દ્વિતીય પ્રસ્થાન — શ્રીમદ્ ભગવદ્ ગીતા
ભગવદ્ ગીતા પ્રસ્થાનત્રયીમાં બીજું અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતવર્ષથી માંડીને દુનિયાભરના ફિલસૂફોએ આ અધ્યાત્મશાસ્ત્રને જીવનદૃષ્ટિ પામવાનું ઉત્તમ સાધન બનાવ્યું છે. તેનું ચિંતવન કરતાં તેને સમર્પિત થઈ ચૂક્યા છે. અને અત્યંત અહોભાવથી તેની સરાહના કરતા થાક્યા નથી. જેમ કે —
'ગીતા એ માનવજાતની સર્વોચ્ચ સંપત્તિ છે. 'सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि।' (ગી. ૬/૨૯) જેવાં વાક્યો વાંચી મારું હૃદય પુલકિત થઈ ઊઠે છે.' — એમર્સન.
'મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે.' — હેન્રી ડેવિડ થોરો.
'નીતિને ઉન્નતિના ટોચ પર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.' — વોરન હેસ્ટિંગ્સ્
'મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ. પરંતુ સંકટના સમયે ગીતા માતાની પાસે જવાનું શીખી ગયો છુ _. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે. હું તો ચાહું છુ _ કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહિ, પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે. એક હિંદુ બાળક કે બાલિકા માટે ગીતા વિષે ન જાણવું તે શરમની વાત હોવી જોઈએ.' — ગાંધીજી.
'મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથીય વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બન્નેનું પોષણ ગીતાના દૂધથી થયું છે.' — વિનોબા ભાવે.
‘व्यासेन ग्रथिता मध्ये महाभारतम्’
એ ખ્યાલ રહે કે ભગવદ્ ગીતા એ ભારતવર્ષનો ઐતિહાસિક અધ્યાત્મ ગ્રંથ છે. નહીં કે ઉપદેશની સરળતા માટે ઉપજાવી કાઢેલી કલ્પના. શ્રીમાન્ બાદરાયણ વ્યાસજીએ રચેલાં ૧૮ પર્વના મહાભારત અંતર્ગત ભીષ્મપર્વમાં એક ઐતિહાસિક પ્રસંગ રૂપે આ ગ્રંથને ગૂંથ્યો છે. ભીષ્મપર્વનો ૨૫મો અધ્યાય એટલે જ ભગવદ્ગીતાનો પ્રથમ અધ્યાય.
ભગવદ્ ગીતાનું સ્વરૂપ
કુલ અઢાર અધ્યાયમાં વહેંચાયેલા આ ગ્રંથમાં ૭૦૦ શ્લોકો આવેલા છે. જેમાં ૧ શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે, ૪૧ શ્લોકો સંજયના મુખે, ૮૪ શ્લોકો અર્જુનના મુખે તથા ૫૭૪ શ્લોકો શ્રીકૃષ્ણના મુખે ઉચ્ચારાયેલા છે.
ભગવદ્ ગીતાની શૈલી
ગીતા સંવાદ છે. ભક્ત અને ભગવાનના અવતારનો દિવ્ય સંવાદ. એ સંવાદ અનુષ્ટુપ્ વગેરે છંદોમાં રજૂ થયો હોવાથી કાવ્યાત્મક પણ છે. જે રજૂઆતની દૃષ્ટિએ માધુર્ય, અર્થગાંભીર્ય, ઔચિત્ય વગેરે કાવ્યના ગુણોથી પણ છલોછલ છે. અને કદાચ એટલે પણ એ માનવીના હૃદયનું કાવ્ય બની ગયો છે. હા, ગીતા સંવાદાત્મક છે તે સંદર્ભમાં એક વાત નોંધવા જેવી છે કે મહાભારતમાં આવેલો આ તૃતીય સંવાદ છે. મૂળ મહાભારત જ સંવાદાત્મક છે. જેનો મુખ્ય વક્તા વૈશમ્પાયન છે અને જન્મેજય તે સાંભળે છે. તે બન્નેના સંવાદ અંતર્ગત ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ મૂક્યો છે. અને તેમાં સંજયના મુખે આ શ્રીકૃષ્ણ તથા અર્જુનનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. આમ મહાભારતની સંવાદત્રયીનો ગીતા એ મૂર્ધન્ય સંવાદ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રતિપાદ્ય વિષય
'इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत्' 'ઇતિહાસ તથા પુરાણ વડે વેદના અર્થોની સ્પષ્ટતા કરવી, પોષણ કરવું.' એ પારંપરિક સિદ્ધાંત અનુસાર વેદ-ઉપનિષદમાં સ્થપાયેલા અર્થોનું જ સ્પષ્ટીકરણ અને પોષણ કરવું એ જ ગીતાનું કર્તવ્ય છે. એટલે એમ કહી શકાય કે ઉપનિષદમાં કહેલા બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને વિષય કરતી બ્રહ્મવિદ્યા જ ગીતામાં વધુ સ્પષ્ટ થઈ છે. ફેર એટલો જ છે કે ઉપનિષદોમાં જે તત્ત્વજ્ઞાન પરોક્ષપણે પીરસાયું છે તે જ્ઞાનનો ગીતામાં પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપમાં કલ્યાણમય સમન્વય સધાયો છે. તેથી જ તો ગીતાને બ્રહ્મવિદ્યાના શાસ્ત્રની સાથે સાથે 'યોગશાસ્ત્ર' તરીકે પણ નવાજવામાં આવી છે. પ્રત્યક્ષ પરમાત્માનો યોગ કરાવતું આ શાસ્ત્ર છે. કદાચ એટલે જ વેદ-વેદાંતાદિના ખૂબ જ ઊંડા અધ્યયન પછી પણ જે વાત કદાચ કોઈને ન સમજાય તે પ્રત્યક્ષ નારાયણના સ્વરૂપની વાત ગીતામાં ખૂબ જ સરળતાથી, વારંવાર અને નિઃસંકોચપણે અને દૃઢતાથી સમજાવવામાં આવી છે.
એથી જ તો ગીતા માટે કહેવાયું છે કે 'सर्वोपनिषदो गावो दोग्घा गोपालनन्दनः। पार्थो वत्सः सुघीर्भोक्ता दुग्घं गीतामृतं महत्॥ (ગીતા માહાત્મ્ય) — સકળ ઉપનિષદો ગાયમાતા સમાન છે. એ ગાયોનું દોહન કરનારા ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે. વળી, જેને જોઈને ગાયમાતા પારસો મૂકે તેવું વત્સલ વાછરડું એટલે પાર્થ-અર્જુન છે અને એ ઉપનિષદરૂપી ગાયમાતાનું અમૃતમય દૂધ એટલે શ્રીમદ્ભગવદ્ગીતા. જેનું બુદ્ધિશાળી ભક્તો પાન કરે છે.
વળી, બળહીનને બહાદુર બનાવી મૂકે તેવી હિંમતભરી વાતો, દેહભાવને ફગાવી મૂકે એવા આત્મભાવના ઉપદેશો, સંસાર સમુદ્રનાં તોફાનો વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞતાનું દર્શન, બંધનના મૂળસમા સત્ત્વ-રજસ્ તથા તમોગુણની અદ્ભુત છણાવટ, તે ત્રણ ગુણથી પર પરિશુદ્ધ આત્માની ગુણાતીત સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ, વળી, એવી સ્થિતિને પામીને જે કરવાનું છે - પરમાત્માની ઉપાસના, તેનું પ્રત્યક્ષપણે સ્પષ્ટ માર્ગદર્શન... વગેરે વગેરે ગીતામાં શું નથી. ખરેખર ! ગીતા ગાગરમાં સાગર છે.
ગીતા ઉપનિષદોને અનુસરે છે. તેથી તેને સ્મૃતિપ્રસ્થાન કહેવામાં આવે છે. આ સ્મૃતિપ્રસ્થાન ઉપર અનેકાનેક ભાષ્ય ગ્રંથો રચાયા છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાનાં અષ્ટ ઇષ્ટ શાસ્ત્રોમાં ભગવદ્ ગીતાને સ્થાન આપ્યું છે. (શિક્ષાપત્રી-૯૪). વળી, સમયે સમયે પોતાના ઉપદેશામૃતમાં તેના સંદર્ભો ટાંક્યા છે. ક્યાંક કોઈ ગીતાસંદર્ભોના વિશેષ મૌલિક અને રહસ્યમય અર્થ પણ સમજાવ્યા છે અને વારંવાર તેનો પાઠ પણ કરતા-કરાવતા રહ્યા છે. તેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગીતાનો આધાર લઈ ઘણું સાહિત્ય રચાયું છે. આ પરથી જ આ ગ્રંથનું આધ્યાત્મિક મૂલ્ય સમજાઈ જાય તેમ છે.