Essay Archives

વિચારોનો ઇતિહાસ

શાંતિની ખોજમાં યુગોથી મથી રહેલો માનવી અસંખ્ય વિચારોની દુનિયામાં ખોવાયેલો રહે છે. બ્રહ્માંડોની ગતિને માપવાના પ્રયત્નોથી લઈને સૂક્ષ્મ અણુનીય ભીતરમાં તે ઘૂમી વળ્યો છે. સાગરના પેટાળમાં અને ચંદ્રની સપાટી પર તે વિહરી ચૂક્યો છે. જીવનને શાંતિ આપવાની લાહ્યમાં અસંખ્ય ભૌતિક શોધખોળો પાછળ અસંખ્ય વિચારોમાં માનવીની પેઢીઓની પેઢીઓ વીતી ગઈ. પરંતુ અંતે આધ્યાત્મિકતા તે જ સર્વશ્રેષ્ઠ અને અંતિમ ઈલાજ સાબિત થયો : શાશ્વત શાંતિ પામવાનો.  પરંતુ જે અગમ્ય છે, અપાર છે, અલૌકિક છે, અનિર્વચનીય છે, એવા પરમાત્માને  માનવીની સામાન્ય લૌકિક બુદ્ધિથી કેવી રીતે પામી શકાય ? એવા પરમાત્માને અને એમના ગુણાતીત સંતને આપણાં તુચ્છ સાધનોથી કેવી રીતે પ્રસન્ન કરી શકાય ? ભગવાન અને ગુણાતીત સત્પુરુષને પ્રસન્ન કરવાની  વિશિષ્ટ સાધના-સામગ્રી લઈને આ અંક આપની પાસે આવે છે, એક વિશિષ્ટ લેખશ્રેણી સાથે : ‘કરીએ રાજી ઘનશ્યામ...’ 
‘જુએ છે કોણ?’
સૌ કહેશે : ‘આંખ.’
પરંતુ ઘણી વાર આપણને અનુભવ થાય છે કે આંખ આગળથી કંઈક પસાર થાય છતાં તેની વિગત ધ્યાન બહાર રહી જવા પામે છે; અને ક્યારેક આંખ બંધ હોય તોય કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું યથાતથ વર્ણન આપણે કરી શકીએ છીએ.
તો પછી ‘જુએ છે કોણ ?’
હવે આપ કહેશો : ‘મન.’
હા, બરાબર છે. વ્યક્તિ મનના વિચારપૂર્વક જુએ છે, જાણે છે, ચાલે છે, બોલે છે, પ્રત્યેક ક્રિયા કરે છે. પહેલાં વિચાર ઉદ્ભવે છે કે ‘આ ખાઉં.’ પછી તે માટેની સઘળી પ્રક્રિયા શરૂ થાય છે. પહેલાં વિચાર ઝબકે છે કે ‘હવે ઊઠું.’ પછી પગ ઊપડે છે.
તેથી જ કહ્યું હશે કે ‘Sow a thought, reap an act.’ - વિચાર વાવો અને ક્રિયાનો પાક મેળવો. ‘Sow an act, reap a habit’ - એક ક્રિયા સતત કરતા રહો અને એક ટેવ કેળવો. અને જેવી ટેવ તેવું જીવન. આમ, જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે.

વ્યક્તિ કે વિશ્વનો ઇતિહાસ એટલે વિચારોનો ઇતિહાસ

એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે. મૃત્યુના શાપથી વ્યથિત પરીક્ષિતના મનમાં શુકદેવજીએ બસ, એક વિચાર રોપી દીધો કે -
‘त्वं तु राजन् मरिष्येति पशुबुद्धिमिमां जहि।
न जातः प्रागभूतोऽद्य देहवत्त्वं न नङक्ष्यसि॥’
- હે રાજન્ ! ‘હું મરવાનો છું’ એવી તારી પશુબુદ્ધિનો ત્યાગ કર. (કારણ કે તું આત્મા છે.) દેહની જેમ આત્માનો નાશ થતો નથી.
આ આત્મવિચારને કારણે ભયભીત પરીક્ષિત નિર્ભય બની ગયો અને પરમપદને પામ્યો. એક વિચારથી જિંદગી બની ગઈ.
આત્મહત્યા કરવા જઈ રહેલા એક અંધ યુવાનને કોઈ સૂફી સંતે વિચાર આપ્યો કે ‘ખુદાએ જિંદગી જીવવા આપી છે, મિટાવી દેવા નહીં. તું જિંદગી જીવવાની કોશિશ કર.’ બસ, આ એક વિચારે તે અંધ યુવાન આપઘાતના માર્ગેથી પાછો વળ્યો. તેણે જિંદગી જીવવાની કોશિશ કરી. તેને ચૌદ વાર પીએચ.ડી.ની ડિગ્રી મળી. જીવનપર્યંત ઇજિપ્તના શિક્ષણમંત્રીનું પદ શોભાવ્યું. તે યુવાન હતો - ડૉ. તાહા હુસૈન.
આમ, વિચારથી જીવન આબાદ બને છે, પરંતુ જો અવળા વિચારનું મનોભૂમિમાં વાવેતર થાય તો તે વિચાર બરબાદી પણ નોંતરે છે. દાસી મંથરાએ રાણી કૈકેયીના મનમાં એક અવળા વિચારને રોપ્યો અને આ વિચારથી રઘુકુળમાં જે ઉલ્કાપાત સર્જાયા તે જાણીતી વાત છે.
એડોલ્ફ હિટલરના મનમાં તેના ઇતિહાસશિક્ષક ડૉ. લિયોપોલ્ડ પુચ્છે એવો અવળો વિચાર રોપ્યો કે કરોડો વ્યક્તિઓનું નિકંદન નીકળી ગયું અને અબજોની મિલકતોનો ધુમાડો થઈ ગયો.
આમ, બસ એક જ વિચાર વિશ્વનો નકશો બદલવા પૂરતો છે. કાર્લ માર્ક્સે વિશ્વમાં સામ્યવાદનો વિચાર વહેતો કર્યો. તેણે કહ્યું : ‘દુનિયાના મજૂરો એક થાઓ. તમારે ઝંઝીરો સિવાય કશુંય ગુમાવવાનું નથી.’ અને અનેક દેશોમાં લોહિયાળ ક્રાંતિઓ ફાટી નીકળી. રશિયામાં લેનિન, ચેકોસ્લોવેકિયામાં દુબચેક, ચીનમાં માઓ-ત્સે-તુંગ, યુગોસ્લાવિયામાં ટીટો અને જિલાસ, હંગેરીમાં બેલા કુન તથા ઇમર નાશે બગાવતો પોકારી અને વિશ્વના ઇતિહાસ-ભૂગોળ એકસાથે બદલાઈ ગયાં.
આલ્બર્ટ આઇન્સ્ટાઇને વિજ્ઞાનના ક્ષેત્રે સાપેક્ષવાદનો વિચાર આપ્યો અને વિશ્વ આણ્વિક શક્તિના ઉંબરે પહોંચી ગયું. વિશ્વનો ઉપલબ્ધ 5,000 વર્ષનો ઇતિહાસ 50 વર્ષમાં બદલાઈ ગયો. જેમ તળાવમાં ફેંકવામાં આવેલી એક કાંકરી પાણીમાં અનેક તરંગો ઊભા કરતી આખા તળાવને આવરી લે છે તેમ એક શક્તિશાળી  વિચાર આખા વિશ્વને હચમચાવી નાંખવા પૂરતો બની રહે છે. જ્હોન રસ્કિન તેથી જ કહેતા હશે : ‘માનવ ઇતિહાસ મુખ્ય કરીને વિચારોનો ઇતિહાસ છે.’
આવાં તો કંઈક દૃષ્ટાંતોથી ફલિત થાય છે કે વિચારવિસ્ફોટ એક શક્તિશાળી ચીજ છે. ‘There is nothing so power-ful as an idea whose time has come.’ અર્થાત્ ‘જેની પ્રગટ થવાની પળ પાકી ગઈ છે એવા વિચારથી શક્તિશાળી બીજું કશું જ આ દુનિયામાં નથી.’ વિકટર હ્યુગોની આ વાત સો ટકા સાચી છે.
લૌકિક માર્ગની જેમ આધ્યાત્મિક માર્ગે પણ વિચારની મહત્તા સર્વસ્વીકૃત થયેલી છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS