બ્રાહ્મી સ્થિતિ યોગ અધ્યાય - ૨
પાર્થસારથિનું પાર્થદર્શન
ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયના આરંભે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે -
‘तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्।
विषीदन्तमिदं वाक्यमुवाच मघुसूदनः॥'
આ રીતે મોહથી ઘેરાયેલા, ખેદ કરતા, અને આંસુઓથી ભરેલ વ્યાકુળ નેત્રવાળા તે અર્જુનને મધુસૂદન શ્રીકૃષ્ણે આ પ્રમાણે વચન કહ્યું. (ગીતા ૨/૧)
પાર્થસારથિએ કરેલું આ પાર્થદર્શન છે. દૃષ્ટિની ગહનતાનું અહીં પ્રતિબિંબ પડ્યું છે. રણમેદાને આ ઘટના ઘટી રહી હશે ત્યારે વિપરીત સંજોગોમાં સપડાયેલા અર્જુનના દ્રષ્ટા થવાની તક તો ઘણાખરાને મળી હશે, પરંતુ શ્રીકૃષ્ણની દૃષ્ટિ જેટલું પારખી શકી છે તેટલું કોઈ પારખી શક્યું નથી. અર્જુન રડતો હતો. લગભગ બધાની નજરે આ નોંધ્યું હશે. એથી આગળ જઈને તે शोकसंविग्नमानसः છે, કહેતાં તેનું મન શોકથી ઉદ્વિગ્ન છે એ વાત કેટલીક વિચારશીલ વ્યક્તિઓ જ જોઈ શકી હશે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની દૃષ્ટિ તેથી પણ ઊંડું જુએ છે. શ્રીકૃષ્ણ ભગવાનની દૃષ્ટિએ અહીં અર્જુનની ત્રણ બાબતોની નોંધ લીધી છેઃ (૧)अश्रुपूर्णाकुलेक्षणम् કહેતાં તે રડી રહ્યો છે. (૨)विषीदन्तम् કહેતાં તે ખેદ કરી રહ્યો છે. અને (૩)कृपयाविष्टम् કહેતાં અર્જુન મોહથી ઘેરાયેલો છે. અશ્રુભીની આંખો અને ખેદની સાથે સાથે અર્જુનના મોહને પણ તેઓ જોઈ રહ્યા છે. જાણે અર્જુનનું અંતર્બાહ્ય સંપૂર્ણ ચિત્ર શ્રીકૃષ્ણની આંખોમાં ઊપસી આવ્યું છે!
તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ તો શ્રીકૃષ્ણનું આ પાર્થદર્શન ખરેખર અચરજ અને અહોભાવ પમાડી જાય તેવું છે. ભારતવર્ષનાં તાત્ત્વિક શાસ્ત્રોમાં જીવાત્માની બદ્ધાવસ્થાનું સચોટ નિરૂપણ થયું છે. માયાથી બદ્ધ કોઈ પણ જીવાત્માને જ્યારે મનુષ્યાદિનો દેહ મળે છે ત્યારે તે આત્મા માયાનાં ત્રણ શરીરોથી ઘેરાયેલો હોય છે. તેમાં એક સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર.
ભગવદ્ ગીતાની તાત્ત્વિક ગહનતાને સમજવા આ ત્રણ શરીરોની સામાન્ય જાણકારી મેળવી લઈએ.
સ્થૂળ શરીર
સ્થૂળ શરીર એટલે આપણું પાંચભૌતિક શરીર. સ્થૂળ રીતે આપણે તેનો અનુભવ કરી શકીએ. આ શરીરને આપણે નજરે જોઈ શકીએ. તેનાં રૂપરંગનું વર્ણન કરી શકીએ. જેમ કે કોઈ શરીર કાળું હોય, કોઈ ધોળું હોય તો કોઈ ઘઉંવર્ણું હોય. તેની ક્રિયાઓને નિહાળી શકીએ. જેમ કે કોઈ બેસતું હોય, બોલતું હોય, હસતું હોય, કોઈ આંસુઓ સારતું હોય. વળી આ સ્થૂળ શરીરનાં આપણે વજન કે ઊંચાઈ માપી શકીએ. અને તેનો સ્પર્શ પણ અનુભવી શકીએ.
સૂક્ષ્મ શરીર
મન, બુદ્ધિ, ચિત્ત, વગેરે આપણું સૂક્ષ્મ શરીર છે. એટલે જ સ્થૂળ શરીરની જેમ આ સૂક્ષ્મ શરીરને નરી આંખે આપણે જોઈ ન શકીએ. તેનાં રૂપરંગનું વર્ણન કરી ન શકીએ. આમ છતાં પાંચભૌતિક સ્થૂળ શરીર કરતાં આ સૂક્ષ્મ શરીર વધુ બળવાન છે અને તેને પ્રભાવિત કરી શકે છે. સારા કે નરસા જે કોઈ વિચારો આપણે કરીએ છીએ, નિર્ણયો કરીએ છીએ, મનન-ચિંતવન વગેરે કરીએ છીએ તેમાં આ સૂક્ષ્મ શરીરનો જ ઉપયોગ કરીએ છીએ.
આ સૂક્ષ્મ શરીર સ્થૂળ દેહ સાથે વિશિષ્ટ પ્રકારે સંબંધ ધરાવે છે. જેમ કે સૂક્ષ્મ દેહ સમા અન્તઃકરણમાં સારું કે નરસું જે કાંઈ આપણે વિચાર્યું હોય, નિર્ણયો કર્યા હોય, કે પછી જેવું મનન-ચિંતવન થયું હોય તે પ્રમાણે સ્થૂળ દેહે આચરણ કરવા પ્રેરાઈએ છીએ. તેના ફળ સ્વરૂપે જ પછી અંતરમાં હરખ કે શોકની લાગણીનો અનુભવ કરીએ છીએ. અને આ જ હરખ કે શોક ફરી સ્થૂળ દેહમાં હાસ્ય, નૃત્ય, ગાયન, પ્રલાપ કે રુદન આદિ રૂપે અભિવ્યક્ત કરીએ છીએ. આમ આ સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહ સાથે એક વિશિષ્ટ પ્રકારની ભૂમિકા ભજવે છે.
કારણ શરીર
કારણશરીર! દુઃખમાત્રનું કારણ એટલે કારણશરીર. આ જીવ માટે જે જન્મ-મરણરૂપી બંધનનું કારણ બને તે જ કારણ શરીર. વાસના કે પછી કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સ્વભાવો રૂપે વળગેલી માયા જ દુઃખનું કારણ છે, જન્મ-મરણનું કારણ છે. તેથી આ વાસના કે આ સ્વભાવો રૂપે અનુભવાતી માયા જ જીવનું કારણશરીર છે. અનાદિ કાળથી આ માયા જીવને કારણશરીર રૂપે વળગી છે. અને આ કારણ શરીરમાંથી જ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના ઘાટ ઘડાય છે. જેવી જેની વાસના એવા એના મનના વિચારો. અને જેવા મનના વિચારો તેવું તેનું વર્તન. આ રીતે આપણા આંતર્બાહ્ય સમગ્ર જીવન સાથે આ કારણ શરીર વિશિષ્ટ રીતે સંકળાયેલું છે અને આપણાં દુઃખમાત્રનું કે બંધનમાત્રનું મૂળ બનીને રહ્યું છે. આથી સંસારનાં દુઃખોમાંથી કે બંધનોમાંથી છુ ટકારો મેળવવા સર્વ પ્રથમ તો તેનાં મૂળને એટલે કે આ કારણશરીરને જાણવું પડે, તેનાથી છૂટા પડવું પડે.
અહીં ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનનાં ત્રણેય શરીરોનું એક સાથે અવલોકન કર્યું છે :-
(૧)अश्रुपूर्णाकुलेक्षणम् કહેતાં આંસુભરેલ વ્યાકુળ નેત્રોવાળો. આ શબ્દમાં અર્જુનના સ્થૂળ શરીરનું અવલોકન થયું છે. (૨)विषीदन्तम् કહેતાં શોક કરતો. આ શબ્દ દ્વારા તેના સૂક્ષ્મ શરીરનું એટલે કે મનનું અવલોકન થયું છે. અને (૩)कृपयाविष्टम् કહેતાં મોહ-માયાથી ઘેરાયેલો. આ તેના કારણ શરીરનું નિદર્શન છે.
ખરેખર! ભગવાન શ્રીકૃષ્ણ અહીં કેવળ કુશળ શરીરચિકિત્સક જ નથી, કે પછી કેવળ મનોચિકિત્સક જ નથી, પરંતુ તેઓ તો અહીં તેથી પણ આગળ જઈને એક અદકેરા અધ્યાત્મચિકિત્સકની ભૂમિકા ભજવી રહ્યા છે. અર્જુન રોગી છે, અધ્યાત્મનો રોગી છે. રડવું એ એના રોગનું સ્થૂળ ચિહ્ન છે. પણ અમસ્તું જ કોઈ રડે નહીં. અર્જુનના રુદનનું કારણ છે એના મનનો વિષાદ. અર્જુનના મનમાં વિષાદ છે એટલે તે રડે છે. આ વિષાદ તેના રોગનું સૂક્ષ્મ ચિહ્ન છે, પરંતુ એના મનમાં જાગેલા વિષાદનું પણ કારણ અહીં શ્રીકૃષ્ણ ભગવાન પામી ગયા છે. તે છે તેનો મોહ. આ મોહ જ તેના રોગનું મુખ્ય કારણ છે. આ મોહ જ મનમાં વિષાદ રૂપે અને આંખોમાં આંસુ રૂપે અભિવ્યક્ત થયો છે.
આમ દર્દીના દર્દની સાથે સાથે તેના દર્દના કારણને પણ ભગવાને પારખી લીધું છે. હવે શ્રીકૃષ્ણ એના ઉપચારનું ચિંતન કરી રહ્યા છે.
પ્રસન્ન પાર્થની પરિકલ્પના
સાચા અને સારા ચિકિત્સકની એક ખાસિયત હોય છે કે તે રોગીના દુઃખમય વર્તમાનચિત્રની સાથે સાથે તેનું ભવિષ્યચિત્ર પણ કલ્પી લે છે. આ ચિત્રમાં તેનું નીરોગી અને પ્રસન્ન જીવન અંકિત થયેલું હોય છે. ભલે અર્જુન અત્યારે મોહવ્યાધિથી જકડાઈને ખેદ કરી રહ્યો છે. રડી રહ્યો છે. પરંતુ શું શ્રીકૃષ્ણે ગીતામાં પાર્થના ભવિષ્યચિત્રની પણ પરિકલ્પના કરી હશે કે જે પરિકલ્પનામાં પાર્થની નીરોગી અને પ્રસન્ન છબિ અંકિત થયેલી હોય? ભગવદ્ ગીતાના અંતિમ ભાગમાં આ જિજ્ઞાસા સંતોષાય છે. અઢારમા અધ્યાયનો ચોપનમો શ્લોક એ છબિનાં દર્શન કરાવે છે. શ્લોકના શબ્દો છે - ‘ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति।’ અર્થાત્ જે બ્રહ્મરૂપ થાય છે તે પ્રસન્નાત્મા બની જાય છે. તે ક્યારેય શોક કરતો નથી. ક્યારેય કોઈ લૌકિક અપેક્ષા રાખતો નથી.
બ્રહ્મરૂપ થવું એટલે અક્ષરબ્રહ્મ જેવા થવું. માયાના ભાવોથી મુક્ત થવું. ગુણાતીત થવું. જેને વિષાદની પીડાઓથી મુક્ત થવું હોય, આત્મામાં પ્રસન્નતાની અનુભૂતિ કરવી હોય, તેણે બ્રહ્મરૂપ થયા વગર છૂટકો નથી. પાર્થ મોહગ્રસ્ત છે એટલે વિષાદી છે. શોક કરે છે. રડે છે. પણ જો તેનો આત્મા ब्रह्मभूतः કહેતાં બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી લે, અક્ષરબ્રહ્મભાવે અંકિત થઈ જાય, માયાના ભાવોથી મુક્ત થઈ જાય, ગુણાતીત થઈ જાય, તો તુરંત જ प्रसन्नात्मा ના વરદાનનો અધિકારી બની જાય. न शोचति न काङ्क्षति ની ભૂમિકા પ્રાપ્ત કરી લે અને રડવાનું રહે નહીં. એટલું જ નહીં પરંતુ नैनां प्राप्य विमुह्यति અર્થાત્ તે ફરી ક્યારેય પણ મોહ નહીં પામે.
બસ, આથી જ મોહગ્રસ્ત પાર્થને આ બ્રહ્મરૂપતાનાં આધ્યાત્મિક ઓસડ પાવાનો નિર્ધાર હવે શ્રીકૃષ્ણ ભગવાને કરી લીધો છે.
પાર્થના સ્થાને પોતાની જાતને મૂકી અહીં થોડું ચિંતન કરવા જેવું છે. પાર્થ એટલે પૃથાપુત્ર અર્જુન. તે તો ખરું, પણ પાર્થ શબ્દનો બીજો અર્થ થાય પૃથ્વીમાંથી જન્મેલો. આપણે મનુષ્યમાત્ર પૃથ્વીમાંથી જન્મ્યા છીએ એટલે આપણે પણ પાર્થ કહેવાઈએ. આપણે આજે મોહગ્રસ્ત અવસ્થામાં પીડાઈએ છીએ. વિષાદથી ઘેરાયેલા છીએ. રડીએ છીએ. પાછા પડીએ છીએ. એટલે અર્જુનની સાથે સાથે આપણે પણ આ બ્રહ્મભાવના ઓસડના ઘૂંટ ભરી લેવા જોઈએ.
આમ બ્રહ્મભાવરૂપી અધ્યાત્મની સર્વોચ્ચ સ્થિતિએ પાર્થને પહોંચાડવા શ્રીકૃષ્ણ હવે એક પછી એક આવશ્યક સારવાર આપવાનો આરંભ કરે છે. તેમાં પ્રથમ સારવાર છે - હિંમતની.
कुतस्त्वा? - આવું તને ક્યાંથી ?
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું - ‘कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टम् अस्वर्ग्यम् अकीíतकरम् अर्जुन॥’ હે અર્જુન! કોઈ પણ શ્રેષ્ઠ પુરુષ જેનું આચરણ ન કરે, વળી, જે સ્વર્ગને પણ પમાડી ન શકે, ઉપરાંત જે કીર્તિકર પણ નથી એવી આ કલુષતા, કહેતાં મલિનતા તને આમ કટાણે ક્યાંથી ઉપસ્થિત થઈ! (ગીતા ૨/૨)
ભગવાને સ્વયં અહીં અર્જુન સમક્ષ પોતાનું આશ્ચર્ય ઉદ્ઘાટિત કર્યું છે. અર્જુન શબ્દનો અર્થ થાય છે - સ્વચ્છ, નિર્મળ અંતઃકરણવાળો. શ્રીકૃષ્ણને નવાઈ લાગે છે કે પાર્થના સ્વચ્છ અને નિર્મળ એવા અંતઃકરણમાં આ મલિનતા કઈ રીતે પ્રવેશી ગઈ! અને તેથીયે વધુ આશ્ચર્ય તો એ વાતનું થયું કે અર્જુન જે કાર્યને શ્રેષ્ઠ આચરણ માનતો હતો, ખરું જોતાં તો તે કાર્ય જ अनार्यजुष्टम् કહેતાં શ્રેષ્ઠ પુરુષો જેનું આચરણ ન કરે તેવું હતું. અર્જુને યુદ્ધ કરીશું તો સ્વર્ગગતિ નહીં મળે એવા વિચારે યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો હતો, પણ હકીકતમાં તો તે નિર્ણય જ अस्वर्ग्यम् કહેતાં સ્વર્ગ નહીં આપનારો હતો. અર્જુનને યુદ્ધ અપકીર્તિ કરનારું લાગ્યું તેથી તે યુદ્ધવિમુખ થવા ઇચ્છતો હતો, પરંતુ વસ્તુતાએ તો આ યુદ્ધવિમુખતા જ अकीíतकरम् કહેતાં કીર્તિને નહીં કરનારી હતી. આમ અર્જુન જેવા અર્જુનના વિચારો અને નિર્ણયો પણ અણીના સમયે આમ તદ્દન વિપરીત દિશામાં દોડી રહ્યા છે તે વાત શ્રીકૃષ્ણને અચંબો પમાડી જાય છે. તેથી તેઓના મુખે ઉપરોક્ત શબ્દો સરી પડે છે.
આટલું કહી ભગવાને તેને એક અગત્યની વાત કરી - उत्तिष्ठ परंतप હે શત્રુઓને તપાવનાર! તું ઊભો થા. ‘क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप॥’ હે પૃથાનન્દન અર્જુન! તું નપુંસકતાને પામીશ નહીં. આ તને શોભતું નથી. હે શત્રુઓને તપાવનાર! ક્ષુદ્ર એવી હૃદયની દુર્બળતાને ત્યજીને તું ઊભો થા. (ગીતા ૨/૩)
कैल्ब्यम् એટલે નપુંસકતા, બળહીનતા. નપુંસક વ્યક્તિ થકી સંતતિરૂપ ફળની આશા રાખવી વ્યર્થ છે. તેમ અર્જુનના નિર્ણયો ભલે તેને યોગ્ય લાગતા હોય, પરંતુ શ્રીકૃષ્ણના મતે તો તે વ્યર્થ હતા, નિષ્ફળ હતા. જોકે અર્જુન અને નિર્બળતા - આ બંનેનો સહવાસ કલ્પી શકાય તેવો નથી. તેનામાં શરીરબળની લેશમાત્ર ખામી ન હતી. તેને શત્રુઓનો પણ ભય ન હતો. તેનું બુદ્ધિબળ પણ વિશાળ હતું. સમરનીતિમાં તેની પ્રજ્ઞા કુશાગ્ર હતી. તેમ છતાં અહીં અર્જુનની નિર્બળતા વિલક્ષણ છે. એ આજે હૃદયની નિર્બળતાનો શિકાર બન્યો છે. અંદરથી ભાંગી પડ્યો છે. પોતે કલ્પી લીધેલાં પાપ અને અધર્મના ભયથી આતંકિત થઈ ગયો છે. આથી તે પોતાના કર્તવ્યધર્મને ભૂલી બેઠો છે. શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનના કર્તવ્યધર્મને સારી રીતે જાણે છે. તેઓ એ પણ જાણે છે કે કર્તવ્યપાલન માટે કેવળ શારીરિક શક્તિ કે કેવળ બૌદ્ધિક ક્ષમતા પૂરતી નથી. એના માટે જરૂરી છે આંતરિક હિંમતની. અંદરથી હિંમત હારી ગયેલ મનુષ્યની શારીરિક તાકાત કે બૌદ્ધિક શક્તિ નિર્વીર્ય બની જાય છે. નિષ્ક્રિય થઈને પડી રહે છે. આવી જ કોઈક પરિસ્થિતિમાં આજે અર્જુન સપડાઈ ગયો છે. નિર્બળતાએ અચાનક તેને કબજે કરી લીધો છે. તેથી આ શ્લોકમાં क्लैब्यं मा स्म गमः એમ નપુંસકતા છોડવાની વાત કરીને ભગવાને તેની આંતરિક નિર્બળતા ઉપર પ્રહાર કર્યો છે. તેમાં હિંમતના પ્રાણ પૂર્યા છે.
અર્જુનને આમ નામર્દાઈ છોડવાનું કારણ દર્શાવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - नैतत् त्वयि उपपद्यते અર્થાત્ હે અર્જુન! તને આ શોભતું નથી.
ભગવાન અહીં તેને તેનું પુરુષાતન યાદ કરાવે છે. તેની અસ્મિતાને જગાડે છે. તેની ભૂમિકાનું ભાન કરાવે છે. જાણે કૃષ્ણ તેના અસલી સ્વરૂપનો નિર્દેશ કરી રહ્યા છે કે હે અર્જુન! તું કોણ છે? કોનો છે? તારી જવાબદારીનો વિચાર કર. તારા સામર્થ્યનો વિચાર કર. હે પાર્થ! તું તો મહાશક્તિશાળી ક્ષત્રિય વીર છે. તારો જન્મ થતાં જ તો આકાશવાણી થયેલી કે આ સમસ્ત ક્ષત્રિય-સમૂહમાં શિરમોડ થશે. વળી, તું યાદ કર તારી શૂરવીરતાને કે તેં એકલાએ રંગભૂમિમાં પોતાનું અસ્ત્રકૌશલ દર્શાવી સૌને ઝ ë_ખા પાડી દીધા હતા. તેં જ ખાંડવદાહ વખતે ઇન્દ્રને હરાવ્યો હતો. તેં જ ગ્રાહ થકી આચાર્ય દ્રોણને બચાવ્યા હતા. અને આવાં તો કેટકેટલાંય કીર્તિમાનોને તું પહેલાં જ પ્રાપ્ત કરી ચૂક્યો છે. તેથી હે અર્જુન नैतत्त्वयि उपपद्यते તારા જેવાને આ શોભા દે તેવું નથી.
વળી, હે પાર્થ! કર્તવ્યનું ભાન ભૂલીને લાગણીઓને વશ વર્તવું એ તો હૃદયની નિમ્ન કક્ષાની દુર્બળતા છે. માટે હે પરંતપ! કહેતાં શત્રુઓને તપાવનાર! આવી હલકી દુર્બળતાને તું છોડ અને તારા કર્તવ્યપાલન માટે ઊભો થા.
અહીં परंतप અર્થાત્ હે શત્રુઓને તપાવનાર! એ અર્જુન માટેનું સંબોધન પણ આપણને એક નવો દૃષ્ટિકોણ આપી રહ્યું છે. શ્રીકૃષ્ણ રડતા, અને હિંમત હારી ગયેલા અર્જુનને 'હે રોતલ, હે બાયલા' એમ નથી સંબોધતા. પણ 'હે શત્રુઓને તપાવનાર' એમ સંબોધે છે. ભલે અત્યારે અર્જુન રડે છે, છતાં સાથે સાથે તેમાં તે જ સમયે શ્રીકૃષ્ણ તેની મૂળ શક્તિને પણ જોઈ શકે છે. કોઈ ઢળી પડેલાને ઊભો કરવા શ્રીકૃષ્ણનું આ વલણ કેટલું દિશાસૂચક છે!
આમ પાર્થસારથિએ પાર્થને પ્રથમ તો પુરુષાતનનાં પીયૂષ પાયાં. ત્યાર પછીની વાત હવે આવતા અંકે. અસ્તુ.