Essays Archives

સ્થિતપ્રજ્ઞ મહાપુરુષની ઓળખ :
જેને રાગ, ભય ને ક્રોધ ન હોય...
અધ્યાય - ૨

વ્યક્તિત્વવિકાસ આજની સૌથી મોટી અને વ્યાપક ઝખના છે. અવિકસિત વ્યક્તિત્વના પરિણામે બૌદ્ધિક અને માનસિક પીડાથી દુઃખી થતો મોટો વર્ગ આજે સમાજમાં જીવી રહ્યો છે. તે સદા વ્યક્તિત્વ વિકાસ માટે મથતો રહે છે. એટલે જ તો બાહ્ય આવડતો કેળવીને પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવા ઇચ્છે છે, પરંતુ જ્યારે એવી આવડતોથી પોતે વંચિત રહી જાય અથવા તો એ આવડતો પામીને પણ જીવનના સાચા વિકાસની અનુભૂતિ ન થાય ત્યારે તેની પીડા દ્વિગુણિત થઈ જાય છે. પછી તે ક્યારેક લઘુતાગ્રંથિથી ઘેરાઈ જાય છે. ક્યારેક ભયગ્રસ્ત થઈ જાય છે. ક્યારેક વધુ પડતો આક્રમક બની જાય છે. ક્યારેક ધ્વંસકારી વલણ અપનાવી લે છે. તે મિથ્યા આચરણ કરવા લાગે છે. તેનામાં તસ્કરતા, હઠવાદિતા આવી જાય છે. અનુશાસનહીન થઈ જાય છે. આવા ને આવા દોષો વધવા લાગે છે અને માનવી વિષાદની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય છે.
આવી પીડામય પરિસ્થિતિમાંથી ઉગારવા ભગવદ્ ગીતા સ્થિતપ્રજ્ઞતાને ઉજાગર કરે છે. સ્થિતપ્રજ્ઞતા સાચી અને સુખમય સમજણોની ખાણ છે. તેમાં જ વ્યક્તિત્વના સાચા અને સંપૂર્ણ વિકાસનું રહસ્ય સમાયું છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના વ્યક્તિત્વને વિકસાવવા ચાહે છે. તેથી તેને સ્થિતપ્રજ્ઞતાની ઊંડી સમજ આપે છે. તેમાં આ પૂર્વે 'दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः' (ગીતા ૨/૫૬) એમ કહીને દુઃખના પ્રસંગોમાં ઉદ્વેગ ન પામવાની અને સુખના પ્રસંગોમાં છકી ન જવાની સમજ આપી. ત્યાર પછી જે ઉપદેશ્યું તે હવે જાણીએ.

वीतरागभयक्रोघः - સ્થિતપ્રજ્ઞને રાગ, ભય અને ક્રોધ ન હોય :

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, 'वीतरागभयक्रोघः स्थितघीर्मुनि-रुत्व्यते' અર્થાત્‌ જે વ્યક્તિમાંથી રાગ, ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે તેવો મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. (ગીતા ૨/૫૬)

રાગ એટલે આસક્તિ, તૃષ્ણા, લાલસા, વાસના. આસક્તિનો પ્રભાવ બુદ્ધિ પર હંમેશા છવાયેલો રહે છે. સુખની સ્પૃહા કે દુઃખને લીધે થતી ઉદ્વિગ્નતા, આ બંનેનાં મૂળ તો રાગ એટલે કે આસક્તિમાં રહેલાં છે. કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આસક્તિ જાગે એટલે સહેજે જ બુદ્ધિ તે આસક્તિને અનુકૂળ વિચાર કરવા લાગે છે. તેને પ્રાપ્ત કરવાનાં આયોજનો કરવા લાગી જાય છે. તેને પામવાની તીવ્ર તાલાવેલી જગાડી દે છે. પરિણામે તે આસક્તિ જો સંતોષાય અથવા તો તેમાં જે સહાયરૂપ થાય ત્યારે સુખની લાગણીઓથી અંતઃકરણ મલકાવા લાગે. અને જો તે આસક્તિ ન સંતોષાય અથવા તો તેમાં જો કોઈ અંતરાય કરે તો તેનું અંતઃકરણ દુઃખની લાગણીઓથી ઘેરાઈ જાય અને તે અંતરાય કરનારને વિષે એટલો જ તીવ્ર દ્વેષ જગાડી પોતે જ અસ્થિર થઈ જાય છે. આવા સમયે વૈચારિક પંગુતા ઘર કરી બેસે છે. પછી તે વ્યક્તિ કાં તો ભયગ્રસ્ત થઈ બેસે છે, કાં તો ક્રોધાગ્નિમાં બળવા લાગે છે.
અર્જુન આવી પરિસ્થિતિમાં આવેલો દેખાય છે. સ્વજનાસક્તિએ તેની બુદ્ધિને પ્રભાવિત કરી મૂકી છે. આથી તેની બુદ્ધિ અત્યારે સ્વજનાસક્તિને અનુકૂળ જ વિચારે છે. આયોજનો પણ એવાં જ કરવા લાગી ગયો છે. તેમાં આ યુદ્ધનો પ્રસંગ અંતરાય કરી રહ્યો છે. આથી તેની બુદ્ધિ અસ્થિરતાનો શિકાર બની જાય છે. આથી ભગવાન શ્રીકૃષ્ણ તેને રાગ, ભય અને ક્રોધથી રહિત થવાનો ઉપદેશ આપે છે.
રાગ, ભય અને ક્રોધ એટલે અનિષ્ટતાનું ત્રેખડ! તેમાંય રાગ જ જાણે પાપાધિપતિ છે. ભય અને ક્રોધ તો તેની પ્રતિક્રિયા જેવા છે. રાગ છે એટલે ભય છે. રાગ છે એટલે ક્રોધ છે. રાગ ટળે તો ભય, ક્રોધ વગેરે બધું ટળે. સ્થિતપ્રજ્ઞતા રાગભંજિકા છે. આથી સ્થિતપ્રજ્ઞતા પામનાર વીતરાગિતા, નિર્ભયતા અને ક્રોધશૂન્યતાના શણગારથી સદાય સજાયેલો રહે છે.  

વીતરાગ :

રાગ શબ્દ વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ 'रञ्ज्‌' ધાતુમાંથી બનેલો છે. 'रञ्ज्‌' ધાતુનો અર્થ થાય છે - રંગવું. માનવી જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં આસક્ત થાય છે ત્યારે વાસના તે માનવીનાં અંતઃકરણને પોતાના રંગોથી રંગી નાંખે છે. એટલે જ આ વાસનાને રાગ કહેવામાં આવે છે. હા, તે સમયે બુદ્ધિ કાર્ય ન કરે એવું નથી હોતું, પરંતુ ત્યારે એ બુદ્ધિ જે કાંઈ કરે તે પોતાની વાસનાને અનુકૂળ રહીને જ કરે છે. આસક્તિના જબરજસ્ત પ્રભાવમાં બુદ્ધિ દબાયેલી રહે છે. આવી પરિસ્થિતિમાં પોતાના માનસિક વલણને સમજવામાં ભૂલ કરી બેસવાની શક્યતાઓ વધી જાય છે. પોતે લીધેલા નિર્ણયો જ સાચા નિર્ણયો લાગે. પોતાનું આચરણ જ યોગ્ય લાગે. રાગના રંગોની આ કરામત છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે આ જ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવી છે. તેમણે કહ્યું - મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે. (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ-૩૮)
પહેલાના સમયમાં ફૂલમાંથી અત્તર બનાવવા માટે એક વિશિષ્ટ પદ્ધતિ હતી. તેમાં જે ફૂલનું અત્તર બનાવવું હોય તે ફૂલનો એક થર પાથરવામાં આવે. તેના પર એટલી જ જગ્યામાં તલનો થર પાથરવામાં આવે. આ રીતે ફૂલ અને તલના ઉપરાઉપરી ઘણા થર બનાવી તેની ઉપર વજન મૂકી થોડા દિવસ દાબી રાખવામાં આવે. આથી તે ફૂલની સુગંધના પાશ તલમાં આવી જાય. પછી તે તલને પીલવાથી જે અત્તર બને તે ફૂલનું સુગંધિત અત્તર હોય છે.
આ દૃષ્ટાંતનો ભાવ એ છે કે આપણું મન, કહેતાં અંતઃકરણ તલને ઠેકાણે છે અને વાસના એટલે કે રાગ તે તો ફૂલ છે. તે વાસનાના પાશથી અંતઃકરણ છવાઈ જાય છે. આથી જેવી વાસના તેવું અંતઃકરણ થઈ જાય છે.
અર્જુનનું અંતઃકરણ એવી વાસનાના પાશથી છવાઈ ગયું છે. આથી તેની બુદ્ધિ આસક્તિને વશ થઈ નિર્ણયો કરવા લાગી છે. એટલે શ્રીકૃષ્ણ ભગવાન તેને વીતરાગી થવાનું કહે છે.
સ્થિતપ્રજ્ઞતામાં વીતરાગી થવાનું રહસ્ય સમાયું છે. શ્રીકૃષ્ણે સ્થિતપ્રજ્ઞતાની વ્યાખ્યા કરતાં પ્રથમ શ્લોકમાં જ આ રહસ્ય ઉદ્‌ઘાટિત કરી દીધું હતું. તેમણે કહ્યું -

'प्रजहाति यदा कामान्‌ सर्वान्‌ पार्थ मनोगतान्‌।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्त-दोत्व्यते॥'

અર્થાત્‌ હે પાર્થ! મનુષ્ય જ્યારે મનમાં રહેલી સઘળી કામનાઓને ત્યજી દે અને પોતાના આત્મામાં રહેલા પરમાત્મા વડે જ સંતુષ્ટ રહે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (ગીતા ૨/૫૫)
પરમસંતુષ્ટને રાગ ક્યાંથી જાગે? એક વાર સર્વોત્તમ, સર્વ-સુખમય પરમાત્માને પામ્યો એટલે વૈરાગ તો તેનામાં રમતો ફરે. પરમાત્માનુરાગી થયા પછી માયાવી રાગને કોઈ અવકાશ રહેતો નથી એમ ગીતાનું કહેવું છે.
સત્પુરુષો સદાય આવી વીતરાગી અવસ્થામાં રાચતા હોય છે.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રીપ્રમુખસ્વામી મહારાજ એટલાન્ટામાં (અમેરિકા) બિરાજમાન હતા. એક દિવસ રસોડા વિભાગના સ્વયંસેવકો આજની રસોઈની વાનગીઓથી ભરેલો થાળ લઈને આવ્યા. એક સ્વયંસેવકે સ્વામીશ્રીને પૂછ્યું, 'બાપા, આમાંથી આપને શું ભાવે?' સ્વામીશ્રી તરત જ કહે, 'ભગવાન જે જમે તે બધું જ ભાવે. ભગવાનના થાળમાં જે આવે તે જમી લેવું.'
ઈ.સ. ૧૯૯૫માં સ્વામીશ્રી મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે લંડન ગયા હતા. ત્યાં નૂતન હવેલીનું કામ પણ ચાલતું હતું. તે નિહાળવા સ્વામીશ્રી પધાર્યા. ત્યારે ત્યાં મેલવીન નામનો એક અંગ્રેજ કારીગર કામ કરતો હતો. તેને સાધુ બ્રહ્મવિહારીદાસે સ્વામીશ્રીના બ્રહ્મચર્યની વાત કરી. તેને આશ્ચર્ય થયું. તેથી સ્વામીશ્રી જ્યારે તેની નજીક આવ્યા ત્યારે તેણે એકદમ જ પૂછી લીધું કે કેટલા સમયથી આ બ્રહ્મચર્યનું પાલન કરે છે? અંગ્રેજીમાં તેનો ઉત્તર આપતાં સાધુ બ્રહ્મવિહારીદાસ કહે, '૬૦ વર્ષથી.' આ સાંભળી સ્વામીશ્રી તુરંત બોલ્યા કે, '૬૦ વર્ષથી નહીં પણ ૭૫ વર્ષથી આ વ્રત પળાય છે.' (જન્મથી જ વિષયભોગની કામના જાગી નથી એમ તેઓના શબ્દોનું તાત્પર્ય હતું. કારણ કે સ્વામીશ્રીની ઉંમર ત્યારે ૭૫ વર્ષની હતી.)
સંપ્રદાયના વિદ્વાન સંત સાધુ શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ એક વાર પોતાની ભાવના ગુરુહરિ શ્રીપ્રમુખસ્વામી મહારાજ સમક્ષ પ્રગટ કરતા કહ્યું કે - બનારસમાં પંડિતોની હાજરીમાં મહા-મહોપાધ્યાય તરીકે આપનું સન્માન થાય એવી પ્રાર્થના અમે છપૈયામાં કરી છે. આ સાંભળી સ્વામીશ્રી કહે, 'એ બધું તો પંડિતોને શોભે, અમારે તો સ્વામી મળ્યા એટલે મહામહોપાધ્યાય થઈ ગયા.'

વીતભય :
ભય! ભય અટલે બીક, ડર. સંપૂર્ણપણે આંતરિક રીતે બનતી આ બાબત છે. ભય એક પ્રકારનો માનસિક વિકાર છે. કોઈ ને કોઈ પ્રકારના ભયથી માનવી પીડાતો જ હોય છે. જાણે મનુષ્યમાત્ર પર તેણે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. કોઈને અમુક વસ્તુનો ભય હોય, કોઈને અમુક ક્રિયાનો. કોઈને અમુક વ્યક્તિ, જીવજંતુ, પક્ષી કે પ્રાણીનો કે પછી કોઈને અમુક પરિસ્થિતિનો. કોઈ અંધકારમાં ભયભીત થાય તો કોઈ એકાંતથી ગભરાય. કોઈ બંધિયાર જગ્યામાં ભય પામે, તો કોઈ ઘર બહાર નીકળતાં ગભરાય. કોઈ એકલા ન રહી શકે તો કોઈ ભીડમાં બેબાકળા થઈ જાય. કોઈને અપમાનિત થવાનો ભય હોય તો કોઈ મારાથી કાંઈક ભૂલ થઈ જશે એવી આશંકાને લીધે ગભરાતા હોય. આ સિવાય પણ આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક, સામાજિક, શારીરિક કે પછી એના જેવી અન્ય કોઈ બાબત વિષયે અસલામતીના વિચારોથી ઉત્પન્ન થતો ભય પણ પ્રસિદ્ધ છે.

આપણે જ્યારે ભયભીત થઈએ છીએ ત્યારે આપણામાં તે ભયજનક વસ્તુ, ક્રિયા, વ્યક્તિ, પ્રાણી કે પરિસ્થિતિથી દૂર જવા અથવા તો બચવાનો તીવ્ર તલસાટ જાગી ઊઠે છે. આથી તેમાં જ્યારે વિલંબ થાય છે ત્યારે આપણી બુદ્ધિ અસ્થિરતાનો ભોગ બને છે. બેબાકળી બની જાય છે.
આધુનિક ભાષામાં આવા ભયને ફોબિયા (phobia) કહે છે. આજે દુનિયાભરમાં આ પ્રકારના ભયના નિવારણ માટે ઘણા પ્રકારની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રચાર-પ્રસાર થયો છે. ઔષધિઓ પણ શોધાઈ છે. આમ છતાં આ પદ્ધતિઓ કે ઔષધોના ઉપચાર દ્વારા પણ માનવી સંપૂર્ણપણે ભયરહિત જીવનનો અહેસાસ કરી શક્યો નથી. તેની સામે ગીતામાં સંભળાતો આ સ્થિતપ્રજ્ઞતાનો ઉપદેશ આપણને નિર્ભયતાની ભૂમિકાએ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ભગવાન સર્વકર્તાહર્તા છે, ભગવાન સર્વનિયામક છે, ભગવાન જ સર્વોપરી સત્તા છે. એ ભગવાન મારી સાથે છે, મારી સામે છે, પ્રત્યક્ષ છે... આ પ્રકારે ભગવત્સ્વરૂપના નિશ્ચયની ગાંઠ બુદ્ધિમાં બંધાઈ જાય તેને દુનિયાની કઈ વસ્તુ ભય પમાડી શકે? આથી ગીતા કહે છે - 'ભયભીત થાવ છો?' ભલે, પણ ચિંતા કરશો નહીં. પરમાત્મ-સ્વરૂપમાં સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરો. નિર્ભયતા આપ મેળે તમને આવી મળશે. તમે ક્યારેય ભય નહીં પામો. પછી તો તમે પણ કેસરી સિંહની જેમ નિઃશંકપણે અને નિર્ભયતાથી આ સંસારરૂપી અરણ્યમાં વિચરી શકશો.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS