Essays Archives

શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે નંદાજીને એવો અનહદ પ્રેમ હતો કે તેમની નાનામાં નાની સેવા માટે તેમને ક્યારેય પોતાના રાષ્ટ્રીય નેતાપણાનું માન આડું આવ્યું નહોતું. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદના એલિસબ્રિજ સ્ટેશનથી રેલવે દ્વારા આગળ વિચરણમાં પધારવાના હોય ત્યારે નંદાજી ટ્રેઈનની સખત ગિરદીમાં ટ્રેઈનના ડબ્બાની બારીમાંથી અંદર કૂદીને શાસ્ત્રીજી મહારાજ માટે જગ્યા રોકતા ! એક પિતા-પુત્ર સમો એ સ્નેહસંબંધ હતો. અને એટલે જ આવી સામાન્ય જણાતી સેવા માટે પણ તેમને ક્યારેય શરમ નડી નથી. શાસ્ત્રીજી મહારાજનો મહિમા તેઓ છડેચોક ગાતા.
1946માં મુંબઈની પ્રાંતિક ધારાસભામાં બહુમતીએ ચૂંટાઈને નંદાજીએ પ્રધાનપદ મેળવ્યું ત્યારે તેમણે શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં જાહેરમાં સંબોધન કરીને અતિ નમ્રભાવે જણાવ્યું હતું : ‘જ્યારે પ્રથમ જ મને સ્વામીશ્રીનો યોગ થયો ત્યારનો તે દિવસ - તે પ્રાપ્તિની પાસે આ પ્રધાનપદની કિંમત મારે મન કશી નથી. આ તો બાપ જેમ પોતાના પુત્રને સારાં કપડાં-ઘરેણાં પહેરાવી રાજી થાય, તેમ છે. સ્વામીશ્રીની આપેલી આ વાત છે. હું તો તેમનો બાળક છું. આ બધું તેમને આભારી છે.’ (‘પ્રકાશ’, 1946, મે, પૃ. 6)
અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજની સંનિધિમાં યોજાયેલા તેમના ભવ્ય સત્કાર સમારંભમાં તેમણે જણાવ્યું હતું : ‘હું આ સંપ્રદાયમાં કેવી રીતે આવ્યો ? હમણાં કહ્યું તેમ હું સદ્દગુરુ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના સમાગમમાં આવ્યો, મારી જે અનેક શંકાઓનું નિવારણ એ સંતના સમાગમથી થયું તે પુસ્તકથી કદી ન થાત. જો બુદ્ધિને જ સંતોષ્યાથી કામ થતું હોત તો મોટા મોટા ફિલોસોફરોથી પણ કામ થતું હોત. પણ સાચા પુરુષના યોગ કે સમાગમ વિના આધ્યાત્મિક શંકાઓ ટળતી નથી. એમના સમાગમથી જ અંતરમાં ફેરફાર થાય છે. અનુભવ વિના સત્પુરુષના સમાગમના અલૌકિક સુખનો ખ્યાલ આવી શકતો નથી. તેનાથી જે શાંતિ વર્તે છે તે અનુભવથી જ સમજાય તેમ છે.’
‘પૂજ્ય સ્વામીશ્રીના શિષ્યો કેટલાકને સમાધિ થતી હતી. હજી પણ થાય છે. મેં તે વાત સાંભળેલી એટલે સમાધિ અંગે હું પૂજ્ય સ્વામીજી પાસે પહોંચ્યો. મારા સાથીઓએ પણ તે વિરુદ્ધ વહેમ ઘાલેલો. પણ મેં જાતે મનુષ્યબુદ્ધિથી શક્ય તેટલા તમામ ઉપાયથી એકવાર નહીં પણ અનેકવાર, દસવાર, પચીસવાર પૂરી તપાસ કરી. મેં જોયું કે સમાધિ પણ સાચી હતી. તેમાં જાદુ નહોતું. સમાધિમાં જતી બાઈ હરિભક્તોની તપાસ પણ ઘણી હુંશિયાર ગ્રેજ્યુએટ પાંચ-સાત બાઈઓ પાસે કરાવેલી. સ્વામીશ્રીએ તો એવું કહ્યું કે સમાધિ એ તો ગૌણ વાત છે. મહારાજના વખતમાં તેમની ઇચ્છાથી ઘણાને થતી હતી. આજે પણ તેમની ઇચ્છાથી તે ઘણાને થાય કે થોડાને થાય, વધુ થાય કે ઓછી થાય તે તો મહારાજની ઇચ્છાની વાત છે. મુદ્દાની વાત તો શ્રીજીમહારાજ સર્વોપરિ, સર્વ અવતારી ભગવાન છે, તેમનો આશ્રય કરી તેમની ભક્તિ કરવી તે છે. ત્યારબાદ હું તેઓશ્રીનો સમાગમ કરવા લાગ્યો. તમામ આશંકાઓ, અશાંતિ વગેરે તેમણે કાઢી નાંખ્યું. ખરેખર દિવ્ય ચીજ મને ત્યાંથી મળી છે. હવે મારે મન અર્થ, કામની બાબત ગૌણ છે. શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન જે મને થયું છે તે જ મારે માટે તો ખાસ મુદ્દો છે. તેમાં તમામ વાત આવી જાય છે.’(‘પ્રકાશ’, 1946, મે, પૃ. 12)
ભગવાન સ્વામિનારાયણની આ સર્વોપરી નિષ્ઠા તેમના હૈયાની આરપાર ઉતારનાર શાસ્ત્રીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નંદાજી કેવી અસ્મિતાથી છલકાતા હતા ! અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની અનન્ય દૃઢતા નંદાજીના રોમ-રોમમાં ઘૂંટાતી હતી. ઠેર-ઠેર ઉત્સાહપૂર્વક તેનો ઉદ્દઘોષ કરતા નંદાજી એક જાહેર પ્રવચનમાં સંબોધતાં કહે છે : “હું આ સત્સંગમાં તદ્દન નવીન છું. છતાં શ્રેયાર્થી તરીકે સત્સંગમાં પ્રથમ હું આવ્યો ત્યારથી જ સ્વામીશ્રીનાં દર્શનથી મને તેમના પ્રત્યે અદ્ભુત આકર્ષણ થયું. ધીરે ધીરે પ્રસંગ વધતાં સ્વામીશ્રી સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે, તેવું પરમ સત્ય પણ મને સમજાયું. પ્રથમ મને ‘અક્ષરપુરુષોત્તમની ઉપાસના શા માટે ?’ ‘મંદિરો શા માટે ?’ એ પ્રશ્નોનું મંથન થતું; પરંતુ વચનામૃતનો ગ્રંથ વાંચતાં મને એ સત્ય સમજાયું કે પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન છે અને પોતાના અક્ષરધામ સહિત જ પૃથ્વી ઉપર પધાર્યા છે. તેમની ભક્તિ સિદ્ધ કરવા અક્ષરરૂપ થવું જરૂરી છે. વળી, તે અક્ષર તે જ ગુણાતીતાનંદ સ્વામી છે. સ્વામીએ મહારાજનું પૂર્ણ પુરુષોત્તમપણું સત્સંગમાં પ્રવર્તાવ્યું અને સૌને સમજાવ્યું. તે ઉપરથી જ સમજી શકાય છે કે જે ધામ હોય તેને જ સાક્ષાત્ સંબંધ પુરુષોત્તમનો હોઈ શકે અને તે જ જેમ છે તેમ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાવી શકે. માટે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના શાસ્ત્રોક્ત જ છે, મહારાજે પ્રતિપાદન કરેલી છે અને મોટા મોટા સદ્ગુરુઓએ પણ પ્રવર્તાવેલ છે.’
‘આ સર્વોપરી ઉપાસનાનાં પ્રવર્તન માટે મંદિરોની અનિવાર્યતા છે, જેમાં સ્વામી અને નારાયણની મૂર્તિઓ હોય તો જ તે બંને સ્વરૂપ આ પૃથ્વી ઉપર પધાર્યાં તેની પ્રતીતિ હજારો વર્ષો પછી પણ લોકોને થાય અને સૌ તત્ત્વે કરીને સમજી શકે. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ ઉપાસનાનો સત્ય સિદ્ધાંત છે. તે યથાર્થ ન સમજાય તો ખોટ ઘણી રહે. સ્વામીશ્રીએ આ કાર્ય કર્યું. ભગવાનનો અખંડ સંબંધ, ભગવાનની શક્તિ, ઐશ્વર્ય વગેરેથી જ આ કાર્ય થઈ શકે. સ્વામીશ્રીએ આ કાર્ય કરી, શ્રીજીની શુદ્ધ ઉપાસના સૌને સમજાવી અને કલ્યાણનો સાચો માર્ગ સૌને બતાવ્યો.’
એમની સત્સંગનિષ્ઠા એમનાં આવાં અનેક પ્રવચનોમાં ઝળહળતી જોવા મળે છે.
સને 1951માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત છે - એ સમાચાર મળતાં તેઓ અત્યંત વ્યાકુળ બની ગયા. એ અરસામાં શાસ્ત્રીજી મહારાજ વડોદરાથી ટ્રેઈન દ્વારા ખાસ રજવાડી સલૂનમાં બિરાજીને બોટાદ-સાળંગપુર જઈ રહ્યા હતા. નંદાજી વ્યાકુળ ચિત્તે અમદાવાદ સ્ટેશન પર શાસ્ત્રીજી મહારાજનાં દર્શને આવ્યા અને શાસ્ત્રીજી મહારાજની 86 વર્ષની અંત અવસ્થાની કૃશ થયેલી કાયાને દેખીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. એ પ્રસંગની સ્મૃતિ કરતાં નંદાજી કહે છે : ‘જ્યારે છેલ્લો હું શાસ્ત્રીજી મહારાજને મળ્યો ત્યારે મને પોતાની પાસે બેસાડ્યો. હું ખૂબ રડ્યો. સ્વસ્થ થઈને મેં શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું : ‘દયાળુ ! હવે મારું શું થશે ?’
ત્યારે તેમણે કહ્યું હતું : ‘યોગી મહારાજ છે ને ! તમારું કાંડું હવે જોગી મહારાજને સોંપ્યું. આ યોગી મહારાજ તમારા માટે દસ માળા રોજ ફેરવશે.’
સને 1951ની એ મુલાકાત પછી એક દોઢ મહિનામાં જ શાસ્ત્રીજી મહારાજે દેહત્યાગ કર્યો. નંદાજી તેઓના અગ્નિસંસ્કાર પ્રસંગે દિલ્હીથી વિમાનમાર્ગે તાત્કાલિક મુંબઈ થઈ યોગીજી મહારાજ સાથે સાળંગપુર આવ્યા. તેમને માટે આ આઘાત અસહ્ય હતો. પરંતુ શાસ્ત્રીજી મહારાજના અનુગામી યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની ખોટ પડવા દીધી નહીં. તેઓ નોંધે છે કે ‘એમની સાથે જેમ જેમ વધારે સંપર્કમાં આવ્યો એમ એક બહુ જ મોટી વાત એમનામાં જોઈ કે એમનામાં એટલી બધી સાદાઈ અને સરળતા છે કે બધાને એમની પાસે પોતાપણું લાગે. કંઈક અદ્ભુત શક્તિ હોવી જોઈએ કે જેના લીધે દિવસે દિવસે એમના માટે આકર્ષણ પેદા થયું અને સત્સંગમાં સતત અને ઝડપથી વધારો થતો ગયો. એમનાં દર્શન ક્યારે કરું તેમ તાણ રહ્યા કરે છે. એમનાં દર્શનથી બધું મળી રહે છે. આનંદ થાય છે, મન એકાગ્ર થઈ જાય છે.’
આ બન્ને ગુરુવર્યોના આશીર્વાદથી ક્રમશઃ તેઓ ભારત સરકારના આયોજનમંત્રી અને મજૂરપ્રધાન બન્યા, સફળ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે પંકાયા અને બે વખત કાર્યકારી વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે પણ તેઓએ સ્વામિનારાયણીય અસ્મિતાને ઝાંખી પડવા દીધી ન હતી.
બિનસાંપ્રદાયિક ભારતના નેતા તરીકે નંદાજીએ પોતાની આધ્યાત્મિક સમજણ છુપાવીને ક્યારેય કાયરતા દર્શાવી નથી. ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અક્ષર અને પુરુષોત્તમના સનાતન વૈદિક તત્ત્વજ્ઞાનની તેઓ છડેચોક ગાથા ગાતાં સંકોચાયા નથી. તેઓએ આયોજનમંત્રી તરીકે એક સમારોહને સંબોધતાં જાહેરમાં કહ્યું હતું : ‘કોઈ મને પૂછે કે તમે શામાં માનો છો ? તો હું કહું કે હું સ્વામિનારાયણ ધર્મમાં માનું છું. સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણમાં માનું છું... હું આ સંપ્રદાયમાં ગમે તેમ આવી પડ્યો નથી. મને શાસ્ત્રીજી મહારાજનું એવું આકર્ષણ લાગ્યું કે તેમના વગર રહેવાય નહીં. હું વેદ-ઉપનિષદ વગેરે ભણેલો નથી. પણ મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને ભગવાન સાથે એકતા હતી, તેમનો તેમને સાક્ષાત્કાર હતો તે મારા પોતાના અનુભવથી કહી શકું તેમ છું. તેમણે મને કાનમાં વાત કરી છે તે જ મારી પાસે છે, તે જ જ્ઞાન મારી પાસે છે, અને તે જ વાત મને સત્ય લાગે છે.’
નંદાજીએ સંપ્રદાયની અનેક સેવાઓમાં મોખરે રહીને યશસ્વી પ્રદાન આપ્યું છે. સન 1953માં ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્ય ભૂમિ છપૈયામાં રેલવે સ્ટેશન કરવાનો યશ પણ નંદાજીને જ છે. નોંધનીય છે કે અમદાવાદ-કાલુપુરના નરનારાયણ દેશના ભક્તો દ્વારા પચાસ વર્ષોના પ્રયત્નોથી જે શક્ય નહોતું બનતું તે તેમણે યોગીજી મહારાજની આજ્ઞાથી ભક્તિપૂર્વક સંપન્ન કર્યું.
સેવા, પૂજાપાઠ અને સત્સંગી તરીકેના નિયમો ઉપરાંત, શાસ્ત્રીજી મહારાજે એમને શિક્ષાપત્રી અને વચનામૃતના નિત્યપઠનની આજ્ઞા કરી હતી, તે શરીરની શક્તિ રહી ત્યાં સુધી એમણે જાળવી રાખ્યું હતું. માત્ર પઠન નહીં, એના આદેશોના અનુસરણમાં કઠિન સંજોગોમાં પણ તેઓએ ક્યારેય પીછેહઠ કરી નથી.
એકવાર અમદાવાદમાં વિખ્યાત ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈને ત્યાં 150 જેટલા ઉદ્યોગપતિઓનો ભોજન સમારંભ યોજાયેલો. નંદાજીની રાહ જોવાઈ રહી હતી. તેઓ આવ્યા. જમવાની શરૂઆત થતી હતી અને અચાનક નંદાજીને ખ્યાલ આવ્યો કે પ્રાતઃપૂજા પછી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા મુજબ નિત્યનિયમનો વચનામૃત પાઠ રહી ગયો છે. તેમણે સવિનય કશું જ અંગીકાર કરવાની ના કહી. અંતે અંબાલાલભાઈએ વચનામૃત મંગાવી આપ્યું. નંદાજીએ પાઠ કર્યો પછી જ બધા સાથે ભોજન લીધું !
એવા જ એક સરકારી કારણસર તેઓ સ્વિટ્ઝરલૅન્ડ પ્રવાસે ગયા હતા ત્યારે, અતિશય ઠંડીને કારણે તેમને અસહ્ય શ્વાસની તકલીફ થઈ ગઈ. કેટલાક સાથીદારોએ અને ડૉક્ટરોએ આ બીમારીમાંથી તરત રાહત મેળવવા બ્રાન્ડી (એક પ્રકારનો શરાબ) પીવા આગ્રહ કર્યો, પણ મક્કમતાથી તેમણે કહી દીધું હતું કે ‘આ મોંમાંથી કદી દારૂ નહીં જાય, કદાચ મરી જાઉં તો બહેતર છે પણ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના આદેશનું ઉલ્લંઘન કદી નહીં કરું...’
શાસ્ત્રીજી મહારાજની જેમ જ, તેમના અનુગામી યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે તેમનો અનુરાગ એવો ને એવો જ રહ્યો. પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેના અનન્ય અનુરાગથી નંદાજી જ્યારે જ્યારે તેઓનાં દર્શને આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજના મહા અભિયાનને પ્રમુખ સ્વામીજી દ્વારા અમાપ વિસ્તરેલું નિહાળી તેઓ ગદ્ગદ થઈ જતા. દેશની ભ્રષ્ટાચારી રાજનીતિથી કંટાળીને તેમણે ક્ષેત્રસંન્યાસ લઈ લીધો ત્યારે કંઈક વ્યાપેલી નિરાશાને ખંખેરવા માટે પ્રમુખસ્વામી મહારાજે જગાવેલી ચેતના એમને આત્મબળ પૂરું પાડતી રહી.
પ્રમુખસ્વામી મહારાજ જ્યારે જ્યારે અમદાવાદ પધારે ત્યારે અવશ્ય નંદાજીના સ્વાસ્થ્યની સંભાળ લેવા સમય કાઢીને એમને ત્યાં પહોંચે. થોડાં વર્ષો પહેલાં નંદાજીએ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રમુખસ્વામીજીએ છ પાનાં ભરીને એમના દોહિત્ર શ્રી તેજસભાઈને પાઠવેલા પત્રમાં નંદાજીના સરળ, સિદ્ધાંતનિષ્ઠ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ પ્રત્યે એમનો ભારોભાર આદરભાવ છલકાય છે.
ભારતવર્ષના એ વિરલ નેતાને જ્યારે જ્યારે એમના નિવાસસ્થાને મળ્યા છીએ, તેમની સાથે ગોષ્ઠિ કરી છે ત્યારે એક બાબતનું પારાવાર આશ્ચર્ય થયું છે - એમની સાદગીનું ! મેમનગરમાં એક નાની સોસાયટીમાં બે રૂમ રસોડાના સાવ નાના મકાનમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં રત નંદાજીને મળતાં કે એમના વાર્તાલાપમાં અણસાર સુધ્ધાં ન આવતો કે તેઓ વર્ષો સુધી ભારતના કેન્દ્રીય મંત્રી અને બબ્બે વખત કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે રહી ચૂકેલ વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે ! ન કોઈ બ્લેકકેટ કમાન્ડોની કિલ્લેબંદી કે ન કોઈ દોરદમામ ! ન કોઈ અહંકાર કે ન કાંઈ કરી નાંખ્યાનો ગર્વ ! નરી સરળતા અને સાદગી ! આંજી નાંખે તેવા મુખ પર છલકાતો જીવનનો પરમ પરિતોષ !
1990માં શાહપુરની આંબલીવાળી પોળમાં 92 વર્ષીય નંદાજી સાથે શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીભૂત મંદિરે જવાનું થયું ત્યારે, ત્યાં એ કૃશ કાયા સાથે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા નંદાજીનો ગદ્ગદ થઈ ગયેલો અશ્રુસભર ચહેરો આજેય સાંભરી આવે છે. પૂર્ણકામ નંદાજી જાણે શાસ્ત્રીજી મહારાજનો આભાર માની રહ્યા હતા : ‘આપની કૃપાથી જીવનમાં મારે કશું જ બાકી નથી. મારું જીવન સાર્થક કર્યાનો પૂર્ણ પરિતોષ છે.’
અધ્યાત્મ અને રાજનીતિના વિરલ સંગમ સમા નંદાજીએે સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવતાં ફેરવતાં, અક્ષરપુરષોત્તમ ઉપાસનાની છડી પોકારતા પ્રાણપ્યારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનું સ્મરણ કરતાં કરતાં, 1998માં તા. 15 જાન્યુઆરીએ ક્ષર દેહ છોડીને અક્ષરદેહ પામી લીધો.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને અનેકવિધ આયામો આપનાર એ વિરલ ભારત-ભક્તરત્ન નંદાજીને હૃદયપૂર્વક અભિવંદન.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS