

યમે કહ્યું, ‘देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष घर्मः। अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम्॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૧) 'નચિકેતા! બીજું કાંઈક માગી લે. તું જે જાણવા ઇચ્છે છે તે વાત ઘણી સૂક્ષમ છે. આ વિષયને સમજવા તો દેવતાઓ પણ ઘણી મથામણ કરી ચૂક્યા છે. તો તું તો હજુ બાળક છે. એટલે સમજવું સહેલું નથી. તેથી આ સિવાય બીજું કાંઈ માગી લે.' આમ સર્વ પ્રથમ તો પુછાયેલા વિષયની દુષ્કરતા જ સામે ધરી દીધી. પણ નચિકેતાને તો જાણે આ વાતમાંથી સામું નવું જ બળ મળી ગયું. તેણે કહ્યું, ‘देवैरत्रापि विचिकित्सितं किल त्वं च मृत्यो यन्न सुविज्ञेयमात्थ।’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૨) હે મૃત્યો! આપે જે કહ્યું તેનાથી તો મારી જિજ્ઞાસા ઓર વધી રહી છે. દેવતાઓ પણ જેને પામવા મથતા હોય તેમાં નક્કી કોઈ મહત્ત્વનું રહસ્ય સમાયેલું હોય. એટલે ભલે સૂક્ષમ હોય તોય મારે તો જાણવું જ છે. વળી, હે યમદેવ! ‘वक्ता चास्य किल त्वादृगन्यो न लभ्यः’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૨) 'આપના જેવો ગહનમાં ગહન સિદ્ધાંતોને સરળતાથી સમજાવનાર બીજો વક્તા પછી ક્યારે મળશે?' એટલે ‘नान्यो वरस्तुल्य एतस्य कश्र्चित्’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૨) 'આ વરને તુલ્ય બીજું કાંઈ માંગવા જેવું મને લાગતું નથી. માટે મને તે જ આપો.'

બાળબટુની ઉત્કંઠાને યમ હવે લગભગ પિછાણી ગયા હતા. છતાં તેમને થયું હજુ ચકાસીએ. કારણ બ્રહ્મવિદ્યા તો આત્મારામ હોય એને જ પચે, ઇંદ્રિયારામને નહીં. આ નચિકતા ઇંદ્રિયારામ તો નથી ને!' આમ વિચારી બાળવિપર સામે તેમણે મહાપ્રલોભનોની માયાજાળ પ્રસરાવી. તેમણે કહ્યું, ‘शतायुषः पुत्रपौत्रान्वृणीष्व बहून्पशून् हस्तिहिरण्यमश्वान्। भूमेर्महदायतनं वृणीष्व स्वयं च जीव शरदो यावदित्व्छसि॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૩) 'હે નચિકેતા! સો સો વર્ષના આયુષ્યવાળા પુત્રો તથા પૌત્રોને તું માંગ. વળી, પુષ્કળ હાથી, ઘોડા વગેરે પશુધન માંગી લે. સોનું માંગ અથવા આ ભૂમિનો વિસ્તૃત ભાગ માંગી લે. એટલું જ નહીં, તું ચાહે તેટલાં વર્ષ જીવવાનો વર માંગી લે. પણ ‘नचिकेतो! मरणं माऽनुप्राक्षीः’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૫) 'નચિકેતા! મૃત્યુ પછીની પૃચ્છા જવા દે.' હજુ યમરાજ કહે છે, ‘एतत्तुल्यं यदि मन्यसे वरं वृणीष्व वित्तं चिरजीविकां च। महाभूमौ नचिकेतस्त्वमेघि कामानां त्वा कामभाजं करोमि॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૪) 'વળી, હે બટુ! આ મેં તને કહી તેવી બીજી વસ્તુઓ પણ તું વરમાં ઇચ્છે તો તને હું આપું. તને ધનાઢ્ય બનાવી દઉં. નચિકેતા! તું માંગતો હોય તો તને મહાભૂમિનો રાજા બનાવી દઉં. સમગ્ર પ્રજાનો તું સ્વામી થઈશ. આ દુનિયામાંથી તું જે ઇચ્છા કરે તે હાજર કરી દઉં.' એટલું જ નહીં પણ, ‘ये ये कामा दुर्लभा मर्त्यलोके सर्वान् कामाँश्छन्दतः प्रार्थयस्व। इमा रामाः सरथाः सतूर्या न हीदृशा लम्भनीया मनुष्यैः। आभिर्मत्प्रदत्ताभिः परिचारयस्व नचिकेतो मरणं माऽनुप्राक्षीः॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૫) 'ઉપભોગ માટેની જે જે વસ્તુઓ આ દુનિયામાં મળવી દુર્લભ છે તે બધી જ તું મન ફાવે તેમ માંગી લે. વળી, આ ઘોડા જોડેલા રથ પર સવાર થયેલી સુંદર સ્ત્રીઓ કે જે કોઈ મનુષ્યોને પ્રાપ્ત થતી નથી તે તને હું પ્રાપ્ત કરાવું, પણ હે નચિકેતા! મરણ પછીનો માર્ગ અગોચર છે, તર્કાતીત છે, દુષ્પ્રાપ્ય છે. માટે તે પૂછીશ નહીં.'

ચકાસવાની જેટલી યોજનાઓ હતી તે બધી યમરાજાએ અજમાવી લીધી. સ્ત્રી, ધન, સત્તા વગેરે બધું ધરી જોયું. આ સામે નચિકેતાની શી પ્રતિક્રિયા હતી? ખરેખર, એ જે હતી તે આજે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં સુવર્ણપત્રે મઢાઈ ચૂકી છે. આ રહ્યો એ પ્રતિક્રિયા દર્શાવતો બાળશંખનો પ્રતિધ્વનિ - ‘श्वोभावा मर्त्यस्य यदन्तकैतत् सर्वेन्द्रियाणां जरयन्ति तेजः। अपि सर्वं जीवितमल्पमेव तवैव वाहास्तव नृत्यगीते॥ ’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૬) ભાવાર્થ એવો છે કે 'હે અન્તક! અમે તો બધા 'મર્ત્ય' કહેતાં મરણશીલ શરીરવાળા માનવીઓ છીએ. અને આપ જે પદાર્થો માંગવા કહો છે તે પુત્ર, પશુ, પૈસા, પ્રમદા વગેરે તે બધા પણ ‘श्वोभावाः’ કહેતાં આવતી કાલે અભાવવાળા - ન રહેવાવાળા છે. કાલે કાંઈ આમાંથી રહેવાનું નથી. કારણ આપ જ તો સર્વના 'અન્તક' અન્ત લાવનાર છો. વળી, જે આ મનોહર સ્ત્રીઓ અને બીજા પણ ઉપભોગ માંગી લેવાની વાત કરો છો તે પદાર્થો પણ આ સર્વ જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયોના તેજને હણી લે એવા છે. તેથી પરિણામે તો નિર્બળતા અને ગ્લાનિ જ ભોગવવી રહી. હે મૃત્યો! સાથે સાથે એ પણ ખરું કે કદાચ આખું આયખું આવા ભોગો ભોગવું તોપણ એ તો અલ્પ કહેતાં ઓછુ _ જ લાગવાનું છે. ઉપભોગથી વાસના ક્યાં શમે છે? વળતી વધે છે. અથવા તો દીર્ઘાયુષ્ય માંગવા કહો છો, તેમ કદાચ હું હજારો વર્ષનું આયુષ્ય માંગું તોય મહાકાળની સામે તો તે અલ્પ જ લાગશે. માટે હે યમદેવ! ‘तवैव वाहास्तव नृत्यगीते’ આપનાં આ નાશવંત, દુઃખદાયી, અલ્પ અને અતૃપ્તિકર એવા હાથી-ઘોડા, નાચ-ગાન વગેરે જેવા ઉપભોગનાં સાધનો આપની પાસે જ ભલે રહ્યાં. મારે એ કામનાં નથી.

વળી, યમરાજે તેને ‘वित्त’ કહેતાં ધન અને ઇચ્છા પ્રમાણેનું આયુષ્ય માંગી લેવા સૂચવ્યું હતું. તેનો પ્રતિસાદ નચિકેતાએ આ રીતે વાળ્યો. ‘न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा। जीविष्यामो यावदीशिष्यसि त्वम्।’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૭) ધને કોણ ધરાયું છે! અને આપનાં સુભગ દર્શન થયાં તેના પુણ્યે એ પણ મળશે. વળી, કોને કેટલું જિવાડવું એ તો આપની જ ઇચ્છાની વાત છે. એટલે આપ પ્રસન્ન હો ત્યારે એની પણ શી ચિંતા! માટે મારું તો એ જ કહેવું છે કે, ‘यस्मिन्निदं विचिकित्सन्ति मृत्यो यत्साम्पराये महति ब्रूहि नस्तत् । योऽयं वरो गूढमनुप्रविष्टो नान्यं तस्मान्नचिकेता वृणीते॥’ 'હે મૃત્યો! દેહધારીના દેહવિલય પછીની બાબતમાં જે વાદવિવાદો અહીં ચાલે છે તેનું સ્પષ્ટ નિર્ણયાત્મક સમાધાન કરી આપો. બસ, આ સિવાય બીજા કોઈ વરની ઇચ્છા આ નચિકેતા ધરાવતો નથી.' દૃઢ સંકલ્પશક્તિના મિજાજભર્યું આટલું વાક્ય બોલી બાળબટુ ચૂપ થયો.

નચિકેતાની લક્ષ્ય પરત્વેની આવી દૃઢતાને, હૃદય અને પ્રજ્ઞાની પરિપક્વતાને યમરાજ મનોમન વંદી રહ્યા. આ બાળ મનીષીનાં કઈ રીતે વખાણ કરું! એમ ક્ષણભર તો યમે પણ વિમાસણ અનુભવી. પછી તેઓએ જે કહ્યું તેમાં નચિકેતાનો તેમના પર પડેલો પ્રભાવ દેખાય છે. તેમણે કહ્યું, ‘श्रेयश्र्च प्रेयश्र्च मनुष्यमेतः तौ सम्परीत्य विविनक्ति घीरः। श्रेयो हि घीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते॥’ (કઠ ઉપનિષદ - ૧/૨/૨) 'હે બ્રહ્મબટો! શ્રેય અને પ્રેય એવા બે ધોરી માર્ગો અનાદિ કાળથી ચાલ્યા આવે છે. તેમાં શ્રેય માર્ગ એટલે મોક્ષનો માર્ગ અને પ્રેય માર્ગ એટલે વિષયભોગનો માર્ગ. મોટા ભાગના માનવીઓ આમાંથી પ્રેય માર્ગ બાજુ જ વળી જાય છે. કહેતાં ભોગવાદમાં ભૂલા પડે છે. કોઈ ધીરજવાળા સમજુ માણસો જ શ્રેય માર્ગની સાચી દિશા પામે છે. પણ તું તો આશ્ચર્ય ઉપજાવે છે કે, ‘स त्वं प्रियान्प्रियरूपांश्र्च कामान् अभिध्यायन्नचिकेतोऽत्यस्राक्षीः।’, ‘विद्याभीप्सिनं नचिकेतसं मन्ये न त्वा कामा बहवोऽलोलुपन्त॥’ (કઠ ઉપનિષદ - ૧/૨/૩,૪) જેમાં મોટા ભાગના ડૂબી જાય અને મનને મોહ પમાડે એવાં સ્ત્રી-ધન-સત્તા જેવા ભારી ઉપભોગોને પણ તું તુચ્છ સમજી તરછોડી રહ્યો છે. અરે! તારામાં કોઈ લોલુપતા જ દેખાતી નથી! તારી પરીક્ષા થઈ ચૂકી છે, નચિકેતા! તું સાચા અર્થમાં 'વિદ્યાભીપ્સુ' કહેતાં બ્રહ્મવિદ્યાની ઝ _ખનાવાળો છે. માટે આવ, મેં હવે નિર્ણય કરી લીધો છે કે તેં જે ત્રીજો વર માંગ્યો છે - મૃત્યુ પછીની વાતનો, તે તને હું કહું.'

આમ કહી મૃત્યુએ જે ઉપદેશ આપ્યો એમાં જ હતું મૃત્યુ પછીના જીવનનું રહસ્ય! શું હતું એ રહસ્ય તે આવતા અંકમાં જાણીશું.  


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS