Essays Archives

સુખ આપે નૈતિકતા

નૈતિકતા એ કોઈ પોથીમાંનાં રીંગણાં જેવી વાતો નથી. એ તો આચરણનો એટલે કે જીવનમાં અપનાવવાનો વિષય છે. પ્રાચીન સમયથી લઈને 21મી સદીના આજના દિવસ સુધી જેમણે જેમણે નૈતિકતાનું આચરણ કર્યું છે તેમને જીવનમાં હંમેશાં સુખ અને સંતોષનો અનુભવ થયો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં કહે છે : 'નૈતિકતા અને ચારિત્ર્ય હંમેશાં માણસને સુખ જ આપે છે, પરંતુ માણસને ધીરજ રહેતી નથી. એટલે નૈતિકતા અને ચારિત્ર્યને છોડીને આડાઅવળા માર્ગો લે છે. તેમાં તેને અને સમગ્ર સમાજને દુઃખ જ આવે.'
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અનેક લોકોએ જીવનમાં નૈતિકતાનું આચરણ કરીને આ વાતનો સત્ય અનુભવ કર્યો છે. એવા કેટલાક અનુભવીઓની અનુભવમૂલક વાતો આપણે પૂર્વે જોઈ છે. ગતાંકમાં  ગુજરાતના પૂર્વ એડવોકેટ જનરલ અને ગુજરાત હાઈકોર્ટના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી સુરેશભાઈ શેલતની કેટલીક આત્મ-અનુભૂતિનો કેટલોક અંશ માણ્યો હતો. તેમના જ મુખેથી સાંભળવા મળેલી તેમની એ અનુભૂતિનો આગળનો અંશ મમળાવો :
'એક એડવોકેટ તરીકે પ્રામાણિકતાનો આ મંત્ર મને સતત પ્રગતિ આપતો રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે વકીલાતના ક્ષેત્રમાં તમે પ્રામાણિક રહો તો તમે પ્રગતિ ન કરી શકો, પરંતુ એ માન્યતા સાચી નથી. હું તો ઘણી સારી રીતે વ્યવસાયમાં પ્રગતિ કરી શક્યો છું અને બીજાને પણ કરતા જોયા છે. સને 1995 થી 2000 અને 2000 થી 2005 સુધી હું ગુજરાત સરકારના એડવોકેટ જનરલ તરીકે અને એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સેવા આપતો હતો, તે મને આ સિદ્ધાંત પ્રત્યેની પ્રામાણિકતાનું જ પરિણામ લાગે છે. હું સરકાર સાથે હતો તે દરમ્યાન પણ, અન્ય કોઈ પણ પરિબળોથી દોરવાયા વિના, પ્રામાણિકપણે જ સાચી અને યોગ્ય સલાહ આપતો રહ્યો હતો. તે સલાહ માનવી કે ન માનવી તે તેમની બાબત હતી, પરંતુ આજે સરકારના અમલદારો કહે છે કે આ વ્યક્તિની સલાહ સ્વીકારી હોત તો આજે તેનું પરિણામ વધુ સારું આવ્યું હોત.
પ્રામાણિકતા એક એવું મૂલ્ય છે કે તે વહેલું-મોડું ગમે ત્યારે લોકોને સ્પર્શે છે.
નીતિ, પ્રામાણિકતા, સિદ્ધાંત આ બધું આખરે આવે છે ધર્મમાંથી. મારા જીવનમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય વારસામાં મળ્યો છે. તેમાં યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી ખૂબ પ્રેરણાઓ મળી છે. 1969-70થી હું પ્રમુખસ્વામી મહારાજના પરિચયમાં છું. એમના જીવનમાંથી હું ઘણું બધું શીખ્યો છું. તેમની પ્રેરણાને કારણે જ આજેય કાર્યરત છું. પ્રમુખસ્વામી મહારાજના એ શબ્દો બરાબર યાદ છે. એમણે મને કહ્યું હતું : ‘તમે તમારું કામ ચાલુ જ રાખો. તમારું કાર્ય ક્યારેય છોડશો નહીં. એમાંથી ડગશો નહીં.’ આજેય પ્રામાણિકતાથી કાર્યરત છું. તેથી એમના આશીર્વાદથી જ જીવનમાં ખૂબ સંતોષ છે, ખૂબ આનંદ છે.'

સમજણથી થાય છે સુખ

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો :
‘કેટલાક લોકોનો એવો અનુભવ છે કે અમે નિયમ-ધર્મ પાળીએ, ઈમાનદારીથી નોકરીધંધો કરીએ તો આર્થિક રીતે સદ્ધર થવાતું નથી અને પ્રામાણિકતાને નેવે મૂકીને નોકરીધંધો કરે એ એશઆરામથી જીવે, ખૂબ જ આગળ વધે છે. આવા સંજોગોમાં અમારે કેવી સમજણ રાખવી જોઈએ ?’
પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું હતું : ‘ઘણા બધાને આ પ્રશ્ન સ્પર્શે છે. આપણે નીતિથી રહીએ, પ્રામાણિક રહીએ તો આપણી ઇચ્છા હોય એ પૂર્ણ નથી થતી. નીતિથી કરીએ તેમાં રૂપિયા નથી મળતા અને કોઈક ખોટું કરે છે એને મળે છે ! આ દુનિયાનો ખેલ એવો છે કે ક્યારેક શ્રદ્ધા ઘટી જાય કે આપણે ભગવાનનું ભજન કર્યું, સત્સંગ કર્યો, પ્રામાણિકતાથી રહ્યા, પણ બે પાંદડે થયા નહીં !
પરંતુ આપણે પ્રામાણિકપણે મહેનત કરવી, પછી જે ફળ મળે તે આનંદપૂર્વક સ્વીકારી લેવું. ભગવાનની ઇચ્છા અને મરજી મુજબ બધું થાય છે, સર્વ કર્તા પરમાત્મા છે, એ નિશ્ચય આપણને દૃઢ થવો જોઈએ. આપણે ભગવાનના નિયમ પ્રમાણે રહીશું તો ભગવાન આપણું સારું જ કરશે - એવો આપણો નિશ્ચય હોવો જોઈએ. એ નિષ્ઠા ન હોય તો ડગમગ થવાય કે આ અનીતિથી કરે ને પ્લેનમાં ઊડે ને મારે પગે ચાલવું પડે ? પણ સવળી દૃષ્ટિ રાખવી પડે. મોટરમાં બેસીને જતા હોય કે પ્લેનમાં જતા હોય, તેને પણ મુશ્કેલી હોય. એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. અનીતિ કરે એને અત્યારે સુખ જેવું દેખાય, પણ અંતે એ દુઃખનું જ કારણ છે. જ્યાં સુધી ભગવાનનો આશરો ન હોય ત્યાં સુધી ગમે તે કરશે, પણ એને અંદરથી અનેક પ્રશ્નો ઊભા થવાના છે. ઘણા ખોટી રીતે પૈસા ભેગા કરે, કૌભાંડો કરે, પણ એમાં એની આબરૂ નથી રહેવાની.
પરંતુ પ્રામાણિકને અત્યારે ભલે કશું દેખાય નહીં, પણ તેનું ભવિષ્ય સારું છે. એને અંતે અક્ષરધામના સુખની પ્રાપ્તિ થશે અને કાયમ સુખિયો થશે અને પેલાને તો જેલના સળિયા ભોગવવા પડે ! પૈસાની મહત્તા માની અનીતિ કરતો હોય તો તે દુઃખનું કારણ થવાનું જ છે, અત્યારે તો ભલે ગમે તેમ ફરે.
બંગલા - મોટરથી સુખિયા થઈ જ જવાય એવું નથી. જ્ઞાન હશે તો ઝૂંપડામાં રહેતો હશે તો પણ સુખી રહેશે. જેને ભગવાનનો આશરો થયો એવા પ્રામાણિક ભક્તને આનંદ જ રહેવાનો. પેલાને તો પૈસા હોય તો પણ બંગલાની અંદર પણ ઊંઘ ન આવે. પ્રામાણિક માણસને જ્ઞાન અને સમજણથી સુખ ને શાંતિ મળે. જેને જ્ઞાન ન હોય એ દુખિયો જ રહે.'

સૌના લાભની વાત

'પ્રામાણિકતાનું ફળ સુખ છે. અનૈતિકતા કે અપ્રામાણિકતાનું ફળ દુઃખ છે.' પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અનેક વખત આ વાક્ય ઉચ્ચારે છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોનું આ શાણપણ છે. અનેક લોકોના જીવનમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ નવનીત ઉતાર્યું છે. તેનો અનુભવ કરનારા લાખો લોકોમાંના એક છે, સનતકુમાર બિમલકુમાર ચટ્ટોપાધ્યાય. પશ્ચિમ બંગાળમાં સુલતાનપુર ગામે જન્મેલા સનતકુમારે ભારતીય ઍરફોર્સની ફરજ બજાવતાં બજાવતાં એન્જિનિયરિંગ કર્યું અને કોલકાતાની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ’માંથી એમ.બી.એ. કર્યું. ત્યાર બાદ ઍરફોર્સમાંથી નિવૃત્તિ લઈને એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં જોડાયા. અનેક કોર્પોરેટ ધુરંધરોથી લઈને વિખ્યાત કંપનીઓને તેમના ઓર્ગેનાઇઝેશનના સર્ટિફિકેટની જરૂર પડે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન(ISO)થી લઈને અનેક સરકારી કાર્યવાહીમાં આ સર્ટિફિકેટ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ સર્ટિફિકેટ વિશ્વના તમામ દેશોમાં માન્યતાપ્રાપ્ત છે. સનતકુમાર કહે છે : 'આવા જવાબદારી ભર્યા કામ પર અમે નીકળ્યા હોઈએ ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે લોકો અમને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે. આવા જ એક ઓડિટના કામે અમે એક કંપનીમાં લાગ્યા હતા અને કંપનીનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા હતા. આ રિપોર્ટ તે કંપનીની વિરુદ્ધમાં જઈ રહ્યો હતો. કંપનીની મુખ્ય વ્યક્તિને તેની જાણ થઈ ગઈ હતી. એક સાંજે તેઓ મને મળવા આવ્યા. તેમણે કહ્યું : ‘આપ જે બોલો તે આપવા અમે તૈયાર છીએ. તમારી અંગત ઇચ્છા શું છે તે કહો.’
મેં કહ્યું : ‘મારી અંગત ઇચ્છા એક જ છે કે તમે અમારી તપાસ મુજબ બધું સ્પષ્ટ કરી આપો.’
તેમણે ફરીથી કહ્યું : ‘તમારી જે ઇચ્છા હોય તે રીતે અમે તમને રાજી કરવા તૈયાર છીએ. તમે રકમ બોલો, તમને લાભ થશે.’
મેં તેમને શાંતિથી સમજાવ્યું : ‘તમે માત્ર એકલા મારા લાભની વાત વિચારો છો, જ્યારે હું તમારા અને સમાજના લાભનો વિચાર કરું છું. તમે જો અમારા ઓડિટ રિપોર્ટની યાદી અને નિયમ પ્રમાણે બધું કરશો તો તેમાં કેટલાય લોકોને લાભ થશે ! તમે મને એકને ટેમ્પરરી ખુશ કરશો, તેમાં બીજા કેટલા લોકોને કાયમી નુકસાન જશે, તેનો વિચાર કરો ને ! અને મને આ ઓડિટ કરવા બદલ જે પેમેન્ટ મળે છે તે મારે માટે પર્યાપ્ત છે, તેથી વિશેષ રૂપિયા લેવા માટે હું અહીં નથી આવ્યો. તમારી કંપનીની આસપાસ પર્યાવરણ ચોખ્ખું થશે તો આજુબાજુ રહેનારા અનેક લોકો તમને કેટલા આશીર્વાદ આપશે ! તે જ મારું કર્તવ્ય છે.
મારી વાત તેમના ગળે ઊતરી ગઈ. મને તેનો જે આત્મસંતોષ મળ્યો છે તે અવર્ણનીય છે. પરંતુ એ માટે હૈયામાં એક તાકાત જોઈએ છે. એ તાકાત મને પ્રમુખસ્વામી મહારાજમાંથી મળી છે.'


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS