Essays Archives

અર્જુનવિષાદ-યોગ

અધ્યાય - ૧

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મંગલ પ્રારંભ યુદ્ધના મેદાનમાં થયો હતો - ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ! કુરુક્ષેત્રમાં એ મહાયુદ્ધના વીર નાયક અર્જુનના હૈયામાં યુદ્ધ પહેલાં જ એક વિષાદ-યુદ્ધનો પ્રારંભ થાય છે, એ વિષાદ પણ અહીં એક યોગ બની જાય છે.
ભૂમિકા :
યુધિષ્ઠિર જુગાર રમ્યા. હાર્યા. મામા શકુનિની કપટબુદ્ધિએ પાંડવોનું સર્વસ્વ લૂંટી લીધું. બાર વર્ષ સુધી વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ કરવા પાંડવોને આદેશ થયો. પાંડવોએ તેમ કર્યું. વનવાસ અને અજ્ઞાતવાસ પૂર્ણ થતાં તેઓ પાછા આવ્યા. પૂર્વે નક્કી થયા મુજબ પોતાના અધિકારનું અડધું રાજ્ય પાછુ _ માગ્યું, પરંતુ કુબુદ્ધિ દુર્યોધન તેમાં સહમત ન થયો. ઘણા બધાએ તેને સમજાવ્યો, પણ અણસમજુને કાંઈ અસર ન થઈ. છેવટે શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં તેને સમજાવવા પ્રયત્ન કર્યો. અને અડધું નહીં તો પા ભાગનું રાજ્ય આપવા વિનંતી કરી. દુર્યોધન ટસથી મસ ન થયો. શ્રીકૃષ્ણે ફરી કહ્યું કે 'હે 
ધૃતરાષ્ટ્ર! દુર્યોધન! આ પાંડવો પણ કુરુવંશના રાજવીઓ છે. કાંઈ નહીં તો તેઓને કેવળ પાંચ ગામ આપી દઈશ તોય તેમનું સ્વમાન સચવાઈ જશે.'

પરંતુ દુર્યોધનની જડતાને કાંઈ અસર કરે તેમ ન હતું. તેણે ચોખ્ખું સંભળાવી દીધું -


'यावद्धि तीक्ष्णया सूत्व्या विध्येदग्रेण केशव।
तावदप्यपरित्याज्यं भूमेर्नः पाण्डवान् प्रति॥'
(મ.ભા.ઉ.પ. - ૧૨૭/૨૫)


હે કેશવ, પાંચ ગામની ક્યાં વાત કરો છો! અમે તો પાંડવોને સોયના અગ્રભાગ જેટલી ભૂમિ પણ આપવાના નથી. અને એમ છતાં પાંડવો ભૂમિનો અધિકાર ઇચ્છતા હોય તો તેઓ યુદ્ધ માટે તૈયાર રહે.
બસ, આ રીતે યુદ્ધનો નિર્ણય થઈ ગયો. બંને પક્ષે તૈયારીઓ થવા લાગી. પ્રશ્ન આવ્યો સમરભૂમિનો! યુદ્ધ ક્યાં કરવું? ઉભય પક્ષના ધર્મજ્ઞ અને અનુભવી વડીલો આ અંગે ચર્ચા માટે ભેગા થયા. સમરભૂમિ ધર્મભૂમિ હોવી જોઈએ એવું સર્વાનુમતે નક્કી થયું. જેથી યુદ્ધમાં તે સ્થળે મરનારને પણ સદ્ ગતિ મળે.
કુરુક્ષેત્ર નામનો પ્રદેશ ધર્મક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ હતો. કારણ, આ સ્થળે પૂર્વે દેવતાઓએ યજ્ઞયાગાદિ ધર્મકાર્યોં કર્યાં હતાં. વળી, અહીં પૂર્વે કુરુ નામના રાજાએ તપસ્યા કરી હતી. યજ્ઞાદિ ધર્મકાર્યોં કર્યાં હતાં. ખુદ ઇંદ્રદેવ પણ કુરુની આ ધર્મપરાયણતા જોઈ પ્રસન્ન થયા હતા અને આ સ્થળને સ્વર્ગ સાથે જોડી આપ્યું. અને આ સ્થળે મૃત્યુ પામનારને સ્વર્ગગતિનું વરદાન મળ્યું. ત્યારથી આ ભૂમિ ધર્મક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ પામી.
વળી, એમ પણ કહેવાય છે કે સકળ પ્રજાના હિત માટે રાજા કુરુએ અહીં હળ ઉપાડી ખેતી કરી હતી. તેથી આ ભૂમિ કુરુક્ષેત્ર અર્થાત્ રાજા કુરુનું ખેતર એવા નામે પ્રસિદ્ધ થઈ.
આમ, આ ભૂમિનો ઇતિહાસ રાજા કુરુના ધર્મમય જીવન સાથે પણ સંકળાયેલો હોઈ આ ક્ષેત્રને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે.
આ રીતે ધર્મક્ષેત્ર એવું કુરુક્ષેત્ર યુદ્ધ-સ્થાન તરીકે પસંદ થયું. કુરુક્ષેત્રમાં સમરસામગ્રીઓ ખડકાવા લાગી. મહાસંગ્રામના આરંભની ક્ષણો નિકટ આવવા લાગી.
બસ, આ આરંભની ક્ષણોમાં જે ઘટનાઓ ઘટી તેમાં ભગવદ્-ગીતાની ભૂમિકાએ આકાર લીધો છે.
घृतराष्ट्र उवाच - ધૃતરાષ્ટ્ર બોલ્યા ! :
ગીતાગ્રંથ ઉઘાડીએ ને પહેલું જ વાક્ય વંચાય - ‘घृतराष्ट्र उवाच!’ ધૃતરાષ્ટ્ર બોલ્યા!
આશ્ચર્ય છે, ગીતા જેવા મહાન શાસ્ત્રના શ્રીગણેશ ‘श्रीभगवान् उवाच’ એમ નહીં થતાં ‘घृतराष्ट्र उवाच’ એમ થાય છે!!
ધૃતરાષ્ટ્ર - ‘घृतं राष्ट्रं येन सः' એમ આ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. કોઈકનું રાજ્ય પડાવી લેનાર! જન્મભર અંધ રહ્યા ને હવે મહાસંહાર જોવાની ઇચ્છા થઈ! જ્ઞાની સંજય જાણે ધૃતરાષ્ટ્રની આંખો હતા! ધૃતરાષ્ટ્ર જે ઇચ્છા વ્યક્ત કરે તે પ્રસંગનું સંજય એટલું આબેહૂબ વર્ણન કરે કે અંધ ધૃતરાષ્ટ્રને નેત્રહીનતાનો અફસોસ વીસરાઈ જાય. ગીતાના આરંભે ધૃતરાષ્ટ્રે પૂછ્યું -


'घर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।
मामकाः पाण्डवाश्र्चैव किमकुर्वत संजय॥'


'હે સંજય! ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં એકત્રિત થયેલા, યુદ્ધની ઇચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું?'
(ગીતા ૧/૧)
मामकाः पाण्डवाश्र्च - મારા પુત્રો અને પાંડુના પુત્રો
શબ્દો મનોવૃત્તિના પરિચારક હોય છે. આપણે બોલીએ છીએ ત્યારે તેમાં આપણા મનના ભાવો, આપણું આંતરિક વલણ પણ સાથે સાથે અભિવ્યક્ત થઈ જતું હોય છે.
'मामकाः पाण्डवाश्र्च' એમ ધૃતરાષ્ટ્ર બોલ્યા અને તેમના મનોભાવોની અભિવ્યક્તિ થઈ ગઈ! मामकाः એટલે મારા પુત્રો અને पाण्डवाः એટલે પાંડુના પુત્રો. અહીં પક્ષપાતી હૃદય ઉઘાડું પડે છે. દુર્યોધન વગેરે જ મારા પુત્રો છે. અર્જુન વગેરે મારા પુત્રો નથી, તે તો પાંડુના પુત્રો છે. એમ કહી તે નાના ભાઈના જ પુત્રોને છૂટા પાડી દે છે. ખરેખર, નેત્રાંધતા કષ્ટમય હોય તે તો જાણે સમજી શકાય, પણ મોહાંધતા ધૃતરાષ્ટ્રની કરુણતા છે. જે પાંડવોએ કાયમ તેમને પિતાતુલ્ય આદર આપ્યો છે, તેમની આજ્ઞા પાળી છે, તે પાંડવો પ્રત્યે જ ધૃતરાષ્ટ્ર ભેદભાવી વલણ અપનાવે છે. તે પાંડવોને પોતાના પુત્ર તુલ્ય આદર આપી તેમને અપનાવી શકતા નથી. આ પક્ષપાતી વલણને આપણે 'मामकाः વૃત્તિ' કહી શકીએ. ધૃતરાષ્ટ્રની આ मामकाः વૃત્તિનું પરિણામ પણ કેટલું ઘોર અને કરુણ આવ્યું? ભલે રાજકુટુંબ હતું, પરંતુ સતત કચકચ ને કંકાસ જ રહ્યાં! સતત સંતાપ અને સંઘર્ષ જ ચાલ્યો! સતત અસંતોષ ને અજંપો જ રહ્યો! ને અંતે થયો સર્વનાશ! જ્યાં પક્ષપાત હશે ત્યાં બધું વણનોતર્યું આવી જ જાય. એટલે જ વ્યાસજીએ આ સર્વનાશમાં દુર્યોધન વગેરે ઘણાને જવાબદાર ગણાવ્યા છે, પરંતુ તે બધાના મૂળમાં ધૃતરાષ્ટ્રને મૂક્યા છે. એક રૂપક દ્વારા આ વાત તેઓ સમજાવે છે

‘दुर्योघनो मन्युमयो महाद्रुमः कर्णः स्कन्घः शकुनिस्तस्य शाखाः।
दुःशासनः पुष्पफले समृद्धे मूलं राजा घृतराष्ट्रोऽमनीषी॥’

'દુર્યોધન અભિમાનરૂપી મહાવૃક્ષ છે. કર્ણ તેનું થડ છે. શકુનિ તેની શાખાઓ છે. દુઃશાસન તે વૃક્ષના સમૃદ્ધ પુષ્પ અને ફળ છે, પરંતુ તેનું મૂળ તો દુષ્ટબુદ્ધિ ધૃતરાષ્ટ્ર છે.' (મ.ભા.આ.પ. - ૧/૬૫)
આમ, ધૃતરાષ્ટ્રની પક્ષપાતભરી જિજ્ઞાસાથી શ્રીભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયનો આરંભ થાય છે. હવે સંજયે તેમને શું સંભળાવ્યું તે જાણીએ.
संजय उवाच - સંજય બોલ્યા :
સંજય ધૃતરાષ્ટ્રના ભીતરના ભાવોને સારી રીતે જાણે છે. ધૃતરાષ્ટ્રને ‘मामकाः’ વધુ વહાલા છે. અને તેમાં પણ દુર્યોધનની તો વાત જ જુદી! તે તો ધૃતરાષ્ટ્રનો પ્રાણ છે. તેથી સંજય પણ બુદ્ધિપૂર્વક પ્રથમ દુર્યોધનની જ રજૂઆત કરીને વાતને આરંભે છે. સંજયે કહ્યું -

‘दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योघनस्तदा।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्॥’

'તે વખતે વ્યૂહાકારે ગોઠવાયેલી પાંડવોની સેના જોઈને રાજા દુર્યોધને આચાર્ય દ્રોણ પાસે જઈ (આગળ પ્રમાણેનું) વચન કહ્યું.
દુર્યોધનને સંજયે અહીં 'રાજા' કહ્યો. ધૃતરાષ્ટ્રને આ ખૂબ ગમ્યું હશે. ધૃતરાષ્ટ્રનું એ જ તો સ્વપ્ન હતું!
દુર્યોધન અહીં બીજે ક્યાંય નહીં જતાં સીધો જ પ્રથમ આચાર્ય દ્રોણ પાસે જાય છે. આ વાત પણ વિચાર કરવા પ્રેરે છે.

યુદ્ધના પ્રથમ દિવસે સરસેનાપતિ તો ભીષ્મ પિતામહ હતા. તો પ્રથમ તેમની પાસે જવાને બદલે તે દ્રોણ સમીપે કેમ ગયો? સમાધાન કલ્પી શકાય તેવું છે - દુર્યોધન દૃઢપણે માને છે કે ભીષ્મ અને દ્રોણ બંને ઉભય પક્ષપાતી છે. કહેતાં તેઓ અમારો અને પાંડવોનો બંનેનો પક્ષ રાખે છે. તેમાં પિતામહજીને પાંડવો પ્રત્યે કૂણી લાગણી છે અને આ વાત તેને કાયમ ખટક્યા કરતી રહી છે. એટલે જ તો ચાલુ યુદ્ધે પણ ભીષ્મપિતામહના પાંડવો પ્રત્યેના આવા વલણ અંગે દુર્યોધન તેમની સામે જ વારંવાર ફરિયાદ કરતો રહ્યો છે.
દુર્યોધન એ પણ જાણતો હતો કે આચાર્ય દ્રોણને પણ પાંડવો વહાલા છે. તેમાંય અર્જુન તો તેમનો પ્રિયતમ શિષ્ય બની ચૂક્યો હતો.
આમ, દુર્યોધનને પોતાના પક્ષની આધારસમી આ બે મુખ્ય વ્યક્તિઓમાં જ વિશ્વાસનો અભાવ છે. વારંવાર તેમના વિષે મનમાં શંકા-કુશંકા જાગ્યા કરે છે. આથી એક અદૃશ્ય ભય તેના માનસપટ પર સતત છવાયેલો રહે છે કે શું થશે?
એમાંય વળી ભીષ્મ અને દ્રોણ એ બેમાં વધુ ચિંતા તેને દ્રોણાચાર્યની છે. દ્રોણનું ધ્યાન વધારે રાખવું પડશે તેવું તેને લાગે છે. કારણ દ્રોણ સાથે તો તેનું એક શિષ્ય તરીકે જ જોડાણ હતું, કુટુંબી તરીકે નહીં. ભીષ્મ ગમે તેમ તોય તેના કુટુંબી હતા. એટલે તેમની ચિંતા ઓછી હતી, પણ દ્રોણ સાથે તેવું ન હતું. અને શિષ્યતામાંય પોતાના કરતાં અર્જુને આચાર્યને વશ કરી લીધા છે તે પણ દુર્યોધનને સ્પષ્ટ ખબર હતી. તેથી તે સીધો જ દ્રોણ પાસે પહોંચી જાય છે.

હવે દુર્યોધને આચાર્યને શું કહ્યું તે જાણીએ -

'पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महती´ चमूम्।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण घीमता॥'

'હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડવપુત્રોની આ મોટી સેનાને તમે જુઓ.' (ગીતા - ૧/૩)
‘महती´ चमूम्’ એટલે મોટી સેનાને. આશ્ચર્ય છે! દુર્યોધનને પાંડવોની સેના મોટી દેખાય છે. હકીકત તો એવી છે કે દુર્યોધનની સેના મોટી હતી. તેના પક્ષમાં ૧૧ અક્ષૌહિણી સેના હતી. જ્યારે પાંડવો પાસે તો માત્ર ૭ અક્ષૌહિણી સેના હતી. (એક અક્ષૌહિણી સેનામાં ૨૧,૮૭૦ રથો, ૨૧,૮૭૦ હાથીઓ, ૬૫,૬૧૦ અશ્વો તથા ૧૦૯,૩૫૦ પાયદળ સૈનિકોનો સમાવેશ હોય છે. - મ.ભા.આ.પ. ૨/૨૩-૨૬)) તો પછી પાંડવોની સેના મોટી કેમ લાગી? ફરી એ જ વાત આવી - વિશ્વાસનો અભાવ! દુર્યોધનનો અવિશ્વાસ કેવળ ભીષ્મ અને દ્રોણ પૂરતો જ સીમિત નથી. લગભગ પોતાની સમગ્ર સેનામાં અવિશ્વાસ! મારે ત્યાં વિશ્વાસુ માણસોનો દુકાળ પડ્યો છે. જ્યારે પાંડવોને ત્યાં તો વિશ્વાસુઓની લહાણ થઈ છે. આવા વિચારોને લીધે સંખ્યાની દૃષ્ટિએ નાની એવી પણ પાંડવોની સેના દુર્યોધન માટે મોટી સેના બની ગઈ. અવિશ્વાસુ હંમેશા પોતાની શક્તિ અંગે જ શંકાશીલ બનતો હોય છે.
બીજું અહીં ધૃષ્ટદ્યુમ્ન માટે દુર્યોધન ખાસ 'द्रुपदपुत्रेण' એવો શબ્દપ્રયોગ કરે છે. દ્રુપદના પુત્ર તરીકે તેનો દ્રોણ સમક્ષ ઉલ્લેખ કરે છે. આવું કરવા પાછળ પણ દુર્યોધનનો કોઈ સ્વાર્થ છુ પાયો છે. તે ઇચ્છે છે કે પાંડવો પ્રત્યે આચાર્ય દ્રોણનો વૈરાગ્નિ વધુ ને વધુ પ્રજ્વલિત થાય. તેથી જ અહીં રાજા દ્રુપદનું નામ લઈ તેણે દ્રોણને દ્રુપદે પૂર્વે મારેલા ડંખને યાદ કરાવ્યો છે. વળી, એ પણ સાચું છે કે ખાસ દ્રોણની હત્યા માટે જ દ્રુપદ રાજાએ યાજ અને ઉપયાજ નામના બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો હતો. આ બાતમી દુર્યોધનને પણ મળી હતી. તેથી તે દ્રોણાચાર્યજીને ચેતવી દેવા પણ માગે છે કે ધ્યાન રાખજો, તમારો શિષ્ય જ તમારા મૃત્યુનું કારણ ન બની જાય.
આમ, ભગવદ્ગીતાનો આરંભ ખૂબ જ રોમાંચક અને વાંચનારને વિચારતા કરી મૂકે એવો છે.  


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS