Essays Archives

ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલા સંપ્રદાયની રીતિ-નીતિને વર્ણવતાં સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે :
'સહુને પાર સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત;
નો'તી દીઠી નો'તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત...'
સંપ્રદાયના એક સંત તરીકે નિષ્કુળાનંદ સ્વામીની આ કેવળ અહોભાવની અભિવ્યક્તિ નથી, પરંતુ હજારો હૈયાંની અનુભૂતિને તેઓએ આ પંક્તિમાં ઢાળી છે.
અનેક લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયને વિવિધ દૃષ્ટિકોણથી જોયો છે અને સૌને તે વિશિષ્ટ લાગ્યો છે.
સંપ્રદાયની શુદ્ધિ અને સ્વચ્છતા પર ઓવારી જતાં કવિવર ન્હાનાલાલ લખે છે : 'એમના (શ્રીજીમહારાજના) સાંપ્રદાયિકોના સમુદાયની ઊજળામણ જગતની સપ્તરંગી જનમેદિનીના સંસારસંઘમાં ભાત પાડે એવાં છે. મંદિરો સ્વચ્છ, ઉત્સવો સ્વચ્છ, પૂજન-દર્શન સ્વચ્છ, કથા-કીર્તનો સ્વચ્છ, આચાર-વ્યવહાર સ્વચ્છ. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વચ્છતાનો સંપ્રદાય. એની ઊજળામણ જ અનોખી.'
આ સંપ્રદાયમાં જે આચારની ઊજળામણ, વિચારની પવિત્રતા અને વ્યાવહારની પ્રામાણિકતા જોવા મળતી તેનો ક્યાંય જોટો જડે તેમ નહોતો.
સ્વામિનારાયણ મંદિરના સભામંડપો બ્રહ્મચારિણી ભૂમિ કહેવાતા, જ્યાં સ્ત્રીનો પડછાયો પણ ન પડ્યો હોય. બ્રહ્મચર્યનો આવો પ્રતાપ ને પ્રભાવ પાથરતા આ સંપ્રદાયે ગુજરાતને સૌ પ્રથમ મહિલા શિક્ષિકાઓ પણ આપી છે તેય ઇતિહાસના ચોપડે નોંધાયેલી સત્ય હકીકત છે.
મર્યાદાનું પરિશુદ્ધ પાલન અને સ્ત્રી-ઉત્કર્ષની હરણફાળ અહીં લગોલગ નોંધાયાં છે.
વિખ્યાત ચિંતક કિશોરલાલ મશરૂવાળા સંપ્રદાયની અન્ય વિશેષતા નોંધતાં કહે છે કે 'અત્યંત કપરા નિયમોના અંકુશ હેઠળ ધર્મની સ્થાપના આટલી તીવ્રપણે કદી પણ જામી ન હતી. આટલા ટૂંક વખતમાં દુનિયાના કોઈપણ ધર્મમાં આટલા શિષ્યો ભળ્યા ન હતા.'
ઘણીવાર અનુયાયી વર્ગની ગુણવત્તા કરતાં અનુયાયીઓનાં ટોળાં ભેગાં કરવામાં જ ગુરુપણું સમજતા ધર્માચાર્યો સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરવા માટે ધર્મના અંકુશોને ઢીલા મૂકતા હોય છે, પરંતુ શ્રીજીમહારાજે કડક ધર્મ-નિયમ પળાવીને પણ ૨૦ લાખ સત્સંગીઓનો સમુદાય તૈયાર કરી દીધેલો, ને તેય પાછો માત્ર અઠ્ઠાવીસ વર્ષના ટૂંકા ગાળામાં ! આવું અગાઉ ક્યારેય બન્યું નહોતું.
મંદિરો તો દેશ ને દુનિયામાં ઘણાં છે પણ તેમાં સ્વામિનારાયણીય મંદિરો નોખાં. દલપતરામ લખે છે :
'બોલ્યાં મુનિજન જોઈને, નવા શિલ્પ વિદ્વાન;
નવા પ્રભુ શિખરો નવાં, નવે નવું જ નિદાન;
નવા વિદ્વાન નવા પ્રભુ એહ, નવાં શિખરોની નવી વિધિ એહ;
થશે ચતુરાનન દેખત લીન, નવીન નવીન નવીન નવીન...'
સૃષ્ટિસર્જક ચતુરાનન બ્રહ્મા પણ જે સર્જન જોતાં જ તલ્લીન થઈ જાય એવાં શ્રીજીસ્થાપિત મંદિરો હતાં.
અધ્યાત્મ, સમાજ અને લલિતકળા - આ ત્રણેય ક્ષેત્રોમાં એક સાથે અમૂલ્ય પ્રદાન એ પણ આ સંપ્રદાયની આગવી વિશેષતા છે.
સમાજમાં દેખાય છે એવું કે અધ્યાત્મને પકડીને આત્મા-પરમાત્માની મીમાંસામાં પડનારો સમાજમાં રવડતા નાગરિકોની સેવાને વીસરી જાય છે. તો સમાજસેવા માટે ભેખ લઈને વ્યક્તિ અધ્યાત્મને છેહ દઈ દે છે. કલાના નામે લાલિત્યવૃત્તિ એટલી હદે પોષાય છે કે વિલાસ અધ્યાત્મ ને સેવાવૃત્તિનો જ વિનાશ કરી મૂકે છે.
મત્સ્યવેધ કરતાંય અઘરું આ ત્રણેય ક્ષેત્રોનું યોગ્ય સંતુલન જોવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવવું પડે.
શ્રીજીએ એવા પરમહંસો તૈયાર કરેલા કે જે આત્મા-પરમાત્માના ગહન જ્ઞાનની સરળ છણાવટ પણ કરી શકતા અને સંધ્યાને સવારમાં પલટાવી દે તેવા સૂરો પણ રેલાવી શકતા. ઉત્તમ સાધુઓ, સાહિત્યકારો, સંગીતકારો અને કલાકારોથી શોભતા શ્રીજીના આ આશ્રિતવૃંદની સેવાવૃત્તિ માટે પ્રખ્યાત સ્વાતંત્ર્યવીર સ્વામી આનંદે અહોભાવ વ્યક્ત કર્યો છે કે 'સ્વામિનારાયણના પાળાઓ (પાર્ષદો) જે પરમેશ્વર પ્રીત્યર્થે જાતમજૂરીનાં કામો કરવામાં સૌથી વિશેષ ધગશવાળા હોય છે એ પાળા જ જિંદગીભર મારો આદર્શ રહ્યા છે.'
અધ્યાત્મના શિખરે જઈ પહોંચેલા સંપ્રદાયના સંતો સમાજસેવા માટે ધૂળમાં પણ રજોટાતા.
આવી આવી કંઈક વિશેષતાઓથી સભર સ્વામિનારાયણ સંપ્રદાયની એક ઓર અદકેરી વિશેષતા બતાવતાં સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે :
'રૂડી રૂડી પામ્યાં રોકડી, નહીં ઉધારાની વાત;
અમલભર્યા સહુ ઉચ્ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત્‌;
ઓશિયાળું શીદ ઓચરે, બોલે મગન થઈને મુખ;
જન્મમરણનું જીવમાં, રહ્યું નહિ જરા કેને દુઃખ.'
છતીદેહે કલ્યાણ પામ્યાની પ્રતીતિ સાથે મહાલતા ભક્તોનો માહોલ જોવો હોય તો સ્વામિનારાયણના ઘેર જ.
આ સંપ્રદાયમાં અભણ હોય કે શાસ્ત્રવેત્તા; હળ ચલાવતો ખેડૂત હોય કે રાજ્ય ચલાવતો કારભારી; ગૃહસ્થ હોય કે ત્યાગી; બાઈ હોય કે ભાઈ - સૌનાં અંતરમાં રણકતો કલ્યાણની પ્રતીતિનો રણકાર નવાગંતુકને અવશ્ય સાંભળવા મળતો.
એકવાર બ્રહ્માનંદ સ્વામી વિચરણ દરમ્યાન ભાલ દેશમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘઉંના પોંકનો સમય હતો. ખેતરોમાં ખેડૂતો પોંક પાડી રહ્યા હતા. એક ખેતરમાં કણબીના છોકરાઓ પણ પોંક પાડતા હતા. સ્વામીએ તેઓની પાસે જઈને કહ્યું કે 'છોકરાઓ ! મને પોંક આપશો ?'
ત્યારે છોકરાઓએ પૂછ્યું : 'તમને પોંક આપવાથી શું (લાભ) થાય ?'
તે વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા : 'તમારું કલ્યાણ કરું. જ્યારે તમને મરવા ïવખત થાય, ત્યારે મારી ફાંદ સંભારજ્યો...'
બ્રહ્માનંદ સ્વામીના આ ઉદ્‌ગારોમાં રમૂજ નથી પરંતુ ભારોભાર સમજ છે કે 'મારું દર્શન કરશે તે તરશે.'
તેઓના ઉદ્‌ગારોમાં મિથ્યા આશ્વાસન બંધાવી પોંક પડાવી લેવાની ચારણી ચતુરાઈ નથી પરંતુ તે શબ્દોમાં દૃઢ વિશ્વાસ રણકે છે.
...અને વર્ષો પછી બન્યું પણ એવું જ. તે છોકરાઓ જ્યારે વૃદ્ધ થયા અને તેઓનું ભવિષ્ય આવી રહ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામીની સાથે શ્રીજીમહારાજે તેઓને દર્શન આપ્યાં હતાં. તે જોઈ છોકરાઓ બોલવા લાગ્યા : 'ભલે, ફાંદાળા ભલે, તમે અમને તેડવા આવ્યા ખરા !' ને એમ બોલતાં દેહ મૂકીને ધામમાં ગયા.
શ્રીજીમહારાજના સમયમાં ઘાણલા ગામમાં મૂળી ડોશી નામનાં કુંભાર જ્ઞાતિનાં બાઈ હરિભક્ત રહેતાં હતાં. તેઓનાં જીવનમાં કલ્યાણ પામ્યાની પ્રતીતિ કેવી દૃઢ હતી તેની વાત કરતાં પ્રમુખસ્વામી મહારાજે તા. ૨૧/૧/૨૦૦૦ના રોજ ગુણાતીત દીક્ષાપર્વે પોતાની પ્રાસાદિક શૈલીમાં જણાવ્યું હતું : 'ઘાણલાની એક ડોશી હતી. સ્થિતિ સાધારણ પણ ભક્ત ખરેખરાં. એકવાર શ્રીજીમહારાજે તેઓને દર્શન આપ્યાં ને કહ્યું કે હું તને બે-પાંચ દિવસ પછી ધામમાં તેડવા આવીશ. આ વાત ડોશીએ તેના ધણીને કરી પણ ધણીને શ્રદ્ધા ઓછી એટલે તે તો કહે કે તું બેસ હવે. તને કાંઈ ભગવાન એમ થોડા તેડવા આવે એમ છે. હજી તો પબેડા જેવી છે ને પાંચ રોટલા ખાઈ જાય છે, પાંચ લાડુ ખાઈ જાય છે ને ઘમઘોળ જેવી ફરે છે તે ક્યાંથી ધામમાં જાય ? ધામમાં જવાની વેળા આવે તો અન્ન-જળ ઊઠી જાય માટે આ વાત કરીશ નહીં. લોકો જાણશે તો તારી ફજેતી થશે... એમ કહી ધણીએ તો આ વાતમાં ધ્યાન આપ્યું નહીં. પછી જ્યારે મહારાજે કહેલો દિવસ આવ્યો, ત્યારે બાઈએ ધણીને કહ્યું કે આજે તું ભલે ખેતરમાં જાય પણ અગિયાર વાગ્યે ઘેર આવી જજે. મહારાજ મને તેડવા આવવાના છે. ધણી તો વાત સાંભળી - ન સાંભળી કરતો ગયો પણ બે-ત્રણ વાર ડોશીએ વાત કરેલી એટલે તેને થયું કે લાવને જરા ઘરે જઈ જોઉં તો ખરો કે વાત સાચી છે કે નહીં ? એમ વિચારી ઘરે આવ્યો ત્યાં તો ડોશીને તાવ આવ્યો. ને તલ ફૂટે તેવું ગરમ લાલઘૂમ શરીર થઈ ગયું. ડોશીએ ધણીને કહ્યું કે તું લીંપણ કરી જમીન તૈયાર કર. તે થયું એટલે ડોશી તેના પર બેસી ને સમય થયો ત્યાં તો તેનાં અંગો શિથિલ થવા માંડ્યાં. ધણીને લાગ્યું કે આ તો ખરેખર ગઈ ! ત્યારે તેણે ડોશીની આરતી કરી ને કહ્યું કે તારાં કરમ તું ગત્યે ઘાલજે ને મારાં મારે ગત્યે. આ સાંભળી ડોશી બોલી કે 'એ તું શું બોલ્યો ? આ હાથે કરીને મેં મહારાજની સેવા કરી છે ને તે જ હાથે તેં રોટલા ખાધા છે, ને તે હાથના ગોળાનું પાણી પીધું છે. મારું તો કલ્યાણ છે પણ તું જો મારી સાથે આવી જાય તો તનેય અક્ષરધામમાં લઈ જાઉં.' આ બળની વાત, હિંમતની વાત... આ કંઈ રમતની વાત નથી. આ બનેલા પ્રસંગો છે...'
કાળા અક્ષરને કૂટી માર્યા હોય એવી અભણ બાઈ હોય કે વિદ્વત્તાથી મોટાંમોટાં રજવાડાં ગજવનાર બ્રહ્માનંદ જેવા સાહિત્યસ્વામી હોય - સૌ અહીં આનંદના સાગરમાં હિલોળતાં હતાં.
સૌનાં અંતર એક જ સૂર પડઘાવતાં હતાં :
'આજ અમૃતની હેલી થઈ, રહી નહીં કાંઈ ખોટ;
એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ...'
વર્ષોની કઠિન તપશ્ચર્યા પછી પણ સંન્યાસીઓ કલ્યાણ પામવાની પ્રતીતિથી વંચિત રહી ગયા છે. તે પ્રતીતિ શ્રીજીએ સૌને કરાવી હતી. આ જ આ સંપ્રદાયની વિશેષતા છે.
ગામ ગાધડકામાં ગોવિંદ મેરાઈ નામે શ્રીજીમહારાજનો અનન્ય ભક્ત રહેતો હતો. દરજીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે. તેણે સ્વામિનારાયણનો ધર્મ સ્વીકાર્યો, તેથી ગામના કેટલાક લોકો તેની ટીખળ-મશ્કરી કર્યા કરે.
એકવાર કો'કે તેને પૂછ્યું : 'અલ્યા ગોવિંદ ! તું આમ દિ' આખો સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કર્યા કરે છે તે તારું કલ્યાણ થયું તેમ લાગે છે ? અમથો શું મંડ્યો છે ?'
આ સાંભળતાં જ ગોવિંદ કહે : 'અરે ! તમે મારા કલ્યાણની ક્યાં વાત કરો છો ! પણ મારું સીવેલું લૂગડું જે પહેરશે અને મારા ગોળાનું પાણી જે પીશે તેનુંય કલ્યાણ થાશે. માટે કલ્યાણ કલ્યાણ શું કરો છો ?'
'અંગ ખુમારી ન ઊતરે, શ્રીહરિની સામર્થી જોઈ;
નરનારી નિર્ભય રહે, મન ભય ન પામે કોઈ;
દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમો'લ;
પેખી પ્રતાપ એ નાથનો, તેણે અંત્રે સુખ અતોલ.'
શ્રીહરિના સમર્થ આશરે બેઠેલા હરિભક્તોની જીવનશૈલી આ પંક્તિઓમાં નિષ્કુળાનંદજીએ વર્ણવી છે.
ગામ પીપળિયાના લુહાર બીજલ પટેલ તથા રણછોડ પટેલને સચ્ચિદાનંદ સ્વામી કહેતા કે 'હું જ્યારે ધામમાં જઉં ત્યારે તમે સૌ મારી કૌપીનના નેફે વળગી જજ્યો. હું તમને સૌને ઢસડીને ધામમાં લઈ જઈશ.'
પગે કરીને સીવવાનો સંચો ચલાવનાર ગોવિંદ હોય કે પગની લાતે ઇન્દ્ર પાસેથી વરસાદ વરસાવનાર સચ્ચિદાનંદ સ્વામી હોય - ગૃહસ્થ કે ત્યાગી સૌને કલ્યાણની પ્રતીતિની બાબતમાં શ્રીજીમહારાજે એક સમાન કક્ષામાં લાવીને મૂકી દીધા હતા.
કઠિન સાધના પછી પણ જે વેંતછેટું જ રહેવા સર્જાયું છે, આંખોમાં તેલ આંજીને કરાયેલાં શાસ્ત્રોના શબ્દેશબ્દના અભ્યાસ પછી પણ જે અગમ્ય જ રહેવા સર્જાયું છે, પારાયણોની પરંપરા સર્જ્યા પછી પણ કથાકારો માટે જે સદા દુર્લભ જ રહેવા સર્જાયું છે તે કલ્યાણ, તે મોક્ષ આ સંપ્રદાયમાં શ્રીજીમહારાજે સૌને હાથવગો કરી આપેલો. તેથી જ સૌ ભક્તો ગાતા રહેતા :
'શીદને રહીએ રે કંગાલ, રે સંતો...
જ્યારે મળ્યો મહામોટો માલ...'
વિશ્વમાં મોક્ષ માટે સાધના કરનારાઓની ખોટ નથી પણ સાધના અને સાધનોના સરવાળાને અંતે સૌને જીવનની બાદબાકી સિવાય કશું જ હાથ આવતું નથી.
સ્વામીશ્રી પર આવેલા એક પત્રમાં ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન માટે સાધનારત સત્યાનંદજી નામના સંન્યાસીએ મનોવ્યથા ઠાલવતાં લખેલું : 'મૈં પ્રભુકૃપાસે ૩૬ વર્ષકી ઉંમ્રમેં સાધુ બના ઔર ચાર વર્ષ સ્વર્ગાશ્રમમેં રહા. ઔર પીછે ગંગોત્રીમેં રહતા હૂં. એક શીતકાલ ગૌમુખકે પાસ રહા હૂં ઔર એક વર્ષ ગૌમુખકેભી ઉપર તપોવનમેં ભી રહા હૂં. અબ હમારી આયુ ૫૬ વર્ષકી હૈ. ગુરુસેવા, સંતસેવા કિયા. વિચારમાળા, વૈરાગ્યશતક, વિચાર ચંદ્રોદય, વિચાર સાગર, ગીતા-રામાયણ સંતો દ્વારા પઢા. યાદ ભી કિયા. ડોંગરે મહારાજકા ભાગવત ૭૦ સે ૮૦ બાર પઢા ઔર સ્વામી અખંડાનંદજીકા ભાગવત ભી ૪-૫ બાર પઢા. મેરા ઇષ્ટ શ્રીકૃષ્ણ ભગવાન હૈ ઔર મંત્ર 'ૐ શ્રીકૃષ્ણાય નમઃ' હૈ. પહલે ઉસકા રોજ એક લાખ જપ કિયા. પીછે વિષ્ણુસહસ્ર યાદ કરકે રોજ ૧૦૮ બાર કરતા થા. લગભગ ૧૦-૧૧ વર્ષ નિયમિતરૂપસે બારહ મહિના ગંગાસ્નાન ગંગોત્રીમેં કરતા રહા. આજકલ મન ઔર શરીર બહુત મંદ હૈ. મનમેં બહુત ડર લગતા હૈ કિ જીવન શાયદ પ્રભુપ્રાપ્તિ કે બિના તો નહીં ચલા જાયગા ? કૈસા ભી હોવે ભગવાન કી પ્રાપ્તિ ઈસી જન્મમેં હોવે ઐસા માર્ગદર્શન કરેં ઔર મેરી સાધનામેં ક્યા રુકાવટ હૈ વહ ભી બતાને કી કૃપા કરેં...'
એક બાજુ આવી હૈયાવરાળ ઠાલવતો સંન્યાસીસમુદાય છે, તો બીજી બાજુ શ્રીજીનો ભક્તસમુદાય છે જે હૈયાના હરખનો ગુલાલ ઉડાડતાં ગાય છે :
'કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;
ખોટ મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ.'
ક્યાંય જોવા-વાંચવા ન મળે તેવી કેફની કેફિયતો અહીં જે ઘૂંટાઈ છે તેમાં જ આ સંપ્રદાયની વિશેષતાનું સંગોપન થયું છે.
સંપ્રદાયની આ વિશેષતા એ સંપ્રદાયના નક્કર ઇતિહાસ પર ઊભી છે. અનેક સંતો-ભક્તોના મુખમાંથી નીકળેલા આ મહિમાવંતા શબ્દો એ અંધશ્રદ્ધાની આંધીમાં અટવાયેલાઓના શબ્દો નથી કે નથી મનોવશીકરણથી અભિભૂત થયેલાઓના શબ્દો. ખુમારીથી ઝળહળતા આ શબ્દો એ નથી મિથ્યા માનમોટપ મેળવવા ફૂંકેલા બણગા કે નથી પૂજાવા-મનાવા માટે ફૂટેલા ફણગા. આ તો છે પ્રગટ ભગવાનની પ્રાપ્તિના પ્રસંગથી પ્રગટેલી તેજલધારાઓ. સંપ્રદાયમાં નાના બાળકથી લઈને વડીલ પરમહંસો સહિત સૌને પ્રતીતિ હતી કે મને ભગવાન પ્રગટ મળ્યા છે. તે પ્રાપ્તિના બળે કલ્યાણની આ પ્રતીતિ પ્રગટી હતી.
તેના એક પુરાવારૂપે છે શ્રીજીના આશ્રિતોનું વ્યાવહારિક જીવન. વ્યવહાર એ કસોટીની એરણ જેવો છે. તેના પર વાતોડિયાઓની સમજણનો ક્યાસ નીકળી જાય છે. તેઓ કેટલા પાણીમાં છે તે અહીં પામી શકાય છે, માપી શકાય છે.
સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિપદે રહી ચૂકેલા અત્રે દેશ-વિદેશમાં તત્ત્વજ્ઞાનના શિક્ષિત પ્રાધ્યાપક તરીકે પંકાયેલા એક સદ્‌ગૃહસ્થના નિકટના સ્વજનનું મૃત્યુ થયું ત્યારે તેઓએ તત્ત્વજ્ઞાનને જાણે તડકે સૂકવવા મૂક્યું હોય તેવો ઘાટ થયેલો. વ્યાખ્યાનો અને પુસ્તકોમાં તેઓએ આપેલી સમજણો ક્યાંય સૂતી રહી ને પોતે અર્ધપાગલ જેવા બની ગયેલા !
...પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો-ભક્તોના હૈયે ફૂટેલા કેફના ફુવારા ગમે તેવા સાંસારિક તાપ-સંતાપથી સુકાયા નથી.
નેનપુરના દેવજી ભગતનો એકનો એક જુવાનજોધ દીકરો ધામમાં ગયો છતાં તેઓની સમજણ મૂઠી ઊંચેરી ઝળકી ઊઠી !
ખાટી છાસ ને સૂકો રોટલો જમતાં શ્રીજીના આશ્રિત ડોસાભાઈના મુખ પરનો આનંદ જોઈ ધનપતિઓનાં મોઢાં પણ ઝાંખાં થઈ જતાં હતાં. દરિદ્રતા તેઓની આંતરિક સમૃદ્ધિને અડી શકી નહોતી.
ખાવા પૂરતું ધાન મળે નહીં, પહેરવા પૂરતાં વસ્ત્રો મળે નહીં અને રહેવા યોગ્ય સ્થાન મળે નહીં તેવા સંજોગોમાં છાણ-વાસીદું ને પથરાનો વરસાદ સહન કરતાં શ્રીજીના પરમહંસોએ ગાયું છે :
'અણંચિતવી થઈ આનંદ હેલી રે, તેમાં ચાલ્યો અમૃતરસ રેલી રે;
તેમાં પડ્યા સાકરના કરા રે, વરસ્યા મોતીડાના મેઘ ખરા રે...'
ભગવાનની પ્રાપ્તિના બળે સૌની કલ્યાણની કંગાલિયત તો ટળી ગઈ હતી પણ વ્યાવહારિક કંગાલિયતેય દૂર હડસેલાઈ ગઈ હતી. સૌ બસ, રામ-અમલમાં રાતામાતા થઈને ગાતા રહેતા :
'શીદને રહીએ રે કંગાલ, રે સંતો... જ્યારે મળ્યો મહામોટો માલ...'
સદ્‌ભાગ્યે, સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિશેષતા આજે ઇતિહાસનું એક પૃષ્ઠમાત્ર નથી બની રહી.
આજે પણ કચડી નાંખે તેવા સંકટો વચ્ચે પણ ભક્તો ઉલ્લાસભેર ગાઈ રહ્યા છે :
''સહે સહે રે કોણ દુઃખ દ્વંદ્વ, શ્રીહરિ સંત મળી...''
આજે પણ દેવજી ભગતની જેમ ગોપાલભાઈ (સાંગલી) પોતાનો લાડકવાયો દીકરો ધામમાં જવા છતાં સમજણપૂર્વક સુસ્થિર રહી શકે છે.
આજે પણ ડોસા ભગતની જેમ ઠીકરિયાનો છગન ત્રણ સાંધાવાળી તાવડીમાં ધાન શેકી શેઠિયાઓના આનંદને ઝંખવાણો પાડી રહ્યો છે.
આવી સ્થિરતા તો કદાચ અન્યત્ર મળે પણ આજેય ઘાણલાની મૂળી ડોશીની જેમ અનેક બાઈ-ભાઈ અને બાળકો સુધ્ધાં કલ્યાણ થયાની પ્રતીતિ કરતાં-કરાવતાં ધામમાં જઈ રહ્યાં છે, જે બીજે જોવા નહીં મળે.
આજથી બસો વર્ષ પૂર્વે બનેલા પ્રસંગો આજે પણ બની રહ્યા છે, કારણ કે આજથી બસો વર્ષ પહેલાં અવતરેલા ભગવાન સ્વામિનારાયણ આજે પણ પ્રગટ છે, પ્રમુખસ્વામી મહારાજ દ્વારા.
આજે શ્રીજીમહારાજનું પ્રાગટ્ય ભૂતકાળ નથી બની રહ્યું એટલે તેઓએ સ્થાપેલા સંપ્રદાયની વિશેષતાઓ પણ ભૂતકાળ નથી બની રહી.
સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશેષતાઓ સૌ શ્રીજીમહારાજની હયાતીમાં જોઈ શકતા, તે સઘળી વિશેષતાઓ આજે પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં, સત્સંગમાં સૌ અનુભવી રહ્યા છે.
આપણે ભાગ્યવાન છીએ કે આપણને એ જ સત્સંગ મળ્યો છે જે સત્સંગ પાંચસો પરમહંસોને મળ્યો હતો.
આપણે ભાગ્યવાન છીએ કે આપણને આજે પ્રગટ ગુરુહરિ દ્વારા એ જ શ્રીજીમહારાજ મળ્યા છે જે મહારાજ પર્વતભાઈ અને દાદાખાચર જેવા ભક્તોને મળ્યા હતા.
તો ચાલો, આપણે પણ આધ્યાત્મિક અને વ્યાવહારિક કંગાલિયતને ખંખેરીને પરમહંસોના સૂરમાં સૂર મેળવી લલકારીએ :

'શીદને રહીએ રે કંગાલ, રે સંતો...
જ્યારે મળ્યો મહામોટો માલ...'


પગે કરીને સીવવાનો સંચો ચલાવનાર ગોવિંદ હોય કે પગની લાતે ઇન્દ્ર પાસેથી વરસાદ વરસાવનાર સચ્ચિદાનંદ સ્વામી હોય - ગૃહસ્થ કે ત્યાગી સૌને કલ્યાણની પ્રતીતિની બાબતમાં શ્રીજીમહારાજે એક સમાન કક્ષામાં લાવીને મૂકી દીધા હતા.
----------
સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશેષતાઓ સૌ શ્રીજીમહારાજની હયાતીમાં જોઈ શકતા, તે સઘળી વિશેષતાઓ આજે પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં, સત્સંગમાં સૌ અનુભવી રહ્યા છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS