Essay Archives

ઉપનિષદના મહાન ગુરુભક્ત સત્યકામ જાબાલિથી લઈને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તેમજ આધુનિક સમયના ભારતમાં ગુરુભક્તિની પ્રેરણા આપતાં અનેક મહાન ચરિત્રો ઇતિહાસનાં પૃષ્ઠો પર ઝળહળે છે. ગુરુભક્તિ ભારતીય અધ્યાત્મની રગેરગમાં ધબકે છે, પરંતુ શા માટે ગુરુભક્તિ? આધ્યાત્મિક સાધનામાં તેનું શું મહત્ત્વ છે? વગેરેની છણાવટ કરતો આ વિસ્તૃત લેખ આપણને ગુરુભક્તિની એક સાચી દિશા ચીંધે છે.
જન્મની સાથે મનુષ્યજીવન આરંભાય છે અને મૃત્યુ સાથે જીવનની યાત્રા પૂર્ણ થાય છે. સમગ્ર જીવનયાત્રાની સફળતા અથવા નિષ્ફળતાનું માપ જીવનના અંતે શું સાથે રહે છે તેના આધારે નક્કી થાય છે. જીવનમાં બધું જ કરી છૂટ્યા પછી પણ જો ‘સાર્થકતા’નો અનુભવ ન પામી શકાય તો જીવન દરમિયાન ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય તો પણ તે નિરર્થક છે. આ ‘સાર્થકતા’ સુધી પહોંચવા માટે જ છે બ્રહ્મવિદ્યા અને એ માટે જીવનમાં જોઈએ એક એવા સાચા ગુરુ, જે આપણી આંગળી પકડીને આપણને પરમપદ સુધી લઈ જાય.
‘अध्यात्मविद्या विद्यानाम्’  કહીને શ્રીકૃષ્ણ ભગવાને અધ્યાત્મજ્ઞાનને પરમાત્માની વિભૂતિ તરીકે સકલ વિદ્યાઓમાં સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે.’  કારણ કે આ વિદ્યા જીવનને સાર્થક બનાવે છે. આ શ્રેષ્ઠ વિદ્યાની પ્રાપ્તિ માટે મંદિરો અને તીર્થસ્થાનો પાઠશાળાની ભૂમિકા ભજવે છે. શાસ્ત્રો પાઠ્યપુસ્તકોની ગરજ સારે છે. ગુરુ શિક્ષકનું દાયિત્વ નિભાવે છે. લૌકિક વિદ્યામાં શાળા અને ગ્રંથાલય ગમે તેટલાં સારાં હોવા છતાં શિક્ષકનું મહત્ત્વ સૌથી વિશેષ છે, તેમ અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિનાં સાધનોમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ કક્ષાએ છે.
શ્રીમદ્ ભાગવતમાં તીર્થ અને પ્રતિમા કરતાં પણ ગુરુનું સ્થાન અધિક દર્શાવાયું છે.  ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રની પણ મર્યાદા દર્શાવીને ગુરુ થકી જ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન  અને એકાંતિક ધર્મની સિદ્ધિ  થાય એમ સમજાવ્યું છે. ગુરુની અનિવાર્યતાનો આ સિદ્ધાંત સનાતન ધર્મનાં શાસ્ત્રોમાં સર્વે સાધનાના નિષ્કર્ષરૂપે રજૂ થયો છે.
મુંડક ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાની વ્યાખ્યા કરીને તેની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય દર્શાવતાં કહેવાયું છે, ‘तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्’ . અર્થાત્ ‘તે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુ પાસે જ જવું.’ અહીં ‘एव’ના પ્રયોગ દ્વારા બ્રહ્મવિદ્યા માટે ગુરુ પાસે જવું જ પડે અને ગુરુ પાસે જ જવું પડે એવા બે અર્થો ઉપનિષદમાં સમાયેલા છે.
શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદમાં ‘ભાગવતધર્મ’ શબ્દથી અધ્યાત્મવિદ્યા દર્શાવવામાં આવી છે. ત્યાં પણ આ ધર્મની પ્રાપ્તિ માટે, ઉત્તમ કલ્યાણને પામવા માટે ગુરુની શરણાગતિ બતાવતાં કહેવાયું છે, ‘तस्माद् गुरुं प्रपद्येत जिज्ञासुः श्रेय उत्तमम्।’  અર્થાત્ ‘ઉત્તમ શ્રેયને જાણવા ઇચ્છતો હોય તેણે ગુરુને શરણે જવું.’
ગુરુ પરમાત્મા સુધી પહોંચાડનાર સેતુ છે. આથી જ સ્વયં ભગવાન પણ, પોતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હોય તો પણ ગુરુને સેવવાનો જ ઉપદેશ આપે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાની અને તત્ત્વદર્શી ગુરુને સેવવાનું કહે છે.  એ જ રીતે શ્રીમદ્ ભાગવતમાં તૃતીય સ્કંધમાં કપિલદેવ ભગવાન પોતાની માતાને સંત સાથે આત્મબુદ્ધિ કરવાનો ઉપદેશ આપે છે,  તો પંચમ સ્કંધમાં ૠષભદેવ ભગવાન પોતાના પુત્રોને મહાન ગુરુની સેવા કરી મોક્ષ પામવાનો ઉપદેશ કરે છે.  પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પોતાની સમક્ષ બેઠેલા સંતો-ભક્તોને પરમાત્માની ભક્તિ પામવા સંતની સેવા અને પ્રસંગ કરવા કહે છે.

ગુરુની અનિવાર્યતા શા માટે?

સામાન્ય રીતે ગુરુ શબ્દને માર્ગદર્શકના અર્થમાં સમજવામાં આવે છે. શું કરવું? કેવી રીતે કરવું? શા માટે કરવું? વગેરે ઉપદેશવચનો ગુરુ કહે અને શિષ્યને સાધનાના માર્ગની સ્પષ્ટતા થાય એટલી જ ગુરુની ભૂમિકા છે, એમ કેટલાક માને છે. આને લીધે અમુકવાર એવી સમજણ પણ પ્રવર્તે છે કે શાસ્ત્રોમાંથી, ગ્રંથોમાંથી કે પૂર્વે થયેલા અથવા વર્તમાનકાળમાં વિદ્યમાન વિદ્વાનોનાં પ્રવચનોમાંથી સારી વાતો સાંભળવાથી માર્ગદર્શન મળે છે, શુભ પ્રેરણાઓ પણ મળે જ છે, આથી ગુરુનું શરણું સ્વીકારવાની જરૂર નથી. ગુરુમાં બંધાવાને બદલે મુક્ત આધ્યાત્મિક સાધનાને અનુસરવું વધારે સારું છે, એવી પણ માન્યતા જોવા મળે છે. આ માન્યતામાં ખોટા ગુરુમાં ફસાઈ જવાનો ભય પણ સમાયેલો હોય છે. આ દૃષ્ટિથી ગુરુમુક્ત જીવન જીવવા તરફ ઘણા પ્રેરાય છે. આનાથી અયોગ્ય ગુરુના સંગથી રક્ષા થાય છે એ વાત સાચી, પરંતુ સાચા ગુરુને પામીને જીવન સાર્થક બનાવવાનું લક્ષ્ય તો બાકી જ રહે છે. જે રીતે નકલી ગુરુ પ્રત્યેની અંધશ્રદ્ધા નુકસાન કરે છે એ જ રીતે સાચા ગુરુ પ્રત્યેની અશ્રદ્ધા પણ પૂર્ણતાથી વંચિત રાખે છે. કારણ કે ગુરુનું સ્થાન સાધકના જીવનમાં માર્ગદર્શકથી ઘણું વિશેષ છે. જે બીજા કોઈ ન નિભાવી શકે એવી ભૂમિકા ગુરુ શિષ્યના જીવનમાં નિભાવે છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS