'Life after death' મૃત્યુ પછીના જીવનનો વિચાર કર્યો છે? જે એ વિચારશે તે જીવનને વિચારી શકશે. અહીં એ વાત સાકાર થઈ છે. એક અલ્પ વયસ્ક બાળકને એ વિચાર ઝ બક્યો છે ને તલસાટ જાગ્યો છે એ મર્મને પામવાનો. પછી તો એ બાળ, મૃત્યુના જ દ્વારે પહોંચ્યો. મૃત્યુ પછીના રહસ્યને ઉઘાડવા મથ્યો રહ્યો. નવાઈ તો એ વાતની છે કે મૃત્યુ સ્વયંને અહીં મૃત્યુ પછીના જીવનનો ઉઘાડ આપવાની ફરજ પડી છે. છેવટે એ રહસ્ય ઊઘડ્યું ત્યારે જ શમ્યો એ બાળબટુનો તલસાટ! કેટલું રસપ્રદ છે આ ઉપનિષદનું કથાનક. જે જે વાંચે છે તે વિચારવા લાગે છે. ખરેખર! જીવતાં મુક્તિનાં એંધાણ એટલે કઠ ઉપનિષદ.
પરિચય
કૃષ્ણ યજુર્વેદની 'કઠ' એ નામની શાખા છે. તે શાખા અંતર્ગત આ ઉપનિષદ છે તેથી આ ઉપનિષદ્ને કઠ ઉપનિષદ કહેવામાં આવે છે. આ કઠ ઉપનિષદ બે અધ્યાયમાં વહેંચાયેલું છે. તેના પ્રત્યેક અધ્યાયમાં ત્રણ ત્રણ પેટા પ્રકરણો આવેલાં છે, જેને 'વલ્લી' કહેવામાં આવે છે. આમ છ 'વલ્લી'માં સમાયેલા આ ઉપનિષદ્માં ૠષિકુમાર નચિકેતાના કથાનક દ્વારા બ્રહ્મવિદ્યાનો વિશદ ઉપદેશ કરવામાં આવ્યો છે. આવો એ ઉપાખ્યાનને માણીએ -
કથાનક
વાજશ્રવસ નામના ૠષિએ 'વિશ્વજિત' એ નામનો યજ્ઞ કર્યો. આ યજ્ઞના અંતે 'સર્વવેદસ્' અર્થાત્ સર્વસ્વ દાન આપવામાં આવે છે. તે પ્રમાણે વાજશ્રવસે પણ બ્રાહ્મણોને દાન આપવાનું શરૂ કર્યું. ગાયોની દક્ષિણા અપાઈ રહી હતી. સારી ગાયોની સાથે નબળી ગાયોની પણ દક્ષિણા અપાતી હતી. વાજશ્રવસના પુત્ર નચિકેતાની નજરમાં આ આવ્યું. ઉમરે બાળક હોવા છતાં તેની સમજણ, જ્ઞાન અને શ્રદ્ધા વગેરે પરિપક્વ હતાં. તેને થયું યજ્ઞ થયા પછી ગૌદાન અવશ્ય થવું જોઈએ, એ ન કરે તોપણ ખોટું છે પરંતુ નબળી, નકામી, નિરુપયોગી કે પછી પોતાને બોજારૂપ લાગતી હોય તેવી વસ્તુ બીજાને પધરાવી દેવી એ દાન કર્યું ન કહેવાય. આનાથી તો ઊલટાનું દાતાનું અમંગળ થાય! દાન તો ઉત્તમ વસ્તુનું, પ્રિય વસ્તુનું થવું જોઈએ. અને મારા પિતા જે ગાયોનું દાન કરી રહ્યા છે તે તો ‘पीतोदका जग्घतृणा दुग्घदोहा निरिन्द्रियाः। अनन्दा नाम ते लोकास्तान् स गत्व्छति ता ददत्॥’(કઠ ઉપનિષદ - ૧/૧/૩) 'જે જે ગાયો હવે પાણી પીવાના પણ સામર્થ્ય વગરની થઈ ગઈ છે, ઘાસ પણ ખાઈ શકે એમ નથી, જે દૂધ પણ આપી શકે તેમ નથી કહેતાં વસૂકી ગઈ છે. અને વળી જેમની ઇંદ્રિયોની શક્તિ પણ સાવ શિથિલ થઈ ગઈ છે, કહેતાં ઘરડી થઈ ગઈ છે એવી ગાયોનું દાન કરનારો દાતા તો 'અનન્દ' કહેતાં આનંદ રહિત એવા લોકને જ પ્રાપ્ત કરશે!' તો પછી મારા પિતા પણ આવું કનિષ્ઠ દાન કરીને એવા દુઃખમય લોકને જ પામશે!' આવી ભાવનાથી પિતૃભક્ત નચિકેતાને ઘણી વેદના થઈ. અને પિતાના અનિષ્ટનું નિવારણ કરવા તેણે પિતાને પૂછ્યું, ‘कस्मै मां दास्यसीति’(કઠ ઉપનિષદ - ૧/૧/૪) 'હે પિતાજી! હું પણ આપનું ધન છુ _, તો મને આપ કોને આપશો?' પિતાએ કોઈ ઉત્તર ન આપ્યો. નચિકેતાએ ફરી પૂછ્યું, 'પિતાજી! મને આપ કોને આપશો?' પિતાએ આ વખતે પણ ધ્યાન ન દીધું. નચિકેતાએ ફરી પૂછ્યું ત્યારે પિતા ખિજાઈ ગયા અને ક્રોધાવેશમાં કહે, ‘मृत्यवे त्वा ददामीति’ 'મૃત્યુને તને દઉં છુ _.'(કઠ ઉપનિષદ - ૧/૧/૪) લોકમાં જેમ કોઈ ખિજાઈને કહે, 'જા મરને!' એવું આ વાક્ય હતું. ભાવાર્થ એટલો જ હતો કે તું અત્યારે આઘો જા, મને નડીશ નહીં, પરંતુ નચિકેતા તો આદર્શ પિતૃભક્ત હતો. તેણે વિચાર્યું, ભલે પિતાએ ક્રોધના આવેશમાં આવું કહી દીધું, પરંતુ પિતાજીનું વચન અસત્ય ન થવું જોઈએ. આમ વિચારી એણે મૃત્યુ કહેતાં યમરાજને ત્યાં જવાનો નિશ્ચય કરી લીધો. પિતા વાજશ્રવસે આ જાણ્યું અને તેને વાળવા પ્રયત્ન કર્યો. નચિકેતાને થયું પિતા મૃત્યુથી ગભરાઈને મને રોકે છે. તેણે એક સનાતન સત્ય કહીને પિતાને અવાક્ કરી દીધા. તેણે કહ્યું, ‘अनुपश्य यथा पूर्वे प्रतिपश्य तथाऽपरे। सस्यमिव मर्त्यः पत्व्यते सस्यमिवाजायते पुनः॥’(કઠ ઉપનિષદ - ૧/૧/૬) 'હે પિતાજી! આપણી પૂર્વે જે હતા તે પણ મૃત્યુ પામ્યા છે. અને બીજા જે અત્યારે છે અને ભવિષ્યમાં થશે તે પણ મૃત્યુ તો પામવાના જ છે. કારણ કે મરણશીલ આ આપણે બધા તો અનાજના છોડની જેમ ઊગીએ છીએ અને નાશ પામીએ છીએ. માટે આપ ચિંતા ન કરો. મરણધર્મનો વિચાર કરો અને આપે જેમ કહ્યું તેમ મને કરવા દો.' પિતાએ અનુમતિ આપી. નચિકેતાએ યમસદન ભણી પ્રયાણ કર્યું.
અનોખા અતિથિને ત્રણ વરદાન
નચિકેતા યમસદન પહોંચ્યો અને ખબર પડી કે યમરાજ તો બહાર ગયા છે. ત્રણ રાત સુધી અન્નજળ લીધા વગર જ નચિકેતાએ યમરાજની પ્રતીક્ષા કરી. ત્રીજી રાત પછીના દિવસે યમરાજ પધાર્યા. તેમના વૃદ્ધ અનુચરોએ આ અનોખા અતિથિની જાણ કરી અને આતિથ્ય ધર્મ બજાવવા કહ્યું. યમરાજાએ તેમ કર્યું. પાદ્ય, અર્ઘ્ય, ભોજન વગેરેથી આ બાળ અતિથિને પ્રસન્ન કર્યો. સાથે સાથે એમ પણ નિવેદન કર્યું કે - ‘तिस्रो रात्रीर्यदवात्सीर्गृहे मेऽनश्नन् ब्रह्मन्नतिथिर्नमस्यः। नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात्प्रति त्रीन्वरान्वृणीष्व॥’(કઠ ઉપનિષદ - ૧/૧/૯) હે બ્રહ્મ બટુ! આપ તો નમસ્કાર કરવા યોગ્ય છો. અને અતિથિ થઈને મારા ભુવને પધાર્યા છો. મને દુઃખ છે કે આપને કાંઈ પણ ખાધા-પીધા વિના ત્રણ રાત અહીં ગુજારવી પડી. આ તો મોટો અપરાધ થયો કહેવાય. અતિથિનો આદરસત્કાર થવો જોઈએ. તો હે ભૂદેવ! આ મારા અપરાધને ક્ષમા મળે અને મારું 'સ્વસ્તિ' કહેતાં કલ્યાણ થાય, તે માટે હું આપને નમસ્કાર કરું છુ _ અને ત્રણ રાતના ઉપવાસની સામે આપ મારી પાસેથી ત્રણ વરદાન માગી લો, એવી વિનંતી કરું છુ.
પ્રથમ વરદાન :
યમરાજાની ઉદાર ભાવનાથી પ્રસન્ન થયેલા બાળવિપ્ર નચિકેતાએ પ્રથમ વરની માંગણી કરતાં કહ્યું, ‘शान्तसंकल्पः सुमना यथा स्याद् वीतमन्युर्गौतमो माऽभि मृत्यो। त्वत्प्रसृष्टम् माऽभिवदेत्प्रतीत एतत् त्रयाणां प्रथमं वरं वृणे॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૦) 'હે મૃત્યુ! મારા પિતાના સંકલ્પો શાંત થાય, મારા પ્રતિ પ્રસન્નચિત્ત અને ક્રોધ રહિત થાય. અને જ્યારે હું આપની પાસેથી પાછો ઘરે જઉં તો તે મને, 'આ મારો જ પુત્ર છે' એમ ઓળખી જાય. જેમ પહેલા પ્રેમભાવ પૂર્વક મારી સાથે વાતચીત વગેરે કરતા હતા તેમ ફરી કરે. ત્રણ વરમાંથી આ જ પ્રથમ વર હું માંગું છુ .' કેટલી શુદ્ધ છે આ બાળભક્તની પિતા પ્રત્યેની ભાવના! પિતાનું અકલ્યાણ ન થાય તે માટે જ તો તેણે મૃત્યુને સમર્પિત થવાનો આગ્રહ રાખ્યો હતો. હા, સાથે સાથે આ પ્રસંગથી પિતાને થયેલા દુઃખની લાગણીને પણ તે બરાબર સમજતો હતો. આમ અહીં નચિકેતાનો પિતૃપ્રેમ અભિવ્યક્ત થઈ રહ્યો છે.
મૃત્યુદેવને આ સાંભળી સાશ્ચર્ય આનંદ થયો. કેમ? આટલી નાની ઉંમર છતાં મોટાને ન સૂઝ õ એવું આને સૂઝ્યું. સંતુષ્ટ યમરાજાએ તરત કહી દીધું,‘तथाऽस्तु।’
દ્વિતીય વરદાન :
બીજું વરદાન માગતાં પહેલાં બુદ્ધિમાન બાળબટુકે એક સ્પષ્ટતા કરી. ‘स्वर्गे लोके न भयं किंचनास्ति न तत्र त्वं न जरया बिभेति। उभे तीर्त्वाऽशनायापिपासे शोकातिगो मोदते स्वर्गलोके॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૨) સ્વર્ગશબ્દ અહીં પરમાત્માના ધામ માટે વપરાયો છે. 'હે મૃત્યુ! પરમાત્માના ધામમાં કોઈ ભય નથી. ત્યાં તો આપ પણ નથી અર્થાત્ મૃત્યુ પણ નથી. અને એટલે જ ત્યાં કોઈ વૃદ્ધાવસ્થા જેવી બાબતોનો પણ ભય નથી. એ પરમાત્માના ધામમાં તો ભૂખ-તરસ જેવા પ્રાકૃત શારીરિક દ્વંદ્વો પણ નથી. એ તો પરમાનંદમય સ્થાન છે. તેથી સર્વશોકથી પર થઈ ગયેલા મુક્તો ત્યાં આનંદ કરે છે.' તો ‘स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वँ श्रद्दघानाय मह्यम्।’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૩) 'હે યમદેવ! આપ એ પરમાત્માના ધામને પમાડે એવી અગ્નિવિદ્યાના જાણકાર છો તો તે મને પણ ભણાવો.' ‘एतद् द्वितीयेन वृणे वरेण’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૩) 'આટલું હું દ્વિતીય વરમાં માંગું છુ.' યમરાજાએ સહર્ષ સ્વીકાર કર્યો. તેઓ શિક્ષક થયા. અગ્નિવિદ્યાનો પાઠ ભણાવ્યો. સ્વતઃજાગ્રત જિજ્ઞાસામાં સાવધાની સહજ જ હોય. તેથી જે જે ભણાવ્યું તે બધું છાત્ર નચિકેતાએ એ જ રીતે પાછુ _ કહી સંભળાવ્યું. શિક્ષકનું હૃદય જિતાઈ ગયું! યમરાજા આ બાળબટુ પર વારી ગયા અને વિશેષ રાજીપો વરસાવી રહ્યા. તેમણે કહ્યું, ‘तवैव नाम्ना भवितायमग्निः सृङ्कां चेमामनेकरूपां गृहाण’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૬) 'જે અગ્નિવિદ્યા મેં તને ભણાવી. તે હવેથી તારા નામથી જ પ્રસિદ્ધ થશે. અને લે, આ સુંદર રંગોવાળી શ્રવણમધુર અને મનોહર રત્નમાળા તને આપું છુ .' આ વિશેષ લાભ હતો. નિર્લોભીને આવા લાભો સામેથી મળે. પણ નચિકેતાએ માત્ર પ્રસન્નતા વ્યક્ત કરી. રત્નમાળા તેને ખપતી ન હતી. હા, એ ખરું કે યમરાજના વરદાન સ્વરૂપે એ વિદ્યા નાચિકેત અગ્નિવિદ્યાના નામે પ્રસિદ્ધિ પામી.
તૃતીય વરદાન :
હવે નચિકેતા ત્રીજું વરદાન માંગતાં કહે છે - ‘येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके। एतद्विद्यामनुशिष्टस्त्वयाऽहं वराणामेष वरस्तृतीयः॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૦) 'હે યમદેવ! આ દુનિયામાં એક વિવાદ વારંવાર છેડાતો રહ્યો છે. એ છે મૃત્યુ પછીની વાતોનો. કેટલાક કહે છે કે મૃત્યુ થયા પછી કાંઈ જ નથી. જ્યારે કેટલાક કહે છે કે મૃત્યુ થયા પછી પણ કાંઈક છે. તો આ અંગે સ્પષ્ટ નિર્ણય આપ મને આપો. આ જ મારી ત્રીજા વરની યાચના છે.'
અહીં એક વાત સમજવા જેવી એ છે કે મૃત્યુ પછી કાંઈ છે જ નહીં અથવા હોય પણ ખરું એવી દ્વિધા નચિકેતાને જ હતી અને પૂછ્યું એવું નથી. આ પહેલાના વર માગતી વખતે જે રીતે તેણે યમરાજ સાથે વાતો કરી છે તે ઉપરથી આ વાત સમજાય છે. પરંતુ પૂછવાનો હેતુ એ છે કે લોકમાં જ્યારે પરસ્પર વિરોધી બે પ્રકારની વાતો સાંભળવા મળે ત્યારે સામાન્ય જનમાનસ મૂંઝ ëય. એમાંયે ખાસ કરીને જે ભોળા શ્રદ્ધાળુ માનવો છે તેઓને લોકમાં કહેવાતા બુદ્ધિજીવીઓ અભિમાનથી કેવળ કુતર્કને આધારે ભરમાવી દે છે. અને કેટલીક સત્ય હકીકતોને પણ કેવળ અંધશ્રદ્ધા, વેવલાઈ કે જુઠ્ઠાણું કહીને વિવાદનો વિષય બનાવી દે છે. તેથી હે યમરાજ! આપ તો મહામનીષી છો, કુશળ વક્તા છો. આપ જેને પ્રમાણ કરશો તે સૌ માનશે. આપના વચને સત્ય સિદ્ધાંત છતરાયો થશે. લોકો અસત્યને પણ ઓળખશે. શબ્દોનો આડંબર કે પછી તર્ક-વિતર્કની માયાજાળને પિછાણશે. સત્યનિષ્ઠાનું જોર વધશે. માટે હે મૃત્યુ! આપ જ મૃત્યુ પછીના જીવનનું રહસ્ય મને સમજાવો. એમ અતિ ઉમદા આશયભરી આ યાચના છે.